
સાયમન જ્હોનસન
૨૦૨૪નું અર્થશાસ્ત્રનું નોબેલ ઈનામ ત્રણ અમેરિકન અર્થશાસ્ત્રીઓને મળ્યું છે. એમાંના એક નોબેલ ઈનામ વિજેતા અમેરિકન અર્થશાસ્ત્રી સાયમન જ્હોનસન અમેરિકાની એક વિખ્યાત યુનિવર્સિટી MITના અધ્યાપક છે.
તેમના દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પની બિન-લોકશાહી રીતરસમો વિશે ગઈ કાલે જ ટીકા કરાઈ છે! નોબેલ ઇનામની જાહેરાત થઈ પછી સાયમન જ્હોનસન દ્વારા એક ફોન મુલાકાતમાં એમ કહેવામાં આવ્યું કે અમેરિકામાં લોકશાહી માટે સ્થાપવામાં આવેલી સંસ્થાઓ પર ખતરો મંડરાય છે. તેનું તેમણે એવું કારણ આપ્યું કે ગઈ ૨૦૨૦ની ચૂંટણી પછી ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચૂંટણીનું પરિણામ સ્વીકારવાનો ઈનકાર કરવામાં આવ્યો હતો.
આમ કહીને અમેરિકા સહિતના ધનવાન દેશોમાં પ્રવર્તતાં તાનાશાહી વલણો અંગે સાયમન જ્હોનસન કહે છે કે “ઔદ્યોગિક જગતમાં મને જે કંઈ દેખાય છે તે મને લાગે છે કે સૌથી મોટો ચિંતાનો વિષય છે.”
સાયમન જ્હોનસનને દુનિયામાં જ્યાં પણ લોકશાહી છે ત્યાં એ ધીમે ધીમે ઘસાઈ રહી છે એની ચિંતા થાય છે. ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે પ્રમુખપદની ચૂંટણીના ઉમેદવાર છે. તેઓ જીતી પણ શકે છે. છતાં સાયમન જ્હોનસન આમ બોલે છે.
ગુજરાતના કોઈ એવોર્ડ વિજેતાની કે કોઈ અધ્યાપકની કે કોઈ આચાર્યની કે કોઈ કુલપતિની; નરેન્દ્ર મોદીની, અમિત શાહની કે ભા.જ.પ.ની અથવા ગુજરાતની કે દેશની સરકારની નીતિઓ અને તેમનાં વલણોની ટીકા કરવાની હિંમત છે ખરી? જો ના, તો તેઓ કંઈ આમાંથી શીખે ખરા? સત્તા સામે બોલવા હિંમત જોઈએ, એનાં મંજીરાં વગાડવાનાં ન હોય.
તા. ૧૫-૧૦-૨૦૨૪
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર