નોટબંધી અંગેના સર્વોચ્ચ અદાલતના બહુમતી ચુકાદાને જો એક વાક્યમાં વર્ણવવો હોય તો એમ કહી શકાય કે એ તઘલખી પ્રયોગને આપવામાં આવેલું પ્રમાણપત્ર છે. પ્રમાણપત્ર આપવામાં પણ છ વરસ લાગ્યાં એ બતાવે છે કે એમાં કેટલી કસરત કરવી પડી હશે. સરળ અને સાફ ચુકાદાઓ કરતાં કસરતી ચુકાદાઓ આપવામાં વઘારે સમય લાગતો હોય છે. અયોધ્યા રામમંદિરનો ચુકાદો પણ આવો કસરતી ચુકાદો હતો.
બીજું આવા કસરતી ચુકાદાઓ વખતે બહુમતી ચુકાદાઓ કરતાં લઘુમતી ચુકાદાઓ વઘારે મહત્ત્વ ધરાવે છે અને સૌથી વધુ ચર્ચાય છે અને ટંકાય છે. ઉદાહરણ આપવું હોય તો ૧૯૭૩માં કેશવાનંદ ભારતી કેસનું આપી શકાય. નાગરિકોને આપવામાં આવેલા મૂળભૂત અધિકારોને સંસદમાં ખરડો પસાર કરીને બંધારણમાં સુધારો કરીને સંકોરી શકાય કે નહીં એ વાતે સર્વોચ્ચ અદાલતની ૧૩ જજોની ખંડપીઠે ફેંસલો કરવાનો હતો. શાસકોને મોકળા હાથ જોઈતા હતા અને બંધારણ તેમાં વચ્ચે આવતું હતું. જો સર્વોચ્ચ અદાલત (જજો) બંધારણ પ્રત્યે વફાદારી અને નિષ્ઠા બતાવે તો શાસકોને મોકળાશ મળે નહીં, પણ જો જજોને અનુકૂળ કરી શકાય તો તેઓ મોકળાશ કરી આપી શકે. એવું જ બન્યું. ૧૩માંથી છ જજોએ અનૂકુળતા બતાવી હતી. સાત જજો બંધારણ નિષ્ઠ રહ્યા હતા અને તેમાંના ત્રણને તેની કિંમત ચૂકવવી પડી હતી.
એમાં એક જજ હતા ન્યાયમૂર્તિ હંસરાજ ખન્ના. તેમણે અલગ ચુકાદો આપતા કહ્યું કે બંધારણનાં બે હિસ્સા છે. એક હિસ્સામાં વ્યાવહારિક બાબતો છે અને બીજા હિસ્સામાં માનવીય અને લોકતાંત્રિક મૂલ્યો છે. નાગરિકો માટેની સાર્વત્રિક અને સર્વકાલીન નિસબત છે અને એ બંધારણનો પ્રાણ છે. ન્યાયમર્તિ ખન્નાએ એ પહેલા હિસ્સાને અંગ્રેજીમાં બેઝિક સ્ટ્રક્ચર ઓફ કોંસ્ટિટ્યૂશન તરીકે ઓળખાવ્યું હતું અને ચુકાદો આપ્યો હતો કે શાસકને તેમ જ લોકપ્રતિનિધિઓને બંધારણનાં મૂળભૂત માળખામાં પરિવર્તન કરવાનો અધિકાર નથી. એ ચુકાદાને આ વરસે ૫૦ વરસ થશે પણ ન્યાયમૂર્તિ ખન્નાનો ચુકાદો અમર છે અને ગાંધીજીની જેમ સ્થાપિત હિતોને માર્ગમાં આવતા કાંટાની જેમ વારંવાર હેરાન કરતો રહે છે. વર્તમાન શાસકોને હિન્દુ રાષ્ટ્ર સ્થાપવું છે જેમાં બંધારણ આડું આવે છે અને એમાં પણ બંધારણના મૂળભૂત માળખા અને પ્રાણવાળો ૧૩માંના એક જજનો, માત્ર એક જજનો ચુકાદો હેરાન કરી રહ્યો છે. માટે વિશ્વપ્રસિદ્ધ બંધારણવિદ ગ્રેનવિલે ઓસ્ટિને કહ્યું હતું કે ભારતની સર્વોચ્ચ અદાલતના પ્રાંગણમાં ન્યાયમૂર્તિ ખન્નાની પૂરા કદની પ્રતિમાં સ્થાપવી જોઈએ. જેણે ઐતિહસિક ચુકાદો આપ્યો તેમને સુપરસિડ કરવમાં આવ્યા હતા એ અમર છે અને તેમના ભોગે જેમને બઢતી આપવામાં આવી તેમને કોઈ આજે યાદ કરતું નથી અને જો કોઈ યાદ કરે છે તો એ બુઝદિલીનાં પ્રમાણ તરીકે યાદ કરવામાં આવે છે.
આ છે સત્યની તાકાત. વર્તમાનમાં સત્ય પરાજિત થતું નજરે પડશે પણ એ પરાજિત થતું નથી અને આખરી જીત સત્યની જ થાય છે.
વાચકના મનમાં સવાલ થતો હશે કે ન્યાયમૂર્તિ ખન્નાની વાત અહીં વિગતે કેમ કરી? એનાં ત્રણ કારણ છે. એક તો એ કે બંધારણના મૂળભૂત માળખામાં પણ સુધારા કરવાનો સંસદને અધિકાર છે એવો કસરતી ચુકાદો એકાદ બે વરસમાં આવી શકે છે. હિન્દુ રાષ્ટ્રની સ્થાપના માટે આ જરૂરી છે. પ્રયાસ જારી છે. બીજું કારણ એ છે કે નોટબંધી અંગેના કેસમાં ન્યાયમૂર્તિ બી.વી. નાગરથનાનો એક જજનો લઘુમતી ચુકાદો ન્યાયમૂર્તિ હંસરાજ ખન્નાના ચુકાદાની માફક અમર નીવડવાનો છે. બાકીના ચાર જજોની શાસકોને રાજી રાખવાની કસરતને એ બાઈએ એકલે હાથે ઊઘાડી પાડી દીધી છે. ત્રીજું કારણ એ છે કે નોટબંધીના ચુકાદાના બીજા જ દિવસે સર્વોચ્ચ અદાલતે હજુ એક કસરતી ચુકાદો આપ્યો છે. આમાં પણ એ જ પાંચ જજોની બેન્ચ હતી અને ન્યાયમૂર્તિ નાગરથનાએ ચાર જજોથી અલગ પડીને પોતાનો લઘુમતી ચુકાદો આપ્યો હતો.
આ નવા કસરતી ચુકાદાની વાત અહીં રહેવા દઈએ અને આગલા દિવસની કસરતની વાત કરીએ. પ્રશ્ન ચાર જ પૂછવાના હતા. ૧૯૩૪ના રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એક્ટના સેક્શન ૨૬ મુજબ દેશના ચલણને સંપૂર્ણ કે આંશિક રદ્દ કરવાનો અધિકાર કોણ ધરાવે છે? અને એ અધિકારનો ઉપયોગ કરતા પહેલાં કોઈ પ્રક્રિયા પૂરી કરવી જરૂરી છે? અને જો છે તો તેને પૂરી કરવામાં આવી હતી? અને જો પ્રક્રિયા પૂરી કરવમાં આવી હતી તો તે ક્યારે પૂરી કરવામાં આવી હતી અને કઈ રીતે પૂરી કરવામાં આવી હતી? સર્વોચ્ચ અદાલતના કસરબાજ જજોએ પહેલા ત્રણ પ્રશ્નો પૂછ્યા હતા અને પ્રમાણપત્ર આપી દીધું હતું, ચોથો પ્રશ્ન પૂછવાની હિંમત જ નહોતી કરી. આ ચોથો પ્રશ્ન ન્યાયમૂર્તિ નાગરથનાએ પૂછ્યો હતો અને જે જવાબ મળ્યો એ પ્રમાણપત્ર નહીં આપવા માટેનું દેખીતું કારણ હતું અને તેમણે ચુકાદો સરકારની વિરુદ્ધ આપ્યો હતો. પ્રશ્ન હતો; પ્રક્રિયા પૂરી તો કરવામાં આવી પણ ક્યારે?
૮મી નવેમ્બર ૨૦૧૬ની રાતે નોટબંધી જાહેર કરવામાં આવી અને એ દિવસે જ જરૂરી વિધિ કરવામાં આવી હતી. જરૂરી વિધિમાં એક જરૂરિયાત હતી રિઝર્વે બેન્કની ભલામણ. રિઝર્વે બેન્કે ભલામણ પણ સરકારના કહેવાથી કરી હતી. તો શું રિઝર્વે બેન્ક સરકારી આદેશોનું પાલન કરનારી નાણાં મંત્રાલયની એક પાંખ છે કે પછી ભારતીય નાણાં અને ચલણનું નિયમન કરનારી સ્વાયત્ત સંસ્થા છે? બેંકના વકીલે બચાવ કરતાં કહ્યું હતું કે એ આદેશ નહોતો વિનંતિ હતી. જો એ માત્ર વિનંતિ કે ભલામણ હતી તો એ બેન્ક તરફથી જવી જોઈતી હતી કે સરકાર તરફથી? કોઈ જવાબ નહીં. જેમની પાસે નિયુક્ત કરવાની અને હોદ્દા પરથી હટાવવાની સત્તા હોય એમની વિનંતી વિનંતી કહેવાય આદેશ? અંતુલે કેસમાં મુંબઈની વડી અદાલતના ન્યાયમૂર્તિ બખતાવાર લેન્ટિને કહ્યું હતું કે સત્તાધારીઓની વિનંતી આદેશ જ કહેવાય. ન્યાયમર્તિ નાગરથનના આ બધા સવાલો બહુમતી ચુકાદો આપનારા જજો ચાતરી ગયા હતા. ખુલ્લી અદાલતમાં ન્યાયમૂર્તિ નાગરથને બીજા જજોની હાજરીમાં આ પ્રશ્નો પૂછ્યા હોવા છતાં અને તેના કોઈ સંતોષજનક જવાબ નહીં મળતા હોવા છતાં. મોઢું ફેરવી લેવાની અને મૂંગા રહેવાની સંસ્કૃતિ આ દેશમાં મોદી સરકાર આવ્યા પછી વિકસી છે.
અને છેલ્લો પ્રશ્ન. સહકારની વિનંતી રિઝર્વે બેન્કે માન્ય રાખી તો સરકારે નોટબંધીની જરૂરિયાત માટે જે કારણો આપ્યાં હતાં એ બેન્કને ગળે ઉતર્યા હતાં? જ્યારે વિનંતી સ્વીકારી તો એનો અર્થ એ જ થયો કે કાળાં નાણાં, નકલી નોટ, ટેરર ફન્ડિંગ, કેશલેસ ઇકોનોમિ વગેરે દલિલો ગળે ઉતરી જ હોવી જોઈએ. તો શું જે માટે નોટબંધી કરવામાં આવી એમાં લાભ મળ્યો? તરત બહુમતી કસરતી જજોએ કહ્યું હતું કે નોટબંધીના લાભાલાભ અદાલતે તપાસવાના નથી.
આખા દેશને દોજખમાં ધકેલી દેનારા તઘલખી સાહસનાં દુષ્પરિણામોથી આજે પણ દેશ મુક્ત થયો નથી પણ એનાં તરફ જોવાનું સર્વોચ્ચ અદાલત ટાળે છે અને કસરત કરીને જજો ચામડી બચાવે છે. ભારતનું સ્વતંત્ર ન્યાયતંત્ર એક મિથ છે. પણ ઘર બાળીને તીરથ કરનારા ભક્તોને આનાથી કોઈ ફરક પડતો નથી.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 05 જાન્યુઆરી 2023