Opinion Magazine
Number of visits: 9449503
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

તુતીકોરિનના ગોળીબાર પાછળ છે પક્ષોની પનાહ પામેલ બદનામ વેદાન્તા ગ્રુપનો બેફામ વિસ્તાર

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|1 June 2018

કૉન્ગ્રેસ અને ભા.જ.પ. સ્ટરલાઈટની કંપની વેદાન્તા પાસેથી કરોડો રૂપિયા લઈ ચૂક્યા છે

ફક્ત શુદ્ધ હવા અને પાણી માટે લડી રહેલા તેર નાગરિકોનો તમિલનાડુના સાગરકાંઠાના તુતીકોરિનમાં પોલીસની ગોળીઓએ ભોગ લીધો. તેઓ બીજા હજારો રહીશો સાથે સ્ટરલાઈટ કૉપર નામની કંપની સામે એટલા માટે લડી રહ્યા હતા કે તે આખા વિસ્તારને પ્રદૂષિત કરીને લોકોને વ્યાધિગ્રસ્ત બનાવી રહી છે.

તાંબું બનાવનાર મોટામાં મોટી સ્ટરલાઈટ કંપની ઇન્ગ્લેન્ડના પંદર બિલિયન ડૉલરના વેદાન્તા ઉદ્યોગસમૂહનું એકમ છે. વેદાન્તા અને તેની સબસિડિયરી કંપનીઓએ બેફામ નફા ઉપરાંત દુનિયાભરમાં બદનામી, ભારતમાં રાજકીય પનાહ, જળ-જંગલ-જમીનનાં શોષણ-પ્રદૂષણ માટે કર્મશીલો દ્વારા વિરોધ અને શ્રમજીવીઓ સાથે સંઘર્ષની કમાણી કરી છે.

સદીઓ સુધી માછલી, મોતી અને મીઠા પર નભતાં બંદરગાહનાં નાનાં શહેરમાંથી ઇન્ડસ્ટ્રીઅલ હબમાં ફેરવાઈ રહેલાં તુતીકોરિનના લોકો વેદાન્તાની સ્ટરલાઈટ સામે પચીસેક વર્ષથી અવારનવાર એકંદર શાંતિપૂર્વક લડી રહ્યા હતા. તેમની પર રાજ્યે હિંસા આચરી તે ૨૨ મે સ્ટરલાઇટ વિરોધી આંદોલનના હમણાંના તબક્કાનો સોમો દિવસ હતો. વધતા જતા લોકજુવાળ સામે રાજ્ય સરકાર નિંભર બની રહી. આખરે રોષે ભરાયેલા લોકો જ્યારે પથ્થરમારા તેમ જ આગજની સાથે કંપની અને કલેક્ટર કચેરી તરફ ધસવા લાગ્યા. એ વખતે પોલીસની લગભગ તરતની પ્રતિક્રિયા એ જાન લેવા ગોળીબારની હતી. મોટા પાયે મળતાં વીડિયો ફૂટેજમાં ગોળીબાર અંગેના નિયમોના ભંગ, સાદા વેશધારી પોલીસ દ્વારા, વાહનના છત પર ચઢીને ગોળીબાર, સ્નાઇપર્સ કે શાર્પશૂટર્સના ઉપયોગ અને પોલીસના આત્યંતિક આક્રમક માનસ દેખાય છે એમ નોંધાયું છે.

ગોળીબારની નોબત સરકાર અટકાવી શકી હોત. તેણે ૨૮ તારીખે સ્ટરલાઈટને કાયમ માટે બંધ કરવાનો જે નિર્ણય લીધો, તે જનતાની જાન લીધા વગર પણ લઈ શકાયો હોત. કેમ કે સ્ટરલાઈટ સામે લોકો આ પહેલાં ટૂંકા ગાળાની સફળતાવાળી અનેક લડતો લડી ચૂક્યા છે.૧૯૯૬ માં કંપની શરૂ થયાંનાં બે-એક વર્ષમાં જ તેની ઘાતક અસરો દેખાવા લાગતા લોકોએ રજૂઆતો શરૂ કરી હતી. તમિલનાડુ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે પણ કેટલાંક પગલાં લીધાં હતાં. ઝેરી વાયુનાં ગળતરનાં પગલે ૨૦૧૩માં જયલલિતાની સરકારે તેની પર બંધી ફરમાવી હતી. કંપનીએ નૅશનલ ગ્રીન ટ્રિબ્યુનલ પાસેથી લીલી ઝંડી મેળવી હતી, જેની સામે રાજ્ય સરકાર સર્વોચ્ચ અદાલતમાં ગઈ હતી. અદાલતે કંપનીને સો કરોડનો દંડ ફટકાર્યો હતો, પણ રાજ્ય સરકારે લાદેલો પ્રતિબંધ ઊઠાવી લીધો હતો. અદાલતે પણ ટ્રિબ્યુનલની જેમ એના ચૂકાદામાં નૅશનલ એનવાયર્નમેન્ટલ એન્જિનિરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ‘નીરી’ નામની અગ્રણી સંશોધન સંસ્થાના અહેવાલોનો આધાર લીધો હતો. આ સંસ્થાએ ૧૯૯૮ થી ૨૦૧૧ દરમિયાન કંપની અંગે પાંચ  અહેવાલો આપ્યા હતા. પહેલી વાર કંપની દ્વારા થતાં પ્રદૂષણ અંગે ખૂબ કડક અહેવાલ આપનાર ‘નીરી’એ પછીના અહેવાલોમાં વધુ ને વધુ સૌમ્ય બનીને આખરે કંપનીને ક્લીનચીટ આપી હતી. આ વાત નોંધીને ‘ડાઉન ટુ અર્થ’ સામયિક જણાવે છે કે સામે ‘નીરી’ને કંપની તરફથી સવા કરોડ રૂપિયાનાં કામ મળ્યાં હતાં. ફેબ્રુઆરી ૨૦૧૬માં કંપનીને વિસ્તરણ માટેનું એનવાર્નમન્ટલ ક્લિઅરન્સ મળ્યું હતું. પણ તેને વડી અદાલતે તુતીકોરિન હિંસાચારના બીજા દિવસે અટકાવી દીધું છે. અલબત્ત, આ ઉપલક ઘટનાક્રમમાં અનેક ખાંચા અને રાજકીય પેચ પણ છે.

દિલ્હીની વિખ્યાત સંસ્થા સેન્ટર ફૉર સાયન્સ અ‍ૅન્ડ એનવાયર્નમેન્ટના જણાવ્યા મુજબ ગુજરાત, ગોવા અને મહારાષ્ટ્રએ સ્ટરલાઈટને જાકારો આપ્યો હતો કારણ કે તેના પ્લાન્ટના પ્રસ્તાવ પરથી જ ભયંકર પ્રદૂષણ ફેલાવાની  સંભાવના જણાતી  હતી. વળી સેન્ટર એમ પણ જણાવે છે કે જાહેર સુનાવણી વિના અને ખોટી માહિતી થકી સ્ટરલાઈટે એનવાર્નમેન્ટલ ક્લિઅરન્સ મેળવ્યું છે. સ્ટરલાઈટની મુખ્ય કંપની વેદાન્તાનાં ગુનાઈત કૃત્યો અંગેની ઘણી માહિતી મળે છે. વેદાન્તાની સબસિડિયરી કંપનીઓએ કુદરતી સંપત્તિને અને તેની સાથે જોડાયેલાં ગામ-કસબાના લોકોને ઘણું નુકસાન કર્યું છે. ઓડિશાના નિયમગીરીની ટેકરીઓમાં બૉક્સાઇટ, ગોવામાં બાઇકોલેમમાં લોખંડ અને રાજસ્થાનનાં રામપુરા આગુચામાં જસતના ખાણખોદાણના કામમાં તેમ જ છત્તીગઢના કોરબા પાવરપ્લાન્ટમાં પર્યાવરણને હાનિ પહોંચાડવા માટે વેદાન્તા સામે કાનૂની પગલાં લેવાયા છે. ઝાંબિયાના ચિંગોલાની તાંબાની ખાણો અંગેનો વેદાન્તા સામેનો મુકદ્દમો ઇન્ગ્લેન્ડની રૉયલ કોર્ટમાં છે. ‘ફૉઇલ વેદાન્તા’ નામની સાઈટ પર વેદાન્તાની સામે તેના દેશ ઇન્ગ્લેન્ડમાં વારંવાર ચાલી રહેલા વિરોધ અંગેની માહિતી મળે છે. વેદાન્તાને લંડનના સ્ટૉક એક્સચેન્જમાંથી ડિલિસ્ટ કરવાની માગણી ઇન્ગ્લેન્ડના વિરોધ પક્ષ લેબર પાર્ટીએ કરી છે.

આપણે ત્યાં વિરોધ પક્ષ કૉન્ગ્રેસના વડા રાહુલ ગાંધીએ તુતીકોરિન ગોળીબારને રાજ્યપ્રેરિત  આતંકવાદ ગણાવ્યો છે અને શાસક ભારતીય જનતા પક્ષના નરેન્દ્રભાઈ મોદીએ ફરી એક વખત મીંઢું મૌન પાળ્યું છે. જો કે બંને પક્ષો વેદાન્તા પાસેથી ૨૦૦૪ થી લઈને અગિયાર વર્ષ સુધી કરોડો રૂપિયાનું દાન લઈ ચૂક્યા છે. તેની સામે જાહેર હિતની અરજી ભારતના પૂર્વ મુખ્ય સચીવ ઇ.એ.એસ. શર્મા અને અસોસિએશન ફૉર ડેમૉક્રેટિક રિફૉર્મ્સએ કરી હતી. અરજીમાં તેમણે પક્ષો પર રિપ્રેઝેન્ટેશન ઑફ પિપલ્સ અ‍ૅક્ટ અને ફૉરિન એક્સચેઇન્જ રેગ્યુલેશન અ‍ૅક્ટ(ફેરા)ના ભંગનો આરોપ મૂક્યો હતો. દિલ્હીની વડી અદાલતે માર્ચ ૨૦૧૪માં બંને પક્ષોને  અપરાધી જાહેર કર્યા અને ચૂંટણી પંચને તેમની સામે છ મહિનામાં પગલાં લેવા આદેશ કર્યો હતો. પક્ષોએ ચૂકાદાને અલગ અલગ રીતે પડકાર્યો હતો. કાનૂની દાવપેચ બંને પક્ષોએ લડાવ્યા તેની વાત લાંબી છે. પણ અંતે સર્વોચ્ચ અદાલતે તેમની અપીલોનો ‘ડિસમિસ્ડ અ‍ૅઝ વિડ્રૉન’ તરીકે નિકાલ કર્યો. સંસદીય માર્ગે ભા.જ.પ. બાજી મારી ગયો. સત્તામાં આવ્યા પછી તે વિવાદાસ્પદ ફાઇનાન્સ બિલ હેઠળ ‘ફેરા’ના કાયદામાં બે વાર સુધારા લાવ્યો. તેનાથી વેદાન્તાના ડોનેશનને ગેરકાનૂની જાહેર કરતો દિલ્હીની અદાલતનો ચૂકાદો રદબાતલ થઈ ગયો અને ડોનેશન કાયદેસરનું સાબિત થયું. એન.ડી.એ. સરકારનો ભ્રષ્ટાચાર વિનાની સરકાર તરીકેનો દાવો અને તેની વેદાન્તા સાથેની દોસ્તી અકબંધ રહ્યાં. મોદીની તાજેતરની લંડન મુલાકાતમાં વેદાન્તાના વડા અનિલ અગરવાલે ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. સ્વચ્છ ભારત અને ઉજાલા જેવી, વડા પ્રધાનની યોજનાઓમાં પણ કંપનીનો સહયોગ છે. કૉર્પોરેટ સોશ્યલ રિસ્પૉન્સિબિલિટી હેઠળ વિવિધ ઉપક્રમોનાં હકારાત્મક મીડિયા કવરેજ થકી તેણે પોતાની છબિ સુધારવા પ્રયત્ન કર્યો. પણ અરુંધતી રૉય અને સિદ્ધાર્થ કાક, શ્યામ બેનેગલ અને ગુલ પનાંગ, કેટલાંક કર્મશીલો અને પત્રકારોએ તેની નીતિમત્તાનો  જુદા જુદા પ્રસંગે પર્દફાશ કર્યો.

પરદેશની કંપની વેદાન્તાની નફાખોરી આ દેશનાં રાજ્યોની સરકારો કે જાહેર ઔદ્યોગિક એકમો સાથે સાંઠગાંઠથી જ શક્ય બની છે. આ અતિ શક્તિશાળી ગઠબંધનની સામે જે-તે પ્રદેશના જનસામાન્યો, નામી-અનામી જૂથો તેમ જ કર્મશીલોએ કપરા સંજોગો અને બહુ ટાંચા સાધનો સાથે પક્ષીય રાજકારણ વિના છેક સર્વોચ્ચ અદાલત સુધી મોટે ભાગે અહિંસક લડતો આપી છે. આવાં લોકઆંદોલનો દેશભરમાં ચાલતાં હોય છે. આ લડતોની વાત બહુ લોકો સુધી સુધી બહુ ઓછી પહોંચે છે. મોટા ભાગના લોકોનો રસ પણ કીચડઊછાળ ચૂંટણીલક્ષી પક્ષીય રાજકારણના કે સેલિબ્રિટીકેન્દ્રી સમાચારથી આગળ વધતો નથી. લોક લડતો સાર્થક લોકશાહી માટે અનિવાર્ય છે એ કાર્લ માર્ક્સના દ્વિશતાબ્દી વર્ષમાં થયેલ તુત્તિકોરિન જન આંદોલનમાંથી ફરીથી સમજવાનું છે.                                                                 

e.mail : sanjaysbhave@yahoo.com

++++++

૩૧ મે ૨૦૧૮ 

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 01 જૂન 2018

Loading

1 June 2018 admin
← હવે ઈ.વી.એમ.ને તિલાંજલિ આપવા માટેનાં કારણો બળવત્તર બની રહ્યાં છે
ઇટાલિયન લેખક ઉમ્બેર્તો ઇકો સમજાવે છે કે ફાસીવાદ એટલે શું? એ અંગે આપણે ય વિચારવાનું છે →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved