Opinion Magazine
Number of visits: 9448709
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ત્રણ સામયિકોમાંથી વિશેષ, આવકાર, અને આ પણ…

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Literature|4 April 2016

ત્રણ સામયિકોમાંથી વિશેષ :

સમાજવાદી મરાઠી સાપ્તાહિક વિચારપત્ર ‘સાધના’ એ ડૉ. બાબાસાહેબ આંબેડકરની સવાસો વર્ષની ઊજવણી નિમિત્તે ત્રીસ જાન્યુઆરીના અંકથી ‘સંવિધાન’ નામનો વિભાગ શરૂ કર્યો છે. તેમાં શ્યામ બેનેગલની અજોડ દૂરદર્શન શ્રેણી ‘સંવિધાન’ની પટકથા(સ્ક્રીન પ્લે)નો અનુવાદ આપવામાં આવી રહ્યો છે. શમા જૈદી અને અતુલ તિવારીએ બંધારણ  સભામાં સાડા ત્રણ વર્ષ દરમિયાન  થયેલી ચર્ચાની લાખેક પાનાં ભરાય એટલી સામગ્રીનો અભ્યાસ કરીને દસ કલાકની ધારાવાહિકનો આલેખ રચ્યો છે. તેને ‘સાધના’ના અંકો થકી મરાઠીમાં લઈ જવાનું કામ મહારાષ્ટ્રના સાઠ વર્ષના આઇ.એ.એસ. ઑફિસર લક્ષ્મીકાન્ત દેશમુખે હાથ પર લીધું છે. મહારાષ્ટ્રના ચિત્રપટ, રંગભૂમિ અને સાંસ્કૃિતક વિકાસ મહામંડળના   વ્યવસ્થાપકીય સંચાલક અનેક પુરસ્કાર મેળવનાર નવલકથાકાર અને વાર્તાકાર ઉપરાંત દિવાળી અંકોના સંપાદક છે. દેશમુખની આ સંવિધાન શ્રેણી અનુવાદ ઉપરાંત વિવરણ લેખો સાથે દસ મહિના ચાલશે. 

‘જનચેતના કા પ્રગતિશીલ કથા-માસિક’ તરીકે ઓળખાતા, મુનશી પ્રેમચંદે શરૂ કરેલા, હિંદી સામયિક ‘હંસ’ માં ‘ઘુસપૈઠિયે’ નામનો વિભાગ આવે છે. તેની શરૂઆતમાં આ મુજબની નોંધ મૂકેલી હોય છે : ‘યહ સ્તંભ દિલ્લી ઔર આસપાસ કી કામદાર બસ્તિયોં કે તરુણ-યુવા લેખકોં કી પ્રતિનિધિ રચનાએં આપ તક પહુંચાએગા … સંભવિત લેખકોં કી ઉમ્ર બીસ વર્ષ અંદરકી હી હૈ … સભી કી આર્થિક-સામાજિક પૃષ્ઠભૂમિ લગભગ સમાન હૈ. ઇસસે ભી બડી વિશેષતા યહ હૈ કિ ઇન કે લિએ બચપન કી કિતાબેં કાગજોં સે ઉતની નહીં બનતી હૈ જિતની ઉનકે સંઘર્ષ, મોહલ્લોં, માહૌલ ઔર જગહ સે બનતી હૈં, ઉનકી લિખાઈ મેં વે જગહેં આપકો સુરક્ષિત મિલેંગી. આપ શાયદ મહસૂસ કરેં કિ સાહિત્ય કે ઉત્પાદક ઔર ઉપભોક્તા, અભિલેખન / રેકૉર્ડિંગ ઔર સૃજન, કિસ્સા ઔર તથ્ય કે બીચ કે અંતર યહાં ધુંધલે પડ જાતે હૈં. સાહિત્ય કે સુરક્ષિત-આરક્ષિત ડિબ્બે મેં ઘુસ આયે ઇન ઘુસપૈઠિયોં કો આપ કૈસે બરતેંગે, યહ આપકો તય કરના હૈ.’ 

આ વિભાગના ગયા એકાદ વર્ષના લેખકો નવથી બાર ધોરણના વિદ્યાર્થીઓ છે. કેટલાકના શિક્ષણનો ઉલ્લેખ નથી. તેમાંથી મોટાભાગના ‘અંકુર કિતાબઘર કે નિયમિત રિયાજકર્તા’ છે. કેટલાકના કિસ્સામાં ‘હંસ’ માં છપાયેલી વાર્તા તેમની પહેલી જ રચના છે. ‘ઘૂસપેઠિયે’ વાંચતા એમ થાય છે કે આપણે ત્યાં જરઠ સાહિત્યને પ્રાધાન્ય મળતું હોય એવું લાગે છે, આપણાં કેટલાંક સામયિકોમાં લેખકોની સરેરાશ ઉંમર સાઠ જેવી નીકળી શકે એમ છે, કેટલાંક સાહિત્યિક સન્માનો માટે વિષણ્ણ વયવૃદ્ધ  દશા પાત્રતા ગણાય છે. આવાં સંજોગોમાં આપણા કેટલાંક સામયિકો ઘૂસણખોરોને સ્થાન આપી શકે  ખરાં?

‘ધ બુક રિવ્યૂ’(ટીબીઆર)ના જાન્યુઆરીના અંકનો તંત્રીલેખ  તેનાં  ચાળીસ વર્ષને સરસ રીતે યાદ કરે છે. ત્રણ સંપાદક સન્નારીઓ ચિત્રા નારાયણન, ઉમા આયંગર અને ચન્દ્રા ચારી,  ત્રૈમાસિક તરીકે શરૂ થયેલ ટીબીઆરના ઉદ્દભવ અને વિકાસનો આલેખ આપે છે. પહેલા વર્ષે  છૂટક અંકની કિંમત હતી ત્રણ રૂપિયા અને લવાજમ હતું દસ રૂપિયા, જે અત્યારે અનુક્રમે સો અને પંદરસો રૂપિયા છે. સંપાદકો  યાદ કરે છે કે વર્ષો પહેલાં એમના એક વાચક મધ્ય પ્રદેશના શાહડોલના ટિકિટ કલેક્ટર હતા જેમને પૂરું લવાજમ ભરવું પોષાતું નહીં, છતાં ટેકને  કારણે તે ભેટ નકલ ન પણ લેતા, એટલે સગવડ હોય ત્યારે પાંચ રૂપિયા મોકલતા. એનાથી સામયિકની આર્થિક સ્થિતિમાં કોઈ ફેર ન પડતો, ઊલટું વહીવટ વધી જતો! પણ ગરીબ વાચકનું ગૌરવ જાળવવા એ રકમ સ્વીકારવામાં આવતી. બીજો કિસ્સો, હૈદરાબાદ જેલમાં સજા ભોગવતા કેટલાક નક્સલવાદી વિદ્યાર્થીઓને તેમની વિનંતીથી ભેટ અંક મોકલવામાં આવતો. વિદ્યાર્થીઓ નવા વર્ષે  સુશોભન કરેલાં  પોસ્ટકાર્ડ થકી  તેમની કદરબૂજ વ્યક્ત કરતા. તેમણે જેલમાંથી જ પરીક્ષા આપીને અનુસ્નાતક પદવી મેળવી ત્યારે પણ ટીબીઆરના આભાર માન્યા હતા ! 

ચાળીસ વર્ષ અવસરના વિશેષાંકના એક વિભાગમાં વીસ આમંત્રિત નિષ્ણાતોએ તેમના ક્ષેત્રોનાં પ્રભાવક પુસ્તકો વિશે લખ્યું છે. જેમ કે, માનવવંશશાસ્ત્રી એ.આર. વાસવીએ પૅટ્રિક વિલ્કેનના ગ્રંથ ‘ક્લૉડ લેવી – સ્ટ્રૉસ : ધ ફાધર ઑફ મૉડર્ન ઍન્થ્રોપોલોજિ’ વિશેનો છે. ગિરીશ કારનાડનો લેખ ટેકોનોલૉજિના પગલે બૅંગલુરુ શહેરમાં આવેલાંઆમૂલાગ્ર પરિવર્તનનો ચિતાર આપતી, યશવંત વિઠોબા ચિત્તલે લખેલી કન્નડ નવલકથા ‘શિકારી’ અંગે છે. વરિષ્ટ સમાજવિજ્ઞાની માલવિકા કાર્લેકર રઘુ રાયની તસવીરોના એક સંચય વિશે લખે છે. અમીય સેનના લેખનું શીર્ષક છે ‘બુક્સ ઑન રિલિજિયન ઍન્ડ અબાઉટ ઇટ : ક્રિટિકલ રિફ્લેક્શન્સ’.

આવકાર

મિલાપની વાચનયાત્રાઃ સંકલિત આવૃત્તિ, ભાગ ૧ , સંપાદક – મહેન્દ્ર મેઘાણી, લોકમિલાપ પ્રકાશન, ભાવનગર, રૂ. ૨૦૦/-

મહેન્દ્ર મેઘાણીએ  ‘મિલાપ’ માસિક ૧૯૭૮ સુધી અઠ્ઠાવીસ વર્ષ ચલાવ્યું હતું. તેમનો આશય લોકોમાં નાગરિક તરીકેના સંસ્કાર અને વાચક તરીકેની અભિરૂચિનું સિંચન કરવાનો હતો. ‘રીડર્સ ડાઇજેસ્ટ’નો નમૂનો નજરસમક્ષ રાખીને સંકલન સામયિક તરીકે ‘મિલાપ’ બહાર પાડવામાં આવતું. એટલે તેમાં ઘણાં સામયિકોમાંથી ઉત્તમોત્તમ લખાણો ચૂંટીને ટૂંકાવીને મૂકવામાં આવતાં.  એવાં લખાણોમાંથી ‘અરધી સદીની વાચનયાત્રા’ના ચાર ભાગ તૈયાર થયા. તે ઉપરાંત પણ  ‘મિલાપ’નાં કેટલાંક ઉત્તમ લખાણો હતાં જે પુસ્તકમાં આવ્યાં ન હતાં. એટલે ૧૯૫૦થી ૧૯૬૧ સુધીનાં ‘મિલાપ’ના અંકોનાં ચૂંટેલાં લખાણો પરથી વરસવાર બાર પુસ્તકો ‘મિલાપની વાચનયાત્રા’ નામે ૨૦૧૩-૧૪ દરમિયાન પ્રકટ થયા. એ બાર પુસ્તકોમાંથી ૧૯૫૦-૫૩ ના સમયગાળાના પહેલા ચારની લેખક-સૂચિ સાથેની સંકલિત પ્રસ્તુત સંગ્રહમાં છે. પુસ્તકનાં પાનાં  અમસ્તાં ફેરવતી વખતે પણ  કેટલાં ય એવાં લખાણો નજરે ચડે કે જે પૂરાં કર્યાં વિના મૂકી ન શકાય. જેમ કે ઈશ્વર પેટલીકરે મહી નદી, રવિશંકર મહારાજ અને ઝવેરચંદ મેઘાણી વચ્ચે કલ્પેલો સંવાદ ‘મહી-સાગર’, આચાર્ય કૃપાલાનીનો નેહરુ પરનો આખાબોલો લેખ ‘મેઘધનુષના રંગો’, ગાયોની દુર્દશા પરનો મેઘાણીભાઈનો લેખ ‘કનૈયાનું કલ્પાંત’. કહેવાની ભાગ્યે જ જરૂર છે કે આ યાદી લાંબી થઈ શકે.

વીસ જૂને મહેન્દ્રભાઈ પંચાણુમાં વર્ષમાં પ્રવેશશે. એ વખતે તે એમના દીકરી અંજુબહેનને ત્યાં અમેરિકામાં હશે. 

સાંપ્રત ગુજરાતી કવિતા (૧૮૮૫-૨૦૧૦), સંપાદક : રાજેન્દ્ર પટેલ, સહિત્ય અકાદેમી,નવી દિલ્હી, રૂ. ૧૫૦/-

ત્રેપન સમકાલીન સર્જકોની એંશી જેટલી રચનાઓનો આ સંચય લગભગ બધાં પદ્ય સ્વરૂપોને આવરી લે છે. વીસ પાનાંની પ્રસ્તાવનામાં સંપાદકીયમાં રાજેન્દ્ર સ્પષ્ટતા કરે છે : ‘અહીં રજૂ થયેલી રચનાઓ ઉત્તમ છે એવું નથી, આ માત્ર પ્રતિનિધિ રચનાઓ છે.’ એમણે કાવ્યોને સાત વિભાગમાં વર્ગીકૃત કર્યાં છે (કવિતાના શીર્ષકો સહિતની અનુક્રમણિકા અને મીતાક્ષરી કવિપરિચય અહીં હોવાં જોઈતાં હતાં). તેમાં આધુનિક, અનુઆધુનિક ગાળાની પહેલી અને અત્યારની પેઢીના કવિઓની રચનાઓના વિભાગો છે. ગીત-ગઝલનો એક વિભાગ છે. ત્રણ વસાહતી  કવિઓની ચાર રચનાઓ છે. દલિત અને આદિવાસી ચેતનાની અભિવ્યક્તિ માટેનો અને નારી ચેતનાની રચનાઓના અલગ વિભાગ છે. પ્રસ્તાવનાના ઉઘાડમાં જ સંપાદકે ૧૯૮૫ના અનામત આંદોલનનો સાફ ઉલ્લેખ કર્યો છે (અલબત્ત, ગોધરાકાંડને પગલે ચાલેલા શાસનપ્રેરિત કોમી હિંસાચારનો એવો સ્પષ્ટ ઉલ્લેખ એમણે કર્યો નથી). ત્યાર પછી ‘સમાજને અસમતોલ કરતાં અને વિભાજન તરફ ધકેલતાં પરિબળો’ની પણ તેમણે જિકર કરી છે. આવું બધું જેમને સૂઝી શકે તેવા વિવેચકો-સંપાદકો આપણે ત્યાં જૂજ છે.  સંપાદનમાં ઓછામાં ઓછી અરધો ડઝન રચનાઓ એવી બતાવી શકાય કે જે વત્તા-ઓછા પ્રમાણમાં રાજકીય રંગવાળી હોય. કેટલીય સીધી સામાજિક નિસબતવાળી કવિતાઓ પણ અહીં છે. આપણે ત્યાંની  સાહિત્યસંસ્કૃિત  વધુ ને વધુ સરકારાશ્રિત અને  સરકારભક્ત, સમાજવિમુખ અને શહામૃગી બનતી જતી હોય તેવા માહોલમાં રાજેન્દ્રભાઈની પસંદગીને ધન્યવાદ આપવા જોઈએ. આવી પસંદગીનું ભાગ્ય સરકારે બથાવી પાડેલી ગુજરાત સાહિત્ય અકાદમીએ કોઈ સંચય બહાર પાડ્યો હોત તો તેના સંપાદનમાં રાજેન્દ્રભાઈને ન સાંપડ્યું હોત.

