રાષ્ટ્રીયતા આ બંન્ને દેશોમાં ‘વાદ’ બની ચૂકી છે અને અંતિમવાદી રાજકીય ધ્રુવીકરણ આ બન્ને લોકશાહી રાષ્ટ્રોની હાલની વાસ્તવિકતા છે. લોકશાહી પાંગળી બને ત્યારે તે ખતરનાક બની જાય છે.
યુ.એસ.એ.ની ચૂંટણીની ભાંજગડ આ લખાઇ રહ્યું છે ત્યારે હજી ‘જૈસે થે’ની સ્થિતિમાં છે. આ વંચાતું હશે ત્યાં સુધીમાં પરિસ્થિતિ સ્પષ્ટ થઇ ગઇ હોય એમ બની જ શકે છે. આપણે વૉટ્સએપ્પ પર એ જોક પણ વાંચી ચૂક્યા છીએ કે આપણે ત્યાં તો બપોરે જ ફટાકડા ફૂટવા માંડે એટલે ખબર પડી જાય કે કોણ જીત્યું છે અને આ લોકોને કેમ આટલી વાર લાગે છે વગેરે વગેરે … ભારત અને યુ.એસ.એ.ની વાત થાય અને એ પણ ચૂંટણીલક્ષી ત્યારે જાતભાતનાં પાસા ચર્ચાય.
યુ.એસ.એ.નાં મતદાતાઓની વાત કરીએ તો ત્યાં 328.2 મિલિયનની વસ્તી છે પણ તે બધાં જ મત દાન કરી શકે તેમ નથી. મોટા ભાગની સરકારોએ ત્યાં મતદાતાઓ માટે અમુક નિયમો ઘડ્યા છે. યુ.એસ.માં રહેનાર દરેક વ્યક્તિ ત્યાંની ચૂંટણીમાં મત આપી શકે તેમ નથી હોતું, પણ એવા નિયમો ભારતમાં પણ લાગુ કરાયેલા છે. યુ.એસ.એ.ની પી.ઇ.ડબલ્યુ. રિસર્ચ સેન્ટર નામની સંસ્થા જે એક થિંક ટેંક છે, તે મુજબ હવે યુ.એસ.એ.માં મત આપી શકનારાઓની સંખ્યા ગત દાયકા કરતાં વધી છે. નવા મતદારોમાં એવા લોકોની સંખ્યા વધારે છે જે અશ્વેત છે અને તેમાં હિસ્પેનિક, બ્લૅક અને એશિયન મતદાતાઓની સંખ્યા મોટી છે. આમ તો યુ.એસ.એ.ની કુલ સંખ્યામાંથી લાખો લોક મત આપી શકે તેમ છે, પણ મત આપવા આવનારાઓ આની અડધી સંખ્યામાં હોય છે. 1988ની સાલમાં ડેમોક્રેટ ગ્રોવર ક્લિવલેન્ડને ચૂંટી લેવા માટે 79.3 ટકા લોકો મત આપવા આવ્યા હતા જે અત્યાર સુધીનું રેકોર્ડ બ્રેક મતદાન છે. જેમ ભારતને યુવા દેશ ગણાય છે તેમ યુ.એસ.એ.ની ચૂંટણીમાં પણ યુવા મતદારોના બોલબાલા છે. યુ.એસ.એ.ના યુવા મતદાતાઓ 2020ની ચૂંટણીનાં પરિણામ માટે કારણભૂત હોઇ જ શકે છે.
ટફ્ટ્સ યુનિવર્સિટીના સેન્ટર ફોર ઇન્ફર્મેશન એન્ડ રિસર્ચ ઓન સિવિક લર્નિંગ એન્ડ એન્ગેજમેન્ટ અનુસાર 18થી 29 વયની વચ્ચેના મતદારો મોટી સંખ્યામાં મત આપવા તત્પર છે અને આઠ મિલિયન જેટલા જુવાનિયાઓએ અર્લી વોટિંગ અને એબ્સન્ટી તરીકે 2020ની યુ.એસ.એ.ની ચૂંટણીમાં પોતાનો મત નોંધાવ્યો છે. યુ.એસ.એ.માં પણ ડાબેરી અને જમણેરીની લડાઇ અને વિધાનો, વાયદાઓ મતદાતાઓની પસંદગી પર અસર કરે છે. યુ.એસ.એ.માં રહેતા ઇન્ડિયન અમેરિકન્સ ડેમોક્રેટિક કેન્ડિડેટને ટેકો આપી રહ્યા છે અને માત્ર 22 ટકા એન.આર.આઇ.ઝને ટ્રમ્પને ટેકો આપવામાં રસ છે. વળી જેમ આપણે ત્યાં મહિલાઓ મોદી તરફી છે તેમ ત્યાં ય મહિલાઓને ટ્રમ્પ પરત્વે ઝુકાવ છે.
ભારતના મતદારોની વાત કરીએ તો સામાજિક પૂર્વગ્રહોનો ભારતીય મતદારોની પસંદગી પર બહોળો પ્રભાવ હોય છે. આપણે ત્યાં ગ્રામીણ વિસ્તારોમાં ઝુકાવ બદલી શકાય છે અને તેવું થતું આવ્યું છે. એક વાત સ્પષ્ટ છે કે ભારતીય મતદારને વિકાસ કે નીતિને આધારે મત આપવામાં કોઇ રસ નથી હોતો. ભારતીય રાજકારણમાં જાતિવાદ સૌથી મોટું શસ્ત્ર છે અને ભારતીય રાજકારણીઓ, પછી તે કોઇ પણ પક્ષના હોય આ બાબત બહુ સારી પેઠે સમજે છે. જાતિને આધારે રાજકીય લાભ ખાટવાની સમજ ભારતના છેવાડાના માણસમાં છે જ અને તેઓ જાતિ આધારિત સમાજમાં ઉછર્યા હોય પછી તેમને માટે મતની પસંદગી પણ તેને આધારે જ થાય છે. રાષ્ટ્રવાદ, મંદિર, હિંદુત્વ કાર્ડ વગેરેનો ઉપયોગ કરીને લોકોની લાગણીઓનો ઝુકાવ બદલતા પણ રાજકીય પક્ષોને સારી પેઠે આવડે છે.
ભારતમાં મતદાતાઓની પસંદને તેમની જરૂરિયાતના ક્રમમાં મૂકી શકાય, જેમાં વ્યક્તિગત લાભને પણ અગ્રિમતા અપાય છે. આ બે પૂરા થાય પછી જાતિનું હિત અને છેલ્લે જાહેર હિતને મહત્ત્વ અપાય છે. અહીં મત આપવા જનાર સારા રસ્તા કે સુવિધાઓનો નહીં પણ પોતાને શું લાભ થઇ શકશે તેનો જ વિચાર કરતો હોય છે. આ કારણે જ ચૂંટણી ચક્ર ફરવાનું શરૂ થાય ત્યારે રાજકીય પક્ષો શરૂઆતનાં વર્ષોમાં જાહેર હિતના કામ કરે છે, અને જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય તેમ તેમ તેઓ મતદારોને મફત લાભ, પૈસા વગેરે વસ્તુઓ ધરતા થાય છે અને ધર્મ અને જાતિનું કાર્ડ તો ખેલાય જ છે. ડાબેરી અને જમણેરીની વચ્ચે આંધળુકિયાનું પ્રેશર વધે છે અને મુક્ત વિચારધારા માટેની જગ્યા સંકોરાતી જાય છે. આ હાલત યુ.એસ.એ. અને ભારત બન્નેમાં જ છે. રાષ્ટ્રીયતા આ બન્ને દેશોમાં ‘વાદ’ બની ચૂકી છે અને અંતિમવાદી રાજકીય ધ્રુવીકરણ આ બન્ને લોકશાહી રાષ્ટ્રોની હાલની વાસ્તવિકતા છે. લોકશાહી પાંગળી બને ત્યારે તે ખતરનાક બની જાય છે અને તેનું જીવતું જાગતું ઉદાહરણ અમેરિકાના હાલનાં સંજોગો છે.
જાણીતા ઇઝરાઇલી હિસ્ટોરિયન યુવલ નોઆ હરારીનું કહેવું છે કે તમે ભલે કોઇ પણ દેશમાં રહેતા હો, પણ જો તમે લોકશાહીને બચાવવા માગતા હો તો એવા રાજકારણીઓને મત આપો જે સત્ય પ્રકાશિત કરતી અને સત્યને ટેકો આપતી સંસ્થાઓની પડખે ઊભા રહેતા હોય. એ પક્ષ માટે મત આપો જે લોકોને તેમના અધિકાર સાચા અર્થમાં પામવા દે, તેનો ઉપયોગ કરવા દે અને તેમને માફક આવે અને યોગ્ય લાગે તેવી સરકારની પસંદગી કરવા દે. રાજકારણીઓને ગમતું સત્ય ચૂંટાઇને માથે બેસે ત્યારે લોકશાહી વધુને વધુ પાંગળી થતી જાય તે સમજવું જરૂરી છે.
બાય ધી વેઃ
ચૂંટણીઓ થકી કોઇ સત્યો નથી શોધી શકાતા. ચૂંટણી તો એક રસ્તો છે જેના થકી અલગ અલગ લોકોની એકબીજાથી જૂદી એવી ઇચ્છાઓનું સમાધાન શાંતિથી મળી શકે. સ્વતંત્ર સરકારોએ સાચા અર્થમાં લોકોના પ્રતિનિધિત્વ, તેમના હિતને ગણતરીમાં લેવું જોઇએ. યુવલ નોઆ હરારીનું આનું સરસ ઉદાહરણ આપે છે કે ખ્રિસ્તી કટ્ટરવાદીઓ એમ ચાહતા હોય કે જે પણ સ્ક્રિપ્ચર્સમાં લખાયું છે તે સાચું છે અને ઉત્ક્રાંતિની આખી થિયરી જ બોગસ છે અને નેવું ટકા મતદાતાઓ આ ખ્રિસ્ત કટ્ટરવાદી હોય છતાં પણ તેમની પાસે એવી શક્તિ કે ક્ષમતા ન હોવી જોઇએ કે તેઓ વૈજ્ઞાનિક સત્યને મનફાવે તેમ બદલી શકે અને વૈજ્ઞાનિકોને સંશોધન કરતા રોકી શકે. કદાચ આવા કટ્ટરવાદીઓની સરકાર એવો ધારો ય પસાર કરી દે કે ઉત્ક્રાંતિવાદની થિયરી બોગસ છે પણ આવો કાયદો સત્ય નથી બદલી નાખતો એ પણ એટલી જ સાચી વાત છે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 08 નવેમ્બર 2020