ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમની આક્રમક કાર્યપદ્ધતિથી જાણીતા થયા છે. તેમણે ગત ૧૫ ફેબ્રુઆરીના રોજ વિધાનપરિષદમાં એમ જાહેર કર્યું કે અત્યાર સુધીમાં ૧૨૦૦ એન્કાઉન્ટરમાં ૫૦ ગુનેગારોનો સફાયો કરી દેવાયો છે. તેમણે વધુમાં કહ્યું કે ગુનેગારો પ્રતિ સહાનુભૂતિ લોકશાહી માટે ખતરનાક છે. વિરોધપક્ષોએ આ પ્રકારની હત્યાઓ બદલ ટીકા કરી છે અને આરોપ મૂક્યો છે કે નિર્દોષ અનેક નાગરિકો પણ એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે.
ઐતિહાસિક રીતે જોઈએ તો ૧૯૭૦માં એક સમય એવો હતો કે જ્યારે રાજ્યના ગૃહપ્રધાન દરેક જિલ્લાની મુલાકાતે જઈ ત્યાંના પોલીસ – અધિક્ષક સાથે બેઠક યોજતા અને સફાયો કરવાનો હોય, તેવી વ્યક્તિઓની યાદી તેમાં તૈયાર થતી. ઉત્તરપ્રદેશમાં એન્કાઉન્ટરનો સિલસિલો તે સમયથી શરૂ થયો છે. ધીરે ધીરે એમ સમજાવા લાગ્યું કે આ ટૂંકો રસ્તો કોઈ પણ રીતે અપનાવવો જોઈએ નહીં. માનવ-અધિકારોની બાબતમાં પણ હવે મહત્ત્વ અપાવા લાગ્યું હતું.
રાષ્ટ્રીય પોલીસ આયોગે ૧૯૭૯માં તેના પ્રથમ અહેવાલમાં જ ભલામણ કરી હતી કે ગેરકાયદે મંડળી વિખેરવા પોલીસે કરેલ ગોળીબારમાં, બે કે તેથી વધારે વ્યક્તિઓનાં મોત નીપજેલ હોય, તો તેની ન્યાયીક તપાસ થવી જોઈએ. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે તા. ૨ ડિસેમ્બર, ૨૦૦૩ના રોજ જારી કરેલ માર્ગદર્શિકામાં કહ્યું છે કે પોલીસકાર્યમાં થયેલ મૃત્યુના તમામ બનાવોમાં મૅજિસ્ટ્રેટ તપાસ યોજાવી જોઈએ અને આવી તપાસ / મૅજિસ્ટ્રેટ તપાસમાં દોષિત જણાતા તમામ અધિકારીઓ સામે ફરિયાદ/શિસ્તભંગનાં પગલાં લેવાવાં જોઈએ. રાષ્ટ્રીય માનવઅધિકાર આયોગે ૨૦૧૦માં પુનઃ જારી કરેલ માર્ગદર્શિકામાં જણાવાયેલ છે કે એન્કાઉન્ટરના કોઈ પણ બનાવની ૪૮ કલાકમાં જાણ કરવાનું રાજ્ય માટે ફરજિયાત છે અને એન્કાઉન્ટર થયાની તારીખથી ત્રણ માસમાં તેનો વિગતવાર અહેવાલ આયોગને પહોંચતો કરવો જોઈએ.
સર્વોચ્ચ અદાલતે પી.યુ.સી.એલ. વિ. સ્ટેટ ઑફ મહારાષ્ટ્રના કેસમાં ૨૩ સપ્ટેમ્બર, ૨૦૧૪ના રોજ વિગતવાર માર્ગદર્શિકાઓ જારી કરેલ છે. સર્વોચ્ચ અદાલતે જણાવેલ છે કે એન્કાઉન્ટરના તમામ કેસોમાં એક સિનિયર પોલીસ-અધિકારીની દેખરેખ હેઠળ અન્ય પોલીસ-સ્ટેશનની સી.આઈ.ડી. ટીમે અન્વેષણ હાથ ધરવું જોઈએ અને મૅજિસ્ટ્રેટ તપાસ યોજીને મૅજિસ્ટ્રેટને તેનો અહેવાલ સુપરત કરવો જ જોઈએ. પોલીસ-ગોળીબારમાં મૃત્યુ પામતી તમામ વ્યક્તિઓના કેસોમાં દર છ માસે રાજ્યના પોલીસવડાએ રાષ્ટ્રીય માનવ-અધિકાર આયોગ અહેવાલ મોકલવા જણાવેલ છે. જો અન્વેષણમાં એવું તારણ નીકળે કે ગુનાહિત કૃત્યથી કોઈનું મોત થયેલ છે, તો અધિકારી સામે શિસ્તભંગનાં પગલાં લેવાવાં જોઈએ. સર્વોચ્ચ અદાલતે વધુમાં એમ પણ જારી કરેલ છે કે પોલીસ – અધિકારીએ મોત નિપજાવનાર શસ્ત્ર ફૉરેન્સિક લૅબોરેટરી તપાસ માટે સુપરત કરવું જોઈએ અને પોલીસનું કૃત્ય શુદ્ધબુદ્ધિનું પુરવાર ન થાય ત્યાં સુધી કોઈ પોલીસને પ્રમોશન કે બહાદુરી-ઍવૉર્ડ એનાયત થવા જોઈએ નહીં.
આ માર્ગદર્શિકાઓનું પરિણામ એ આવ્યું કે પોલીસ-અધિકારીઓ હવે બળનો ઉપયોગ કરતા અચકાવા લાગ્યા. કોઈ વાર જરૂર હોય, ત્યારે પોલીસે બળપ્રયોગ કરેલ હોય, તો પણ રાજકારણીઓ પોલીસનો બચાવ કરતા ન હતા. પોલીસદળ હવે બચાવની સ્થિતિમાં મુકાઈ ગયું હતું. એક રાજ્યમાં, રાજ્ય પોલીસવડાએ ખુલ્લેઆમ તોફાનીઓ પર બળપ્રયોગ કરવા ઇન્કાર કર્યો અને માત્ર તોફાનના બનાવની વીડિયોગ્રાફી કરવા આદેશ કર્યો. હરિયાણામાં ફેબ્રુઆરી, ૨૦૧૬માં થયેલ અનામત – આંદોલન સમયે પોલીસે કોઈ કામગીરી ન કરતાં, કાયદોવ્યવસ્થાની સ્થિતિ તદ્દન ભાંગી પડી હતી. વર્ષના ૧૨ માસ દરમિયાન મોટા ભાગનાં રાજ્યોમાં કેન્દ્રીય સશસ્ત્ર દળ તૈનાત રાખવાની ફરજ પડે છે, કારણ કે રાજ્ય પોલીસ કાં તો સક્ષમ નથી અથવા નાઇચ્છુક છે.
યોગીસરકાર સત્તારૂઢ થયા પૂર્વેના દસકામાં ઉત્તરપ્રદેશમાં, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઘણી ખરાબ થઈ ચૂકી હતી. ગુનેગારોનો એક વર્ગ એમ માનતો હતો કે તેઓ કાયદાથી પર છે. તેમણે પોતાનાં ગુનાહિત કૃત્યોથી સમાજને બાનમાં લીધો હતો. એક તોફાની ગુનેગાર જે ખરેખર જેલમાં હોવો જોઈતો હતો, તેના બદલે સચિવાલયની લૉબીમાં આંટા મારતો દેખાયો હતો. એક વખત તો અલ્હાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિએ તોફાની તત્ત્વો હાઈકોર્ટમાં ઘૂસી જતાં, તેમણે લશ્કરને બોલાવવું પડ્યું હતું. આવી પરિસ્થિતિમાં કડક પગલાં લેવાનું અનિવાર્ય હતું. પોલીસને તોફાની તત્ત્વો સાથે કડક હાથે કામ લેવા આદેશો જારી કરાયેલ હતા. આંકડા તરફ નજર નાખીએ, તો ૩૦ એન્કાઉન્ટરે એક મૃત્યુ થયેલ છે. કોઈ પણ સંજોગોમાં પોલીસે સાવચેતીપૂર્વક બળપ્રયોગ કરવો જોઈએ. તેણે કાયદાની મર્યાદામાં રહીને જ કાર્ય કરવું જોઈએ. ટૂંકો રસ્તો લાંબા ગાળે બૂમરેંગ પુરવાર થાય છે.
કોઈ પણ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણવા માટે બે કસોટીઓ છે : પ્રથમ એ કે શું ગુનેગારોને પોલીસની બીક લાગે છે? બીજી એ કે લોકોને પોલીસ પર ભરોસો છે? યોગીસરકાર પ્રથમ કસોટીમાં પાર ઊતરી છે. પોલીસે લોકો સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર રાખવો જોઈએ.
[માહિતી સ્રોત : The Indian Express, તા. ૨૮ ફેબ્રુઆરી, ૨૦૧૮]
સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2018; પૃ. 05
![]()