પિંજિકા, નગીનચન્દ્ર ડોડિયા, જાસૂદ પ્રકાશન, મહેસાણા, રૂ. ૨૦૦/-

આ સંચયની નેવું રચનાઓ ગીતો, છંદોબદ્ધ કાવ્યો, ગઝલો, મુક્તકો અને અછાંદસ કાવ્યો  એવા વિભાગોમાં વહેંચાયેલી છે. તેમાં સહુથી વધુ તેંતાળિસ ગીતો છે. મુખપૃષ્ઠ પર ચરખો કાંતતી મહિલાની છબિ છે અને એક ખૂણે હાથશાળ પર કામ કરનાર પુરુષનું લઘુચિત્ર છે. કવિ-વિવેચક ભી.ન. વણકર નોંધે છે : તલપદી આબોહવામાં અનુઆધુનિક સંવેદનશીલતાને કારણે ક્યાંક વસંતના શમણાંની સુગંધ, તો ક્યાંક ‘વંઠેલા વાયરામાં વગડો વીંઝાય’ છે. આ સ્પંદ અને છંદનો લય કવિની રચનાઓમાં અનુભવાય છે. એક તરફ નગરજીવનની વ્યથા છે. બીજી તરફ પ્રકૃતિનું આકર્ષણ છેઃ પ્રેમ અને વિરહનો વ્રેહ છે. સામાજિક સંપ્રજ્ઞતા અને જીવનનો અભાવ કવિને હલબલાવે છે. કવિ કહે છે,’ આયખું મારે તો સૂકું ભઠ્ઠ ઝાડવું.

અને આ પણ …

સારું વાચન ક્યાં અને કેવાં સ્વરૂપે મળે કંઈ કહેવાય નહીં. આ જ જુઓ ને ! ગૂજરાત વિદ્યાપીઠના હીરક જયંતી સભાગૃહમાં હમણાં બે કાર્યક્રમો થયા. બંનેના આયોજકોએ કાર્યક્રમ સ્થળે વેચવા માટે પુસ્તકો મૂક્યાં હતાં, તદુપરાંત શ્રોતાઓને વિષય અંગેની વાચનસામગ્રી પણ પૂરી પાડી હતી. સરૂપ ધ્રુવના ‘ઉમ્મીદ હોગી કોઈ’ પુસ્તકના મોહન દાંડીકરે કરેલા અનુવાદના લોકાર્પણ પ્રસંગે મુખ્ય મહેમાન હતાં હિન્દીના અનોખા લેખક નાસિરા શર્મા. યજ્ઞ પ્રકાશને નાસિરાજી વિશે ડબલ કૉલમનાં મોટા કદના અઠ્ઠ્યાવીસ પાનાંનું, એટલે કે લગભગ એક પરિચય પુસ્તિકા જેટલું ગુજરાતી વાચન શ્રોતાઓને પૂરું આગોતરી ટપાલથી તેમ જ રૂબરૂ પહોંચાડ્યું. તેમાં તેમના વિશેના પાંચ પાનાંના લેખ ઉપરાંત તેમની લાંબી મુલાકાત પણ હતી. આચાર્ય કૃપાલાની વિશેના સેમિનારમાં દરેક આગંતુકને વિદ્યાપીઠમાં જ બનેલી કાગળની થેલીમાં એક નોટપૅડ અને પેન સાથે કૃપાલાની વિશેના બે લેખો આપવામાં આવ્યા હતા. તેમાં કોલકાતાના ‘ધ ટેલિગ્રાફ’ દૈનિકમાં ગોપાલકૃષ્ણે ગાંધીએ અગિયાર નવેમ્બર ૧૯૮૮માં લખેલો અંગ્રેજી લેખ ‘અ કૉમ્રેડ, નૉટ ઍન અકોલાઇટ ઓફ ધ્  મહાત્મા’ હતો. સ્રોતના કોઈ ઉલ્લેખ વિના આપવામાં આવેલાં બીજાં છત્રીસ ગુજરાતી પાનાં તે કૃપાલાની(૧૮૮૮-૧૯૮૨)ની આત્મકથાના નગીનદાસ પારેખે કરેલા ગુજરાતી અનુવાદની પ્રકાશ ન.શાહે લખેલી પ્રસ્તાવના. રસપ્રદ વાત એ છે કે મૂળ અંગ્રેજી આત્મકથા ‘માય ટાઇમ્સ’  રુપા પ્રકાશને લેખકના અવસાન પછી બાવીસ વર્ષે બહાર પાડી, જ્યારે તેનો ઉપર્યુક્ત અનુવાદ ગુર્જર પ્રકાશને ૧૯૯૪માં બહાર પાડ્યો.

