‘આપણી વચ્ચે નથી બીજું કઈં, એક નાતો છે અને નિર્ભેળ છે’ – આધુનિક મૂલ્યો અને જીવનશૈલીએ જટિલ બનાવેલા સંબંધો, લગ્નસંસ્થા પર ઊઠતાં પ્રશ્નો અને લિવ–ઇન રિલેશનશીપની વ્યાવહારિક મુશ્કેલીઓ વચ્ચે હાલકડોલક સ્ત્રીપુરુષ સંબંધો નિર્ભેળ નાતાની પાદર્શકતા ક્યાં શોધશે?

સોનલ પરીખ
મુસ્લિમ મા શીરીન મોહમ્મદઅલી, ફિલ્મસર્જક મહેશ ભટ્ટના હૃદયનો એક આળો ખૂણો છે. મહેશ ભટ્ટના પિતા અને વીતેલા યુગના નિર્માતા-નિર્દેશક નાનાભાઇ ભટ્ટ નાગર બ્રાહ્મણ હતા, મુસ્લિમ પ્રેમિકા સાથે પરણી ન શક્યા અને હિન્દુ યુવતી હેમલતા સાથે પરણવું પડ્યું. શીરીન સાથેનો પ્રેમ અતૂટ હતો, પણ 1930-40ના એ જમાનામાં સંબંધ ટકાવવામાં બંનેને કેટલી મુશ્કેલીઓ વેઠવી પડી હશે? લગ્નનું સન્માન ન પામેલી, સામાજિક ઉપેક્ષા અને અપમાનોનો ભોગ બનેલી મા પ્રત્યે મહેશ ભટ્ટને એક અજબ લગાવ હતો. આ આખી વાત એમણે 1998ની ફિલ્મ ‘ઝખ્મ’માં મૂકી છે. મધર્સ ડે નિમિત્તે એ મા-દીકરાના સંઘર્ષ પ્રત્યે આદર વ્યક્ત કરું છું.
આજે આપણે આવા સંબંધોને લિવ-ઈન રિલેશનશીપ તરીકે ઓળખીએ છીએ. સમાજમાં આવા સંબંધોનું પ્રમાણ વધ્યું છે અને કાયદો પણ તેને કૂણી નજરે જોવા લાગ્યો છે ત્યારે વિચાર આવે કે લગ્ન સારાં કે લિવ-ઈન રિલેશનશીપ? ઓશો વર્ણવે છે તેમ ભયથી ફફડતાં બે બાળક એકબીજાને વળગીને બેઠાં હોય એમ જીવતાં પતિપત્નીની સંખ્યા ધારીએ છીએ તેના કરતાં ઘણી વધારે છે. સાથે રહેવાનું ફાવતું ન હોય ને પ્રેમ જેવું કશું બચ્યું ન હોય તેમ છતાં આવાં લગ્નો ટકી જાય છે, કારણ એકલતા, ટીકા, નિષ્ફળતાઓ ભય અને બાળકોની ચિંતા. લિવ-ઈન રિલેશનશીપ પર આવા બોજ કે બંધન હોતાં નથી. વ્યક્તિગત અધિકાર રક્ષાય છે. સ્વપ્નો જોવાની, પૂરાં કરવાની મોકળાશ હોય છે. સાથે રહેવું ગમે છે એ જ સાથે રહેવાનું કારણ હોય છે. પણ એ ચિત્ર પણ દૂરથી લાગે છે તેટલું સુંદર હોતું નથી. વળી ભારતમાં લગ્નને જન્મજન્માંતરનો સંબંધ માનવામાં આવે છે અને લિવ-ઇનને અપરાધ ન ગણવા છતાં કાનૂની સમર્થન ઓછું છે. સામાજિક સમર્થન તો બિલકુલ નથી.
કેરળની એક કન્યાના પિતાએ દીકરી ગુમ થઈ છે એવી એફ.આઇ.આર. લખવી. છોકરી મળી, ખબર પડી કે તેણે તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યાં છે. છોકરી પુખ્ત હતી, પણ છોકરો પુખ્ત ન હતો એટલે લગ્ન કાયદેસર અમાન્ય ઠર્યાં. છોકરો સુપ્રીમ કોર્ટમાં ગયો. ત્યાં બે જજની બેન્ચે ચુકાદો આપ્યો કે ‘છોકરી પુખ્ત છે, બંને લગ્નમાં ભલે બંધાઈ ન શકે, પણ લગ્નબહાર પોતાની મરજીથી સાથે રહી શકે છે. 2005ના પ્રોટેક્શન ઑફ વિમેન ફ્રોમ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટના અન્વયે આ કન્યા, પિતાની લાગણી કે અહમથી દોરવાયા વિના પોતાને પુખ્ત નાગરિક તરીકે કાયદાએ આપેલી સ્વતંત્રતાનો ઉપયોગ કરી નિર્ણય લઇ શકે છે.’
2015ના જુલાઈમાં સુપ્રીમ કોર્ટે લિવ-ઇન રિલેશનશીપને ‘એન એક્સેપ્ટેબલ કસ્ટમ ઇન ઇંડિયન સોસાયટી’ જાહેર કરી. ભારતની સંસ્કૃતિ અને પરંપરાને આ માફક આવે તેવી વસ્તુ નથી એટલે કાયદાએ ગમે તે કહ્યું, સમાજે પરવા કરી નહીં. 29 વર્ષની એક સુંદર બુદ્ધિમાન ને સારું કમાતી યુવતીએ તેના બોયફ્રેન્ડ સાથે રહેવાનું શરૂ તો કર્યું. લિવ-ઇન ‘સ્ટેટ્સ’ છુપાવ્યું નહીં, પરિણામે ત્રણ વર્ષમાં વીસ જેટલાં ઘર બદલવા પડ્યાં. ગ્લેમર ઇન્ડસ્ટ્રીને છોડીને વ્યક્તિગત રીતે પણ લિવ-ઇન રિલેશનશીપ ખાસ કોઈના ગળે ઊતરતી નથી. લગ્નમાં હજાર સમસ્યાઓ હશે, પણ તેમાં જે રીતે વ્યક્તિઓ, સંતાનો, પરિવાર અને સમાજ સચવાય છે તે રીતે લિવ-ઇનમાં સચવાતાં નથી.
બીજી તરફ લિવ-ઇનમાં જે સ્વતંત્રતા, સમાનતા અને સ્પેસ મળે તે લગ્નમાં સ્વપ્ને પણ કલ્પી ન શકાય. લિવ-ઇનની બાબતમાં પ્રોટેક્શન ઑફ વિમેન ફ્રોમ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટનો હવાલો અપાતો હોય છે. આ કાયદો લગ્ન અને ‘લગ્ન જેવા’ બંને સંબંધમાં લાગુ પડે છે. એ મુજબ સ્ત્રીને લગ્નમાં કે લિવ-ઇનમાં મેઈન્ટેનન્સનો હક અને લિવ-ઇનથી જન્મેલાં બાળકોને વારસાહક મળે છે.
અજંપા અને અપેક્ષાઓના આ યુગમાં લગ્નજીવનનાં બંધનો ને જવાબદારીથી અને એકબીજાના સતત સહવાસથી ત્રાસી-કંટાળી ગયેલાં હોય એવાં યુગલોની સંખ્યા વધતી જાય છે. બેવફાઇ કે નવીનતાની શોધ કે શારીરિક આકર્ષણ કે હલકી રુચિ વગેરે કારણો હોય જ એવું પણ જરૂરી નથી. એવાં અનેક યુગલો આપણી આસપપસ મળે જે નક્કર ફરિયાદ ન હોવાથી છૂટાં ન પડ્યાં હોય, પણ એમને સાથે રહેવામાં બિલકુલ મજા ન આવતી હોય. ભારતીય માનસ ઊંડું ઊતરતું નથી, ગંભીરતાથી વિચારતું નથી. મજા ન આવવાની જવાબદારી અન્ય પર ઢોળવાનું એને વધારે ફાવે છે, કેમ કે એમ કરવાથી જવાબદારી પોતાની ન રહે – સામા પક્ષની થઈ જાય અને જવાબદારી પોતાની ન હોય એટલે પોતે કઈં મહેનત કરવાની ન રહે.
વળી આપણે ભારતીયો પ્રારબ્ધવાદી. કર્મનો સિદ્ધાંત હાથવગો. સલાહો આપનારા પુષ્કળ. સમાજનો ડર ઘણો મોટો. લોકો શું કહેશે એ વિચાર પર જિંદગીઓ ખર્ચવાની ટેવ. કાઉન્સેલરને મળી શકાય એવો વિચાર કદી આવે નહીં. એટલે સંબંધો સુધરવાની શક્યતા નહીંવત. બીજી બાજુ પરસ્પર હિતો સંકળાયેલાં હોય, સંતાનો થયાં હોય, છૂટા થવાની ન સગવડ હોય, ન હિંમત. લગ્ન તોડવાં એ પણ એક મોટી જવાબદારી છે. એટલે સહજીવનનું ગાડું ખેંચાયા કરે. સંબંધો સુધરે નહીં ને અલગ પણ ન થવાય.
એટલે જ સુપ્રીમ કોર્ટે કહ્યું કે બે પુખ્ત વ્યક્તિઓને લગ્ન વગર સાથે રહેવાનો અધિકાર છે ત્યારે અનેકને થયું કે સારું જ છે, સાથે રહો પણ બંધાઓ નહીં ને ફાવે ત્યારે સામાન સાથે ચાલતી પકડો. નિષ્ણાતો માને છે કે લિવ-ઇન રિલેશનશિપને લઈને સમાજ બે જૂથોમાં વહેંચાયેલો છે જ્યાં બંને પક્ષોના પોત-પોતાના મંતવ્યો અને દલીલો છે. પરંતુ સમાજનું જ એક સત્ય એ પણ છે કે આવા સંબંધોમાં રહેતા યુવાનો હજુ પણ તેમના વિશે ખુલીને વાત કરતા નથી. તેઓ હજુ પણ ખચકાટ અનુભવે છે. ભારત પરંપરાઓનો દેશ છે છતાં. યુવાનોમાં લિવ-ઇનનું પ્રમાણ ઝડપથી વધતું જાય છે એ સ્વીકારવું પડે. એકબે વર્ષમાં તૂટી ગયેલા અને દાયકાઓ સુધી ટકી ગયેલા સંબંધો એમાં જોવા મળે.
દરેક સંબંધની જેમ લગ્ન અને લિવ-ઇન બંનેના ફાયદા અને ગેરફાયદા, પ્રોઝ અને કોન્સ છે. લિવ-ઇનમાં સ્ત્રીપુરુષ એકબીજાને વધારે સારી રીતે જાણી શકે છે કેમ કે એમને ખલેલ પાડવા પરિવાર, વડીલો, સામાજિક અપેક્ષાઓ વગેરે હોતાં નથી. સંબંધ ટકવા પાછળ પ્રેમ અને પ્રતિબદ્ધતા હોય છે. ઉપરાંત આજના સ્પર્ધા, મહત્ત્વાકાંક્ષા અને કારકિર્દીના જમાનામાં અધિકાર નહીં, જવાબદારી પણ નહીં અને ન ફાવે ત્યારે છૂટા પડી જવાનું સરળ એવી લિવ-ઇનની વ્યવસ્થા વધારે અનુકૂળ છે. પણ લિવ-ઇનમાં સ્થિરતા નથી. લગ્ન જેવી સુખદુ:ખમાં સાથ આપવાની પ્રતિજ્ઞા નથી. પતિપત્ની લગ્ન બચાવવા બનતું બધું કરી છૂટે છે જ્યારે લિવ-ઇનમાં નાના મતભેદો પણ સંબંધ તૂટવાનું કારણ બની શકે છે. ત્યાર પછી સ્ત્રીને વ્યવસ્થિત સાથી મળવાની તક બહુ ઓછી થઈ જાય છે. લગ્નમાં એક ગહનતા છે, જે લિવ-ઇનમાં ભાગ્યે જ જોવા મળે છે.
લિવ-ઇન કદાચ આધુનિક યુવાનોનો ‘શોર્ટ-કટ’ હોય એમ માનીને 24-25 વર્ષના બેચાર યુવકયુવતીઓ જઈ રહ્યા હતા એમને ઊભા રાખીને પૂછ્યું, ‘યંગ ફ્રેન્ડ્ઝ, તમે લગ્નમાં માનો છો કે લિવ-ઇનમાં?’ ખડખડ હાસ્ય પછી તેઓ કહે, ‘તમે લોકો આટલા ગંભીર થઈને લગ્ન કે લિવ-ઇન એવું વિચારવા બેસી જાઓ છો તે કરતા બંનેના પ્લસ પોઈન્ટ જેમાં હોય એવી કોઈ વ્યવસ્થા ઊભી કરવાનું વિચારતા હો તો? અમે તો એમાં માનીએ.’ અને ઝરણાંની જેમ કલકલ કરતા પોતાને રસ્તે ચાલ્યાં ગયાં.
વિચાર ખોતો નથી – શું કહો છો?
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 11 મે 2025