૧૮૫૭ના વિદ્રોહને પહેલા સ્વાતંત્ર્ય સંગ્રામ તરીકે ઓળખાવવામાં આવે છે, એ અસત્ય કથન છે. એ સમયે સ્વતંત્રતાની માગણી કોઈએ કરી નહોતી અને એવી કોઈ કલ્પના પણ નહોતી. જો એમ હોત તો બળવાખોર ભારતીય સિપાઈઓ દિલ્હી જવાની જગ્યાએ કલકત્તા ગયા હોત, જ્યાં કંપની સરકારની રાજધાની હતી. સિપાઈઓને તો એ વાતની પણ જાણ નહોતી કે જેને તેઓ શેહેનશાહ એ હિન્દ તરીકે માનતા હતા અને જેની મદદ લેવા દિલ્હી ગયા હતા એ છેલ્લો મુઘલ બાદશાહ બહાદુર શાહ ઝફર કંપની સરકારના પેન્શન ઉપર જીવતો હતો અને બિચારો કંપની બહાદુરને અરજ કરતો હતો કે ખર્ચા નીકળતા નથી માટે પેન્શનની રકમ વધારી આપવામાં આવે. રાજા રામમોહન રોય બહાદુર શાહ ઝફરની અરજી લઈને લંડન ગયા હતા. સિપાઈઓની લડત તેમના પોતાના પ્રશ્ને હતી અને તેને ભારતની આઝાદી સાથે કોઈ નિસ્બત નહોતી. એ લડત પણ લશ્કરી છાવણીઓ પૂરતી ઉત્તર ભારતમાં સીમિત હતી.
દરેક પ્રજા પોતાને માફક આવે એ રીતે ઇતિહાસ લખતી હોય છે અને એ રીતે આ ખાસ રીતે લખવામાં આવેલો ઇતિહાસ (કન્સ્ટ્રક્ટેડ હિસ્ટરી) છે. હકીકત તો એ છે કે આખી ૧૯મી સદીમાં કોઈએ ભારતની આઝાદીની માગણી કરી નહોતી. એવી આઝાદી જેવી આજે આપણે ભોગવીએ છીએ અને કલ્પના કરીએ છીએ. કૉન્ગ્રેસે નહોતી કરી, કૉન્ગ્રેસના કોઈ નેતાએ નહોતી કરી, મુસલમાનો, શીખો કે કોઈ બીજાએ નહોતી કરી. કૉન્ગ્રેસમાંના જહાલ નેતાઓએ નહોતી કરી અને હકીકત તો એ છે કે કોઈ ક્રાંતિકારીએ પણ નહોતી કરી. લોકમાન્ય તિલકે જ્યારે કહ્યું કે ‘સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે’, ત્યારે સ્વરાજનો અર્થ આપણે જે આઝાદી ભોગવીએ છીએ અને સમજીએ છીએ એવો નહોતો થતો.
૧૮૫૭ના વિદ્રોહને પરિણામે ભારત કંપની સરકારના તાબામાંથી સીધું અંગ્રેજ સરકારના તાબામાં ગયું અને એ પછી ભારતમાં જાહેરજીવનનો પ્રારંભ થયો ત્યારથી લઈને ૧૯૨૯માં કૉન્ગ્રેસે પૂર્ણ સ્વરાજનો ઠરાવ કર્યો, ત્યાં સુધી આપણે જે આઝાદી ભોગવીએ છીએ એવી આઝાદીની માગણી નહોતી કરવામાં આવી. જે માગણી કરવામાં આવતી હતી એ ડોમિનિય સ્ટેટસની માગણી કરવામાં આવતી હતી. બ્રિટિશ સામ્રાજ્ય અંતર્ગત સ્વરાજ. એમાં જરા ય આશ્ચર્ય ન થવું જોઈએ કે ૧૯૨૯માં કૉન્ગ્રેસે પૂર્ણ સ્વરાજની માગણીનો ઠરાવ કર્યો હોવા છતાં બીજી ગોળમેજ પરિષદમાં કૉન્ગ્રેસના પ્રતિનિધિ ગાંધીજીએ આઝાદીની માગણી નહોતી કરી. હા, ગાંધીજી બ્રિટિશ સરકારને વખતોવખત યાદ અપાવતા હતા કે તેમનું લક્ષ પૂર્ણ સ્વરાજ છે. બીજી ગોળમેજ પરિષદમાં આખી ચર્ચા એ વાતની આસપાસ ચાલી હતી કે બ્રિટિશ સરકાર ભારતની પ્રજાને કેટલા અધિકારો આપવાની છે, કેટલી સત્તા આપવાની છે અને ભારતની પ્રજા આપસમાં એને કઈ રીતે એ વહેંચવાની અને ભોગવવાની છે. આખી ચર્ચા કેટલો ભાગ મળવાનો છે અને ભોગવટાની વહેંચણીની આસપાસ ચાલી હતી. ગાંધીજી સહિત કોઈ કહેતા કોઈએ તેમાં આઝાદીની માગણી નહોતી કરી.
શા માટે? તેઓ ડરતા હતા? તેઓ ઓછા દેશપ્રેમી હતા? બુદ્ધુ હતા? ઓછા રાષ્ટ્રવાદી હતા? શા માટે ભારતના લગભગ તમામ નેતાઓ ડોમિનિયન સ્ટેટસની માગણી કરતા હતા અને ચોખ્ખી આઝાદીની માગણી નહોતા કરતા?
આનું કારણ હતું ભારતની જટિલ વાસ્તવિકતા છે. આવડો મોટો દેશ અને પચરંગી પ્રજા. આટલી વિવિધતા જગતનો કયો દેશ ધરાવે છે! વિવિધ પ્રજા વચ્ચે એકતા પણ હતી અને અંતર પણ હતું. ક્વચિત દુશ્મની પણ હતી અને અશ્રદ્ધા પણ હતી. એમાં પાછી પ્રજા ગરીબ અને અશિક્ષિત. મધ્યકાલીન સામંતશાહી યુગમાંથી સીધી ગુલામ બની હતી. પશ્ચિમની આધુનિકતાની, પ્રજાની સત્તાકીય ભાગીદારીની, આધુનિક વહીવટીતંત્રની સમજ તો ભારતની પ્રજાને ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં આધુનિક શિક્ષણ પામેલી પેઢી અસ્તિત્વમાં આવી એ પછી થઈ હતી અને એ સમજ સાર્વત્રિક થવાને હજુ વાર હતી. આ પ્રજા આજે આપણે જેવી આઝાદી ભોગવીએ છીએ એ ભોગવવાની સ્થિતિમાં નહોતી. માટે ઉત્તરોત્તર સત્તા મળતી જાય, પ્રજા સતામાં ભાગીદારી માટે સજ્જ થતી જાય, ભારતની વિવિધ પ્રજા આપસમાં ભોગવટાની સમજૂતી કરતી જાય એ ઉત્તમ માર્ગ હતો. આ સિવાય ગરીબ, શોષિત અને આપસમાં વહેંચાયેલી પ્રજા લડીને આઝાદી મેળવી શકે એમ પણ નહોતી.
૧૯૨૯નો પૂર્ણ સ્વરાજનો ઠરાવ હોવા છતાં ૧૯૩૧માં ગોળમેજ પરિષદમાં આઝાદીની જગ્યાએ ડોમિનિયન સ્ટેટસ કે એની નજીકની સત્તાની માગણી કરવામાં આવી એનું કારણ જરૂરી પ્રજાકીય તૈયારી હતું. ભારતના લોકોને આધુનિક રાજ્ય અને વહીવટીતંત્રનો અનુભવ મળવો જોઈએ. એ પછી ૧૯૩૫માં એક કાયદો બન્યો જેના દ્વારા ૧૯૩૭માં ભારતના તમામ અંગ્રેજ પ્રાંતોમાં ચૂંટણી યોજાઈ અને સરકારો રચાઈ. સરકાર રચવા સામે કૉન્ગ્રેસમાં સમાજવાદીઓનો વિરોધ હોવા છતાં ગાંધીજીએ સરકાર રચવાની દરખાસ્તનું સ્વાગત કર્યું હતું, એનું કારણ કમશઃ સત્તામાં ભાગીદારી વધારતા જઈને સજ્જ થવાનું હતું. ૧૯૩૭-૧૯૩૯ના શાસનના અનુભવે ધ્યાનમાં આવ્યું કે ભારતની પ્રજા પુખ્ત મતદાનવાળા સાર્વત્રિક લોકતંત્ર સાથે શાસન કરી શકે એમ છે. એવું શાસન જે કેન્દ્રીય પણ હોય અને સમવાય પણ હોય.
હવે કલ્પના કરો કે ૧૮૫૭નો વિદ્રોહ ખરેખર આઝાદી માટેનો હોત, આસેતુહિમાલય એવો સાર્વત્રિક હોત અને પરાજીત અંગ્રેજોએ ભારતમાંથી ઉચાળા ભરવા પડ્યા હોત તો ભારત આજ જેવો આઝાદ દેશ હોત ખરો? પહેલી વાત તો એ કે એવું બન્યું નહોતું અને બનવાનું નહોતું એનું કારણ પ્રજાકીય ભાગીદારીવાળા આજના જેવા ભારતીય રાષ્ટ્રની કલ્પના જ ત્યારે વિકસી નહોતી એટલે વિદ્રોહ નિષ્ફળ નીવડ્યો હતો. બીજી વાત એ કે એ છતાં પણ જો ભારતને ત્યારે આઝાદી મળી હોત તો એ પ્રજાકીય ભાગીદારીવાળા આજના જેવા ભારતીય રાષ્ટ્રની કલ્પનાના અભાવમાં ટકી શકી ન હોત.
ભારતના લગભગ તમામ જવાબદાર નેતાઓ ભારતની આ વાસ્તવિકતા જાણતા હતા. માટે લોકમાન્ય તિલક જેવા જહાલોમાં જહાલ નેતાએ પણ સંપૂર્ણ આઝાદીની માગણી નહોતી કરી અને તેમણે સશસ્ત્ર ક્રાંતિને પણ પ્રોત્સાહિત નહોતી કરી. તેમને બન્ને વાતની જાણ હતી કે ભારતમાં સશસ્ત્ર ક્રાંતિ વ્યવહારુ નથી અને ભારતની પ્રજા હજુ સંપૂર્ણ સ્વરાજને લાયક નથી. જહાલો જહાલ હતા પણ મર્યાદિત અર્થમાં. તેઓ સત્તામાં ભાગીદારી મેળવવા માટે ઉતાવળા હતા અને અંગ્રેજોનું નાક દબાવવામાં માનતા હતા.
પણ કેટલાક યુવાનો સશસ્ત્ર ક્રાંતિનાં સપનાં જોતાં હતાં જે અવ્યવહારુ હતાં. તેમનો ત્યાગ ઘણો મોટો હતો પણ દુર્ભાગ્યે ભારતને આઝાદી અપાવવામાં તેમનું યોગદાન નિર્ણાયક સાબિત ન થઈ શક્યું અને તેમની મૂલ્યવાન જિંદગી એળે ગઈ.
e.mail : ozaramesh@gmail.com
પ્રગટ : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 24 જાન્યુઆરી 2021
![]()




ગાંધીજીએ એકલાએ ભારતને આઝાદી અપાવી, સરદાર પટેલે એકલાએ ભારતનું એકીકરણ કર્યું અને ડૉ. બી. આર. આંબેડકરે એકલાએ ભારતનું બંધારણ ઘડ્યું એ ત્રણેય કથન લગભગ અસત્યની કક્ષાનાં અતિશયોક્તિવાળાં છે. ગાંધીજી ન હોત તો પણ ભારતને આઝાદી મળી હોત, સરદાર ન હોત તો પણ ભારતનું એકીકરણ થયું હોત અને ડૉ. આંબેડકર ન હોત તો પણ ભારતનું બંધારણ એ જ સ્વરૂપનું ઘડાયું હોત જે સ્વરૂપનું આજે છે. આપણે જ્યારે આવાં માત્ર આપણને ગમે અથવા માફક આવે એવાં અતિશયોક્તિભર્યાં નિવેદનો કરીએ છીએ ત્યારે આપણે બીજાને અન્યાય કરીએ છીએ એનું ભાન નથી રહેતું. એકને મોટા બનાવવા માટે બીજાની ઉપેક્ષા કરવી કે નાના ચીતરવા અથવા બદનામ કરવા એ અપરાધ છે.
મારી વાચકોને ભલામણ છે કે તેમણે સુભાષચંદ્ર બોઝ દ્વારા લિખિત ‘ધ ઇન્ડિયન સ્ટ્રગલ-૧૯૨૦-૧૯૪૨’ નામનું પુસ્તક વાંચવું જોઈએ. એ પુસ્તક તેમણે એ દિવસોમાં લખ્યું છે જ્યારે આઝાદીની લડતો ચાલતી હતી અને વિરમતી હતી. ગાંધીજી લડતમાં ઢીલ છોડે અને સુભાષબાબુ અકળાઈ જાય. ગાંધીજી અસ્પૃશ્યતા નિવારણ, ચરખો, ખેતી, દારુની દુકાનો સામે મહિલાઓના પીકેટીંગ, ખેતીના પ્રયોગ, ખોરાકના પ્રયોગ, કુદરતી ઉપચારના પ્રયોગ, અહિંસાચિંતન, અહિંસક સમાજની રચના માટે આશ્રમજીવનના પ્રયોગો, એકાદશવ્રતના પ્રયોગો વગેરે ભાતભાતનાં ‘અવાંતર’ કામ કરે એ જોઇને સુભાષબાબુ અધીરા થઈ જાય. પાછાં આવાં ‘અવાંતર’ કામ તેઓ એટલી જ તીવ્રતાથી અને ચીવટથી કરે જેટલી ચીવટથી મીઠાનો સત્યાગ્રહ કરે. સુભાષબાબુને વારંવાર એવું લાગે કે આવો વેવલો માણસ ભારતને શું આઝાદી અપાવવાનો હતો અને જ્યારે નમક સત્યાગ્રહનો પ્રભાવ જુએ ત્યારે અભિભૂત થઈ જાય અને ફરિયાદ કરવા લાગે કે આ માણસ સઘળાં અવાંતર કામ છોડીને રાજકીય લડત પર ધ્યાન કેમ નથી આપતો?
આવી જ મનોદશા ડૉ. આંબેડકરની પણ હતી. તેમને પણ ગાંધીજીની અસ્પૃશ્યતાનિવારણ માટેની પ્રામાણિકતા અને તીવ્રતા જોઇને એમ લાગતું કે ગાંધીજીએ સઘળાં કામ પડતાં મુકીને દલીતોદ્ધારનું કામ હાથ ધરવું જોઈએ. તેમણે ગાંધીજીને એકથી વધુ વખત કહ્યું પણ હતું કે, ‘મહાત્માજી ભારતને આઝાદી આજ નહીં તો કાલે મળી જ જશે, પણ દલિતોને ન્યાય અપાવવાનું કામ તમારા સિવાય કોણ કરી શકશે? તમારો હિંદુઓ ઉપર પ્રભાવ છે.’ આમ સુભાષચન્દ્ર બોઝ માટે રાજકીય આઝાદી સિવાયનાં બીજાં કામ ‘અવાંતર’ હતાં અને ડૉ. આંબેડકર માટે અસ્પૃશ્યતાનિવારણ સિવાયનાં બીજાં કામ અવાંતર હતાં.