બદલાતી સરકારો સાથે ઇતિહાસને રજૂ કરવાની પદ્ધતિઓ અને ઇરાદા પણ બદલાયા કરે છે પછી તે પાઠ્યપુસ્તકો હોય કે ઇમારતો
વડોદરા શહેરની ઓળખનો મોટા ભાગને હિસ્સો છે સયાજીરાવ ગાયકવાડે શહેરને આપેલી અઢળક ભેટ, તે પણ અમૂલ્ય સાંસ્કૃતિક વારસાના રૂપમાં અને માટે જ કલા નગરીનું બિરુદ વડોદરાની ઓળખ નોખી રહી છે. પણ કમનસીબે શહેરની આ વારસાગત ઓળખ પર બુલડોઝર ફરી રહ્યું છે, અથવા તો ફરી ગયું છે તેમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. તાજેતરમાં જ સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ વાઇરલ થઇ, જેમાં વડોદરા શહેરના ઐતિહાસિક રેલવે શેડને જમીન દોસ્ત કરી દેવાયું હોવાની વાત થઇ છે. બુલેટ ટ્રેનના રસ્તાને મારગ આપવા માટે એ રેલવે શેડને જમીનદોસ્ત કરી દેવાયું છે જ્યાં સયાજીરાવ ગાયકવાડ ત્રીજા જે બોગીમાં મુંબઇ જતા તેને રખાતી, આ કોઇ સામાન્ય બોગી નહોતી પણ તેમાં મહારાજા મુસાફરી કરતા એટલે તેમાં ડાઇનિંગ, બેડરૂમ અને લિવિંગ રૂમ જેવી સવલતો રહેતી. આ ઇમારત આમ પણ જર્જરીત હાલતમાં હતી કારણ કે તે મુખ્ય રસ્તાની સાવ નજીક હતી અને કોઇ પણ હેરીટેજ ઇમારતને વાહનો, પ્રદૂષણ વગેરેની માઠી અસર થતી જ હોય છે. પરંતુ કલાનગરી વડોદરાનો ખોંખારો ખાનારા આ શહેરને માટે આ ચોક્કસ નાલેશી ભર્યું જ કહેવાય કે એક ઇમારતને જર્જરીત થવા દેવાઇ અને હવે તેને હંમેશને માટે ખલાસ કરી દેવાઇ. વિરોધાભાસ તો એ છે કે આ તોડી પડાયેલા ટ્રેન શેડના ફેસ લિફ્ટ માટે બે વાર યોજનાઓ થઇ ચૂકી છે, પણ સરકારી કચેરીઓમાં એ ફાઇલ વખારે ચઢી ગઇ હશે અને હવે ૧૮૮૦ની આસપાસ બનાવાયેલી આ ઇમારત હતી ન થઇ હતી થઇ ગઇ છે. વડોદરામાં ગાયકવાડી પરિવારે આપેલા વારસાનો છેદ ઊડી જાય તો વડોદરામાં શું રહેશે? વારસો માત્ર વિચારોમાં તો ન જીવી શકે તેના પુરાવા સચવાય તો જ ભવિષ્ય ઘડવાનો પાયો મજબૂત બને તે વાસ્તવિકતા સમજવી કંઇ અઘરી નથી. પરંતુ છતાં ય ‘કલાનગરી’ વડોદરાએ વિકાસ માટે વારસો ગુમાવવાનો વારો આવ્યો. હજી ગયા મહિને અહીંની એ શાળા જ્યાં સરદાર વલ્લભભાઇ પટેલ ભણ્યા હતા તેવી એક્સપેરિમેન્ટલ સ્કૂલ પર પણ તવાઇની તલવાર તોળાવના સમાચાર ઝળક્યા હતા.
ગુજરાતમાં વડોદરા, જૂનાગઢ, જામનગર, સૌરાષ્ટ્રનાં અન્ય શહેરો જ્યાં રાજા રજવાડાં હતાં ત્યાં સાંસ્કૃતિક વારસાની ધરોહર હંમેશાંથી રહી છે. અમદાવાદને તો વર્લ્ડ હેરીટેજ સિટીનું બિરુદ મળી ચૂક્યું છે. તાજેતરમાં ગુજરાતમાં ધોળાવીરાને પણ યુનેસ્કોએ વર્લ્ડ હેરીટેજ સાઇટનું ટાઇટલ આપ્યું છે. પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક ઇતિહાસને લગતું ઘણું બધું આખા ય રાજ્યમાં પથરાયેલું છે. મીડિયા, વિવાદો અને ક્યારેક સંશોધકોની રૂચિને કારણે લોકોને આમાંથી મોટા ભાગની ધરોહર વિશે આછો પાતળો ખ્યાલ રહ્યો છે પણ તેની જાળવણી અંગેની જાગરૂકતા છેલ્લા દોઢ-પોણા બે દાયકામાં વધારે ધારદાર બની છે.
છતાં પણ આ શહેરોમાં આ વારસાને જાળવવાને મામલે ચૂક થતી આવી છે. જેમ કે જૂનાગઢ શહેરમાં નવાબી સમયની ચિત્તાખાના ચોકની કન્યાશાળા ધરાશયી થઇ છે. વળી અમૂક શહેરોમાં તો જે સાંસ્કૃતિક વારસો નથી તેને હેરીટેજને નામે ચલાવવાના ધખારા પણ થયાં છે, જેની પાછળ સરકારી દાનત અને ખાનગી હિતોનાં સમીકરણો કામ કરી જતાં હોય છે. હેરીટેજ સિટી બનેલા અમદાવાદને હવે યુનેસ્કોને રિપોર્ટ આપવાની ઘડી નજીક આવી છે ત્યારે અવગણાયેલી સૂચનાઓ, ભંગ થયેલા નિયમો જેવી બાબતો અડચણો ન બને તે માટે તંત્ર છેલ્લી ઘડીએ સાબદું થયું હોવાના વાવડ તો છે, પણ આખરે આવા મામલે તો નીવડે વખાણ જેવી જ સ્થિતિ હોય. ૨૦૧૯માં અમદાવાદના હેરીટેજના લિસ્ટમાં આવેલી ઇમારતો પર ડિમોલીશનનું જોખમ હતું. આધુનિક વારસાની વાત કરીએ તો આઇ.આઇ.એમ. અમદાવાદમાં જ લેજેન્ડરી અમેરિકન આર્કિટેક્ટ લુઇ કાને કરેલા પ્રતિષ્ઠિત બાંધકામને તોડી પાડવાની ચર્ચા પણ ચાલી હતી જે વિરોધને પગલે અટકી ગઇ.
સુરતની વાત કરીએ તો તે હંમેશાંથી આર્થિક કેન્દ્ર જ રહ્યું છે જ્યાં ૮૪ બંદરના વાવટા ફરક્યા છે તેવું શહેર, જ્યાંથી અકબર બાદશાહ હજ પર ગયા છે, તેવું શહેર જ્યાં અંગ્રેજોએ પોતાની પહેલી કોઠી ઇ.સ. ૧૬૦૦માં સ્થાપી, તેવું શહેર. આ શહેરનો ઇતિહાસ પૈસા સાથે જોડાયેલો રહ્યો છે, અનેકવાર લૂંટાયેલું સુરત સમૃદ્ધિ ચાહનારાઓનું ચહિતું રહ્યું છે. દરિયા કાંઠો અને નદીને કારણે વારંવાર પૂરમાં તણાતાં આ શહેરમાંથી અંગ્રેજો મુંબઇ તરફ વળ્યા. એક સમયે અહીં કોટ પણ હતો અને બાર દરવાજા પણ હતા, આજે દરવાજાનાં નામ રહ્યા છે અને કતારગામ વિસ્તારમાં એક સમયના કોટની દિવાલના અવશેષ નજરે ચઢે છે પણ ધંધા-પાણીને પગલે મુંબઇની નજીક હોવાને કારણે સુરત અમુક મામલે હાંસિયામાં ધકેલાયું. આધુનિક સુરતમાં છેલ્લાં પાંચ વર્ષમાં પબ્લિક આર્ટ ક્ષેત્રે કામ થયું છે, અહીં ઉદ્યોગો છે, અમદાવાદમાં મહાજન સંસ્કૃતિનો વારસો છે, મુગલ કાળની ધરોહરો છે વળી એક માત્ર વિક્રમ સારાભાઇએ ખડાં કરેલા સંસ્થાનો પણ કોઇ સમૃદ્ધ વારસાથી કમ નથી, ત્યારે સયાજીરાવ ત્રીજાના વડોદરામાં જો રાજવી વારસાનો છેદ ઊડી જાય તો પછી શહેર પાસે ‘કલા નગરી’ના નામનો ખોંખારો ખાવા જેવું કશું બચે નહીં તેમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી.
વિકાસ અને ધર્મની દોડમાં ઇતિહાસનાં પાનાં ગાયબ ન થઇ જાય તે બહુ જરૂરી છે. બુલડોઝરો અને બુલેટ ટ્રેન્સ આ કામ સિફતથી કરી રહ્યા છે જે ચોક્કસ ચિંતા જનક છે.
બાય ધી વેઃ
સાંસ્કૃતિક ધરોહર એ માત્ર ટુરિઝમ નથી પણ ભવિષ્યની યોજનાઓને પાર પાડવાનો પાયો છે. પૂર્વગ્રહો વગરનો ઇતિહાસ, વાસ્તવિકતા રજૂ કરતો ઇતિહાસ એ ઉજ્જવળ ભવિષ્યની ખાતરી આપનારો હોય તે સ્વીકારીને તેની જાળવણી યોગ્ય રીતે થાય તે જરૂરી છે. બદલાતી સરકારો સાથે ઇતિહાસને રજૂ કરવાની પદ્ધતિઓ અને ઇરાદા પણ બદલાયા કરે છે પછી તે પાઠ્યપુસ્તકો હોય કે ઇમારતો. એમાં પાછું આપણને વિકાસનું વળગણ છે એટલે શું રહેશે અને શું જશે તેની કોઇ ગેરંટી મળી શકે તેમ નથી. મંદિરો માત્ર આપણો વારસો નથી, ધ્વંસ કરાયેલી મસ્જીદ પણ ઇતિહાસનો પુરાવો હતો એ સત્ય આવનારી પેઢીઓને કોઇપણ પ્રકારના પૂર્વગ્રહો વિના જણાવી શકાશે તો જ આપણે જવાબદારીપૂર્વક ફરજ પૂરી કરી તેમ માની શકાશે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 03 ઑક્ટોબર 2021