૧૮ મી એપ્રિલ, ૧૯૧૭. ગાંધીજીને ચંપારણમાં મોતીહારીની અદાલતમાં બપોરે બાર વાગ્યે હાજર થવાનું હતું. જેલ જવાની તૈયારી તો તેમણે બે દિવસ પહેલાં ૧૫મી એપ્રિલે હજુ તેઓ મુઝફ્ફ્રપુર હતા ત્યારે જ કરી લીધી હતી. જ્યારે તેમણે જેલમાં લઈ જવા માટેના સામાનની થેલી અલગ કરી ત્યારે જ તેમણે તેમના બિહારના નેતાઓને પૂછ્યું હતું કે, “જો મને જેલમાં મોકલવામાં આવે તો તમે શું કરશો?” કેટલાક નેતાઓ ચૂપ રહ્યા. એક નેતાએ કહ્યું કે તેઓ પોતાના સ્થાને પાછા ફરશે અને વકીલાત કરશે. માત્ર બાબુ ધરણીધરે કહ્યું કે આપ જેલ જશો એ પછી હું ત્યાં સુધી લોકોની વચ્ચે કામ કરતો રહીશ, જ્યાં સુધી મને ધારા ૧૪૪ હેઠળ નોટિસ આપવામાં નહીં આવે. “અને નોટિસ મળશે પછી?” ગાંધીજીના આ પ્રશ્નના જવાબમાં ધરણીધર બાબુએ કહ્યું કે ત્યારે તેઓ તેમની જગ્યાએ કોઈને આ કામ જારી રાખવા માટે ગોઠવીને આદેશ મુજબ ચંપારણ છોડીને જતા રહેશે. કમ સે કમ થોડો સમય સુધી જે કામ હાથ ધર્યું છે એ ચાલુ રહેશે. ગાંધીજીએ તેમની વાત સાંભળી લીધી પણ કોઈ પ્રતિક્રિયા આપી નહીં.
સમયસર અદાલત જવા માટે ગાંધીજી નીકળ્યા ત્યારે બાબુ ધરણીધર અને બાબુ રામનવમી પ્રસાદ ગાંધીજીની સાથે હતા. તેમણે રસ્તામાં ગાંધીજીને કહ્યું કે બીજા શું કરશે એની તો અમને ખબર નથી, પણ અમે બે જણે નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી અમને જેલ મોકલવામાં નહીં આવે ત્યાં સુધી અમે કામ ચાલુ રાખીશું અને ચંપારણ છોડીને નહીં જઈએ. આ અમારો સંકલ્પ છે. ગાંધીજીએ સાંભળીને ઉત્સાહપૂર્વક હિન્દીમાં કહ્યું: “બસ અબ કામ બન ગયા.” ગાંધીજીને ખાતરી હતી કે બેના વીસ અને વીસના બસો થવાના છે. જેમ ભયનું સંક્રમણ થાય છે એમ નિર્ભયતાનું પણ થતું હોય છે. તેમનામાં નિર્ભયતાને સંક્રમિત કરવાની ક્ષમતા હતી.
તેઓ જ્યારે અદાલત પહોંચ્યા ત્યારે અદાલતનું વિશાળ પ્રાંગણ લોકોથી છલોછલ ભરેલું હતું. આટલા ટૂંકા ગાળામાં લોકોને કઈ રીતે જાણ થઈ એનું આશ્ચર્ય હતું. લોકો દર્શન કરવા માટે પડાપડી કરતા હતા અને એમાં સરકારી કર્મચારીઓ અને પોલીસકર્મી પણ હતા. અલબત્ત, તેઓ દૂરથી પ્રણામ કરતા હતા. આ બાજુ સરકારી વકીલો કાયદાના મોટા થોથા લઈને આવ્યા હતા. તેમને એમ કે આ માણસ પોતે બેરિસ્ટર છે એટલે પોતાના બચાવમાં કાયદાઓ ટાંકીને દલીલોનો મારો ચલાવશે એટલે વળતી દલીલ કરવા કાયદાનાં પુસ્તકોમાંથી કાયદાઓ અને ચુકાદાઓ ટાંકવા જરૂરી બનશે. પણ ગાંધીજી જ્યારે અદાલતમાં પ્રવેશ્યા ત્યારે તેમના હાથમાં કોઈ કાયદાનું પુસ્તક નહોતું. જેલમાં લઈ જવા માટેના સામાનની થેલી હતી.
પહેલાં ગાંધીજી સામેનું આરોપનામું સંભળાવવામાં આવ્યું. એ પછી સરકારી વકીલ કાંઈ કહે એ પહેલાં ગાંધીજીએ કહ્યું કે તેઓ અદાલત સમક્ષ ટૂંકું નિવેદન કરવા માગે છે. જજસાહેબે જ્યારે મંજૂરી આપી ત્યારે ગાંધીજીએ કહ્યું: “ભારતીય દંડસંહિતાની ધારા ૧૪૪નું ઉલ્લંઘન કરીને મેં કોઈ મોટો ગુનો કર્યો છે, એવી સરકાર તરફ્થી રજૂઆત કરવામાં આવી છે. વાસ્તવમાં સરકારનું આ ખોટું અનુમાન છે, પરંતુ બને કે શાસકોને આવી કોઈ માહિતી મળી હોય. હું અહીં સત્ય જાણવા આવ્યો છું. ગળીનું વાવેતર કરતા ગરીબ ખેડૂતોને ન્યાય મળે એમ શાસકો ઈચ્છતા હોય તો હું એમાં મદદરૂપ થવા આવ્યો છું. મારો ઉત્પાત મચાવવાનો ઈરાદો નથી. ઈરાદો સત્યશોધનનો છે અને એ મારો અધિકાર છે અને માટે હું આદેશનું પાલન કરી શકું એમ નહોતો અને અત્યારે પણ હું આદેશનું પાલન કરવાનો નથી. હું અદાલતને કહેવા માગું છું કે હું સ્વેચ્છાએ ચંપારણ છોડીને જવાનો નથી. મને પકડીને ચંપારણની બહાર મોકલી આપવામાં આવશે તો હું પાછો આવીશ. કોઈ પણ આત્મસન્માન ધરાવનાર વ્યક્તિ આ જ માર્ગ અપનાવે.
માટે હું પ્રતિવાદ કે દલીલો કરીને અદાલતનો સમય વેડફ્વા માગતો નથી. મેં જે કર્યું છે એ ગુનો હોય તો અદાલત મને સજા કરે જે હું સ્વીકારી લઇશ. હું બચાવ કરવાનો નથી. સજાથી બચવા કોઈ પ્રયાસ કરવાનો નથી. સજાનું પ્રમાણ ઘટાડવામાં આવે એવી માગણી પણ હું કરવાનો નથી. દંડ ભરવા માટે મારી પાસે પૈસા નથી અને ભરવાનો પણ નથી. અદાલત મને સજા કરી શકે છે.”
હવે? લગભગ પંદર મિનિટમાં મુકદ્દમો પૂરો. જજે અને સરકારી વકીલોએ સપનામાં પણ નહોતું વિચાર્યું કે આવી રીતે કોઈ આરોપી આરોપ કબૂલ કરીને સામે ચાલીને સજાની માગણી કરે, એટલું જ નહીં એ ગુનો હું ફરી ફરી કરીશ એમ પણ કહે. જજ વિચારમાં પડી ગયા, હવે કરવું શું? જજે અત્યંત નમ્રતાપૂર્વક ગાંધીજીને કહ્યું, કહ્યું નહીં પૂછ્યું, કે ચુકાદો હું બપોર પછી ત્રણ વાગ્યે આપું તો ચાલે? બપોર પછી અદાલત પાછી મળી ત્યારે જજે કહ્યું કે તેઓ ૨૧મી તારીખે ચુકાદો આપશે અને ત્યાં સુધી આરોપી સો રૂપિયાની જમાનત ભરી દે. ગાંધીજીએ કહ્યું કે મારી પાસે કોઈ જમાનતદાર નથી અને હું જમાનતની રકમ ભરવાનો પણ નથી.
ફરી એકવાર મુશ્કેલી. ગુનેગાર આદાલત પાસે સમય માગે એવી તો અનેક ઘટના જોઈ હશે, પણ અદાલત ગુનેગાર પાસે સમય માગે એવો તો આ પહેલો દાખલો હતો. સમય એટલા માટે માગવો પડયો હતો કે જજ શું કરવું એનો નિર્ણય લઈ શકતા નહોતા અને બીજી બાજુએ આરોપીએ ગુનો કબૂલ કરીને ગુનો વારંવાર કરતા રહેવાનું કહી દીધું હતું. કાયદા મુજબ ગુનેગારને ફરી ગુનો કરવા માટે અદાલત મોકળાશ આપી શકે નહીં અને જજસાહેબ સજા કરી શકે એમ નહોતા. ગાંધીજીએ જજની મૂંઝવણનો ઉકેલ કાઢતા કહ્યું કે તેઓ ૨૧મી તારીખ સુધી ચંપારણનાં ગામડાંઓનો પ્રવાસ નહીં કરે.
૨૧મી એપ્રિલે અદાલત શું ફેંસલો કરે એનું કોઈ મહત્ત્વ જ રહ્યું નહોતું. ગાંધીજીનો વિજય થઈ ચૂક્યો હતો. બ્રિટિશ તાજના ગુનેગારે કહ્યું હતું કે હું જે કરું છું એ ગુનો હોય તો એ ગુનો હું વારંવાર કરવાનો છું, પણ અદાલત કોઈ કારણે તાત્કાલિક સજા કરી શકે એમ ન હોય તો ગુડવિલના ભાગરૂપે હું બે દિવસ ગુનો નહીં કરીને ન્યાયતંત્રને મદદ કરીશ. આ અભૂતપૂર્વ ઘટના હતી. આખો દેશ આશ્ચર્યચક્તિ થઈને ગાંધીજીથી અંજાઈ ગયો હતો. લડતનું આવું પણ સ્વરૂપ હોય એવું કોઈએ વિચાર્યું નહોતું. બે દિવસમાં ગાંધીજી ઉપર દેશભરમાંથી અભિનંદનનો વરસાદ વરસ્યો. ૨૧મી તારીખે અદાલતે પણ ગાંધીજીને નિર્દોષ છોડી મૂક્યા. ધારા ૧૪૪ પાછી ખેંચવામાં આવી અને ગાંધીજીને મદદ કરવાનો આદેશ આપવામાં આવ્યો.
ચંપારણનો સત્યાગ્રહ અન્ય સત્યાગ્રહોની માફ્ક જમીન ઉપર સંઘર્ષ કરીને લડવામાં આવેલો સત્યાગ્રહ નહોતો. એ ખરું જોતા અદાલતમાં પણ લડવામાં આવ્યો નહોતો. એ એક અઠવાડિયું પણ નહોતો ચાલ્યો. આમ છતાં ય એ વિલક્ષણ સત્યાગ્રહ હતો. એ વિલક્ષણતા એ હતી કે આંખમાં આંખ પરોવીને નિર્ભયતાપૂર્વક બોલો અને તેની કિંમત ચૂકવવા તૈયાર હોવ તો અડધી લડાઈ તો લડયા વિના જ જીતી શકાય છે. એ વિલક્ષણતા જોઇને ભારતના નેતાઓ અને પ્રજા અંજાઈ ગયાં હતાં. રાજેન્દ્રબાબુએ કહ્યું છે એમ ભારતના ઇતિહાસમાં આવું પહેલી વાર જોવા મળ્યું હતું.
e.mail : ozaramesh@gmail.com
પ્રગટ : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 13 ડિસેમ્બર 2020
![]()


૨૧મી સદીના પહેલા દાયકાનું ગુજરાત મોડેલ ઇવેન્ટોનું મોડેલ હતું. લોકો ફાટી આંખે જોતા રહે એવી ભવ્ય ઇવેન્ટો યોજવાની. ગુજરાતના લોકોને એમ લાગવું જોઈએ કે જીવતા તો આપણને એકલાને જ આવડે છે, અને બીજા દેશવાસીઓ તો ‘બિચારા’ છે. બિચારા એટલા માટે છે કે તેઓ મહાપ્રતાપી નેતૃત્વથી વંચિત છે. દેશમાં બીજાં રાજ્યોના લોકોને એમ લાગવું જોઈએ કે દેશમાં એક માત્ર ગુજરાત છે જ્યાં ક્રાંતિ થઈ રહી છે. એક ઇવેન્ટનો હરખનો ઓડકાર હજુ તો શમે નહીં ત્યાં બીજી ઇવેન્ટની તૈયારી શરૂ કરી દેવાની. ઇવેન્ટ આફ્ટર ઇવેન્ટ.
અહીં જવાહરલાલ નેહરુએ રાજ્યોના મુખ્ય પ્રધાનોને જે પત્રો લખ્યા હતા, એનું મનન કરવું જોઈએ. દૃષ્ટિ અને નિસ્બત શું કહેવાય એનાં ઉદાહરણરૂપ એ પત્રો છે. સતત ૧૭ વરસ સુધી પ્રતિ માહ ટાઈપ્ડ દસ-બાર પાનાંનાં પત્રો વાંચશો તો ખ્યાલ આવશે કે નેહરુની રાજ્યોના શાસકો પાસેથી કેવી અપેક્ષા હતી. ઉપાધિમુક્ત મોકળાશનો લાભ લઈને રાજ્યનો વિકાસ કરો અને કેન્દ્ર સરકારને ભાગે આવેલી ઉપાધિઓ સામે લડવામાં કેન્દ્રને મદદ કરો. એ કઈ રીતે થઈ શકે તેના ઉપાયો પણ બતાવ્યા છે. જાગતિક રાજકીય પરિસ્થિતિમાં થઈ રહેલાં પરિવર્તનોની બાબતે અવગત કરીને તેનો કઈ રીતે લાભ લઈ શકાય અને કઈ રીતે બચી શકાય તેની પણ સલાહ તેમણે એ પત્રોમાં આપી છે. જો કોઈ વાચકને ઉત્કંઠા હોય તો નેહરુએ લખેલા સેંકડો પત્રોમાંથી પસંદ કરેલા પત્રો હવે પુસ્તકરૂપે પણ ઉપલબ્ધ છે. વડો પ્રધાન કેવો હોય એનું મૂર્તિમંત ઉદાહરણ નેહરુ હતા.
ગયા વરસે મે મહિનામાં લોકસભાની ચૂંટણીમાં કૉન્ગ્રેસનો બીજી વાર કારમો પરાજય થયો એ પછી કૉન્ગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ પરાજયની નૈતિક જવાબદારી સ્વીકારીને પક્ષના પ્રમુખપદેથી રાજીનામું આપી દીધું હતું. કેટલાક લોકોએ તેમને પ્રમુખપદે ચાલુ રહેવા વિનંતી કરી હતી તો બીજા કેટલાક લોકોએ નવા પ્રમુખ કોણ બની શકે તેની શોધ આદરી હતી. પક્ષ કોઈ નિર્ણય નહીં લઈ શક્યો, ત્યારે છેવટે બે મહિના પછી રાહુલ ગાંધીની જગ્યાએ સોનિયા ગાંધીની વચગાળાના કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી. પક્ષ સામે જ્યારે અસ્તિત્વનું સંકટ છે ત્યારે આજે દોઢ વરસ થયાં પક્ષ નેતૃત્વ વિષે નિર્ણય કરવાની સ્થિતિમાં નથી. આમ કેમ એવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે.
એનું કારણ એ છે, પહેલ કરે કોણ? ગાંધી પરિવારના કોઈ સભ્યમાં કૉન્ગ્રેસને બેઠી કરવાની ક્ષમતા નથી. સોનિયા ગાંધીની ઉંમર થઈ છે અને તેમની તબિયત પણ સારી નથી. પ્રિયંકા ગાંધી આવે છે અને ગાયબ થઈ જાય છે. રાહુલ ગાંધી સતત હાજર છે અને સતત હાજર નથી. ૨૦૦૪માં રાહુલ ગાંધી સક્રિય રાજકારણમાં આવ્યા હતા. યુવા કૉન્ગ્રેસનું પ્રમુખપદ સંભાળ્યા પછી ૨૦૦૭માં તેમને પક્ષના મહા મંત્રી બનાવવામાં આવ્યા હતા. ૨૦૧૩માં તેમને કૉન્ગ્રેસના ઉપ-પ્રમુખ અને ૨૦૧૭માં તેમને પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. કોઈના નેતૃત્વક્ષમતાની ચકાસણી માટે ૧૬ વરસ એ કોઈ ઓછો સમય નથી. સોળ સોળ વરસ પછી પણ કૉન્ગ્રેસીઓ જો રાહુલ ગાંધી ઉપર ભરોસો રાખીને બેઠા હોય તો એનો અર્થ એટલો જ થાય કે તેઓ મૂર્ખ છે.