Opinion Magazine
Number of visits: 9448743
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વાલીઓ ખરી ભૂમિકા ભજવે

મનસુખ સલ્લા|Opinion - Opinion|16 May 2017

સરકાર આજે શિક્ષણસુધારણા અંગેની ઘણી જાહેરાતો કરે છે, પરંતુ તેનો પરિઘ પરીક્ષા, અભ્યાસક્રમ અને વહીવટ સુધી મર્યાદિત હોય છે. કંઈક અસામાન્ય બને, ત્યારે આશ્વાસન રૂપે કેટલુંક કહેવાય છે, દેખાવ પૂરતું થોડું થાય છે અને પછી ભૂલી જવાય છે. કારણ કે શિક્ષણ માનવઘડતરનું અસરકારક અને સૌને સ્પર્શતું માધ્યમ છે, એ રૂપે જોવાતું નથી. શિક્ષણને વહીવટ રૂપે જોવાય, તો સપાટી ઉપરનું અતિ અલ્પ કામ જ થાય. એટલે મૂળે તો દૃષ્ટિકોણ બદલવાની જરૂર છે. રાષ્ટ્ર માટે જરૂરી એવા અનેક સ્થૂળ કાર્યક્રમોનું પરિણામ થોડા વખતમાં સામે આવે છે. તે બતાવી-ગણાવી શકાય છે. પરંતુ શિક્ષણનું પરિણામ બાર-પંદર કે વીસ વર્ષે આવે છે. લાખો વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય પણ તેમાં ટોચના પાંચ-દસ હજારની નોંધ લેવાય છે. તેમની સફળતાને આધારે ગુણવત્તાનો સંતોષ લેવાય છે, પરંતુ લાખો વિદ્યાર્થીઓમાં જે અપાર શક્યતા હતી તે વણવિકસિત રહી એ રાષ્ટ્રીય ખોટ તરફ વહીવટકર્તા કે વાલીઓનું ધ્યાન જતું નથી.

એક કાળે વહીવટકર્તાઓ શિક્ષણમાં પ્રયોગ કરનાર, નિષ્ઠાવાન શિક્ષણવિદોની સલાહ લેતાં, તેમનાં સૂચનોને ગંભીરતાથી લેતાં. આજે એ સંબંધ તૂટી ગયો છે. મોટા ભાગના નિર્ણયો અધિકારીઓ જ લે છે. તેઓ સર્વજ્ઞતાના બોજથી પીડાતા હોય છે. દેખાવ પૂરતાં થોડી શાળાઓના સંચાલકોને શિક્ષણવિદ ગણીને સલાહ માટે બોલાવે છે, પરંતુ આવા સંચાલકો સ્વહિતથી બદ્ધ હોય છે. તેમને તમામ બાળકોના સર્વાંગી વિકાસની ચિંતા ભાગ્યે જ હોય છે. એટલે બહારથી બધી પ્રક્રિયા સચવાય છે, પરંતુ આખી પ્રક્રિયાને લૂણો લાગતો જાય છે તે પરખાતું નથી. શિક્ષકો પોતાને ભાગે આવતો વિષય ભણાવવો, એ અંગે વર્ગખંડમાં બોલી આવવું એટલી મર્યાદિત ફરજ સ્વીકારીને ચાલે છે.

આ સ્થિતિમાં સૌથી વધુ બિચારા વાલીઓ છે. વાલીઓને પોતાના સંતાનના ભવિષ્યની ચિંતા છે અને શું કરવું જોઈએ, એ અંગે એકાકી હોવાની મજબૂરી અનુભવે છે. એકથી દસ ધોરણ સુધી તો વાલીઓ પ્રમાણમાં નિરાંતમાં હોય છે, પરંતુ અગિયાર-બાર ધોરણ સંતાન કરતાં વાલીઓની વધુ કસોટી કરનારાં હોય છે. તેઓ ત્રણ પ્રકારની મર્યાદાઓથી  ઘેરાયેલા હોય છે.

૧. પોતાના નિર્વાહ માટે કામગીરી કરવી. પતિ-પત્ની બંને કામ કરતાં હોય, તો બંનેની અપેક્ષાઓનો વિસ્ફોટ અને વ્યક્તિત્વનો અહંકારપ્રેરિત ખ્યાલ તેમના સંબંધોમાં તાણ ઊભી કરે છે.

૨. શાળાઓ ખાસ કાંઈ કરતી નથી, માટે વાલીઓ ટ્યૂશનક્લાસ તરફ વળે છે. એવી આશામાં કે ટ્યૂશનક્લાસ માર્ક્સ માટે જરૂરી બધું શીખવી દેશે, એટલે વ્યક્તિત્વ ઘડતર કરનારી સારી શાળા છોડીને જેમાં હાજર રહેવું ન પડે એવી નામની શાળામાં બાળકને દાખલ કરે છે.

૩. સંતાનની ક્ષમતા, રુચિ, શારીરિક-માનસિક-ભાવાત્મક સ્થિતિ અંગે વાલીઓએ ૧થી ૧૦ ધોરણ સુધીમાં ભાગ્યે જ રસ લીધો હોય છે, પછી મૂંઝવણ શરૂ થાય છે. ૧૧-૧૨ ધોરણમાં માર્ક્સ લાવવાનું દબાણ હોય છે, એટલે સંતાન કહે તે બધું કરવા વાલીઓ લાચાર હોય છે. પહોંચી ન શકે તેવાં ખર્ચા કરવાં, સંતાનની પસંદગી ખોટી હોય તો પણ સંમત થવું અને સંતાનને આગ્રહપૂર્વક કશું ન કહેવું એવું વલણ વાલીઓ ધારણ કરે છે. કારણ કે એક છૂપો અવ્યક્ત ભય હોય છે કે રખેને સંતાન પછી આત્મહત્યા કરે તો!

આ સ્થિતિ નાનાં-મોટાં શહેરોથી હવે ગામડાં સુધી પહોંચી છે. સરકારમાં બેઠેલા વહીવટી બાબતો સુધી સીમિત રહે છે. મોટા ભાગની શાળાઓ વાલીઓ સાથે ખાસ સંબંધ રાખતી નથી. ચારિત્ર્યઘતરને પોતાનું અનિવાર્ય કાર્ય ગણતી હોય, તેવી શાળાઓ બહુ ઓછી છે.

આ સઘળું રોગના નિદાનરૂપ છે. એનો ઉપાય શોધવો જ રહ્યો. આ તો પતનનો ઢાળવાળો રસ્તો છે. આ જ ઢબે આગળ વધ્યાં તો આપણું શિક્ષણ પોતાનો અર્થ ગુમાવી બેસશે. આમાં પરિવર્તનનું વાહક એવું સબળ, સક્ષમ, અસરકારક પરિબળ વાલીઓ છે. જો કે આજે વાલીઓને પોતાને પણ પોતાના આ સ્વરૂપ અંગે ખ્યાલ નથી. તેઓ તો ફી, પુસ્તકો, કપડાં, સાધનો, સગવડ પૂરાં પાડવા સુધી જ પોતાની કામગીરી ગણે છે. ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ પ્રમાણમાં સારી હતી, ત્યાં સુધી આ ખ્યાલ ભલે ચાલ્યો, હવે નહિ જ ચાલે. આજે વાલીઓ શાળાની ફી માટે એકઠાં થાય છે, વિરોધ કરે છે, પરંતુ શિક્ષણની ગુણવત્તા માટે એકઠાં થતાં નથી. એનો એમને વિચારે ય આવતો નથી.

લોકશાહી રાજ્યરચનાનો પાયાનો સિદ્ધાંત એ છે કે તમને કઠે છે, દુઃખે છે, અણગમતું છે, અયોગ્ય છે તો બોલો, જણાવો, મૂંગા રહેશો તો  માની લેવામાં આવશે કે જે છે તે બરાબર છે. જો વાલીઓ બોલતાં થાય, માગણી કરતાં થાય, પોતાની વાજબી અપેક્ષાઓને ઉચિત રીતે પ્રગટ કરતાં થાય, તો પરિસ્થિતિ બદલાય જ. કારણ કે તેઓ કરોડોની સંખ્યામાં છે. તંત્રમાં એકાદ પ્રતિભાશાળી કે પ્રભાવશાળી માણસ આવીને બધું બદલી નાખશે, એ ખ્યાલ હવે છોડવો પડશે. વિનોબાએ કહ્યું છે તેમ નાયકત્વનો નહીં ગણસેવકત્વનો યુગ બેઠો છે. સામાન્ય માણસો જ સંગઠિત બનીને પરિવર્તનના વાહક બનશે. એ માટે દરેક વખતે મોરચો કાઢવાની, નારા પોકારવાની જરૂર નથી. પોતાની વાત તર્કબદ્ધ રીતે, વ્યાપક હિતની રીતે રજૂ કરવાની અને પોતાને ભાગે આવતી જવાબદારી સ્વીકારવાની વૃત્તિ હશે, તો પરિવર્તન શક્ય છે. જવાબદારી બીજા કોઈકની છે, મારી કશી નથી, એ મનોવૃત્તિમાંથી વાલીઓએ મુક્ત થવું પડશે.

વાલીઓની નિસબત, સક્રિયતા અને જવાબદારીના સ્વીકારમાંથી જ શિક્ષણમાં મૂળભૂત પરિવર્તન થશે. બાકીનાં પરિબળો (હિસ્સેદારો) નબળાં પડ્યાં છે, ત્યારે વાલીઓએ જ નિર્ણાયક ભાગ ભજવવો જરૂરી છે. તેઓ દરેક ગામ-શહેરોમાં છે. સીધા સંબંધિત છે. આ નિર્ણાયકતાને મુદ્દા રૂપે ટૂંકમાં આમ મૂકી શકાય :

૧. વાલીઓએ સંતાનના ઘડતર માટે પહેલા ધોરણથી જ સક્રિય રહેવું જોઈએ. દસ ધોરણ સુધી ઉપેક્ષા સેવીએ અને ૧૧-૧૨ ધોરણમાં માર્ક્સ માટે તૂટી મરીએ એ દૃષ્ટિકોણ જ અધૂરો અને નુકસાનકારક છે. સંતાનની સમતાને તેમ જ મર્યાદાને ઓળખવી જોઈએ. સંતાનને માત્ર માર્ક્સ લાવનાર મશીનને બદલે સતત વિકસતું અસ્તિત્વ ગણવું જોઈએ. આ માટે ચાર બાબતો અનિવાર્ય છે :

(૧) સંતાન સાથે સતત સંવાદ કરો. સંતાનને સમય આપો. તમે સગવડ પૂરી પાડનાર એ.ટી.એમ. ન બની જાઓ.

(૨) ઉત્તમ માર્ક્સ લાવવા સાથે સંતાન ઉત્તમ મનુષ્ય બને એ અંગે પ્રથમથી જાગૃત બનો, નહીં તો ઘરડાઘરમાં જવાની કે સંતાનની ઉપેક્ષા સહીને નાછૂટકે ઘરમાં રહેવાની પરિસ્થિતિ સ્વીકારવી પડશે.

(૩) તમે કમાણીમાં જ રચ્યાપચ્યા રહેશો અને સંતાનને માત્ર ઉપદેશ આપ્યા કરશો, તો તમારા શબ્દો બોદા બની જશે. બાળકો નાનાં હોય છે, પરંતુ સમજતાં ઘણું હોય છે. માતા-પિતાની મર્યાદા જલદી પારખતાં હોય છે. વાલીઓએ સંતાન માટે નમૂનારૂપ બનવું જરૂરી છે.

(૪) પતિ-પત્ની વચ્ચે અભિપ્રાયભેદ હોય, મન ઊંચાં થયાં હોય, તો ય કદી પણ બાળકની હાજરીમાં ઝઘડો ન કરો, પોતાને સાચાં સાબિત કરવાની હોડમાં ન ઊતરો.

૨. જીવનમાં અમુક જ કામગીરી(જેમાં કમાણી વધારે હોય છે તે)ને મહત્ત્વની ન ગણો. બધા વિદ્યાર્થીઓ આઈ.આઈ.ટી., મેડિકલ, એન્જિનિયરિંગ, એમ.બી.એ. માટે જન્મ્યા નથી હોતાં, તેઓ બીજાં ક્ષેત્રોમાં પણ ઉત્તમ પરિણામ બતાવી શકે. તેમની રુચિ અને આવડતને તપાસો. કોઈ પણ કાર્ય શ્રેષ્ઠ રીતે કરવું એ આગ્રહ હશે તો સંતાન જે કોઈ કાર્યક્ષેત્ર પસંદ કરશે, તેમાં શ્રેષ્ઠ સાબિત થશે. બાળકો વધુ માર્ક્સ મેળવવા જાતે સક્રિય થાય, તો તેની સંકલ્પશક્તિ છે, પરંતુ વાલીઓ વધુ માર્ક્સ માટે દબાણ કરે છે, ત્યારે બાળકના વિકાસમાં ઘણું નુકસાનકારક સાબિત થાય છે.

૩. જાહેરાતો, પડોશીઓ, સગાંઓ કે થોડા સફળ માણસોનાં દૃષ્ટાંતો જોઈને સંતાનો વિશેનાં સ્વપ્ના ન બાંધો. તમારું બાળક અનન્ય છે, અદ્વિતીય છે. તેની ખૂબીને, ઉત્તમતાને પ્રગટ થવામાં સહાયરૂપ થાઓ. બાળકની અન્ય સાથે સરખામણી કરીને તેને અન્યાય કરવાનું બંધ કરો. માછલી ઝાડ પર ચડી શકે તો જ એ શ્રેષ્ઠ એવું નથી હોતું.

૪. દરેક બાળકની ગ્રહણશક્તિ અને વિકાસની ગતિ તેની પોતાની હોય છે. તેમાં અન્ય બાળક સાથે (ભાઈ કે બહેન પણ નહીં) સરખામણી ઘાતક છે. દરેક બાળકની પોતાની ગતિ હોય છે. કેટલાકની પ્રારંભે ગતિ ધીમી હોય પણ આગળ જતાં ખૂબ ગતિશીલ બની શકે છે. આ સ્વીકારો અને તેને ધ્યાનમાં રાખીને બાળકને ક્યાં કઈ મદદની જરૂર છે. તે વિચારો, જરૂર હોય, તો આ માટે નિષ્ણાતોની મદદ લો.

૫. બાળકોને વાતવાતમાં હતાશ થઈ જાય, ભાંગી પડે એવાં માયકાંગલાં ન બનાવો. બાળકનાં બધાં કામ કરી આપીને પરોપજીવી ન બનાવો. જિંદગીમાં ફૂલો છે, તો કાંટાઓ પણ છે, એની એને ખબર પડવા દો. તેની કક્ષા અનુસાર કઠણ જિંદગીની ટેવ પાડો. અતિ સલામતી, અતિ સંભાળ બાળકના વિકાસમાં અવરોધક બને છે. બાળક પોતાનાં અમુક કામ જાતે કરતું થાય, તેવું નાનપણમાં જ યોજવું જોઈએ. દફતર યોગ્ય જગ્યાએ મૂકવું. ઊઠીને પથારી કે ચાદર વાળી લેવી, વસ્તુઓ યોગ્ય જગ્યાએ મૂકવી, મહેમાનનું સ્વાગત વગેરે કામો સહજ હોવાં જોઈએ. સુઘડતા માટે આગ્રહ રાખવો જોઈએ. ભાઈ-બહેન વચ્ચે ભેદ ન કરો. બહેન રસોડાનું પ્લૅટફૉર્મ સાફ કરે, તો ભાઈ ડાઇનિંગ ટેબલ સાફ કરે તેવું ગોઠવવું જોઈએ. કોઈ કામ નાનું કે મોટું નથી, એવું વલણ બંધાવામાં મદદરૂપ થવું જોઈએ.

૬. માણસને ગમે તેવી વિષમ પરિસ્થિતમાં ભાંગી પડતો અટકાવે છે, ટટ્ટાર રાખે છે તેનો આત્મવિશ્વાસ. આત્મવિશ્વાસ જ મનુષ્યને પોતાની વિચારણામાં દૃઢ રાખે છે. ન કલ્પેલાં કાર્યો કરવાનાં લાગે, તો બાળકનો આત્મવિશ્વાસ અખંડ રહે, વધતો રહે, એ તો માબાપ જ કરી શકશે. આત્મવિશ્વાસના વિકાસ માટે વિધેયક વલણ (Positive Attitude) ખૂબ મદદરૂપ થાય છે. આવાં વલણો વાણી દ્વારા કેળવાય, તેથી વધુ માબાપના જીવનમાંથી કેળવાતાં હોય છે, તો બાળક એક બે ટકા ઓછા આવતાં પંખે લટકીને આત્મહત્યા નહીં કરે.

૭. શાળામાં યોજાતા વાલીમિલનમાં વાલીઓએ અવશ્ય જવું જોઈએ. શાળા સંચાલન સમિતિમાં પણ રસ લેવો જોઈએ. વાલીમિલન શાળાની ભૂલો બતાવવા માટે નથી. પણ ગુણવત્તા વધારવાનાં ઉત્તમ સૂચનો મેળવવા માટે છે. માત્ર ફીવધારા વખતે એકઠાં થવા કરતાં બાળકને સમજવા શાળામાં જવું એ હજાર ગણું વધારે મહત્ત્વનું છે. બાળકમાં અમુક કારણે ગ્રંથિ બંધાઈ ગઈ હોય, તો એ સમજવું જરૂરી છે. એમાં શાળાનું માર્ગદર્શન લો, સાથે જ તમે પોતે વાંચો, વિચારો, સમજો એ આવશ્યક છે.

૮. સારા માટેની બધી ઇચ્છા પછી પણ શાળાની કેટલીક મર્યાદા હોય છે. કારણ કે અત્યારે શાળા અંગેની તમામ નિર્ણયોની સત્તા સરકાર અને તંત્ર પાસે છે. શિક્ષણનું રાષ્ટ્રીયકરણ નહીં. સરકારીકરણ થઈ ગયું છે. ઉપાય છે, તમારા પરિચયના વાલીઓનું જૂથ ઊભું કરો. વૉટ્‌સઅૅપ જૂથ પણ ઊભું કરી શકાય. જે બદલવાથી શાળા, શિક્ષક, વિદ્યાર્થી અને વાલી-બધાંનું હિત સારું થવાનું હોય તેવાં જ સૂચનનાં પોસ્ટકાર્ડ લખીને દર પંદર દિવસે શિક્ષણમંત્રીને મોકલો. કોઈની ય ટીકા કરવાને બદલે શું હોવું જરૂરી છે, કેવા ફેરફાર જરૂરી છે, તેની તાર્કિક પણ ટૂંકી રજૂઆત કરતાં આવા દસ હજાર પોસ્ટકાર્ડ શિક્ષણમંત્રીશ્રીના ટેબલ ઉપર દસ પંદર દિવસે પહોંચશે, તો તેઓ વિચારવા તૈયાર થશે. ફેરફાર કરશે, કારણ કે હજારો લોકોને કોઈ તંત્ર નારાજ કરી શકતું નથી.

૯. બાળકનો વિકાસ એટલે માત્ર વધુ માર્ક્સ, એટલું જ નથી. બાળકના શરીરનો, મનનો અને હૃદયનો – એમ ત્રણેનો વિકાસ થવો જોઈએ. બાળક કોઈ પણ કાર્ય કરવા માટે સક્ષમ હોવો જોઈએ. એ માટે તેનું શરીર બરાબર બંધાવું જોઈએ. તો ખોરાક અને રમત અંગે વાલીઓનાં મનમાં સ્પષ્ટતા હોવી જોઈએ. બાળકના હૃદયના વિકાસ માટે તેની સંવેદનશીલતા વિકસવી જોઈએ. પશુ, પક્ષી, વનસ્પતિ, પ્રકૃતિનાં બધાં તત્ત્વો માટેનાં પ્રેમ બાળકમાં પેદા થાય, તેવું પોષણ આપવું જોઈએ. વસ્તુનો બગાડ ન થાય, ભોજનમાં કશું છાંડવું નહીં, દરેક વસ્તુ કરકસરથી અને કાર્યક્ષમતાથી કરવી એ સમગ્ર પર્યાવરણને મદદરૂપ છે. આ બધું બાળકને નાનપણથી શીખવવું જોઈએ. એ સંસ્કાર રૂપે સ્થિર થવું જોઈએ. એમાંથી હૃદયનો વિકાસ થશે. પોતાનાથી પાછળ રહેલા કે સહન કરનારા માટે તેના હૃદયમાં લાગણી જાગશે.

બુદ્ધિનો વિકાસ એટલે માત્ર સ્મૃિતનો વિકાસ નહીં. તર્કશક્તિ, અવલોકનશક્તિ, પ્રયોગતત્પરતા, બે વસ્તુ, કાર્ય કે સ્થિતિ વચ્ચેના સંબંધને સમજવો, નજીકનું શું નાનું જોઈને વિશાળ ફલક પરનાને પારખવાની શક્તિ, પોતાનાં કોઈ પણ પગલાંની પોતાના ઉપર, સમાજ ઉપર અને સમષ્ટિ ઉપર અસર થાય છે. તેમાંથી જન્મતો જવાબદારીનો ભાવ આ અને આવી બાબતો સમજવી એ બૌદ્ધિક વિકાસ છે. આ વિશાળ દેશના વિચાર પ્રશ્નો ઉકેલવા માટે સૂક્ષ્મ બુદ્ધિ અને વ્યાપક હૃદયની જરૂર છે. એ માટે વાલીઓએ ઘરને શાળા બનાવવું પડશે. વાલીઓએ સમજવું પડશે કે સંતાનનો સર્વાંગી વિકાસ એટલે શું? એ માટે વાલીઓએ જાગૃત થવું પડશે, જાતે આચરણ કરવું પડશે, એ માટે સંગઠિત થવું પડશે.

વાલીઓ આ કરશે, તો તેઓ બિચારા મટીને બળવાન બનશે, ચિંતાતુરને બદલે તૃપ્ત બનશે, તાણને બદલે પ્રસન્નતાનો અનુભવ કરશે. સૌથી વધુ તો પૃથ્વી ઉપર જેના અવતરણમાં પોતે નિમિત્ત બન્યા છે, તે બાળકને મનુષ્ય રૂપે સમાજને ચરણે ધરવાની સાર્થકતા અનુભવી શકશે.

E-mail : mansukhsalla@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2017; પૃ. 15-16

Loading

16 May 2017 admin
← દરેક ક્ષેત્રમાં સામાજિક આંદોલનો શરૂ કરવાનો સમય આવ્યો છે
ભાજપ-સંઘનું કાશ્મીર ચિંતન →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved