
રવીન્દ્ર પારેખ
આજની પરિસ્થિતિ એવી છે કે ભારત મારો દેશ છે – એ પ્રતિજ્ઞા ઠગારી લાગે ને પ્રજાને કહેવું પડે કે ભારત મારો નહીં, પણ ભાર તમારો દેશ છે. ભ્રષ્ટાચાર, ઠગાઈ, દુષ્કર્મ, ડ્રગ્સ … વગેરે આખા દેશમાં રાજરોગની જેમ વકરેલાં છે. રાજકીય પક્ષો પ્રજાનું મૂલ્ય મતથી વિશેષ આંકતા નથી ને પ્રજા, સરકાર કોઈ પણ હોય, પોતાની હોજરી ફાટફાટ કઈ રીતે થાય એ સિવાય બીજું કૈં વિચારતી નથી. સરકાર વિકાસમાં રકાસ કરી રહી છે ને પ્રજા સામેનાનો રકાસ કરીને પોતાનો વિકાસ કરી રહી છે. સરકાર કરતાં પ્રજા વધુ ભ્રષ્ટ છે તેનાં અનેક ઉદાહરણો મળે તેમ છે. એમાં વચેટિયાઓ પ્રજાની અને સરકારની ઘોર ખોદવામાં મોખરે છે. એજન્સીઓને, કોન્ટ્રાક્ટરોને સરકારે અને સંસ્થાઓએ કારભાર સોંપી દેતાં તમામ સ્તરે ભ્રષ્ટાચાર, નષ્ટાચાર થઈને રહ્યો છે. સડકો તૂટવા માટે જ બંધાય છે. વરસાદ રસ્તે રસ્તે વહી શકે એ માટે પ્રિ-મોન્સૂન કામગીરી થાય છે. આખી ગાડી ભૂવામાં ઊતરી ન જાય ત્યાં સુધી એ કામગીરી પૂરી થતી નથી.
બહેરામપુરા-અમદાવાદના જર્જરિત આવાસના કેસમાં હાઇકોર્ટે સોંસરો સવાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને એ પૂછ્યો કે સરકારી આવાસ યોજના હેઠળ બંધાયેલા આવાસો દસ-પંદર વર્ષમાં જ જર્જરિત થઈ જાય અને રહેવા લાયક ન રહે તો તમે તપાસ કેમ ના કરી? તળિયા ઝાટક તપાસ તો આખા દેશની કરવા જેવી છે. કેટલી ય ઇમારતો, પુલો વગેરે બને, બને ત્યાં તો જર્જરિત થવાં લાગે છે. કેટલા પુલો તૂટી પડ્યા ને કેટલા તૂટવા પર છે એની તપાસ થાય તો દેહ પર ચામડી ન રહે એટલો ભ્રષ્ટાચાર થયાનું બહાર આવે એમ છે.
બધું જ ખતમ થઈ રહ્યું હોય એવું વાતાવરણ છે. નકલ એટલા સ્તરે વ્યાપી છે કે નકલ જ અસલ લાગે. ઠેર ઠેર નકલી ચીજ વસ્તુઓનો રાફડો ફાટ્યો છે જાણે ! તહેવાર આવે છે ત્યારે જ મીઠાઈની તપાસ ચાલે છે. તહેવારોમાં જ રેડ પડે છે. એ સિવાય કોઈને કોઈ પ્રશ્નો નડતા નથી. એકાદ દિવસમાં જ દિવાળી ટાણે કડીમાં 2,500 કિલો નકલી ઘી, ડીસામાં 2,368 કિલો શંકાસ્પદ તેલ અને મહેસાણામાં 834 કિલો બનાવટી પનીર પકડાતું હોય તો આડે દિવસે બધું શુદ્ધ જ વેચાય છે એવું કઈ રીતે માનવું? પણ, ફૂડ વિભાગ તહેવારો વખતે જ જાગે છે. નકલીનું તો સામ્રાજ્ય ફેલાયું છે. નકલી ઘી-તેલનો એકલ દોકલ પ્રયત્ન નથી થતો, આખેઆખી ફેક્ટરીઓ પકડાય છે. 10 દિવસમાં જ કડીમાંથી નકલી ઘીની બે ફેક્ટરીઓ પકડાઈ, તો ટંકારાના લજાઈ પાસે SMCએ નકલી તેલની ફેક્ટરી પકડી ને 21,488 લિટર ઓઇલની સાથે 23.17 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. ડ્રગ્સમાં પણ એમ જ થયું છેને ! અંકલેશ્વર, પલસાણા, ઉમરગામમાંથી ડ્રગ્સની ફેક્ટરીઓ પકડાઈ છે, એટલું ઓછું હોય તેમ અંકલેશ્વરથી જ ડ્રગ્સ બનાવતી બીજી ફેક્ટરી પણ ઝડપાઈ છે. આ પાપ તો પ્રજા કરે છે ને? એટલે બધાંમાં જ સરકાર જવાબદાર છે એવું નથી.
નકલી ઘી, તેલ, દૂધ, માવો, તો પ્રજાને કરમે ચોંટયાં જ છે, પણ આ નકલ, ખાદ્ય સામગ્રીઓ પૂરતી જ સીમિત નથી, તે અનેક બાબતોમાં વિકસી છે. સરકાર અને અન્ય તંત્રો કદાચ પહોંચી નહીં વળતાં હોય એટલે નકલો વધુ થવા માંડી છે. આમ તો સરકાર બીજાને માટે, કરકસરના ભાગ રૂપે પૂરતો સ્ટાફ રાખતી નથી, એટલે સ્ટાફ સાથે જ ઠગો નકલી સરકારી ઓફિસ ઊભી કરી દે છે. છોટા ઉદેપુરની એ ઓફિસ તો સરકાર પાસેથી ગ્રાન્ટ પણ મંજૂર કરાવી લાવી હતી ને સરકારને એની ખબર પણ પડી ન હતી. દેખીતું છે કે નકલી ઓફિસ ચલાવવા અસલી અધિકારી તો ન ચાલે, એટલે નકલી અધિકારી કે નકલી પોલીસ પણ આપોઆપ જ ઊભાં થઈ જાય છે. નકલી CBIની ખોટ પણ ઠગોએ પ્રજાને સાલવા દીધી નથી. થોડા વખત પર નકલી ટોલ નાકું પણ પકડાયેલું ને તેણે ઘણાંને ટાલ પાડી દીધેલી એવો ખ્યાલ છે. આટલું બધું નકલી હોય ત્યાં નકલી કોર્ટ ને નકલી જજ પણ શું કામ બાકી રહી જાય?
ગાંધીનગરમાં નકલી કોર્ટ બનાવીને અબજો રૂપિયાની 100 એકરથી વધુ સરકારી જમીન, નકલી જજે પોતાને નામે કરી લીધી છે. તાજેતરમાં જ નકલી આર્બિટ્રેશન જજ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયનનું કૌભાંડ સામે આવ્યું છે. ગાંધીનગરના આદરેજમાં રહેતા ક્રિશ્ચયન પાસે વિદેશી ડિગ્રી હોવાનું કહેવાતું હતું, પણ તેની સામે પણ હવે શંકાઓ થઈ રહી છે. તેણે ટ્રિબ્યુનલ જેવી કોર્ટ ઊભી કરી ને તેમાં નકલી સ્ટાફ પણ રાખ્યો. પાલડીમાં આવેલી સરકારી જમીન હડપવા મોરિસે ખોટો એવોર્ડ હુકમ કર્યો ને અત્યાર સુધી તે પોતાની તરફેણના હુકમો જ કરતો રહ્યો. તેની સામે ફરિયાદો થતાં મામલો કોર્ટમાં પહોંચ્યો. આર્બિટ્રેટર જજ ન હોવા છતાં ખોટા હુકમો કરીને મોરિસે ગુનાહિત કાવતરું કર્યું. એ વાત કોર્ટના ધ્યાનમાં આવતાં નકલી આર્બિટ્રેટર જજનો ભાંડો ફૂટ્યો ને સરકારી વકીલે મોરિસ સેમ્યુઅલ સામે ફોજદારી પગલાં લેવાની માંગણી પણ કરી.
નકલી જજ સામે નવ વર્ષ પહેલાં પણ અરજી થઈ હતી, પણ કૌભાંડ ચાલતું રહ્યું હતું ને ઓર્ડર પણ પાસ થતા રહ્યા હતા. વકીલની અરજી પણ 2007માં ફગાવાઈ હતી, પણ જજની પ્રેક્ટિસ કોઈ રોકી શક્યું ન હતું. આ નકલી જજ પાસે અલગ અલગ નામના નવ પાસપોર્ટ હતા એ મુદ્દે તે મુંબઇમાં પકડાયો પણ હતો ને પછી જામીન પર છૂટી ગયો હતો. વકીલાતની સનદ ન હતી, છતાં 17 વર્ષથી તે પ્રેક્ટિસ કરી રહ્યો હતો. કોર્ટમાં રજૂ કરાતા તેનું એક જ રટણ ચાલતું હતું કે તે જ અસલી લવાદ જજ છે ને તેના પુરાવા પણ છે. આ માણસે ભોળા ને નિર્દોષ લોકોને છેતર્યા છે, એટલું જ નહીં, સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં આ આરોપી નકલી વકીલ પણ બન્યો હતો. હવે તે જજ નથી, આમ તો ક્યારે ય ન હતો, પણ તેને કોઈ આરોપી તરીકે સંબોધે તે મંજૂર નથી.
વ્યક્તિગત ધોરણે એકબીજાને છેતરવાના તો અનેક કિસ્સાઓ મીડિયામાં આવતા રહે છે ને હવે તો છેતરપિંડી પણ કરોડોમાં થાય છે. સમજાતું નથી કે કરોડો રૂપિયા, છેતરાવા માટે, લોકો પાસે આવે છે ક્યાંથી? દેશમાં જાણે કોઈ ગરીબ જ રહ્યું નથી ! કોઈને મોંઘવારી લાગતી જ નથી. કરોડોમાં લૂંટાવું કે છેતરાવું હવે સામાન્ય થઈ પડ્યું છે. એટલાં બધાં ક્ષેત્રોમાં છેતરપિંડી અને નકલખોરી ચાલે છે કે સામાન્ય માણસ માટે છેતરાવું અનિવાર્ય થઈ ગયું છે.
ખોરાકમાં નકલી વસ્તુઓથી છેતરનારાઓની ભીડ છે. તહેવારો આવે છે કે બધાંને લૂંટવાનો, છેતરવાનો પરવાનો મળી જાય છે. નકલી ખાદ્યસામગ્રીથી છેતરાયા, તો હવે નકલી ઓફિસ, અધિકારીથી છેતરાવ ! એ રીતે છેતરપિંડીનો ભોગ બનો ને મન થાય કે પોલીસ ફરિયાદ કરવી છે, તો નકલી પોલીસ, નકલી સી.બી.આઈ.થી બચવાનું મુશ્કેલ. એ બધાં પછી ધારો કે અસલી પોલીસ મળ્યો ને અસલી ફરિયાદ પણ થઈ તો ન્યાય મળે જ એની કશી ખાતરી નથી, કારણ કોર્ટ અસલી છે કે જજ અસલી છે એ માપવાનું કોઈ સાધન નથી. અસલી કોર્ટમાં જ જ્યાં ન્યાયના ફાંફાં છે, ત્યાં નકલી કોર્ટમાં ન્યાયની તો કલ્પના જ શી કરવાની? સામાન્ય માણસે ક્યાંક ને ક્યાંક તો નકલખોરીથી ઠગાવાનું જ છે. હવે ઠગાઈથી જ સગાઈ હોય, તો બીજું થાય પણ શું? એવું બને કે કોઈને બદલે કોઈ નકલી જ, જિંદગી જીવી જાય ને પેલો મૂરખની જેમ ખૂણો પાળતો રહી જાય કે કોઈ મરવાનું વિચારે ને કોઇ નકલી જ મરી જાય ને પેલાની મરવાની ઈચ્છા અધૂરી રહે એમ બને. આમ તો અશક્ય લાગતી વાત છે આ, પણ નકલી કોર્ટ સુધી તો આવ્યા જ છીએ, તો કાલ ઊઠીને કોઈ નકલી સરકાર સામે આવે કે કોઈ આખું રાજ્ય કે દેશ જ નકલી નીકળે તો આઘાત ન લાગે એ હદે નકલખોરી વ્યાપક થઈ રહી છે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 25 ઑક્ટોબર 2024