Opinion Magazine
Number of visits: 9481968
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

… તો, અનુપમજીને સમજવાનાં વર્ષો હતાં

રીતિ શાહ|Profile|16 February 2021

મારે ત્યાં પાણી ખૂટી ગયું તો તમારા વિસ્તારમાંથી લઇશ, તમારે ત્યાં પાણી ખૂટી જશે તો પાડોશીને ત્યાંથી લઈ આવીશું. આમ કેટલા દિવસ દોડાદોડ કરતાં રહીશું? એના બદલે, આવો અનુપમ મિશ્રાને મળીએ-સમજીએ. 19મી ડિસેમ્બર 2016ના રોજ તેમણે ચિરવિદાય લીધી, તે નિમિત્તે તેમને યાદ કરીએ.

દિવસો-દિવસ પાણીની સમસ્યા વિકરાળ થતી જાય છે, અને મા ધરતીના સંસ્કારો નેવે મૂકી સવાયો થવા મથતા હોશિયાર દીકરા ‘વિકાસ’નું ગાંડપણ વધતું જાય છે. આ અંગે હવે સમગ્ર વિશ્વ ધીરે-ધીરે આળસ મરડી બેઠું થઈ રહ્યુ છે, પણ તે અંગે ચેતવણીની રેખા તો દાયકાઓ પૂર્વે અનુપમજી દોરતા ગયા – જ્યારે “પર્યાવરણ”, “એનવાયરમેંટ” , “રેનવોટર હારવેસ્ટિંગ” જેવા આજના ફેશનેબલ શબ્દો ભાગ્યે જ વપરાશમાં લેવાતા ત્યારે. પર્યાવરણીય પત્રકારત્વનો કદાય પ્રારંભ જ તેમણે કરેલો, સિત્તેરના દાયકામાં, “આજ ભી ખરે હૈં તાલાબ”, “રાજસ્થાન કી રજત બુંદે” અને અન્ય કોપીરાઈટ-મુક્ત પુસ્તકોથી  જેમાં તેમણે પાણીની સમસ્યાનો સામનો કરવા ગ્રામજનોએ આધુનિક યંત્રસંસ્કૃતિના  બદલે પરંપરાગત ઉપાયો કેવી રીતે અમલમાં મૂક્યા તેનું મૌલિક સંશોધન દુનિયા સામે રજૂ કર્યું. એક ડગલું આગળ વધીને કહીએ તો, આજના સમયમાં આપણી સમસ્યાઓ બાબતે ગાંધીવિચાર કેવી રીતે લાગુ પાડી શકાય તેનો દાખલો અનુપમજીએ રજૂ કર્યો. આ કામ તેમણે માત્ર પુસ્તકો વાંચીને અને પુસ્તકો લખીને કર્યું હોત તો તેની આટલી અસર ના પડી હોત. તેઓ ખાસ કરીને રાજસ્થાનનાં ગામડાંમાં, ફરીફરીને, જૂની પેઢી સાથે વાતચીત કરીને, જળસંગ્રહની જૂની વ્યવસ્થાઓનો સ્થળ પર અભ્યાસ કરીને લખતા. તેમના નિધન પછી સ્મૃતિસભામાં જેટલા અંગ્રેજીભાષી નિષ્ણાતો આવ્યા તેટલા જ રાજસ્થાનના ગ્રામજનો પણ આવ્યા, અને અનુપમજીએ બંધાવેલા તળાવોએ વર્ષો પછી પણ તેમની જમીન કેવી લીલીછમ રાખી છે, તેના ફોટા બતાવ્યા. દાયકાઓ પહેલાં, કારમાં નહિ પણ એસ.ટી. બસમાં બેસીને અમારા ગામમાં આવીને ભરઉનાળે અનુપમજીએ કેવાં જળસંગ્રહો કરાવ્યાં તે વાત આજે પ્રૌઢાવસ્થામાં પહોંચેલા ગ્રામજનોએ યાદ કરી ત્યારે તેમના એકલાની જ આંખમાં ઝળહળિયાં નહોતાં.

આજે દિલ્હીવાસી તરીકે હું જ્યારે ડગલે ને પગલે ચોખ્ખાં હવા-પાણી માટે ફાંફા મારું છું, ત્યારે મારા હૃદયમાં અનુપમજીની છબી વિશાળ થતી જાય છે.

મિટ્ટી બચાઓ આંદોલન, જયપ્રકાશ નારાયણ આંદોલન કે ચંબલના ડાકુઓ સાથે કામ પાર પાડતા અનુપમજી કે ધર્મપાલના અભ્યાસી અનુપમજી વિષે ઘણું લખાયું છે. પ્રસિદ્ધ હિન્દી કવિ (અને સંપૂર્ણ ગાંધી વાંગ્મયના સંપાદક) ભવાની પ્રસાદ મિશ્રના દીકરા અનુપમજીના સરળ, મૃદુ, પ્રસન્ન વ્યક્તિત્વ વિષે પણ ઘણું લખાયું છે. એ વિષે વધુ વાતમાં નહીં જતાં હું માત્ર પાણી વિષે વાત કરીશ.

એક તરફ લાતુરમાં દુકાળ હતો ત્યારે બીજી તરફ સાવ નજીવો વરસાદ મેળવતા જેસલમેરના રણપ્રદેશની પ્રજાને પાણીની કોઈ સમસ્યા નહોતી. તેનું રહસ્ય ભણેલી નહીં પણ ગણેલી એવી પારંપારિક ઊંડી સૂઝબૂઝથી કસાયેલી રાજસ્થાનની ગ્રામ્ય જનતા પાસેથી પામીને ઘડીમાં પાણી માટે તરફડતી તો ઘડીમાં પૂરમાં ડૂબતી સ્માર્ટસિટીની બંધિયાર વ્યાખ્યામાં રમતી પ્રજા સમક્ષ અનુપમજી રજૂ કરે છે. તેની પાછળનો તેમનો ઉદેશ એક માત્ર કે પાણીના અભાવે માનવજીવન સમાપ્ત ના થાય. તેમણે જીવનનાં છેલ્લા દાયકાઓમાં પાણી અંગે વિવિધ પ્રસંગોએ કે અખબારી મુલાકાતોમાં જે અગત્યની વાતો કરી, તે મારી સમજ મુજબ આપની સમક્ષ રજૂ કરું છું.

અંગ્રેજો જ્યારે આપણાં દેશમાં આવ્યા તે વખતે હજારો નાનાં-મોટાં તળાવ હતા, વિશાળ સરોવરો હતાં. માત્ર દિલ્હીમાં જ 800 તળાવ હતા. આજે રાજધાનીમાં તેમાનાં પાંચેક બચ્યાં છે. પ્રકૃતિ દર વર્ષે પાણી આપે છે, તેને કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધીનો સમાજ આબોહવા, જમીન, વર્ષાના વૈવિધ્ય મુજબ પોતાની અનોખી પારંપારિક કળાથી સંઘરતો. પેઢી દર પેઢી એ જ્ઞાન સોંપાતું જતું. દુકાળ તો એ દિવસોમાં પણ પડતો, પૂર પણ આવતું, પરંતુ સમાજની સૂઝબુઝને કારણે દુરાગ્રહી ચોમાસુ કશું બગાડી શકતું નહોતું. લોકોનું જીવન સહજતાથી ચાલતું.

જ્યારે અંગ્રેજો ભારત પર રાજ કરતા થયા ત્યારે પાણી અંગે શાસકના ખ્યાલ બદલાયા. અંગ્રેજી શાસનને પ્રતાપે રાજા અને પ્રજા બંને ધીરે-ધીરે તળાવ પ્રત્યે બેદરકારી દાખવતાં થયાં. તળાવો નષ્ટ થતાં ગયાં. પહેલાં ફસલની પસંદગી પણ પર્યાવરણને આધારે થતી. આજે પંજાબ કે જ્યાં સૌથી વધારે કૃષિ વિદ્યાલય છે ત્યાં પારંપારિક ફસલ મકાઇ-સરસવનું સ્થાન ઘઉં-ચોખાએ લીધું છે. ત્રેવડ પ્રમાણે પાકની પસંદગી થતી નથી. રાજસ્થાનમાં પાંચસો વર્ષ પહેલાં પૂર્વજોએ નિર્ણય લીધો હતો કે ખેતીવાડી નહીં પણ પશુપાલન કરીશું, તો જ સૌને જરૂરિયાત જેટલું પાણી મળશે અને ટકાશે. જેસલમેરના રણવિસ્તારમાં ન તો કોઈ પંચવર્ષીય યોજના બની કે ન તો કોઈ સરકાર કે એન.જી.ઓ.એ ત્યાં રોકાણ કર્યું. આપબળે (એન્જીનિયરિંગ ડિગ્રીના જોરે નહીં પણ પારંપારિક જ્ઞાનના જોરે) તેમણે માર્ગ કર્યો છે.

આ બાજુ આપણાં ‘વિકાસ’ ભાઈએ ગણતરી માંડી કે પાણીની કોઈ કિમ્મત નથી, કિમ્મત તો જમીનની છે, અને તેણે તે પાણીની જગ્યા સાફ કરીને દુકાનો બનાવી, મકાનો બનાવ્યાં, સ્ટેડિયમ બનાવ્યાં. મોલ-એરપોર્ટ બનાવ્યાં, તળાવ ના રહેવાં દીધાં. અત્યારે દિલ્હીમાં એટલી જ વર્ષા થાય છે જેટલી પહેલા થતી હતી. પણ પાણી જે તળાવોમાં સંઘરાતું તે રહ્યાં નથી. તો પાણી જાય તો ક્યાં જાય? માટે પૂર આવે છે. વખતસર જાગીશું નહીં તો ચોમાસું માત્ર બસ અડ્ડા જ નહીં પણ હવાઈ અડ્ડા પણ ડૂબાડશે.

આજે ચોવીસ કલાકની વીજળી થતાં એક બટન દબાવતાં જ પાણી મળે છે, માટે આપણે ઘણું પાણી વેડફી નાખીએ છીએ. કૂવામાંથી પાણી ખેંચતાં હાથ કસાતાં અને આપણે જરૂરિયાત જેટલું જ પાણી લેતાં.

નવી આકાર લેતી આઇ.આઇ.ટી. માટે જ્યારે જોધપુર નગરપાલિકાએ પાણી માટે હાથ જોડી દીધા. ત્યારે ૧૧૦૦ એકરની જમીન ધરાવતી આઇ.આઇ.ટી.એ કેમ્પસમાં ૩૦ તળાવ બનાવવાનો નિર્ણય લીધો. અને હરિયાળી માટે ઘાસનાં વિશાળ મેદાનોને સ્થાને ખેતીનો વિકલ્પ અપનાવ્યો. વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો અમુક વર્ષો પહેલાં જ્યારે ખૂબ પાણી વાપરતા ફ્રેન્કફર્ટ હવાઈ અડ્ડા પાસે નગરપાલિકાએ વધારે કર ચૂકવવાની માંગણી કરી ત્યારે વિકલ્પરૂપે એરપોર્ટને રેનવોટર હારવેસ્ટિંગની વ્યવસ્થા ઊભી કરવી પડી, પણ આજે તે પાણી માટે નગરપાલિકા પર આધારિત નથી.

લાતુરમાં રેલગાડીથી પાણી મોકલવામાં આવ્યું હતું, અમુક વર્ષ પહેલા ગુજરાતનાં તટીય વિસ્તારોમાં વહાણ વાટે પાણી પહોંચાડવામાં આવ્યું હતું. આજે દિલ્હીમાં ગુજરાતનું તે જ નેતૃત્વ શાસન કરે છે. વાઈબ્રન્ટ ગુજરાત કે વાઈબ્રન્ટ ભારત બે કલાકમાં હવાઈ જહાજથી પાણી પહોંચાડી શકે છે. વિકાસની પરાકાષ્ઠાએ કદાચ બુલેટ ટ્રેનથી પણ પાણી પહોંચાડશે. મોટી નદીઓને બંધ બાંધીને જોડવાની યોજના છે, તે માટે ભૂગોળને નષ્ટ કરવી પડે અને ભૂગોળનો આપણે ક્યારે ય નાશ નહીં કરી શકીએ. જો ભારત આખાને એક જ નદીથી જોડવાની પ્રકૃતિની ઇચ્છા હોત તો હિમસાગર એક્સપ્રેસની જેમ કાશ્મીરથી કન્યાકુમારી એક જ નદી વહેતી હોત.

હવે કેટલીક  અંગત વાત કર્યા વગર રહેવાતું નથી.

અનુપમજી એક સાદું, મોકળાશી વ્યક્તિત્વ. અનુપમજીને હું બાળપણથી ઓળખું. ઉનાળાના વેકેશનમાં મમ્મી-પપ્પા-ઋતા સાથે હિમાલય ફરવા જવાનું થાય ત્યારે રસ્તામાં દિલ્હી આવે જ. પ્રભાષકાકાનું ઘર અને અનુપમજીની ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનની ઓફિસ. જૂની, નકામી, ચીંથરેહાલ,  જર્જરિત વસ્તુઓને ઘાટ આપીને અનોખી ઢબે સર્જાયેલુ તેમનું કલાત્મક ટેબલ. અમને બે બહેનોને મજા પડી જાય. આ થઈ પ્રાથમિક શાળાનાં વર્ષોની વાત. કોલેજનાં વર્ષોમાં અલપ-ઝલપ જ મળવાનું બન્યું. બીએસ.સી. પછી હું કમ્પ્યુટર સાયન્સની દુનિયામાં એવી તો ખોવાઈ ગઈ કે આસપાસના જગત સાથે કોઈ લેવા દેવા નહીં, બસ, માત્ર કોડિંગ જ ગમે.

પછી ૨૦૦૫માં કૈલાસ-માનસરોવર જતી વખતે દિલ્હી રોકાવાનું થયું, અને હું પ્રભાષકાકાના ઘરે પહોંચી. હું અને ઋતા બાલ્યાવસ્થામાં હતા ત્યારે બંને બહેનોથી અત્યંત પ્રસન્ન થઈ અનુપમજીએ કરેલાં વિધાનો વિશે ઉષાબહેન-પ્રભાષકાકાએ ઉમળકાથી ઘણી વાતો કરી હતી, તે વાતો મનોમન વાગોળતી, હવામાં ઊડતી પ્રભાષકાકાના નિર્માણવિહારના ઘરેથી વિકાસ માર્ગે ગાંધી શાંતિ પ્રતિષ્ઠાન પહોંચી. અનુપમજી તરત જ કેંટિનમાં લઈ ગયા. ખૂબ વાતો કરી. છૂટા પડતાં ખૂબ ભાવપૂર્વક એમણે પુસ્તક ‘આજ ભી ખરે હૈં તાલાબ’ અને તેના પોસ્ટકાર્ડ મારા હાથમાં મૂક્યાં. સોફ્ટવેરની (આઇસોલેટી) દુનિયામાં દટાઇ ગયેલી એકેન્દ્રિય એવી મારાથી તરત જ બોલાઈ ગયું, “મૈંને તો કભી હિન્દી પઢા હી નહીં.” તરત જ એમણે પુસ્તક મારા હાથમાંથી પરત લઈ લીધું. મેં કહ્યું, “અબ મૈ પઢ લૂંગી.” એમણે કહ્યું, “નહીં, કમ્પ્યુટર ચલા લેના.” પછી મારી બસ આવી ત્યાં સુધી આઇ.ટી.ઓ. પર ઊભા-ઊભા ઉષ્માભરી બીજી ઘણી વાતો કરી. એક નિર્દોષ સરળ સંતોષી બાળામાંથી સોફ્ટવેર નિષ્ણાત બનીને આસપાસના સમાજથી વિખૂટી પડી ગયેલી એવી પ્રકાશભાઈ-નયનાબહેનની દીકરીના વિકાસશીલ ઉત્તરો સાંભળી તેમના મનમાં શું છાપ પડી હશે તેની કલ્પના માત્ર આજે આકરી લાગે છે.

છતાં ય હંમેશની પેઠે આત્મીયતાથી ભરપૂર મોકળાશી મીઠાશનું સિંચન તો કર્યું જ હતું એ મુલાકાતે, એટલે જ પછીનાં વર્ષોમાં હું છૂટથી તેમની સાથે બાળસાહિત્યની અને શિક્ષણની કથળતી જતી સ્થિતિની ચર્ચા કરી શક્તી. છેલ્લે રાજઘાટની લોનમાં ચંપાના વૃક્ષ નીચે ઊભા-ઊભા બાળ સાહિત્યની વર્તમાન અવદશા વિષે (‘ચાચા ચૌધરી’ વગેરે) વાત કર્યાનું સ્મરણ થાય છે. પ્રભાષજીની યાદમાં દર વર્ષે ઉજવાતા પ્રસંગમાં આવીને પાછલી હરોળમાં ચૂપચાપ બેસી જતાં. એક મિત્રે એમની સાથેનો અનુભવ વાગોળતાં કહેલું કે, “ઘણી વાર મને ઈન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટર પર મળી જતાં. હું એમને કાર ઓફર કરતો તો તે અસ્વીકાર કરતાં કહેતા, ના, ખાલી કાર પાછી આવે એ ના ચાલે, અને બસમાં બેસી જતાં. આજે દિલ્હીમાં પબ્લિક ટ્રાન્સપોર્ટની વાત થવા માંડી છે. ઓડ-ઇવનના પ્રયોગ થયા. ત્યારે એમની જીવનશૈલી યાદ આવે.

આ એ જ અનુપમજી જેમણે 1980માં જ્યારે ભાગ્યે જ કોઈ “પર્યાવરણ” શબ્દનો ઉપયોગ કરતું ત્યારે પર્યાવરણ પર પુસ્તક લખ્યું. સમસ્યાના ઉકેલ માટે નહીં પણ એક જિજ્ઞાસાથી અનુપમજીએ પારંપારિક જ્ઞાન ગ્રહ્યું, આપણને ચેતવ્યા અને જમાનાથી આગળ વહી ગયા. તેઓ તેમના દીકરા શુભમને કહેતા કે વર્ગમાં કોઈ એક વિદ્યાર્થીનો તો છેલ્લો નંબર આવે જ ને! એ આપણે પણ હોઈએ તો વાંધો નહિ. એક પ્રસંગે મને અને આશિષને સહેજ ટપારતાં કહ્યું હતું કે, “તમે તો દીકરીને અત્યારથી તળાવની બધી વાત કરી દીધી, અમે તો શુભમને ક્યારે ય વાત કરી જ નહીં, એને રસ હશે તો એ જાણી લેશે.” આમાં વડીલભાવ નહોતો, પણ એક પિતા બીજા પિતા સાથે વાત કરી રહ્યાનો સમભાવ હતો. જોગાનુજોગ કૈલાસ-માનસરોવરથી પાછી ફરી ત્યારે આશિષની બદલી દિલ્હી થઈ ગયેલી, પછીનાં વર્ષો પશ્ચિમી દિલ્હીના દ્વારકામાં પાણી અને વીજળીની અછત સાથેના સંઘર્ષના વર્ષો એ ખરા અર્થમાં તો અનુપમજીને સમજવાનાં વર્ષો હતાં.

સૌજન્ય : રીતિબહેન શાહની ફેઈસબૂક દિવાલેથી સાભાર, 19 ડિસેમ્બર 2020

Loading

16 February 2021 admin
← કોરોના સમયનું સાહિત્ય
મળેલા જીવની વારતા →

Search by

Opinion

  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!
  • વિદ્યા વધે તેવી આશે વાચન સંસ્કૃતિ વિકસે
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૮ (સાહિત્યવિશેષ : જૉય્યસ)
  • અર્થપૂર્ણ જીવનનું દર્શન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved