
હેમન્તકુમાર શાહ
હિંદુ સંસ્કૃતિમાં મનુષ્યના સો વર્ષના જીવનને ચાર અવસ્થામાં અથવા કહો કે ચાર આશ્રમ વ્યવસ્થામાં વહેંચી નાખવામાં આવ્યું છે : બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ.
આ આશ્રમ વ્યવસ્થા મુજબ આટલું તો થવું જ જોઈએ :
(૧) ૨૫ વર્ષની વય પહેલાં કોઈનું લગ્ન થવું જોઈએ નહીં. ત્યાં સુધી તો માત્ર ભણવાનું જ હોય, કમાવાનું હોય જ નહીં. એટલે જેમનાં લગ્ન થઈ ગયાં હોય તે બધાં લગ્ન ફોક ગણવામાં આવે. વળી, ૨૫ વર્ષની વય સુધીનાં બધાં યુવકો અને યુવતીઓ જો અત્યારે કમાતા હોય તો એ બધાંને નોકરીમાંથી કાઢી મૂકીને ભણવા મોકલી દેવાનાં. કોઈ પણ કારખાના કે ઓફિસમાં ૨૫ વર્ષથી ઓછી વયની વ્યક્તિ કામ કરતી હોવી જોઈએ જ નહીં.
(૨) ૨૫થી ૫૦ની વય દરમ્યાન જ કમાવાનું કામ કરવાનું, એ પહેલાં પણ નહીં અને પછી પણ નહીં. કોઈ રાજનેતા પણ આ ઉંમરમાં જ થાય, એ પહેલાં પણ નહીં અને પછી પણ નહીં.
(૩) ૫૦ વર્ષની વય થાય એટલે ઘરબાર છોડીને જંગલમાં જતા રહેવાનું. અથવા ઘરમાં રહીને પણ જંગલમાં રહેતા હોવ એ રીતે જ રહેવાનું. એનો અર્થ એ પણ છે કે આર્થિક કમાણી કરવાનું બંધ કરવાનું. પેન્શન પણ લેવાનું નહીં.
(૪) ૭૫ની વય થાય એટલે સંન્યાસ લઈ લેવાનો, ભગવાં વસ્ત્રો ધારણ કરવાનાં, ભીખ માગીને જ ખાવાનું અને આત્માનો ઉદ્ધાર કરવાનો અને પરમાત્માને મળવાની તૈયારી કરવાની. ૭૫ વર્ષની વય પહેલાં સાધુ થવાનું જ નહીં, અને કોઈને સાધુ બનાવવાના પણ નહીં.
આજકાલ હિંદુ સંસ્કૃતિની બહુ દુહાઈ દેવામાં આવે છે. અને વળી, જગતની શ્રેષ્ઠ સંસ્કૃતિ હિન્દુ સંસ્કૃતિ છે એમ ઢોલ પીટીને કહેવામાં આવે છે. તો જેઓ આવો દાવો કરે છે એ બધાએ આ આશ્રમ વ્યવસ્થાનું પાલન કરવું જોઈએ કે નહીં?
આ જંબુદ્વીપમાં કે ભારતવર્ષમાં ભૂતકાળમાં બધું બહુ મહાન હતું એમ કહેવામાં આવે છે. તો આશ્રમ વ્યવસ્થા બહુ સારી અને મહાન હતી કે નહીં? તેનું પાલન આવો દાવો કરનારા લોકોએ જાતે કરીને મહાન અને દિવ્ય ભારતમાં આખા વિશ્વ માટે દાખલો બેસાડવો જોઈએ કે નહીં? એમ કરવાથી આ ભારતવર્ષ કે આર્યાવર્ત વિશ્વગુરુ થાય કે નહીં? અને હા, એ બધાને મોક્ષ મળે કે નહીં?
તા.૨૦-૦૭-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર