જો બધું સમુસૂતરું ઊતરશે તો તમે આ લેખ વાંચતા હશો, ત્યાં સુધીમાં અમેરિકન પ્રજાનો તો છૂટકારો થઈ ગયો હશે. અમેરિકનોએ મહાપરાણે પોતાની આઝાદી અને લોકતંત્ર બચાવ્યાં છે. ગયા નવેમ્બર મહિનામાં અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી યોજાઈ ત્યારે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો પરાજય થયો હતો. એ પરાજય નિર્ણાયક હતો, પરંતુ જેવો હોવો જોઈએ એવો નહોતો. અમેરિકાની ચૂંટણીમાં થયેલા મતદાનમાં કુલ સાડા પંદર કરોડ મતદાતાઓએ મતદાન કર્યું હતું જેમાંથી ટ્રમ્પને સાડા સાત કરોડ મત મળ્યા હતા. વિજેતા ઉમેદવાર અને હવે અમેરિકાના ૪૬મા પ્રમુખ બનેલા જો બાયડનને આઠ કરોડ મત મળ્યા હતા. બે વચ્ચે ફરક માત્ર પચાસ લાખનો હતો.
જે માણસને લાત મારીને તગેડવો જોઈતો હતો એને સાડા સાત કરોડ પોપ્યુલર વોટ મળે? મળે. આજના યુગમાં મળે. માત્ર અમેરિકામાં જ નહીં જગતમાં એવા અનેક ચૂંટાયેલા નેતાઓ છે જેઓ આવડત વિનાના છે, સરમુખત્યાર છે, આત્મમુગ્ધ છે, મન ફાવે એવા નિર્ણયો લે છે અને સભ્યતાના ધારાધોરણોને ગણકારતા નથી. અમેરિકા જેવા લોકતાંત્રિક દેશમાં ૩૦ હજાર વખત અસત્ય કે અર્ધસત્ય બોલવાનો ટ્રમ્પનો રેકોર્ડ છે. આમ છતાં ય પ્રમુખપદની ચૂંટણીમાં પરાજય પછી પરાજય સ્વીકારવાનો ટ્રમ્પે અસ્વીકાર કર્યો ત્યારે તેને ટેકો આપનારા અમેરિકનો મોટી સંખ્યામાં હતા. છઠ્ઠી જાન્યુઆરીએ કેપિટોલ હિલ પર જે ઘટના બની એ તો અમેરિકન લોકતંત્ર માટે કલંકરૂપ ઘટના છે. અમેરિકન પ્રમુખ લોકતંત્રના મંદિર ઉપર હુમલો કરનારા સમર્થકોનાં ટોળાંને ઉશ્કેરતા હતા, શાબાશી આપતા હતા, તેમની ગુંડાગર્દીને બિરદાવતા હતા અને તેમને દેશભક્તિ તરીકે ઓળખાવતા હતા.

courtesy : Dave Brown, "The Independent"; 14 January 2021
ડોનાલ્ડ ટ્રમ્પમાં દોકડાની આવડત નથી એ તો જગજાહેર છે. તેઓ અમેરિકન લોકતંત્ર માટે કલંકરૂપ પ્રમુખ તરીકે ઇતિહાસમાં સ્થાન પામશે. ઇતિહાસ તો તેમને ન્યાય આપવાનો જ છે, પણ વર્તમાનનું શું? ટ્રમ્પ બિરાદરીએ જગત આખાના વર્તમાનને જે રીતે ઉતર્ડ્યો છે એને ફરી સાંધતા વર્ષો જશે અને એ પણ પૂરેપૂરો સંધાશે કે કેમ એ તો શંકા જ છે. રાજકીય નિષ્ણાતો કહે છે કે સૌથી મોટી કસોટી રિપબ્લિકન પાર્ટીની થવાની છે. થવાની શું, થઈ રહી છે. એ કસોટી સંયત જમણેરી અમેરિકા અને ઝનૂની જમણેરી અમેરિકા વચ્ચે થવાની છે.
અમેરિકામાં ૧૮૬૧-૧૮૬૫ના આંતરવિગ્રહ પછીથી જમણેરી રિપબ્લિકન પાર્ટી – જે અમેરિકામાં જી.ઓ.પી. (ગ્રાંડ ઓલ્ડ પાર્ટી) તરીકે ઓળખાય છે – સંયત જમણેરી માર્ગ અપનાવતી આવી છે. ધર્મનો બચાવ કરે, ખ્રિસ્તી હોવા માટે ગર્વ અનુભવે, વ્હાઈટ ક્રિશ્ચિયન અમેરિકન ફર્સ્ટની વાતો કરે, ગર્ભપાતનો વિરોધ કરે, સમલિંગી લગ્નનો કે સંબંધોનો વિરોધ કરે, થોડો વંશવાદી અભિગમ અપનાવે, વસાહતીઓ વિરોધી નીતિ અપનાવવાની વાતો કરે, ખાનગી નાગરિકના શસ્ત્ર ધરાવવાના અધિકારનો બચાવ કરે, વગેરે. આ બધું સંયત સ્વરમાં માપમાં કરવામાં આવે. આંતરવિગ્રહ પછી તેમને બોધપાઠ મળી ગયો હતો કે બોટલ ખોલીને જીન બહાર કાઢવામાં જોખમ છે. જમણેરી રૂઢિચુસ્ત મતદાતાઓને ભાવે એવી ભાષામાં બોલો પણ ધૂણાવો નહીં. ધૂણાવશો તો પછી ધૂણનારાઓ અંકુશમાં નહીં રહે.
ડોનાલ્ડ ટ્રમ્પે દૂરદર્શિતાનો અભાવ, ગાંડપણ અને સ્વકેન્દ્રી અભિગમથી પ્રેરાઈને જેમાં જીન પૂરવામાં આવ્યો હતો એ બોટલનું ઢાંકણું ખોલી નાખ્યું. સોશ્યલ મીડિયા તો હાથવગાં હતાં જ એમાં કેમ્બ્રિજ એનેલિટીકા જેવા પૈસા ખાતર ભાંગફોડ કરવાનો ધંધો કરનારાઓએ બળતામાં ઘી હોમ્યું. સામે પક્ષે રાજ કરતાં પણ આવડતું નહોતું, એટલે ત્યાં પણ ભોપાળું જ હતું. હવે જી.ઓ.પી. (રિપબ્લિકન પાર્ટી) સામે પ્રશ્ન છે કે કેપિટોલ હિલનો કબજો કરનારા ઝનૂની અમેરિકનોને ધૂણતા અટકાવવા કઈ રીતે? કે પછી જે માર્ગ ટ્રમ્પે અપનાવ્યો હતો અને જે માર્ગ કેટલાક ઝનૂની શ્વેત ખ્રિસ્તીઓને ગમે છે એને જાળવી રાખવો? મૂળ જગ્યાએ પાછા ફરવું કે પછી રિપબ્લિકન પાર્ટીમાં પેદા થયેલા ન્યુ નોર્મલને નોર્મલ તરીકે સ્વીકારી લેવું? મૂળ જગ્યા હતી હળવા શ્વેત અમેરિકન ખ્રિસ્તીત્વની અને નવી જગ્યા છે ઝનૂની શ્વેત અમેરિકન ખ્રિસ્તીત્વની. અત્યારે અમેરિકામાં અને જગતમાં ટ્રમ્પ પછીના અમેરિકા કરતાં ટ્રમ્પ પછીના જી.ઓ.પી.ની ચર્ચા વધુ તીવ્ર રીતે ચાલી રહી છે.
અહીં એક વાત નોંધવી જોઈએ કે જે પડકાર અત્યારે અમેરિકામાં રિપબ્લિકન પાર્ટી સામે છે એ પડકાર આવતી કાલે આપણે ત્યાં ભારતીય જનતા પક્ષ સામે પણ પેદા થવાનો છે. હળવા હિન્દુત્વના સ્વસ્થતાના બિંદુ ઉપર પાછા ફરવું મુશ્કેલ બની જશે. અમેરિકામાં તો વળી રિપબ્લિકન પાર્ટી પાસે સ્વસ્થ અને સંયત રૂઢિચુસ્ત જમણેરી રાજકારણનો વારસો છે અને એ લગભગ દોઢસો વરસ જૂનો છે. એ વારસો પાછા ફરવામાં ઉપયોગી થઈ શકે એમ છે. બી.જે.પી. પાસે એવો કોઈ વારસો પણ નથી. અહીં ભારતીય સામ્યવાદી પક્ષની યાદ આવે છે. ભારતને આઝાદી મળી એ પછી બી.ટી. રણદીવેના નેતૃત્વમાં સામ્યવાદી પક્ષે ભારતનાં બંધારણ સહિત ભારતીય રાજ્યનો જ સમૂળગો અસ્વીકાર કર્યો અને તેને સશસ્ત્ર ક્રાંતિ દ્વારા ઉથલાવવાની અને રાજ્યનો કબજો કરવાની જાહેરાત કરી. તેમને એમાં સફળતા તો મળી નહીં, પરંતુ પાંચેક વરસે જ્યારે તેમણે અપનાવેલા માર્ગની અવ્યવહારુતાનું ભાન થયું તો ત્યાં સુધીમાં ઘણું નુકસાન થઈ ચુક્યું હતું અને હજુ આજે પણ સામ્યવાદી પક્ષો તેની કિંમત ચૂકવી રહ્યા છે. આત્યંતિકતાના કેટલાક તાત્કાલિક લાભ હોય છે તો તેના લાંબા ગાળાનાં નુકસાન પણ હોય છે.

courtesy : Dave Brown, "The Independent"; 21 January 2021
ટૂંકમાં અત્યારે એમ લાગે છે કે ટ્રમ્પ પછીના અમેરિકાને થાળે પડવામાં એટલી મુશ્કેલી નહીં આવે જેટલી ટ્રમ્પ પછીના પક્ષને થાળે પડવામાં મુશ્કેલી આવવાની છે. અમેરિકામાં લોકતાંત્રિક સંસ્થાઓ મજબૂત છે, અને ત્યાંના મીડિયા આપણે ત્યાં છે એવા સાવ બીકાઉ ગોદી મીડિયા નથી. આ ઉપરાંત નવા પ્રમુખ બાયડન અને તેમનાં ઉપ-પ્રમુખ કમલા હેરિસ સમજદાર અને સ્વસ્થ છે. જો કે તેમણે ઝનૂની જમણેરીઓનો સામનો કરવો પડશે અને એ એટલો આસાન નહીં હોય જેટલો પાછલાં વર્ષોમાં હતો. ધ્યાન રહે, સાડા સાત કરોડ અમેરિકનોની અંદર આજે પણ ટ્રમ્પ બેઠો છે.
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 21 જાન્યુઆરી 2021
![]()


૧૯૩૭માં પ્રાંતીય ધારાસભાઓની ચૂંટણી થઈ, ત્યારે આજે જ્યાં પાકિસ્તાન છે એ પ્રાન્તોમાં અને બંગલાદેશમાં મુસ્લિમ લીગનો પરાજય થયો હતો. ૧૯૪૬માં અલબત્ત એ પ્રદેશોમાં મુસ્લિમ લીગનો વિજય થયો હતો, એનું કારણ કોમવાદનો ઝેરી પ્રચાર હતો. એ સમયે મુસલમાનોનું મન એ રીતે ભ્રમિત થયેલું હતું જે રીતે અત્યારે કેટલાક હિંદુઓનું જોવા મળે છે. આમ છતાં ય તેમને પાકિસ્તાનમાં રસ હતો એમ ન કહી શકાય. એ સમયે પણ વાયવ્ય સરહદ પ્રાંતમાં મુસ્લિમ લીગનો પરાજય થયો હતો અને બલુચિસ્તાને પાકિસ્તાનમાં જોડાવાની ના પાડી દીધી હતી.
ગાંધીજીએ એકલાએ ભારતને આઝાદી અપાવી, સરદાર પટેલે એકલાએ ભારતનું એકીકરણ કર્યું અને ડૉ. બી. આર. આંબેડકરે એકલાએ ભારતનું બંધારણ ઘડ્યું એ ત્રણેય કથન લગભગ અસત્યની કક્ષાનાં અતિશયોક્તિવાળાં છે. ગાંધીજી ન હોત તો પણ ભારતને આઝાદી મળી હોત, સરદાર ન હોત તો પણ ભારતનું એકીકરણ થયું હોત અને ડૉ. આંબેડકર ન હોત તો પણ ભારતનું બંધારણ એ જ સ્વરૂપનું ઘડાયું હોત જે સ્વરૂપનું આજે છે. આપણે જ્યારે આવાં માત્ર આપણને ગમે અથવા માફક આવે એવાં અતિશયોક્તિભર્યાં નિવેદનો કરીએ છીએ ત્યારે આપણે બીજાને અન્યાય કરીએ છીએ એનું ભાન નથી રહેતું. એકને મોટા બનાવવા માટે બીજાની ઉપેક્ષા કરવી કે નાના ચીતરવા અથવા બદનામ કરવા એ અપરાધ છે.
મારી વાચકોને ભલામણ છે કે તેમણે સુભાષચંદ્ર બોઝ દ્વારા લિખિત ‘ધ ઇન્ડિયન સ્ટ્રગલ-૧૯૨૦-૧૯૪૨’ નામનું પુસ્તક વાંચવું જોઈએ. એ પુસ્તક તેમણે એ દિવસોમાં લખ્યું છે જ્યારે આઝાદીની લડતો ચાલતી હતી અને વિરમતી હતી. ગાંધીજી લડતમાં ઢીલ છોડે અને સુભાષબાબુ અકળાઈ જાય. ગાંધીજી અસ્પૃશ્યતા નિવારણ, ચરખો, ખેતી, દારુની દુકાનો સામે મહિલાઓના પીકેટીંગ, ખેતીના પ્રયોગ, ખોરાકના પ્રયોગ, કુદરતી ઉપચારના પ્રયોગ, અહિંસાચિંતન, અહિંસક સમાજની રચના માટે આશ્રમજીવનના પ્રયોગો, એકાદશવ્રતના પ્રયોગો વગેરે ભાતભાતનાં ‘અવાંતર’ કામ કરે એ જોઇને સુભાષબાબુ અધીરા થઈ જાય. પાછાં આવાં ‘અવાંતર’ કામ તેઓ એટલી જ તીવ્રતાથી અને ચીવટથી કરે જેટલી ચીવટથી મીઠાનો સત્યાગ્રહ કરે. સુભાષબાબુને વારંવાર એવું લાગે કે આવો વેવલો માણસ ભારતને શું આઝાદી અપાવવાનો હતો અને જ્યારે નમક સત્યાગ્રહનો પ્રભાવ જુએ ત્યારે અભિભૂત થઈ જાય અને ફરિયાદ કરવા લાગે કે આ માણસ સઘળાં અવાંતર કામ છોડીને રાજકીય લડત પર ધ્યાન કેમ નથી આપતો?
આવી જ મનોદશા ડૉ. આંબેડકરની પણ હતી. તેમને પણ ગાંધીજીની અસ્પૃશ્યતાનિવારણ માટેની પ્રામાણિકતા અને તીવ્રતા જોઇને એમ લાગતું કે ગાંધીજીએ સઘળાં કામ પડતાં મુકીને દલીતોદ્ધારનું કામ હાથ ધરવું જોઈએ. તેમણે ગાંધીજીને એકથી વધુ વખત કહ્યું પણ હતું કે, ‘મહાત્માજી ભારતને આઝાદી આજ નહીં તો કાલે મળી જ જશે, પણ દલિતોને ન્યાય અપાવવાનું કામ તમારા સિવાય કોણ કરી શકશે? તમારો હિંદુઓ ઉપર પ્રભાવ છે.’ આમ સુભાષચન્દ્ર બોઝ માટે રાજકીય આઝાદી સિવાયનાં બીજાં કામ ‘અવાંતર’ હતાં અને ડૉ. આંબેડકર માટે અસ્પૃશ્યતાનિવારણ સિવાયનાં બીજાં કામ અવાંતર હતાં.