Opinion Magazine
Number of visits: 9446689
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ધે આર અસ : વૈકલ્પિક નેતૃત્વનું વ્યાકરણ

હેમાંગ દેસાઈ, હેમાંગ દેસાઈ|Opinion - Opinion|2 April 2019

૧૬ માર્ચે વિલિયમ કોનોલી નામના લબરમૂછિયાએ મેલબોર્નમાં પત્રકારોને સંબોધી રહેલા સેનેટર ફ્રેઝર એનિંગના માથે ઈંડું ફોડ્યું. વાઇરલ થયેલા વીડિયોમાં, ભુરાયેલો આધેડ, પડછંદ એનિંગ, કોઈ પણ જાતની તપાસ કે પૃચ્છા કર્યા વિના સીધો સાંઠીકડી જેવા છોકરા પર તૂટી પડે છે. અંડાફોડ પાછળનું કારણ હતું, એનિંગે ૧૫ માર્ચના રોજ ન્યુઝીલૅન્ડના ક્રાઇસ્ટચર્ચમાં થયેલા આતંકવાદી હુમલા સંબંધે કરેલી મુસ્લિમ અને મુસ્લિમ-સ્થળાંતરવિરોધી ટિપ્પણી. શરણાર્થીઓ પ્રત્યે સકારાત્મક નીતિ હેઠળ ન્યુઝીલૅન્ડના વડાપ્રધાને ૨૦૨૦ સુધીમાં શરણાર્થીઓનો વાર્ષિક કોટા ૧૦૦૦થી ૧૫૦૦ કરવાની જાહેરાત કરી હતી. દેખીતી રીતે, કોનોલીનું અંડાફોડ ગૌર સર્વોચ્ચવાદી માનસિકતા અને વૈકલ્પિક દક્ષિણપંથી વિચારધારા પરત્વે નોંધાવેલો સાંકેતિક વિરોધ હતો. પરિણામ- સ્વરૂપે સોશિયલ મીડિયામાં કોનોલીની તરફેણમાં અને ટીકામાં સાઇબર સૈનિકોની સેના અને મીમ મિસાઇલો ખડકાઈ ગઈ. કોઈકે કોનોલીને ‘હીરો’ કહ્યો તો કોઈકે એની સાધન-પસંદગી અંગે પ્રશ્નો ઉઠાવ્યા. પણ પ્રશ્ન એ છે કે ક્રાઇસ્ટચર્ચ જેવી ઘટના સંબંધે  ફ્રેઝર જેવા લોકપ્રતિનિધિ પાસે આમઆદમીને શી અપેક્ષા હોય? સામાન્ય રીતે તો નેતાઓ આવી ઘટનાને વખોડી કાઢે, પોતાની દિલગીરી વ્યક્ત કરે, પીડિતો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરે અને પછી બૅંક ટુ બિઝનેસ. જો કે અસામાન્ય સંજોગોમાં આત્માની જગ્યાએ મતપેટી ધરાવતા રાજકારણીઓ મૂંગા મરે, ટાંટિયા ઢસડે અને બધું ટાઢું પડી જાય તેની રાહ જુએ. લોકો અને મીડિયા તરફથી વધારે દબાણ આવે, તો પછી ટોકનિઝમ જેવું મોળું-મોળું કંઈ બોલે.

ફ્રેઝરની મુસ્લિમ વિરોધી ટિપ્પણી એની વિકૃત, અંતિમવાદી, વંશીય-રાષ્ટ્રવાદી માનસિકતાની દ્યોતક છે. ફ્રેઝર એક એવા રાજકીય અને સામાજિક વાંઙમયનું પ્રતિનિધિત્વ કરે છે જે ‘અન્ય’ પરત્વેની ઘૃણા અને ધિક્કાર પર ઊભું છે; એને મન ઇતિહાસ અને સમાજ સીધી લીટીમાં ગતિ કરે છે અને જનસંસ્કૃતિઓને અને સમુદાયોને ભૌગોલિક, વંશીય, કોમી અને જાતિગત સીમાઓથી બાંધી શકાય છે. બીજી બાજુ, એક લોકપ્રતિનિધિ હોવા છતાં જાહેર જગ્યાએ લોકોની નજર સામે જે રીતે ફ્રેઝર કોનોલી પર ઝપટે છે, એ એની ફાસીવાદી માનસિકતા અને મતભેદ, પ્રશ્નો અને વિવેચના પ્રત્યેની સૂગ છતી કરે છે. સવાલ એ છે કે વિકૃત માનસિકતા અને હિંસક શારીરિકતાનું ઘાતક સંયોજન એવા ફ્રેઝર અને જે આતંકવાદીએ પચાસ લોકોની નિર્મમ હત્યા કરી એ નરપિશાચ વચ્ચે કોઈ તફાવત છે? બંને જણાંની વાણી, વર્તન અને વિચારમાં દેખીતું અને આઘાતજનક સામ્ય છે; ફર્ક ફક્ત એમના પ્રતિઘાતની તીવ્રતા અને પરિમાણનો છે.

વંશીય, જાતીય, લૈંગિક અને ધર્મના નામે કરાયેલા નરસંહારનો ઇતિહાસ ચકાસતાં જણાય છે કે આવા આતંકવાદીઓએ હંમેશાં પ્રસાર-માધ્યમોનો દુરુપયોગ કર્યો છે. ક્રાઇસ્ટચર્ચના હુમલાને પણ નરપિશાચે ફેસબુક લાઇવ થકી રિયલ ટાઇમમાં ‘સ્ટ્રીમ’ કર્યો. તદુપરાંત, હુમલાની નવ મિનિટ પહેલાં તોંતેર પાનાંનું ‘ધ ગ્રેટ રિપ્લેસમેન્ટ’ નામનું ઘોષણાપત્ર ૩૦ જેટલા લોકોને ઇમેલ કર્યું, તેમ જ ટિ્‌વટર અને ઇન્ફિનિટિચન પર અપલોડ કર્યું. ઘોષણાપત્રનું શીર્ષક એ નામના દક્ષિણપંથી સિદ્ધાંત તરફ ઇશારો છે જે મુજબ યુરોપની ગોરી ખ્રિસ્તી પ્રજા, તેમની સંસ્કૃતિ અને સભ્યતા ત્રીજી દુનિયાની પ્રજાના સામૂહિક સ્થળાંતરને પરિણામે ધીમે-ધીમે લુપ્તતાની ગર્તામાં ધકેલાઈ રહી છે. ઘોષણાપત્રમાં યુરોપિયન પ્રજોત્પત્તિ સંકટ, વસ્તીવિષયક અસમાનતા, મુસ્લિમ-સ્થળાન્તર અને એમની ઉચ્ચ પ્રજનનક્ષમતા વગેરે મુદ્દાઓનું ધરાર સામાન્યીકરણ કરવામાં આવ્યું છે. પોતાને ઇકો-ફાસિસ્ટ કહેતા આ હત્યારાના સમાજ, સંસ્કૃતિ અને રાષ્ટ્ર વિશેના વિચાર સીમાઓમાં બંધાયેલા છે. કોઈ પણ પ્રકારનું સીમોલ્લંઘન – ભૌગોલિક, જાતીય, ધાર્મિક અને સાંસ્કૃતિક – એને મન નિષિદ્ધ છે. ઓછી સમજ અને કટ્ટરવાદની ભૂમિકા પર ગોઠવાયેલા આ પ્રકારના તુચ્છ પણ ખતરનાક વિચારો લગભગ પ્રત્યેક સમાજનાં લમ્પન અને સામંતવાદી અવકાશોમાં પ્રવર્તતા હોય છે; જેમ કે પાનના ગલ્લે થતા ગપાટામાં, બસસ્ટૅન્ડની દીવાલો પર રાતના અંધારામાં ચોરીછૂપે ચોંટાડેલાં બિલ્સ અને પોસ્ટરોમાં, જાહેર શૌચાલયોની દીવાલો પર બૉલપેનથી લખેલા સંદેશામાં વગેરે. આ અવકાશોમાં પણ એમની ઉપસ્થિતિ ચિંતાજનક તો છે જ, પણ ખતરનાક નથી. સામુદાયિક જીવન પર ખતરો તો ત્યારે તોળાય છે, જ્યારે આ ઝેરી વાંઙ્‌મય સાર્વજનિક ક્ષેત્રમાં પ્રવેશે છે, જ્યારે ફ્રેઝર જેવા નેતા અને પ્રતિનિધિઓ થકી જાહેરજીવનમાં આ વિચારોનું મેઇનસ્ટ્રીમિંગ થાય છે.

ક્રાઇસ્ટ ચર્ચના ઘોષણાપત્રમાં માત્ર બે પ્રધાન વિચાર છેઃ સ્થળ(ઘર) અને સંખ્યા. હત્યારો લખે છે, યુરોપ ગોરીપ્રજાનું ઘર છે જેમ મધ્યપૂર્વ કે આફ્રિકા મુસ્લિમપ્રજાનું અને ઇઝરાયેલ યહૂદીઓનું ઘર છે. એ લોકો એમના પોતાના ઘરમાં રહે, પોતાનો ધર્મ પાળે અને પોતાની પરંપરાને જાળવે એનો વાંધો નથી. પરંતુ જ્યારે એ લોકો અતિક્રમણ કરી યુરોપમાં ઘૂસે અને પછી ઊંચા પ્રજનનદરને કારણે ઘેટાં-બકરાની જેમ વધવા માંડે – ત્યારે ઘરના માલિકોનો અવકાશ તો ઓછો થાય જ, પણ સાથે સાથે સહવાસ અને સંક્રમણને કારણે એમની શુદ્ધ, મૂળ સંસ્કૃતિ અને પરંપરા પણ દૂષિત થાય. અહીં અંકિત થતી ‘ઘર’ની પરિકલ્પનામાં ભારતીય નેતૃત્વની ભાષાના પડઘા સંભળાય છે. આ જ નેતૃત્વે સમય-સમયે જનમાનસમાં મદ્રાસી, બિહારી, ભૈયા અને મારવાડી પ્રત્યે સૂગ પેદા કરી છે. અરીસાની દીવાલોવાળા વૈચારિક, સામાજિક, ધાર્મિક અને રાષ્ટ્રીય ઘરમાં આપણે ફક્ત પોતાની જ છબી જોવા માટે તૈયાર અને તત્પર બની ગયા છીએ અને એ સેક્રોસૅંક્ટ સ્પેસમાં અન્યનો પ્રવેશ રોકવા માટે સજડબંબ કિલ્લેબંધી કરી રહ્યા છીએ. આ મનઃસ્થિતિનાં મૂળ જેટલાં સામ્રાજ્યવાદ અને મૂડીવાદમાં પડ્યાં છે એટલાં જ ફાસીવાદ, રાષ્ટ્રવાદ અને બહુસંખ્યકવાદમાં પડ્યાં છે. વધુમાં હત્યારો લખે છે, અલ્પસંખ્યક હોવું એ અભિશાપ છે, કારણ કે એમનું હંમેશાં દમન અને શોષણ જ થતું હોય છે. સામાજિક સંરચનામાં સંખ્યાના તત્ત્વને મહત્ત્વ આપવાનું શ્રેય પ્રજાસત્તાક રાજ્યવ્યવસ્થાને ફાળે ભલે જતું હોય પરંતુ અલ્પસંખ્યકોની કફોડી હાલત માટે લોકતંત્રને જવાબદાર ઠેરવવું એ પાડાને વાંકે પખાલીને ડામ દેવા જેવું છે. ભારતીય સંવિધાનમાં અલ્પસંખ્યકોનાં કલ્યાણ, રક્ષણ અને સ્વાયત્તતા મારે પૂરતાં પ્રાવધાન છે. આમ છતાં જો એક સમાજ તરીકે આપણે નિષ્ફળ ગયા હોય, તો એની જવાબદારી આપણા રાજકીય પ્રતિનિધિઓની, સામાજિક આગેવાનોની અને ધર્મગુરુઓની અને સાથે – સાથે નાગરિકોની પણ છે, કેમ કે આપણે જ એમને ગાદીપતિ બનાવ્યા છે.

ભાષા, ભૂગોળ અને સંસ્કૃતિનાં ક્ષેત્રોનું અંધાધૂંધ પરિમાર્જન કરવું, એમાંથી અનધિકૃત અને અપ્રમાણભૂત તત્ત્વોનો નિકાલ કરવો અને સામાજિક જીવનમાં ઐતિહાસિકતાને બદલે અવકાશને પ્રાધાન્ય આપવું વગેરે અતિવાદી વિચારધારાના સિદ્ધાંતોની પુષ્ટિ કરતા ફ્રેઝર અને ક્રાઇસ્ટ ચર્ચનો હત્યારો એક સિક્કાની બે બાજુઓ છે. બંને એકબીજાના પૂરક છે અને એટલા જ હિંસક છે. ફ્રેઝરની હિંસા ભાષા થકી અભિવ્યક્ત થાય છે. એ એવો નાઝીવાદી નેતા છે જે સેનેટમાં પોતાના પહેલવહેલા ભાષણમાં જ મુસ્લિમોના સ્થળાન્તર સંબંધે ‘ફાઇનલ સૉલ્યુશન’ની વાત કરી શકે છે. ભારતીય પરિપ્રેક્ષ્યમાં પણ ફ્રેઝરના કાકા-મામાના મળી આવે છે. હકીકતમાં રાજકીય હિતો ખાતર થતો હિંસક ભાષાનો પ્રયોગ જાતિસંહારના ઇતિહાસમાં ઉદ્દીપકની ભૂમિકા ભજવતો રહ્યો છે. નાઝીઓ દ્વારા યહૂદીઓ માટે વપરાયેલું ઉંદરડાનું રૂપક હોય, રોહિંગ્યા મુસલમાનોની કત્લેઆમમાં તેલ રેડનારું ‘પાગલ કૂતરાંઓ’નું રૂપક હોય, તુસ્તીઓ માટે વપરાયેલું ‘વંદા’નું રૂપક હોય, આર્મેનિયન પ્રજા માટે વપરાયેલું સડન અને પરોપજીવીનું રૂપક હોય કે પછી ભારતમાં બાંગ્લાદેશી મુસલમાનો માટે વપરાતું ‘ઊધઈ’નું રૂપક હોય, આ બધી ભાષાઓના મૂળમાં ધર્માંધતા, ઝેનોફોબિયા અને ઘૃણા રહેલાં છે અને ભાષા થકી એ ઝેરનું જનમાનસમાં રીતસર આરોપણ અને લેજિટિમાઇઝેશન કરવામાં આવે છે. આવા ગંધાતા આંતરરાષ્ટ્રીય રાજકીય વાતાવરણમાં જસિન્ડા આરડર્ન શીતળ, ચોખ્ખી હવાની લહેરખી પેઠે વહી આવે છે.

એ ગોઝારા દિવસે ન્યૂ પ્લાઇમાઉથમાં ક્લાઇમેટ ચેઇન્જના મુદ્દે હડતાલ પર બેઠેલા સ્કૂલના વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા જસિન્ડા સરપ્રાઇઝ વિઝિટ કરે છે અને બાળકોની પહેલને બિરદાવે છે.

“અહીંયાં ન્યુઝીલૅન્ડમાં અમે તમને સાંભળી રહ્યા છીએ. અમે જાણીએ છીએ કે સઘન કાર્યવાહી કરવી પડશે અને થઈ પણ રહી છે. પણ તમે જે કાંઈ કરી રહ્યા છો, તેનાથી પણ અમને ખાસ્સી મદદ મળશે, કેમ કે લોકોના સાથ અને સહકાર વિના અમે આ જંગ જીતી નહિ શકીએ.”

હુમલાના સમાચાર મળતાંની સાથે જ જસિન્ડા બાકી બધા કાર્યક્રમો સ્થગિત કરી સીધાં હોટલ પર પહોંચે છે અને પત્રકારોને સંબોધે છે. આ સંક્ષિપ્ત સંબોધનમાં તેઓ ખૂબ મહત્ત્વના મુદ્દાઓની ચર્ચા કરે છે, જે લોકોને હુમલા અને હુમલાખોરને જોવાનો-મૂલવવાનો એક દૃષ્ટિકોણ પૂરો પાડે છે. સૌ પ્રથમ જસિન્ડા હુમલાને દેશના ઇતિહાસમાં અભૂતપૂર્વ અને અસામાન્ય ‘આતંકવાદી’ ઘટના તરીકે લેખે છે. ઘેરા દુઃખની લાગણી સાથે જણાવે છે કે હુમલામાં આહત થયેલા લોકો દેશાંતરવાસીઓ કે શરણાર્થીઓ હોઈ શકે છે.

“એ લોકોએ ન્યુઝીલૅન્ડને પોતાનું ઘર બનાવવાનો નિર્ણય કર્યો હતો અને ન્યુઝીલૅન્ડ એમનું ઘર છે જ. ધે આર અસ. બીજી બાજુ જે લોકોએ આ ઘૃણાસ્પદ કૃત્યને અંજામ આપ્યો છે, એમના માટે અહીં તસુભર જગ્યા પણ નથી.”

પ્રેસ કૉન્ફરન્સ પૂરી કરી જસિન્ડા સીધા વેલિંગ્ટન રવાના થાય છે, જ્યાં ‘બિહાઇવ’ પાર્લામેન્ટ હાઉસમાં મંત્રણા ચાલી રહી છે. એ જ રાત્રે જસિન્ડા રાષ્ટ્રીય શોક જાહેર કરે છે અને સરકારી કચેરીઓ અને ઇમારતો પર રાષ્ટ્રધ્વજને અડધી કાઠીએ ફરકાવવાની સૂચના જારી કરે છે. ટ્રમ્પ વિરોધી મનાતાં જસિન્ડા ટેલિફોનિક વાતચીત દરમિયાન ટ્રમ્પને જણાવે છે : આ ઘડીએ યુ.એસ. પાસે ન્યુઝીલૅન્ડને એક જ અપેક્ષા છે, આખી દુનિયાના મુસ્લિમ સમુદાય માટે સહાનુભૂતિ અને પ્રેમ. બીજે દિવસે સવારે જસિન્ડા સીધા ક્રાઇસ્ટચર્ચ પહોંચે છે અને ઘાયલો અને પીડિતોનાં કુટુંબીજનોની મુલાકાત લે છે. કાળા રંગનો હિજાબ પહેરી જસિન્ડા મુસ્લિમ સમુદાયને જે રીતે સંબોધે છે, તે ભારતમાં આજની તારીખમાં તો દુર્લભ છે.

“સલામ આલેકુમ! આજે હું અહીં દુઃખ લઈને આવી છું, ન્યુઝીલૅન્ડના લોકો અનુભવી રહ્યા છે, એ પારાવાર દુઃખ. તમારું દુઃખ અમે સમજી શકીએ છીએ, કેમ કે તમે પારકા નથી. યુ આર અસ.”

જસિન્ડાનો વાર્તાલાપ એક બાજુ સહાનુભૂતિ અને અનુકંપાથી તરબતર છે, તો બીજી બાજુ એક કાબેલ પ્રશાસનના નેતાને છાજે એ રીતે તે હાથ ધરવામાં આવેલી કાર્યવાહી અને સલામતીનાં પગલાંનો પણ અહેવાલ આપે છે. મૃતકોની દફનવિધિ, ન્યુઝીલૅન્ડમાં બેખોફ વસવાટ અને બંદગી માટે સલામત વાતાવરણ તથા રાજ્યની વળતર માટેની યોજના (જેમાં દફનવિધિનો ખર્ચ અને સાલો સુધીનું નિર્વાહભથ્થું વગેરે સામેલ છે) વગેરે મુદ્દે જસિન્ડા મુસ્લિમ સમુદાયને બાંયધરી આપે છે. સ્ત્રીઓને લાંબુ પ્રેમસભર આલિંગન આપી એમનાં દુઃખમાં શામિલ થાય છે અને પુરુષોની સાથે ગંભીરતા અને દિલાસાભર્યો સંવાદ કરે છે, અને આ સઘળા વ્યવહાર દરમિયાન એના ચહેરા પર સહજ ગમગીની અને મક્કમ પ્રતિબદ્ધતાના ભાવ છવાયેલા રહે છે.

૧૯મી માર્ચે ઊઘડતા સંસદના સત્રમાં વિવિધ ધર્મના પ્રતિનિધિઓને આમંત્રિત કરવામાં આવે છે. ઇમામ નિઝામ ઉલ હક થાનવી સભાગૃહમાં ધારાસભ્યોની વચ્ચે અરબી પ્રાર્થના ગાય છે. સંસદમાં પોતાના વક્તવ્યની શરૂઆત જસિન્ડા સલામ આલેકુમથી કરે છે. ન્યુઝીલૅન્ડના સાંસ્કૃતિક ચરિત્રને પરિભાષિત કરતાં કહે છે કે ૨૦૦ જેટલી જાતિ અને ૧૬૦ જેટલી ભાષાઓથી સમૃદ્ધ આ દેશના દરવાજા લોકો માટે હંમેશાં ખુલ્લા રહ્યા છે. પરંતુ ક્રાઇસ્ટચર્ચની ઘટના પશ્ચાત્‌ એ દરવાજા ઘૃણા અને આતંક ફેલાવતાં લોકો માટે સદંતર બંધ થઈ ગયા છે. દેશની મસ્જિદોની બહાર ઊભરાતાં ફૂલોના ઢગલા લોકોના પ્રેમ અને સહાનુભૂતિનું પ્રમાણ છે. પણ એક દેશ તરીકે અમે અમારા લોકોને હિંસાના ભયથી આઝાદ કરવા માંગીએ છીએ; જાતિવાદ ને ઘૃણાના વાતાવરણથી મુક્ત કરવા માંગીએ છીએ, જેમાં આવી હિંસા ફૂલતીફાલતી હોય છે. આપણી પાસે એમ કરવાની શક્તિ છે અને આપણે આઝાદી મેળવીને જ જંપીશું. વક્તવ્યમાં જસિન્ડા ફ્રેઝરના પ્રતિરૂપ સમા આતંકવાદી વિષે કહે છે :

“એના ત્રાસવાદી કૃત્ય પાછળ ઘણાં પ્રયોજનો હશે, પણ એમાંનું એક છે (બદ)નામના અને એટલા માટે જ હું કદી એનું નામ નહિ લઉં. એ એક આતંકવાદી છે, એક ગુનેગાર છે, એક અંતિમવાદી છે, પણ જ્યારે હું એના સંબંધમાં વાત કરીશ, ત્યારે એ એક નામવિહોણો માણસ હશે. આપણે, અહીં ન્યુઝીલૅન્ડમાં, એને કશું જ નહિ આપીએ; નામ પણ નહિ.”

હુમલાના છ દિવસની અંદર જસિન્ડા દેશના ગન લૉઝમાં ફેરફાર કરે છે અને મિલિટરીમાં વપરાતી સેમી-ઑટોમેટિક બંદૂક અને રાઇફલોની ખરીદી અને કબજા પર રોક લગાવે છે. ઉત્તરદાયિત્વની સભાનતા એટલી કે કબજો ધરાવતા નાગરિકો માટે ‘બાયબૅક’ યોજના ચલાવે છે.

અદેખાઓ જસિન્ડાના વ્યવહારને ‘પોશ્ચરિંગ’ કહી ભલે ઉતારી પાડે, પણ વૈકલ્પિક નેતૃત્વની કલ્પના પર રચાયેલું અવ્યાકરણીક ‘ધે આર અસ’નું વ્યાકરણ  સમજવું અઘરું નથી. ભાષાકીય શક્યતાઓની સીમાનો વિસ્તાર સાધી, જસિન્ડા ‘આપણા લોકો’ અને ‘એ લોકો’, ‘પોતાના અને ‘પારકા’, ‘મૂળનિવાસી’ અને ‘દેશાંતરવાસી’, ‘આત્મ’ અને ‘અન્ય’ જેવા ઉભયો વચ્ચે ચણી દેવાયેલી દીવાલો ધ્વસ્ત કરે છે અને નેતૃત્વનું માનવીય, નિષ્પક્ષ અને સંવેદનશીલ રૂપક પૂરું પડે છે. આ રૂપક ભારતના નેતૃત્વને આદર્શ પૂરો પાડે એવી પ્રભુ પ્રાર્થના.              

E-mail : hemargde@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2019; પૃ. 03-04

Loading

2 April 2019 admin
← આંકડા : શ્વાસ અને વિશ્વાસ
લેખન, મુદ્રણ, પ્રકાશન ક્ષેત્રના અગ્રણી ઇચ્છારામ ‘ગુજરાતી’ દેસાઈ →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved