કોઈનું દિલ દુભાય એવું બોલવું, લખવું કે કરવું એ ગુનો ગણાય કે અસંસ્કાર? કોઈનું દિલ ન દુભાય એ રીતે જીવવું એ (જેમાં ફરજિયાતપણું રહેલું છે એવી) ફરજ ગણાય કે વિવેક? આનો જવાબ તમે શું આપો છો, એનાં આધારે તમારું, તમારાં પરિવારનું, તમારા સમાજનું અને તમે જે દેશમાં રહેતા હો એ દેશનું ભવિષ્ય ઘડાશે.
ગાંધીજીએ અસહકાર અને ખિલાફતનું આંદોલન શરૂ કર્યું અને દેશ અને દુનિયાએ ક્યારે ય ન જોઈ હોય એવી હિંદુ-મુસ્લિમ એકતા નજરે પડી ત્યારે સ્વામી શ્રદ્ધાનંદ જેવા કેટલાક હિંદુઓએ ગાંધીજીને સલાહ આપી હતી કે આ સુવર્ણ અવસરનો લાભ લઈને ગાયની હત્યા કરવામાં ન આવે એ માટે ગોવધ પ્રતિબંધ સારુ મુસલમાનોને સમજાવી લેવા જોઈએ. મુસ્લિમ નેતાઓ માની જશે અને તમારો શબ્દ તો તેઓ નહીં જ ટાળે. મુસલમાનો પણ તમને મહાત્માજી તરીકેનો આદર આપે છે.
જો ગાંધીજીની જગ્યાએ કોઈ બીજો નેતા હોત તો તેણે સો ટકા મુસલમાનો સાથે આવી સમજૂતી કરી હોત કે કરાવી હોત. વળી ગાંધીજી તો ઈશ્વરમાં અખૂટ શ્રદ્ધા ધરાવનારા માણસ હતા અને પોતાને હિંદુ તરીકે ઓળખાવવામાં ગર્વ લેતા હતા. ગાંધીજી તો પોતાને સનાતની હિંદુ તરીકે પણ ઓળખાવતા હતા. પણ ગાંધી જુદી માટીનો હતો અને માટે તો એ મરતો નથી. તેમણે શું કહ્યું હતું ખબર છે? તેમણે કહ્યું હતું કે સભ્યતા, સંસ્કારિતા અને વિવેકના કાયદા ન હોય કે ન શરતો હોય કે ન સમજૂતી હોય. જો કાયદા ઘડશો કે ફરજ પાડશો તો તેમાં ફાયદા કરતાં નુકસાન વધુ થશે. કેટલીક બાબતો એવી હોય છે જે સદિ્ચ્છા(ગુડવિલ)નાં ક્ષેત્રમાં આવે છે અને તે કેળવણીનો ભાગ છે. ઈબાદત ટાણે મસ્જિદ પાસે વાજિંત્ર નહીં વગાડવાં એમાં હિંદુની સભ્યતા / સદિ્ચ્છા છે અને ગાયની હત્યા નહીં કરવી એમાં મુસલમાનની સભ્યતા / સદિ્ચ્છા છે. સ્મશાનયાત્રા અને વરઘોડો રસ્તામાં સામસામે આવી જાય ત્યારે વરઘોડાવાળા બેન્ડ વગાડતા અટકી જાય એ વિવેક છે. આનાં કોલ-કરાર અને કાયદા ન હોય. જો એ કરવા જશો તો ઊલમાંથી ચૂલમાં પડશો.
આ ગાંધી. જે સહેજે થઈ શકતું હતું એ તેમણે નહીં કર્યું. તેમના અધ્યાત્મિક વારસદાર અને ભાષ્યકાર વિનોબા ભાવે ગોવધપ્રતિબંધનો કાયદો કરાવવાની લાલચ નહીં રોકી શક્યા અને એક વાર ઉપવાસ પણ કર્યા, જ્યારે ગાંધીજી માટે જે સહજસાધ્ય હતું એ તેમણે ધરાર નહીં કર્યું. તેમાં તેમને અર્થ કરતાં અનર્થ નજરે પડતો હતો.
શું અનર્થ નજરે પડ્યો હતો તેમને? અનેક. એક તો એ કે લાગણીની કોઈ વ્યાખ્યા જ ન થઈ શકે ત્યાં તમે લાગણીઓના આઘાત-પ્રત્યાઘાતોને કાયદામાં કેવી રીતે બાંધો? જો તમે તેને બાંધશો અને પ્રજા ઉપર ફરજ પાડશો તો તેમાં તમે ન્યાય કરતાં અન્યાય જ વધુ કરશો. લાગણી દુભવવાને લગતા કાયદાનો દુરુપયોગ થવાનો છે અને મોટાભાગે કાયદાઓનો દુરુપયોગ અસમર્થ લોકો સામે વધુ થાય છે. ગોવધપ્રતિબંધક કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે અને તે કોની સામે થઈ રહ્યો છે એ તો તમે જાણો છો.
બીજું એ કે તેને કારણે અભિવ્યક્તિ રૂંધાશે. ડૉ રામમોહન લોહિયાએ એક જગ્યાએ કહ્યું છે કે દ્રૌપદી સંસારની શ્રેષ્ઠ નારી છે, સીતા કે સાવિત્રી નહીં. તેમણે કારણ આપતાં કહ્યું છે કે દ્રૌપદીએ વડીલો (ભીષ્મપિતામહ) આચાર્યો (દ્રોણ અને કૃપાચાર્ય), બુદ્ધિમાનો (વિદુર), ચક્રવર્તી રાજા (ધૃતરાષ્ટ્ર), મોટી સંખ્યામાં ઉપસ્થિત દુષ્ટો (કૌરવો), કપટીઓ (શકુની), પોતાની પત્નીને દાવ પર લગાડવા જેટલો સ્ત્રી પર અધિકાર ધરાવનાર પતિઓ (પુરુષો) જે દરેકે દરેક કોઈને કોઈ પ્રકારની સત્તા ધરાવતા હતા તેમની સામે ભરી સભામાં અવાજ ઉઠાવ્યો. દ્રૌપદી અવિવેકી સત્તા સામે નારીનો સત્યનો અને અધિકારનો અવાજ છે અને માટે એ સંસારની શ્રેષ્ઠ નારી છે. તે સીતા અને સાવિત્રીની જેમ પતિની પાછળ ચાલીને દુઃખ વેઠી લેવામાં નહોતી માનતી. હવે કોઈ હિંદુ એમ કહે કે ડૉ લોહિયાએ સીતા માતા અને સતી સાવિત્રીનું અપમાન કર્યું છે અને તેમણે હિંદુઓનું દિલ દુભવ્યું છે તો શું થાય? હવે લોહિયાએ જે કહ્યું એને તમે સુંદર મૌલિક નિરીક્ષણ તરીકે જોશો કે પછી સજાને પાત્ર હિંદુવિરોધીનું કથન? લોહિયાનાં નિરીક્ષણ દ્વારા ઇતિહાસ-પુરાણો કે કાવ્યોને જોવાની આપણી સમજમાં વધારો થયો કે ઘટાડો?
આ પ્રકારનાં સુંદર અને મૌલિક નિરીક્ષણો અને અભિપ્રાયો દ્વારા સમાજ સમૃદ્ધ બને છે. આપણી સમજણની ક્ષિતિજનો વિસ્તાર થાય છે. પરિઘ વધુને વધુ મોટો થાય છે. જેની વ્યાખ્યા જ શક્ય નથી એવી લાગણીઓને અને જે પ્રત્યક્ષ નજરે પડતી નથી એવી દુભામણીઓને કાયદે બાંધવા જતાં સમાજને મોટી ખોટ પડવાની છે. બને કે કોઈની અભિવ્યક્તિ અણઘડ પ્રકારની હોય. બને કે કોઈ વિચાર્યા વિના કે સરખો અભ્યાસ કર્યા વિના બોલતું હોય. બને કે કોઈ જાણીબૂજીને બીજાને ઠેસ પહોંચાડવા માટે બોલતું હોય. પણ લાખ રૂપિયાનો સવાલ એ છે કે આવી પ્રકારની અભિવ્યક્તિઓને રોકવા માટે કાયદાઓ ઘડવામાં આવે તો ડૉ લોહિયા જેવાઓનાં અર્થગર્ભ અભિપ્રાયોથી સમાજ વંચિત રહી જાય અને એ ખોટ ન પૂરાય એવી છે. આ સિવાય કલાત્મકતા અને સર્જનાત્મકતાથી પણ સમાજ વંચિત રહે. વળી સંસારનો નિયમ છે કે જે કચરો છે એ કાળના ચાળણામાં ચળાઈ જવાનો છે એટલે તેની ચિંતા કરવાની જરૂર નથી.
ત્રીજું એ કે જો કાયદા ઘડવામાં આવે અથવા અભિવ્યક્તિની બાબતે અમુક પ્રકારની ફરજ પાડવામાં આવે તો લાગણી અને દુભામણીના ઠેકેદારો પેદા થાય અને તેનું રાજકારણ કરવામાં આવે. દેશમાં અને જગતમાં અત્યારે આ જોવા મળી રહ્યું છે. લાગણી અને દુભામણીના ઠેકેદારોએ અને તેનું રાજકારણ કરનારાઓએ આ જગતમાં જેટલો આતંક મચાવ્યો છે અને હિંસા કરી છે એટલી હિંસા તો જમીન અને સત્તા માટેની લડાઈઓએ પણ નથી કરી. આ હકીકત છે. ઇતિહાસ તપાસી જાવ.
માટે ગાંધીજીએ કહ્યું હતું કે વિવેક અને સદિ્ચ્છાના કાયદા ન હોય એ કેળવવાની ચીજ છે. મોટું મન રાખીને આંખ આડા કાન કરવા એ વિવેક છે. સહિષ્ણુતા કેળવવી એ વિવેક છે. બીજા માણસને બોલવા દેવો એ વિવેક છે. તેની પાસેથી જે ગ્રહણ કરવા જેવું લાગે તે ગ્રહણ કરવું એ વિવેક છે. કબીરે અમસ્તું નથી કહ્યું કે નિંદક નીઅરે રાખીએ. એ વગર પાણીએ હજામત કરી આપે. કાયદાઓ ઘડીને કોઈને રોકશો અને ટોળાંઓ રચીને કોઈને વારશો કે મારશો તો સરવાળે નુકસાન સમાજને થવાનું છે.
પણ આ તો એમને માટેની વાત થઈ જેઓ સદ્ગુણ અપનાવવા અને વિકસાવવા માગે છે. જ્યારે વિનાયક દામોદર સાવરકર કહીને ગયા છે કે સદ્ગુણ એ વિકૃતિ છે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 28 ઑગસ્ટ 2022
![]()


કેન્દ્ર સરકાર(નરેન્દ્ર મોદી-અમિત શાહ વાંચો)નું અભિમાનગ્રસ્ત માથાભારેપણું વધુને વધુ આક્રમક થઈ રહ્યું છે અને હવે તો એ વાત અંગત વાતચીતમાં ભક્તો પણ સ્વીકારવા લાગ્યા છે. તેમને પણ આશ્ચર્ય થાય છે કે તોછડાઈ અને માનમર્યાદાની ઐસીતૈસી કરનારું વલણ તેઓ શા માટે અપનાવી રહ્યા છે! મેં અનેકવાર લખ્યું છે કે માથાભારેપણામાં અને શક્તિમાં ફરક છે. માથાભારેપણા દ્વારા શક્તિનો પાત થાય છે અને જરૂરી મર્યાદા જાળવીને વિવેકપૂર્વક શક્તિ સંવર્ધન કરવાથી શક્તિ હજુ વધુ ખીલે છે. અંગ્રેજોનું અને કાઠિયાવાડના ભાયાતોનું ઉદાહરણ પણ મેં આપ્યું છે. અંગ્રેજોએ શક્તિનું સંવર્ધન કર્યું હતું અને દુનિયા જીતી હતી અને કાઠિયાવાડી ભાયાતોએ તુમાખી અને માથાભારેપણા દ્વારા શક્તિ તો દૂર રહી, આબરૂ પણ ગુમાવી હતી. કવિ દલપતરામે ‘હરખ હવે તું હિન્દુસ્તાન’ નામની કવિતા રચીને અંગ્રેજીરાજનું સ્વાગત કર્યું હતું એના પરથી ખ્યાલ આવશે કે લોકો જવાબદાર રાજ માટે કેટલા તલસતા હશે! ભક્તો જરા વિચારે કે શું દલપતરામ દેશદ્રોહી હતા? તમારા જેટલી બુદ્ધિ તેઓ નહોતા ધરાવતા?
આ જગતમાં મનુષ્ય એક માત્ર એવું પ્રાણી છે જેનામાં અન્ય પશુ-પક્ષીઓ કરતાં વધારે બુદ્ધિ હોવા છતાં અનુભવમાંથી કાંઈ શીખતું નથી. તમે જોયું હશે કે પશુ-પક્ષી એ જગ્યાએ ક્યારે ય પાછાં જતાં નથી જ્યાં તેમને ખરાબ અનુભવ થયો હોય, જ્યારે ગુનો કરનાર મનુષ્ય ગુનાની જગ્યાએ કમ સે કમ એક વાર તો પાછો જાય જ છે. ગુના-અન્વેષણ શાસ્ત્ર માટે આ હકીકત ગુનેગારને પકડવા માટેનું હુકમનું પાનું છે. મનુષ્ય પાસે વધારે વિકસિત ચિત્ત છે એટલે એ ચિત્તવૃત્તિને રોકી શકતો નથી. આખું પાતંજલ યોગશાસ્ત્ર આ ચિત્તવૃત્તિના નિરોધ માટે રચવામાં આવ્યું છે, પણ મનુષ્ય વારંવારના અનુભવ પછી પણ ચિત્તવૃત્તિઓને રોકી શકતો નથી.
જેની હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો (અને એમ લાગે છે કે સદ્દનસીબે તેઓ બચી જશે) એ ભારતીય અંગ્રેજી સાહિત્યકાર સલમાન રશ્દીની તુલના હું ગાંધી-સોક્રેટીસ કે ઈશુ સાથે નથી કરતો, પણ હું એમ કહેવા માગું છું કે હત્યાઓ કરવાથી અવાજો બંધ થતા નથી. જો એમ હોત તો દુનિયા અત્યારે ત્યાં જ હોત જ્યાં બે-પાંચ હજાર વરસ પહેલાં હતી. દરેકે દરેક યુગમાં બહુમતી સમાજ ન ગમતા અવાજોથી ભાગવાનો પ્રયાસ કરે છે, પણ ભાગી શક્યો નથી. સર્જકના સર્જનાત્મક અવાજો પણ એક અવાજ છે જે કેટલાક લોકોને પરેશાન કરે છે. પાંચ વરસ પહેલાં એક યુવકે કન્નડ પત્રકાર અને લેખિકા ગૌરી લંકેશની હત્યા કરી હતી. શું હાથમાં આવ્યું? ગૌરી લંકેશ એ લોકો સુધી પહોંચી ગયાં જેણે તેમની હત્યા પહેલાં તેમનું નામ પણ નહોતું સાંભળ્યું. સલમાન રશ્દીની વિવાદાસ્પદ કૃતિ ‘સેતાનિક વર્સીસ’ આખા જગતમાં પહોચી ગઈ અને જગતની લગભગ દરેક ભાષામાં અનુવાદિત થઈ. હત્યાઓ અને સતામણી અવાજોને રૂંધવાની જગ્યાએ તેને ઝડપથી પ્રસારિત કરવાનું કામ કરે છે. આ અનુભવ છે, પણ માણસ તેમાંથી કાંઈ શીખતો નથી અને એની એ ભૂલ એ વારંવાર કરતો રહે છે.
વળી જે યુવકે ગૌરી લંકેશની હત્યા કરી હતી એણે તપાસકર્તા પોલીસ અધિકારીને કહ્યું હતું કે તેણે ગૌરી લંકેશનો એક લેખ સુદ્ધા નહોતો વાંચ્યો તો કૃતિ તો બાજુએ રહી. વગર વાંચ્યે તેનું દિલ દુભાયું હતું. મને ખાતરી છે કે સલમાન રશ્દીની હત્યા કરવાનો પ્રયાસ કરનારા યુવકે રશ્દીની કૃતિ નહીં વાંચી હોય. ઘણાં લોકોનાં વાંચ્યાકર્યા વિના કે ઘટના પ્રત્યક્ષ જોયા વિના દિલ દુભાય છે એ કાં તો બુદ્ધિની દરિદ્રતાની પરાકાષ્ટા છે અને કાં સંસ્કારિતાના અભાવની પરાકાષ્ટા છે. હકીકતમાં દિલ કોઈનાં દુભાતાં નથી, એ તો માત્ર દિલ-દુભામણીનું રાજકારણ હોય છે. જો ઓળખો દ્વારા રચાતાં ટોળાંનાં દિલ દુભાતાં હોત તો બિલ્કીસ બાનુના બળાત્કારીઓ અને તેનાં પરિવારના સભ્યોના હત્યારાઓને છોડી મુકવામાં આવ્યા અને ઉપરથી હત્યારા બળાત્કારીઓની જાહેરમાં આરતી ઉતારવામાં આવી ત્યારે દિલ દુભાવા જોઈતા હતા. હિંદુ આવો હોય? બળાત્કારી હત્યારાઓની આરતી ઉતારે? ક્યાં છે દિલ? પૂછી જુઓ પોતાના અંતરાત્માને જો પોતાને સાચા હિંદુ તરીકે ઓળખાવતા હો તો. આવો હોય હિંદુ? આ હિંદુ દેશને વિશ્વગુરુ બનાવશે? વળી બળાત્કારી હત્યારાઓનો કોઈ ધર્મ હોય?