તું રોજરોજ રામનામ જપના, પરાયા માલ અપના કરે છેને?
એ રામની સીતા
મને, ખેતીના જનકને, ખેતરમાંથી જ જડી’તી!
તાંણે મેં પહેલવારકુ હળ મોંડ્યું’તું ધરતી પર
પછી તો મું ઊલળીઊલળીને ગાતો’તો
સોના ઊગલે, ચાંદી ઊગલે, ઊગલે હીરેમોતી મેરે દેશ કી ધરતી!
તેં મને,
જનકને જ લાવી દીધો સડક પર?
આંખો ફાડીને જો સડક કેવી લહેરાતાં ખેતર સમી ફરફરે છે!
તું નવા કાનૂન, નવી સંસદ બનાવ,
હું નવી સડક બનાવીશ ..
તું પહેલવારકો નથી આયો ધોળી દાઢી ને કાળા કાનૂનવાળો,
તારી પહેલાં ય એક ગોરો હતોને?
જેની હજૂરી તારો બાપ કર્યા કરતો’તો,
એને ય મ્હાત કરેલો મેં
ચંપારણ ને બારડોલીમાં ..
તારો બાપ ગોરો
ખેડુના લડતા દીકરા ભગતસિંહને
તારી જેમ જ દેશદ્રોહી કેતો’તો.
હજુ આ ઓછું પડતું હોય, તો
તેલંગણાનો ચોપડો ખોલી જોજે.
હું
વાવતો, લણતો, જીવતો, જિવાડતો
પણ તેં પેટાવી આગ ખેતરમાં ખાંડવવન સમી
હવે પહોંચી છે એની ઝાળ ઇન્દ્રપ્રસ્થના આંગણે!
પણ જંતરમંતરતંતરવાળા ધૃતરાષ્ટ્રવાદીઓને આ ક્યારે ય દેખાયું જ છે ક્યાં?
તું
વારેતહેવારે ફટકારે છેને?
જયજવાન, જયકિસાન
એ જવાનનો જનકેય હું જ છુ!
એક તારું પેટને બીજો તારો દેશ સાચવે છે.
બાકી તને તો તારા જયની, બાદશાહતની જ પડી છે.
દીકરો દેશની ને હું દિલ્હીની બૉર્ડર પર બેઠાં છીએ.
મારા સિવાય બીજા કોઈને ય આંચળે હાથ ન લગાડવા દેતી ભૂરી ભેંશ ઘેર
સોરાતી હશે!
ને તેં અમારી ગાડીઓ, પિઝા,કાજુ-બદામ
કાજુની રોટલી ખાતાં-ખાતાં બરોબર ગણી કાઢ્યાને?
અમે કેટલાંએ ગળે ફાંહો ખાધો એના આંકડા છે તારી પાંહે?
તું
હા..હા..હી…હી..કરતો-કરતો
મને પૂછે છે ? મને ?
મારું ફંડિંગ કોણ કરે છે?
મુખડા દેખ દર્પણ મેં શિખંડી
તારી પાછળ કોણ ઊભું છે!
મારા હાથમાં
દાતરડું તો હતું જ
પણ ઝંડો તેં પકડાવ્યો
તારા કફન સમા કાળા કૉર્પોરેટી કાનૂનોથી.
તું હવે સંભાળજે
આ દાતરડાવાળો હાથ ક્યાંક
ભગતસિંહની જેમ નવીનવેલી સંસદમાં કડાકાભડાકા ન કરી મેલે! tablet.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2021; પૃ. 15