એમ લાગે છે કે ગુજરાત સરકાર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૦૦૨ના ગુજરાત કાંડની ગ્રંથિમાંથી બહાર આવી શકતાં નથી. આખો દેશ એ કલંકરૂપ ઘટનાને ભૂલીને આગળ નીકળી ગયો છે ત્યારે વર્તમાન શાસકો એને ભૂલી શકતા નથી અને જ્યારે પણ કોઈ જગ્યાએ લોકશાહી મૂલ્યોની વાત આવે છે ત્યારે તેઓ પોતાને આરોપીના પીંજરામાં ઊભા હોવાનો ભાવ અનુભવે છે
ગુજરાત સરકાર માને છે કે અમેરિકાનું ફોર્ડ ફાઉન્ડેશન કોમી એકતા, લોકતાંત્રિક મૂલ્યો અને સામાજિક સમાનતાની વિરુદ્ધ છૂપી પ્રવૃત્તિ કરે છે અને એટલે એના પર પ્રતિબંધ મૂકવો જોઈએ. ભારત સરકારે જે કેટલાંક વિદેશી NGO(નૉન-ગવર્નમેન્ટલ ઑર્ગેનાઇઝેશન)ની પ્રવૃત્તિ પર નજર રાખવામાં આવી રહી છે એમાં હવે ફોર્ડ ફાઉન્ડેશનનો ઉમેરો કર્યો છે. હવે પછી ફોર્ડ ફાઉન્ડેશનના અધિકારીઓએ ભારતમાં કોઈ સ્થળની મુલાકાત લેવી હશે તો સરકારને પહેલાં જાણ કરવી પડશે અને મંજૂરી મેળવવી પડશે. કોઈ ભારતીય વ્યક્તિ કે સંસ્થા સરકારી મંજૂરી વિના હવે પછી ફોર્ડ ફાઉન્ડેશન પાસેથી નાણાકીય સહાય નહીં લઈ શકે અને જો લેશે તો એ ગુનો બનશે. સરકાર કહે છે કે આ અંકુશ રાષ્ટ્રીય હિત અને દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મૂકવામાં આવ્યા છે.
સાબદી સરકાર હોવા માટે ગર્વ લેવો કે ભયભીત સરકાર હોવા માટે શરમાવું એ વાચક નક્કી કરે. એક જ પ્રમાણ બસ થશે. ભારત સરકાર દ્વારા સ્થાપિત અને ભારત સરકાર દ્વારા સંચાલિત એક નહીં પણ પહેલી હરોળની સાત શિક્ષણસંસ્થાઓ ફોર્ડ ફાઉન્ડેશન પાસેથી નાણાકીય સહાય મેળવે છે. એ સંસ્થાઓમાં IIT (મુંબઈ), IIM (અમદાવાદ), નૅશનલ લૉ સ્કૂલ ઑફ ઇન્ડિયા, જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી, જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટી, જી. બી. પંત સોશ્યલ સાયન્સ ઈન્સ્ટિટ્યુટ અને નૅશનલ ઍકૅડેમી ઑફ લીગલ સ્ટડીઝ ઍન્ડ રિસર્ચનો સમાવેશ છે. આ સંસ્થાઓએ ૨૦૦૮થી ૨૦૧૩ દરમ્યાન ૨૫ લાખ ડૉલર્સની સહાય લીધી હતી.
નૅશનલ લૉ સ્કૂલ ઑફ ઇન્ડિયા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર કહે છે કે સરકારનું આ પગલું ન સમજાય એવું દુર્ભાગ્યપૂર્ણ છે. યુનિવર્સિટીના વિકાસમાં ફોર્ડ ફાઉન્ડેશનની સહાયનો મોટો ફાળો છે અને ફાઉન્ડેશને ક્યારે ય યુનિવર્સિટીના કામમાં માથું માર્યું નથી. યુનિવર્સિટી ભારત સરકારે કાયદો ઘડીને રચેલી યુનિવર્સિટી છે એટલે યુનિવર્સિટીને જ્યાંથી પણ ફન્ડ મળે છે એનું ભારત સરકાર ઑડિટિંગ કરે છે. અત્યાર સુધીમાં ઑડિટરોએ કે ભારત સરકારના સંબંધિત વિભાગોમાંથી કોઈએ કહ્યું નથી કે ફોર્ડ ફાઉન્ડેશનની સહાય પાછળ કોઈ છૂપો ઉદ્દેશ છે. આવી જ પ્રતિક્રિયા IIT(મુંબઈ)ના ડિરેક્ટર દેવાંગ ખખ્ખરે આપી છે. તેઓ કહે છે કે શિક્ષણસંસ્થાઓના કયા કાર્યક્રમ માટે કોની સાથે ભાગીદારી કરવી કે નાણાકીય સહાય લેવી એ નક્કી કરવાનો શિક્ષણસંસ્થાઓને અધિકાર હોવો જોઈએ, સરકારને ઑડિટ કરવાનો અધિકાર છે અને જો એમાં ગેરરીતિ કે દાતાસંસ્થાનો છૂપો એજન્ડા નજરે પડતો હોય તો અમારું ધ્યાન દોરી શકે છે.
દેશ ગર્વ લે છે એવી આલા દરજ્જાની શિક્ષણસંસ્થાઓ ફોર્ડ ફાઉન્ડેશન પાસેથી નાણાકીય સહાય લેતી હોય અને જો એનું નિયમિત ઑડિટિંગ થતું હોય, એટલું જ નહીં આજ સુધી એમાં કોઈ છૂપો એજન્ડા નજરે ન પડ્યો હોય તો હવે અચાનક ગુજરાત સરકારને અને ભારત સરકારને એમાં છૂપો એજન્ડા અને રાષ્ટ્રીય સલામતીનું જોખમ ક્યાંથી હાથ લાગ્યું? આ જે સંસ્થાઓ છે એ ભારત સરકારની પોતાની છે અને ભારત સરકાર એનું સંચાલન કરે છે એટલે એનો અર્થ એ થયો કે ભારત સરકાર પોતે ફોર્ડ ફાઉન્ડેશનના પૈસા લેતી આવી છે. હવે અચાનક સરકારને બ્રહ્મજ્ઞાન થયું છે કે ફોર્ડ ફાઉન્ડેશનનો કોઈ છૂપો એજન્ડા છે.
વાત એમ છે કે ફોર્ડ ફાઉન્ડેશન આગળ કહી એવી શિક્ષણસંસ્થાઓ ઉપરાંત બીજાં અનેક ખાનગી NGOને પૈસા આપે છે એનું ગુજરાત સરકાર અને ભારત સરકારને પેટમાં દુ:ખે છે. ફોર્ડ ફાઉન્ડેશન મુખ્યત્વે લોકશાહી મૂલ્યો માટે, ગરીબીનિર્મૂલન માટે, આંતરરાષ્ટ્રીય પ્રજાકીય સહયોગ માટે અને જેની પાસે નોખી કેડી કંડારવાની આવડત છે એવી વ્યક્તિઓને તેમના કામમાં વ્યક્તિગત સહાય માટે કામ કરે છે. આ ઉદ્દેશોમાં દેખીતી રીતે વાંધાજનક કાંઈ જ નથી; પરંતુ ભારત સરકારને મૂળમાં આ જ વાતે વાંધો છે. લોકશાહી મૂલ્યોમાં દેખીતી રીતે સેક્યુલરિઝમનો સમાવેશ થાય છે, પ્રજાકીય સહયોગમાં સહિષ્ણુતાનો સમાવેશ થાય છે અને ગરીબીનિર્મૂલનમાં આર્થિક સમાનતા અને ન્યાયનો સમાવેશ થાય છે. સરકારને લાગે છે કે ફોર્ડ ફાઉન્ડેશન પાસેથી નાણાકીય સહાય લેનારાં NGO ભારતને બદનામ કરે છે. એ પહેલાં પર્યાવરણ માટે કામ કરનારી સંસ્થાઓને મદદ કરનારી ગ્રીન પીસ નામની સંસ્થા પર તવાઈ આવી હતી.
આ ભય છે. ભય નહીં, કપોળકલ્પિત ભય છે જેનો કોઈ ઇલાજ હોતો નથી. એમ લાગે છે કે ગુજરાત સરકાર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૦૦૨ના ગુજરાત કાંડની ગ્રંથિમાંથી બહાર આવી શકતાં નથી. આખો દેશ એ કલંકરૂપ ઘટનાને ભૂલીને આગળ નીકળી ગયો છે ત્યારે વર્તમાન શાસકો એને ભૂલી શકતા નથી અને જ્યારે પણ કોઈ જગ્યાએ લોકશાહી મૂલ્યોની વાત આવે છે ત્યારે તેઓ પોતાને આરોપીના પીંજરામાં ઊભા હોવાનો ભાવ અનુભવે છે. તેમની આ ગ્રંથિ માટે તાત્કાલિક કોઈ ઇલાજ નથી. તેમણે પોતે જ એ ગ્રંથિમાંથી બહાર આવવું પડે. ફોર્ડ ફાઉન્ડેશન પ્રતિષ્ઠિત સંસ્થા છે અને અત્યાર સુધી એની પ્રવૃત્તિ વિશે ઘસાતું સાંભળવા મળ્યું નથી. ભારત સરકાર પોતે દાયકાઓથી એની સાથે જ્ઞાનસંવૃદ્ધિમાં ભાગીદારી કરતી આવી છે. ભારત સરકારે એનો પોતાનો ૬ દાયકાનો રેકૉર્ડ તપાસી લેવો જોઈએ.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામે લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 02 મે 2015
http://www.gujaratimidday.com/features/columns/feature-columns-277
![]()


કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવામાં જ્યારે શાસકો વારંવાર નિષ્ફળ નીવડે છે ત્યારે તેઓ પોતાની નિષ્ફળતા છુપાવવા તેમ જ સમાજ પરત્વે પોતાની નિસબતનું પ્રદર્શન કરવા કાયદાઓને વધુ કડક બનાવવાનો રસ્તો અપનાવે છે. દુ:ખને ભૂલવા વધુ ને વધુ દારૂ પીતા રહો એના જેવી આ વાત થઈ. દુ:ખના કારણનો ઇલાજ કરવાની જગ્યાએ દારૂનું પ્રમાણ વધારવાથી જેમ દુ:ખનો અંત આવતો નથી એવું સમાજમાં ગુનાનું છે. પહેલાં ગુનાનાં કારણોનો ઇલાજ કરવો જોઈએ અને એ પછી ગુના તરફ લઈ જનારાં પરિબળોનો ઇલાજ કરવો જોઈએ અને એ પછી ગુનેગારનો વારો આવે છે. ઊંધેથી શરૂ કરવાથી સમાજ ગુનામુક્ત થવાનો નથી. શાસકો આ વાત નથી જાણતા એવું નથી, પરંતુ ઊંધેથી શરૂઆત કરવામાં મહેનત ઓછી પડે છે અને કાર્યદક્ષતાનાં પ્રમાણપત્ર મળે છે.
અટલ બિહારી વાજપેયી દુશ્મનને પણ વહાલા લાગે એવા ભલા અને મુલાયમ માણસ છે. ૧૯૯૬માં કેન્દ્રમાં પહેલી વાર ૧૩ દિવસ માટે અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં BJPની સરકાર રચાઈ અને બહુમતીના અભાવમાં સરકારે રાજીનામું આપવું પડ્યું, ત્યારે અટલ બિહારી વાજપેયી માટે જે અનેક લોકોએ દુ:ખ અનુભવ્યું હતું એમાં આ લખનારનો સમાવેશ છે. વિશ્વાસની દરખાસ્ત પરની ચર્ચાનું સમાપન કરતાં વાજપેયીએ જે ભાષણ આપ્યું હતું એ હજુ ય કાનમાં ગુંજે છે. એ દિવસે બે ભાષણો ઐતિહાસિક હતાં એમ એ સમયના સ્પીકર પૂર્ણો સંગમાએ કહ્યું હતું. એક ભાષણ વાજપેયીનું અને બીજું ભાષણ પખવાડિયા પહેલાં વડા પ્રધાનપદેથી નિવૃત્ત થયેલા પી. વી. નરસિંહ રાવનું. વાજપેયીના ભાષણમાં શબ્દે-શબ્દે ખાનદાની જોવા મળતી હતી. સંસદીય લોકશાહીની મર્યાદા અને ગરિમા તેઓ જાણતા હતા એટલે ડંખ કોઈના પરત્વે નહોતો. એ દિવસે તેમણે ભાષણની શરૂઆત જ જવાહરલાલ નેહરુના વારસાને યાદ કરીને કરી હતી.