ટ્રમ્પનું અમેરિકા અત્યારે વ્યવહારિક અરાજકતા અને કપટની લપેટમાં છે. ભારતનું નાક દાબીને પોતાના કહ્યામાં રાખવાનો આ ખેલ ટ્રમ્પની વાહિયાત માનસિકતાનો પુરાવો છે

ચિરંતના ભટ્ટ
ટ્રમ્પની આડોડાઈને માટે શું કહેવું? ‘માય ફ્રેન્ડ ડોનાલ્ડ’ માટે હવે આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એમ ગાવાનો વારો આવ્યો લાગે છે કે, “દોસ્ત, દોસ્ત ના રહા, પ્યાર પ્યાર ના રહા …” ડોનાલ્ડ ટ્રમ્પે 1 ઑગસ્ટથી યુનાટેડ સ્ટેટ્સમાં થતી તમામ ભારતીય નિકાસ પર 25 ટકા ટૅરિફ લાદી દીધો છે. આ એક એવો રાજદ્વારી મુક્કો છે જે બહુ ચુસ્ત છે. અચાનક નાકે ફૂટબૉલ આવીને વાગે તો નાક તો લાલચોળ થાય જ પણ આંખમાંથી ય પાણી નીકળે અને હવે કરવું શું એવી ગતાગમ પણ થોડી વાર ન પડે. બસ આવું જ કંઇક આપણી સાથે પણ થયું છે. રાજનીતિ અને બજારોને આ વળાંકે એક સાથે ધ્રુજાવી દીધા છે. સાવ સાધારણ બાબત હોય એ રીતે ટ્રુથ સોશિયલ પોસ્ટ દ્વારા જાહેર કરાયેલા આ નિર્ણયની સાથે જ પોતે પાકિસ્તાનને ઑઇલ ફિલ્ડ્ઝનો વિકાસ કરવામાં મદદ કરે છે એવો સાવ વેતા વગરનો દાવો પણ અહીં કરાયો. જાણે પાનના ગલ્લે ઊભા ઊભા દેશ ચલાવવાની વાત થઇ રહી હોય એ રીતે ટ્રમ્પે આ પાકિસ્તાન વાળી વાતમાં એવું કહ્યું કે બની શકે કે એક વખત એવો આવે જ્યારે ભારતે પાકિસ્તાન પાસેથી ઓઇલ ખરીદવાનો વારો આવે. ટ્રમ્પને બરાબર ખબર છે કે પાકિસ્તાન વાળી પિન દાબશે તો ભારતને અકળામણ થશે જ અને એટલે જ ઓઇલ ફિલ્ડ વાળી ટિપ્પણી ટ્રમ્પે કરી. પાકિસ્તાનને તો વોશિંગ્ટન સામે અને તેને ઇશારે નાચવાનું ગમે જ છે એટલે એ ય આ આગમાં ઘી હોમે તે સ્વાભાવિક છે.
વોશિંગ્ટન અને નવી દિલ્હી વચ્ચે મહિનાઓથી ચાલી રહેલી વ્યાપારી વાટાઘાટો ટ્રમ્પના આ વિધાનને પગલે ધૂળધાણી થઇ ગઈ છે. આ કંઇ માત્ર રાજદ્વારી ઘોંઘાટ નથી પણ અમેરિકા વ્યવહારિક અરાજકતા તરફ પાછો ફર્યો છે અને તેની જ્વાળાઓ ભારતને દઝાડે છે તેનો સ્પષ્ટ સંકેત છે. આવી આડોડાઈના ટ્રમ્પનાં કારણો શું? ઊંચા ભારતીય ટૅરિફ, નકામા નોન ટૅરિફ અવરોધો, રશિયા સાથેના સંરક્ષણ સંબંધો અને મોસ્કોથી ભારતમાં કરાતી તેલની આયાત વગેરે ટ્રમ્પને વાંકુ પડ્યાના કારણો છે. હવે જરા સાચી સ્થિતિ સમજીએ. ભારતના ટૅરિફ ઊંચા છે જ નહીં, ટ્રમ્પનો એ દાવો સાવ બોગસ છે. ભારતના ટૅરિફની શ્રેણી વૈશ્વિક સ્તરોની બહાર નથી. ચીન પણ આ ટૅરિફ દરો પર દર વર્ષે 120 બિલિયન ડૉલર્સના એસ્પોર્ટ્સ કરે છે. અહીં પ્રતિબંધોની વાત પણ નથી. અમેરિકાનું ઉત્પાદન ક્ષેત્ર વાજબી એક્સપોર્ટ્સના મામલે કૃષિ, પેટ્રોલિયમ અને મિલિટરી હાર્ડવેર સિવાય કંઇ ઑફર કરી શકે તેમ નથી. ભારતે ગયા વર્ષે ક્રુડ ઓઇલ, એલ.એન.જી., સ્ક્રેપ મેટલ અને ટેક કોમ્પોનન્ટ્સ જેવા યુ.એસ. ગુડ્ઝની 45 બિલિયન ડોલર્સની ખરીદી અમેરિકા પાસેથી કરી. આ ખરીદી ન તો બ્લોક થઇ રહી છે ન તો તેના ભાવ-તાલ થાય છે. ભારતના નોન ટૅરિફ અવરોધો ભેદભાવ વાળા હોવાનો અમેરિકાનો દાવો સાવ દંભી છે. યુ.એસ.ના પોતાના ખાદ્ય સુરક્ષાના કાયદા, ટૅકને લગતા નિયમો અને સબસિડી છે જ. ટ્રમ્પને જેને અવરોધો કહે છે તે ખાદ્ય સુરક્ષા, પર્યાવરણીય નિયંત્રણો અને ડેટા ખાનગી રાખવાના ભારતના સાર્વભૌમ નિયમો છે. યુ.એસ.ને જોઇએ છે કે કૃષિ ઉત્પાદનો માટે તેમને મોકળી એક્સેસ મળે. ખેતી પ્રધાન દેશ હોવાને નાતે ભારત ટ્રમ્પની આ માગણીને કોઈ પણ કાળે ન સ્વીકારે તે સ્વાભાવિક છે. આપણા નાના-મધ્યમ કદના ખેડૂતોને માથે ઓછો બોજ નથી કે હવે અમેરિકાની સામે ય કદમબોસા કરીને તેમની બેવડ ઓર વાળી દેવામાં આવે તો ચાલી જાય. અમેરિકાની માગ આડકતરી રીતે ભારતને ઘુંટણીએ લાવવાની છે – શરણે બેસાડવાની છે પણ ભારત એવો નબળો દેશ નથી કે તેણે અમેરિકાને આવી સલામી ભરવી પડે.
ભારત રશિયા પાસેથી શસ્ત્રો ખરીદે છે કારણ કે પાંચ દાયકાથી વધુ સમયથી રશિયા પાસેથી આપણે શસ્ત્રો લેતા રહ્યાં છીએ. કારગિલ અને ડોક્લામ દરમિયાન મોસ્કોએ ભારતને ટેકો આપ્યો છે. અમેરિકાએ દાયકાઓથી પાકિસ્તાનને પાળ્યો છે અને હમણાં જ તેમ કરતાં અમેરિકા અટક્યો છે. ભારતે તેના સંરક્ષણ સ્રોતોમાં વિવિધતા લાવવા માટે જે કર્યું તેમાં ૨૫ અબજ ડોલરથી વધુના યુ.એસ. સોદાનો સમાવેશ થાય છે. પરંતુ અમેરિકાની પોતાની અનિયમિત વિદેશ નીતિ વચ્ચે, ભારતને રશિયાને સંપૂર્ણપણે છોડી દેવાનું કહેવું અવાસ્તવિક છે. ભારત રશિયા પાસેથી ખૂબ મોટા જથ્થામાં તેલ ખરીદે છે એનું ય ટ્રમ્પને પેટમાં દુઃખે છે. યુક્રેન યુદ્ધ પછી જ્યારે વૈશ્વિક ભાવમાં વધારો થયો ત્યારે રશિયાએ ભારતને ડિસ્કાઉન્ટ આપ્યું અને ચીન, તુર્કી અને NATOના અન્ય સભ્યોએ પણ એ જ રીતે બેકડોર ચેનલ્સથી રશિયા પાસેથી ઓઇલ લીધું હતું. ટ્રમ્પ કહે એટલે દેશો પોતાના તંત્રને ભૂખ્યું રાખે એવું તો ન બને. બીજા દેશોએ પણ પોતાનું અસ્તિત્વ ટકાવવાનું છે.
નકામાં કારણો આપનારા ટ્રમ્પનો બકવાસ વાજબી છે કે નહીં એ તો ચકાસવાનું ય ન હોય પણ અમેરિકાનું સંતુલન ટ્રમ્પના માનસિક સંતુલનની માફક જ જગમગમાંથી ડગમગ થઇ ગયું છે એવું તો લાગી જ રહ્યું છે. આપણા વડા પ્રધાને સંયમ, સ્પષ્ટતા અને વ્યૂહાત્મક ગણતરીના લાંબા ગાળાના પુનર્ગઠન સાથે પ્રતિક્રિયા આપવી જોઇએ. અમેરિકાનું સુકાન અને દુકાન – એટલે કે અર્થતંત્ર એક એવા માણસના હાથમાં છે જેને અરાજકતા અને નાટકોમાં રસ છે. પેલું વાક્ય અમેરિકાના સંદર્ભે બહુ વાર વપરાઇ ચૂક્યું છે કે તમે જ્યારે જોકરને ચૂંટો ત્યારે તમને સર્કસ જ મળે.
ટ્રમ્પનો આ વહેવાર કાવતરું ઓછું કપટ વધારે છે. આ કોઈ વ્યાવસાયિક નીતિ નથી – આ વિશ્વની સૌથી મોટી લોકશાહી સામેનું રાજકીય અવમૂલન છે. અમેરિકા અને ભારત વચ્ચેની વાતચીત પત્તાનાં મહેલની માફક વિખેરાઇ ગઇ છે. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન અનુસાર ભારતના સરેરાશ ટૅરીફ 17% છે જે વૈશ્વિક સ્તરે સમાન્ય ગણાય. ટ્રમ્પે તો WTOના નિયમોને ગણતરીમાં લીધા વિના આ ટૅરિફની જાહેરાત કરી અને ભારત સામે એવો આરોપ મૂક્યો કે તે પોતાને ન્યાયસંગત વેપાર કરતા અટકાવે છે. ટ્રમ્પનો આ ખેલ નવો નથી. આ પહેલાં જાપાન, વિએટનામ, યુરોપિયન યુનિયન અને બ્રિટન સુદ્ધાંએ 10 ટકાથી 20 ટકા જેવા ટેરિફના વધારાના આંચકા અનુભવ્યા છે. ફેર ટ્રેડને નામે ટ્રમ્પે સાવ અનફેર – અન્યાયી અને બેફામ વહેવાર કર્યો છે. ભાગીદાર દેશોને દબાવવા કે ધમકાવવા માટે વેપારને હથિયાર બનાવવાની ટ્રમ્પની આ રીતે ખંડણી માંગવાની રીત હોય એવી છે. વળી આ ટૅરિફ કંઇ જાહેરાત થઇ ત્યારથી લાગુ પડે એમ નથી રાખ્યું પણ પૂર્વવર્તી રીતે ટૅરિફ લાગુ કરાય છે. એટલે જે માલ અત્યારે અમેરિકન પોર્ટ્સ પર ભારતીય માલ લાઇને પહોંચેલા જહાજો પરના માલ પર પણ આ ટૅરિફ લાગુ કરાશે. આ કોઇ નીતિ નથી આ તો રાજકીય અફરાતફરી ખડી કરાઇ રહી છે.
ટ્રમ્પની આડોડાઇ ટૅરિફ પૂરતી સિમીત નથી. તેણે ટ્રાન્સ પેસિફિક પાર્ટનરશીપ છોડી દીધી છે, ઇરાન પરમાણુ કરાર રદ કર્યા છે, સાથી દેશો પર ગેરકાયદે ટૅરિફ લાધ્યા છે, NATOનું અપમાન કર્યું છે. ટૂંકમાં ટ્રમ્પના નેતૃત્વ હેઠળ અમેરિકા પર તસુભાર વિશ્વાસ પણ ન કરી શકાય તેવા આપણી પાસે જ નહીં આખી દુનિયા પાસે પૂરતા પુરાવા છે. યુ.એસ.-ભારતના સંબંધોનો અંત તો નથી આવ્યો પણ એ યાદ રાખવું જરૂરી છે કે આ સંબંધો પરસ્પર આદર પર નથી બનેલા.
બાય ધી વેઃ
આ સંજોગોમાં આપણા નેતૃત્વએ પોતાની સાથે થયેલા આ દગાની સામે સાવચેતીથી પ્રતિભાવ આપવાનું નક્કી કર્યું છે – કારણ કે જો આપણે ટ્રમ્પ વાળી કરવા જઇએ તો ડુક્કર સાથે કાદવમાં લડવા વાળી થાય – ડુક્કરને મજા આવે અને ખરડાઇએ આપણે. ભારતને આર્થિક આત્મનિર્ભરતા, વૈવિધ્યસભર ભાગીદારી અને વ્યૂહાત્મક સ્વાયત્તતામાં રસ છે. જો ધારીએ તો ટ્રમ્પની આડોડાઈ ભારતને પોતાની આવડત અને સમજ પુરવાર કરવાનો મંચ પૂરો પાડી શકે છે. વૈશ્વિક સ્તરે આપણે આપણી જગ્યા બનાવવી હોય તો આપણે કોઈ એક દેશ પર આધાર ન રાખી શકીએ. આપણે આપણી તાકાતને પારખીને આપણા હિતોને પ્રાથમિકતા આપીને વૈશ્વિક સમુદાયમાં જવાબદાર ભાગીદાર બનીને કદમ માંડવા પડશે. ટ્રમ્પનો રાષ્ટ્રવાદ તોફાની છે આપણે વૈચારિક આંતરરાષ્ટ્રીય વાદની આપણા દૃષ્ટિકોણમાં ઘડવો જોઇએ. આપણે એક દેશ તરીકે કોઈ ખોટા ભ્રમ ન પાળવા. ટ્રમ્પનું અમેરિકા ભાગીદાર કે મિત્ર નથી પણ એક સમસ્યા છે. મોદીનો મોહ અને ભ્રમ બન્ને ભાંગ્યા હશે. ગમે કે ન ગમે પણ આપણા મુત્સદ્દી વડા પ્રધાનની સમજદારી ટ્રમ્પની માફક તળિયે તો નથી જ બેઠી એટલે આપણે જે કરીશું તે સાવચેતી પૂર્વક કરીશું તેવી આશા બાંધી શકાય. આપણે લેને ગઇ થી પૂત અને ખો આઇ ખસમ વાળી નથી થવા દેવાની એ યાદ રાખીને જ આગળ વધવાનું છે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 03 ઑગસ્ટ 2025