વ્યારાની સરકારી કૉલેજના પૂર્વ ગ્રંથપાલ અને દૃષ્ટિસંપન્ન વાચક-અનુવાદક પ્રકાશ સી.શાહને એક મરાઠી લેખ વાંચતા મળેલો આનંદ તેમણે ટપાલમાં લેખની નકલ મોકલીને વહેંચ્યો છે. ‘અંતર્નાદ’ નામના સરસ મસિકના જુલાઈ ૨૦૧૪ના અંકમાં આવેલો આ લેખ ગણેશ મનોહર કુલકર્ણી નામના રેલવે ઍન્જિન ડ્રાઈવરે લખ્યો છે. મુંબઈ પાસેના ડોમ્બિવલીમાં રહેતા ગણેશ મુંબઈ અમદાવાદ વચ્ચેની મેઇલ – એક્સપ્રેસ ગાડીઓ ચલાવે છે. આ નોકરી દરમિયાન, ચાલતી ગાડીમાં ગાડીના પાટે અને આજુબાજુના રસ્તે ગણેશજીને જોવા-અનુભવવા મળેલાં કુદરતનાં અનેકાનેક રૂપોનું – વનસ્પતિ અને પ્રાણી-પક્ષી-કીટકસૃષ્ટિનું – તેમ જ માનવવૃત્તિ-પ્રવૃત્તિઓનું  અદ્દભૂત વર્ણન કરતો છ પાનાનો સાદ્યંત સુંદર લેખ તેમણે લખ્યો છે. તે વાંચતા ગણેશજીનાં વાચન અને નિરીક્ષણ, સંવેદન અને અભિવ્યક્તિની પ્રતીતિ સતત થતી રહે છે. ઉલ્લેખ એ વાતનો પણ કરવો જોઈએ કે મરાઠીમાં સર્જનાત્મક અને સ્વાનુભવાત્મક લેખન સાહિત્યિક-સાંસ્કૃિતક અગ્રવર્ગના થોડાક લોકોનો ઇજારો નથી. ડૉક્ટરો, સ્થપતિઓ, લશ્કરના વડા, પોલીસ અધિકારીઓ, બિલ્ડર, હોટેલિયર જેવાએ તો લેખન કર્યું જ છે. પણ સાથે સફાઈ કામદાર, ખેતમજૂર, ખેડૂત, વાળંદ, હમાલ, મિલકામદાર, ટપાલી જેવા લોકોના લખાણો પણ લેખો અને પુસ્તકો તરીકે મળતાં રહે છે.

આમ તો પ્રકાશભાઈએ એક સંચય થાય તેટલા અનુવાદ મરાઠીમાંથી કર્યા છે. તેમની પ્રસિદ્ધ થયેલી પુસ્તિકા છે ‘સેવાગ્રામથી શોધગ્રામ’ (ટી.આર.કે. સોમૈયા, મુંબઈ સર્વોદય મંડળ, મુંબઈ, ૨૦૦૬)  ડૉકટર દંપતી રાણી અને અભય બંગે મહારાષ્ટ્રના ગડચિરોલી વિસ્તારમાં આદિવાસીઓ અને વંચિતો માટે તબીબી તેમ જ એકંદર સમાજસુધારાના કરેલા સીમાચિહ્ન રૂપ કામનો ડૉ. અભયે સ્વકથન  રૂપે લખેલો વાચનીય અને પ્રેરક આલેખ આ પુસ્તિકામાંથી મળે છે.

૨૬ માર્ચ, ૨૦૧૬ 

e.mail : sanjaysbhave@yahoo.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૅપ્રિલ 2016; પૃ. 10-11

Loading

4 April 2016 admin
← ભગતસિંહ કોના? કૉંગ્રેસના, ભાજપના કે સામ્યવાદીઓના?
યશવંત શુક્લ અને જશવંત ઠાકર : જન્મ-શતાબ્દીએ વતનવંદના →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved