ઑપરેશન સિંદૂરથી ઇમરાન ખાનની મુક્તિ સુધીનો ખેલ વૈશ્વિક રાજકારણને ધરમૂળથી બદલી શકે છે

ચિરંતના ભટ્ટ
2025નું વર્ષ અને દક્ષિણ એશિયા ફરી એકવાર વૈશ્વિક સત્તાના ત્રિકોણના કેન્દ્રમાં છે – એક એવી સ્થિતિ જ્યાં ઇતિહાસ હજી અધૂરો છે, જે પણ યુતિ કે સંગઠન છે તેનો આધાર વ્યવહારિક છે અને પરમાણુ શક્તિ દાવ પર લાગેલી છે.
એક તબક્કે પાકિસ્તાન ક્રિકેટના મસિહા ગણાતા અને બાદમા લોકપ્રિય નેતા બનેલા ઇમરાન ખાન આમ તો જેલમાં છે, પણ તેમનું શું થશે અથવા તેમની સાથે શું થઈ રહ્યુ છે તેની અટકળો સતત ચાલુ છે. છેલ્લા સમાચાર અનુસાર અમેરિકાનું દબાણ, પાકિસ્તાનની વર્તમાન આંતરિક અરાજકતા અને ત્યાંની લશ્કરી ગણતરીઓને કોઈ ઊહાપોહ વગર પુનર્ગઠન કરવાના હેતુથી ઇમરાન ખાનને થ્રી પોઈન્ટ ડિપ્લોમસીની શરતી મુક્તિ મળે એવી ચર્ચા ચાલી રહી છે. દેશ લોકશાહીના ભ્રમ અને હળવા માર્શલ લૉની વચ્ચે ભીંસાઈ રહ્યો છે, ફુગાવો ફાટ્યો છે અને IMF માથે ધૂણે છે. અધૂરામાંપૂરું લશ્કરી તંત્ર ખંડિત છે ત્યારે પાકિસ્તાન આ સંજોગોમાંથી એ રીતે બહાર નીકળવાના પ્રયાસમાં છે, જે રીતે કોઈ સુરંગ પથરાયેલા મેદાનમાંથી સાવચેતી બહાર નીકળવા પ્રયત્નશીલ હોય. આ એક્ઝિટ એક રાજકીય વ્યૂહરચના સમી હોય તે પાકિસ્તાન માટે અનિવાર્ય છે, એ વાત અલગ છે કે એ સ્તરનું વૈચારિક કૌશલ જો પાકિસ્તાન પાસે હોત તો આ સંજોગો ખડા જ ન થયા હોત.
પહલગામના આતંકવાદી હુમલાનો જવાબ ભારતે ઑપરેશન સિંદૂરથી આપ્યો. પાકિસ્તાનને આંચકો લાગ્યો પણ છતાં પણ મિયાં પડે પણ ટંગડી ઊંચી વાળો ઘાટ રહ્યો. પરમાણુ હુમલાનો ખતરો માથે તલવારની જેમ તોળાતો રહ્યો પણ નસીબજોગે એ નોબત ન આવી. દુનિયા આખીએ આ ઘટનાઓ ઝીણી નજરે જોઈ. સ્વાભાવિક છે કે કભી હાં, કભી ના કરતા યુ.એસ.એ.એ ફરી ભારત-પાકિસ્તાનના તણાવમાં મંચ પ્રવેશ કર્યો. ડૉનાલ્ડ ટ્રમ્પની સેકન્ડ સિઝન ચાલે છે ત્યારે વ્હાઇટ હાઉસે મધ્યસ્થી બનાવની વાત કરી જો કે એ બધું ટ્વીટ્સમાં હતું પણ વાસ્તવિકતામાં ટેરિફનો બોજ પણ હતો. સહેજ મરકીને અમેરિકાએ યુદ્ધવિરામને પોતાની સફળતા ગણાવી, જો કે ભારતે તો બિંધાસ્ત એમ કહ્યુ કે આ ડિ-એસ્કેલેશન તો એક પક્ષીય છે. યુ.એસ.એ.એ ભારત-પાકિસ્તાન વચ્ચેના વિરામ અંગે જે પણ કહ્યું એમાં પાકિસ્તાનને ધરપત થઇ હશે તો ભારતે ભવાં ચઢાવ્યા હશે. યુ.એસ.એ.નો આ મંચ પ્રવેશ પોતાના માર્કેટિંગનો એક કેમિયો હતો એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. ભારત-પાકિસ્તાન અને યુ.એસ.એ.નું આ ત્રિકોણ એવું છે કે એમા કોને શું જોઈએ છે તે કળવું સમય અને સંજોગો સાથે બદલાતું રહ્યું છે. ઘણીવાર આ ત્રિકોણમાં ઘટનાઓ એટલી નાટ્યાત્મક હોય છે કે નાટકની ભાષામાં કે બંધારણમાં તેને સમજવાનો પ્રયત્ન વધું સરળ થઈ પડે. જે ઉપર ચર્ચ્યો એ પહેલો અંક હોઈ શકે જે હાલની પરિસ્થિતિનો ચિતાર આપે છે.
આ ત્રિકોણમાં કોણ શું ઇચ્છે છે?
હવે આ આ ખેલના બીજા અંક પર નજર નાખીએ. પહેલાં આપણી જ વાત કરીએ તો આપણે ત્યાં મોદી સરકારની ત્રીજી સિઝન ચાલે છે. આપણને વિશ્વગુરુ બનવું છે એટલું જ નહીં પણ દક્ષિણ એશિયામાં આપણી જે ભૌગોલિક સ્થિતિ છે, આપણા જે સંજોગો અને ક્ષમતાઓ છે તેના આધારે આપણને સૌથી મોખરાના, અગત્યનાં અને આપણા પાડોશી દેશો કરતાં બધાં જ પાસે વધુ મજબૂત થવાની ચાહના છે. વળી કાશ્મીરના મુદ્દે આપણને કોઈ હસ્તક્ષેપ નથી જોઈતો. આપણને એટલે કે આપણી સરકારને હવે એટલી તુમાખી રાખવી છે પાકિસ્તાન પર કરેલી સર્જિકલ સ્ટ્રાઇક્સ અને આતંકવાદ સામે અગાઉ રાખેલા સંયમને આપણે વારંવાર સમજાવવો ન પડે – તેની ચોખવટ ન આપવી પડે. આપણને યુ.એસ.એ.નો સાથ માત્ર ટૅક અને સંરક્ષણના મામલે ભાગીદાર તરીકે જોઈએ છે પણ વગર કારણ ચંચુપાત કરનારા મધ્યસ્થી તરીકે નથી જોઈતો.
આ ખેલનું બીજું પાત્ર છે પાકિસ્તાન. પાકિસ્તાનને જોઈએ છે કે તે દેવામાંથી મુક્ત થાય, કાશ્મીરના મુદ્દાને આંતરરાષ્ટ્રીય સ્તરે ફરી એકવાર પોતાના દૃષ્ટિકોણથી ગંભીરતાથી લેવામાં આવે અને પોતાને એક રાષ્ટ્ર તરીકે વૈશ્વિક સ્તરે સન્માનથી જોવાય એ જ પાકિસ્તાનની ઇચ્છા છે. અમેરિકાએ પાકિસ્તાનથી અંતર કર્યું છે અને પાકિસ્તાન ચાહે છે કે ફરી એકવાર અમેરિકા તેના સ્પીડ ડાયલ પર હોય – મદદ જોઈતી હોય ત્યારે નહીં પણ તે પાકિસ્તાનને ગણે છે, તે જે કરે છે તેને તેને માન્યતા આપે છે એ રીતે.
યુ.એસ.એ.ની વાત કરીએ તો મહાસત્તાનું લેબલ લાગ્યું છે એટલે સત્તા અને નિયંત્રણ વગરનું કશું ય અમેરિકાને પચે એમ નથી. પાકિસ્તાન યુ.એસ.એ. માટે એક એવો છોકરો છે જે નઘરોળ છે પણ છતાં ય મા-બાપના કહ્યામાં હોય – પાકિસ્તાન પોતાના નિયંત્રણમાં રહે તેમ યુ.એસ.એ. ઇચ્છે છે. જો પાકિસ્તાન એક તૂટેલા પરમાણુ બ્લેક હોલની ફિતરત પાળશે તો અમેરિકાને ભારે પડશે. આ તરફ ભારત તેમને માટે ચીનને અપાતો તગડો પ્રત્યુત્તર હોય એવી સ્થિતિ તો અમેરિકાને જોઇએ જ છે પણ વૈશ્વિક ખેલાડી તરીકે ભારત અમેરિકાની ટીમમાં હોય તેવું પણ યુ.એસ.એ ઇચ્છે છે. જો કે ભારતને આ પશ્ચિમ માટે નિયમોને આધિન રહેવાની સ્થિતિ તરીકે નાણે છે.
બાકીનું આખું વિશ્વ આ ત્રિકોણને ધારદાર અને ધરી પર ઇચ્છે છે પણ તેમાં કંઇપણ સ્ફોટક ન હોવું જોઇએ તેવી જ તેમની ચાહ છે. દક્ષિણ એશિયા હવે કંઇ પ્રાદેશિક કે સ્થાનિક બાબત નથી પણ એક વૈશ્વિક ટ્રિગર પોઈન્ટ છે.
અહીં સુધી આપણે કેવી રીતે પહોંચ્યા?
ભારત, પાકિસ્તાન અને અમેરિકાના મુદ્દે આપણે એ પણ સમજવું પડે કે જે ત્રિકોણ હતું એ આવું બર્મુડા ટ્રાયંગલ કેમ બની ગયું છે. પરિસ્થિત આટલી વિકટ નહોતી. શીત યુદ્ધ થયું ત્યારે પાકિસ્તાન અમેરિકાનો લાડકો દીકરો હતો, ત્યારે પાકિસ્તાને CENTO અને SEATOમા જોડાવાનું નક્કી કર્યું અને તગડી લશ્કરી સહાય મેળવી. જવાહરલાલ નહેરુના નેતૃત્વમાં ભારતે આ જોડાણ ટાળ્યું અને ડાબેરી ઝુકાવ રાખીને યુ.એસ.એસ.આર. સાથે સંબંધો કેળવ્યા. 1971માં નિક્સને પૂર્વ પાકિસ્તાન એટલે કે આજના બાંગ્લાદેશમાં નરસંહાર પર નજર રાખતી વખતે પાકિસ્તાનને ટેકો આપ્યો તો ઇન્દિરા ગાંધી પૂર્વ તરફ વળ્યાં અને સોવિયત સાથેની સંધી પર હસ્તાક્ષર કર્યા અને યુ.એસ.એ.-ભારતની દોસ્તીની કિંવદંતીને દફનાવી દીધી. 1998માં ભારત અને પાકિસ્તાન બન્ને દેશોએ પરમાણુ હથિયાર બનાવ્યા, નવા પ્રતિબંધો આવ્યો અને પછી કારગિલ યુદ્ધ થયું. એ પછી અમેરિકાએ 9/11નો હુમલો ભોગવ્યો.
2011 પછી પાકિસ્તાન અમેરિકાનો NON-NATO સાથી બન્યો જે આતંકવાદ સામેના યુદ્ધ સામે અગત્યનું હતું છતાં પાકિસ્તાને આડોડાઈ ન છોડી. ઓસામા બિન લાદેનને અબોટોબાદમાં પાકિસ્તાને આશરો આપ્યો. આ દરમિયાન ભારતે અર્થવ્યવસ્થામાં ઉદાર અભગિમ અપનાવ્યો અને 2005ના ઐતિહાસિક પરમાણુ કરાર પર હસ્તાક્ષ કર્યા. ધીમી ગતિએ આપણે વોશિંગ્ટન માટે પસંદગીનો ગમતો વ્યૂહાત્મક ભાગીદાર બન્યા.
ટ્રમ્પ પહેલીવાર સત્તામાં આવ્યા ત્યાં સુધીમાં તો પાકિસ્તાનને આતંકવાદ પર લેક્ચરો સાંભળવાની નોબત આવી ગઈ હતી અને ભારત નમસ્તે ટ્રમ્પ રેલી યોજી રહ્યો હતો. આ સ્થિતમાં ટ્રમ્પ કાશ્મીર મામલે મધ્યસ્થી બનવાની લાલચ ન રોકી શક્યા અને એ પીડાની ટીસ ભારત માટે ગહેરી હતી. આજે 2025માં ટ્રમ્પની સિઝન ટુમાં આપણે એ જ આવેગ જોઈએ છીએ – મોટી મોટી વાતો, વ્યૂહાત્મક દખલગીરી અને વ્યવહારિક વૃત્તિ.
આ સંજોગોમાં શું થઈ શકે છે?
ભારત એક વિકાસશીલ દેશ છે, આપણે ઉભરી રહેલી તાકાત છીએ. કાશ્મીરમાં અમેરિકા ચંચુપાત કરશે તો આપણને જરા ય ગમવાનુ નથી – અને અત્યારે નહીં ભવિષ્યમાં પણ એ ભારતને કઠશે. ભારત અમેરિકા સાથે સંરક્ષણના સોદાઓ પર સહીં સિક્કા કરશે, સમિટને મામલે સાથી યજમાન પણ બનશે પણ જો અમેરિકા એમ ધારે કે ભારત તેનો કહ્યાગરો દીકરો બનશે તો એમાં અમેરિકા ખાંડ ખાય છે. એવી આજ્ઞા પાલનની અપેક્ષા અમેરિકાએ ભારત પાસેથી કોઈ કાળે ન રાખવી જોઇએ.
પાકિસ્તાન અત્યારે પાતાળલોકની સિઝન થ્રીમાં છે, ઊંડા સંકટમાં છે. પાકિસ્તાનનું અર્થતંત્ર IMFના હપ્તાઓ પર આધારિત છે, ત્યાંનું રાજકારણ દમન અને વિરોધનું રિવોલ્વિંગ ડૉર બની ચુક્યું છે અને પાકિસ્તાની સેના હવે અમેરિકાની ડાહી ડમરી કઠપૂતળી નથી. તે નથી વિશ્વસનીય સાથે કે નથી વિરોધી.
યુ.એસ.એ.ના મામલે તો એવું છે કે તે જરૂરી તો છે જ પણ તે ભારત માટે ખર્ચાળ દોસ્તી છે. અમેરિકા એ ધનિક છોકરો છે પાર્ટીમાં આવે છે અને પાકિટ ભૂલી જાય છે. ભારતને ખબર છે કે ચીન, સેમી કન્ડક્ટર્સ, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ચિપ્સ અને સેમિડકન્ડક્ટરને મામલે તેણે અમેરિકા સાથે જોડાવું જ પડશે. પણ વોશિંગ્ટનની વિશ્વસનીયતા ઘટી રહી છે ખાસ કરીને જ્યારે તે બે બિલાડી વચ્ચેનો વાંદરો બનીને બન્ને બાજુએ ખેલ કરીને પોતાનો લાભ જુએ છે.
વૈશ્વિક દૃષ્ટિએ તો આ ત્રિકોણ ઘણીબધી બાબતો પર અસર કરે એમ છે. કાશ્મીરમાં કોઈ ભૂલ થાય તો માર્યા ઠાર, સામે પરમાણુ સુરક્ષાનો પ્રશ્ન છે. પાકિસ્તાનની અસ્થિરતા અને ભારત-પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષની સીધી અસર વૈશ્વિક સ્તરે તેલના વ્યાપાર પર અને માટે જ ઊર્જાના માર્કેટ પર અસર કરે તેમ છે. ચીનની વ્યૂહ રચના એવી છે કે ભારત જેટલો વધારે પાકિસ્તાન સાથે માથકૂટમાં ખૂંપશે એટલું ઓછું ધ્યાન તે હિમાલયની સરહદે આપી શકશે. મધ્ય એશિયા અને ગલ્ફ દેશો એટલે કે સાઉદી અરેબિયા, યુ.એ.ઈ. અને ઇઝરાયલ પણ આખી સ્થિતમાં આર્થિક સ્તરે અને દક્ષિણ એશિયાની સ્થિરતાને મામલે જોડાયેલા છે.
ત્રણેય દેશો ત્રિભેટે આવીને ઊભા છે ત્યારે …
વર્તમાન સ્થિતમાં એવી સ્થિતિ છે કોણ પહેલાં આંખ પટપટાવશે તેને આધારે બધું નક્કી થશે. આ તબક્કે ઈમરાન ખાનની શરતી મુક્તિ માટે વાટાઘાટો ચાલે છેની ચર્ચા ચાલે છે. એવો સોદો જેમાં રાજકીય દેશનિકાલ, સૈન્યની ટીકા પર ચૂપકીદી અને યુ.એસ.એ. દ્વારા IMFની ઉદારતાને મામલે જે વચેટિયા વેડા કરાયા છે તે તમામ પાસાંને ધ્યાનમાં રખાઈ રહ્યાં છે. આ એક મોટા નાટકના બેકસ્ટેજમાં ચાલતું નાટક છે.
આ તમામમાં ભારતે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. ઑપરેશન સિંદૂરથી ભારત આતંકવાદનો કેવી રીતે જવાબ આપી શકે છે કે આપે છે તેની પર સ્થાનિક રોક લાગી ગઈ છે. જનતાને બોલ્ડ, નિડર અને દેખીતો બદલો ગમે છે. આવી જાહેર લાગણી હોય ત્યારે બેક-ચેનલ ડિપ્લોમસી અથવા સંયમિત ફોટો-ઓપોર્ચ્યુનિટીને માટે બહુ જગ્યા નથી રહેતી. યુ.એસ.એ.ની મૂંઝવણ છે કે શું બન્ને દેશોને સશસ્ત્ર કરતી વખતે એક પ્રામાણિક વચેટિયા તરીકે તે કામ કરી શકશે? શું દક્ષિણ એશિયાની સ્થિરતા અને ચીનની બાદબાકીને મામલે પોતે સંતુલન જાળવી શકશે?
બાય ધી વેઃ
ભારત, પાકિસ્તાન અને અમેરિકાનું આ ત્રિકોણ વધારે પેચીદું બની રહ્યું છે. આ સંધીઓની સીધી સાદી રમત નથી પણ ધારણાઓ, પ્રદર્શનકારી રાજદ્વારી અને નક્કર પરમાણુ દાવની ગૂંચવણ છે. ભારત અને પાકિસ્તાન બે ઝગડાખોર પિતરાઈ ભાઈ હોય એ રીતે અત્યાર સુધી અમેરિકાએ બન્ને સાથે વહેવાર કર્યો છે પણ હવે એવું નહીં ચાલે. ભારતમાં ઠહેરાવ છે, મોટપ છે જ્યારે પાકિસ્તાનને સુધારાની જરૂર છે, પુરસ્કારની નહીં. યુ.એસ.એ.ને પોતાની કાયમી આદતો અને ભૌગોલિક રાજકારણની બદલાયેલી વાસ્તવિકતાઓ વચ્ચે પસંદગી કરવી પડશે. અત્યારે વિશ્વ સ્તરે યુક્રેન, ગાઝા, તાઇવાનના તોફાનો ચાલે છે. પરિસ્થિતિ નાજુક છે અને આવામાં દક્ષિણ એશિયામાં જે પણ થાય તે કોઈ સાઇડ શો ન બની શકે. આ એવો મંચ છે જેનાથી આગળના અંકની વાર્તા નક્કી થશે આ શીત યુદ્ધનું નવું વર્ઝન નથી પણ સરહદોની પેલે પાર સળગતી આગ છે. ઇમરાન ખાન મુક્ત થાય તો કામચલાઉ શાંતિ થાય પણ સિવિલ વૉરની સ્થિત પણ થાય. સરહદ પારનો બીજો હુમલો મોકળાશવાળા રાજદ્વારી અભિગમને ફગાવીને પરિસ્થિતિને પરમાણુની રેડ લાઇનની નજીક લઇ જાય તેવું બની જ શકે છે. ટ્રમ્પનું અણધાર્યું વલણ કાં તો નિવડો લાવે કાં તો ધડકા કરે. ભારત આત્મનિર્ભરતા અને બહુપક્ષીયતા (BRICS+, SCO) તરફ વધુ ઝુકે તેવી પૂરી શક્યતા છે. જો પાકિસ્તાન નહીં સુધરે તો આંતરિક બાલ્કનાઇઝેશન એટલે તફાવત એટલે કે નાના પ્રતિકૂળ એકમોમાં તેનું વિભાજન થાય એવું ય બને.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 25 મે 2025