પિયરી ક્યુરી કહેતા, ‘હું એવા લોકોમાં છું જેમને વિશ્વાસ છે કે માણસજાત નવી શોધોમાંથી વિનાશકારી નહીં, પણ હિતકારી એવું પ્રાપ્ત કરતાં શીખશે.’ બંને પ્રામાણિક, સાદા અને માનવતાભરપૂર હતાં. લગભગ તમામ કમાણી વિજ્ઞાન સંસ્થાઓને આપી દેતાં. આઈન્સ્ટાઈન એમને ‘પ્રતિષ્ઠાથી અલિપ્ત દુર્લભ વ્યક્તિઓ’ તરીકે ઓળખાવતા. મેરી ક્યુરી કહેતાં, ‘વ્યક્તિઓને બહેતર બનાવ્યા વિના બહેતર વિશ્વ કદી ન સર્જી શકાય. એટલે દરેકે સૌ પહેલા તો પોતાને બહેતર બનાવવાની દિશામાં કામ કરવાનું છે અને સાથે પૂરી માનવતા માટે સહિયારી જવાબદારી ઉઠાવવાની છે.’
‘કશાથી ડરવાની જરૂર હોતી નથી. જરૂર હોય છે સમજી લેવાની. જેમ વધુ સમજો, તેમ ડર ઓછો.’ આ ઉક્તિ છે મેરી સ્કૉદોવ્સ્કા ક્યુરીની. આપણે તેને મેરી ક્યુરી તરીકે ઓળખીએ છીએ, પણ તેનું નામ દુનિયાભરના મ્યુઝિયમોમાં અને પુસ્તકોમાં આ રીતે લખાય છે. તેણે કરેલી શોધ રેડિયોએક્ટિવિટીમાં પાયાની ગણાય છે. મેરી ક્યુરી નોબેલ ઈનામ મેળવનાર જીતનારી પ્રથમ મહિલા અને વિજ્ઞાનના બે ક્ષેત્રોમાં નોબેલ મેળવનાર પ્રથમ વ્યક્તિ હતી.
મેરી અને પિયરી ક્યુરી નોબેલ મેળવનાર પ્રથમ દંપતી હતાં. આજની કૉલમ મેરી અને પિયરી ક્યુરીને – એક અદ્દભુત અનોખા પ્રતિભાશાળી દંપતીને સમર્પિત કરું છું. ક્યુરી પરિવારે પાંચ નોબેલ મેળવ્યાં છે. યુનિવર્સિટી ઑફ પૅરિસમાં પ્રોફેસર બનનાર મેરી પ્રથમ મહિલા હતી. પોતાના ક્ષેત્રને તે એટલી સમર્પિત હતી કે તેને રેડિએશનથી થતો હાડકાનો રોગ લાગુ પડ્યો હતો. આ મેરી સ્કૉદોવ્સ્કાનો જન્મ યુરોપના નાના-શા દેશ પૉલેન્ડની રાજધાની વૉર્સોમાં 1867ની 7મી નવેમ્બરે થયો ત્યારે નેપોલિયન યુદ્ધો પૂરાં થઈ ગયાં હતાં અને પૉલેન્ડ રશિયા-પ્રુશિયાની ભીંસમાંથી માર્ગ શોધી રહ્યું હતું.
1991માં મેરી ફ્રાંસ આવી અને પેરિસની સોર્બોર્ન યુનિવર્સિટીમાં જોડાઈ. તેને અહીં લાવનાર હતા પૉલેન્ડના ફિઝિસિસ્ટ અને પ્રોફેસર કાઉન્ટ જૉસેફ કૉવાલ્સ્કી. તેમણે જ મેરીની ઓળખાણ પિયરી ક્યુરી સાથે કરાવી હતી, પણ ત્યારે એમને કલ્પના નહીં હોય કે આ દંપતી વિજ્ઞાનના ક્ષેત્રે ચમત્કાર કરવાનું છે. પિયરીએ મેરીને પોતાની વિદ્યાર્થિની તરીકે લેબોરેટરીમાં લઈ લીધી. તરત તેને મેરીની પ્રતિભાનો ખ્યાલ આવી ગયો અને તે પિયરીની વિદ્યાર્થિની મટી સંશોધન-સાથી બની.
પિયરી સાથેની પહેલી મુલાકાતનું વર્ણન કરતાં મેરીએ લખ્યું છે, ‘હું પ્રવેશી ત્યારે પિયરી ક્યુરી બાલ્કનીમાં ખૂલતી ફ્રેન્ચ વિન્ડોમાંથી બહાર જોતો આરામથી ઊભો હતો. ત્યારે એ 35 વર્ષનો હતો, પણ દેખાવે ઘણો યુવાન લાગ્યો. તેના ચહેરા પર અને વર્તણુંકમાં આવકાર, ખુલ્લાપણું અને અલિપ્તતાનું ગમી જાય એવું સંયોજન હતું. તેની વિચારપૂર્વક ધીરે ધીરે બોલવાની શૈલી, તેની સાદગી, તેનું સ્વચ્છ સ્મિત, તેનામાં એક સાથે દેખાતી ગંભીરતા અને તાજગી આકર્ષક હતા. તેનો આત્મવિશ્વાસ, અન્યમાં પણ આત્મવિશ્વાસ જગાડી શકે એવો સમર્થ હતો.’ પિયરી ક્યુરી ફ્રેન્ચમેન હતો. તેના પિતા ડૉક્ટર હતા. પિયરી એમની પાસે જ તૈયાર થયો. કિશોરાવસ્થામાં જ તે ગણિત અને ભૂમિતિનો સ્કૉલર ગણાવા માંડ્યો હતો. સોળમા વર્ષે તે ગણિતમાં બી. એસસી. થયો અને 18માં વર્ષે માસ્ટર. પછીનાં વર્ષોમાં ઝડપથી તેણે વિજ્ઞાન અને સંશોધનના ક્ષેત્રે નામ કાઢ્યું હતું.
દોસ્તી થતાં વાર ન લાગી. એક વર્ષ પછી પિયરીએ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો, ‘આપણે બન્ને સ્વપ્નસેવી, કહો કે સ્વપ્નસંમોહિત વ્યક્તિઓ છીએ. આપણે સાથી બનીએ, સાથે જીવીએ અને તેં તારા દેશ માટે જે જોયું છે, આપણે આખી માનવજાત માટે તેમ જ સંશોધન માટે જે સેવ્યું છે તે સ્વપ્નને સાકાર કરીએ તો કેવું?’ મેરી તો પણ ખચકાતી હતી, લગ્ન અને વિજ્ઞાનનો મેળ પડશે ખરો? પિયરીએ વિશ્વાસ આપ્યો, ‘આપણે સાથે મળીને વિજ્ઞાનની સેવા કરીશું.’ મેરીને પોતાના દેશમાં જઈ કામ કરવું હતું, પણ ત્યાંની યુનિવર્સિટીઓએ તેને કામ આપવાની ના પાડી કારણ કે તે સ્ત્રી હતી. પિયરીએ તેને પેરિસ આવી જવા મનાવી લીધી. 1895ની 26મી જુલાઈએ બન્ને પરણી ગયાં. ભારતમાં આ વખતે અંગ્રેજોનું રાજ્ય હતું. 1857ના વિદ્રોહને ત્રણ દાયકા થવા આવ્યા હતા. ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસની સ્થાપનાને દસ વર્ષ થયા હતા. દક્ષિણ આફ્રિકામાં મહાત્મા ગાંધીના સત્યાગ્રહની ભૂમિ તૈયાર થતી આવતી હતી.
પિયરી મેરી કરતાં બાર વર્ષ મોટો હતો. લગ્નમાં મેરીએ નવવધૂના પોષાકને બદલે લેબોરેટરીમાં પહેરતી એવો જ ઘેરા ભૂરા રંગનો પોષાક પહેર્યો, ‘પિયરી, તને વાંધો ન હોય તો હું આ પહેરું. આ પોષાક રોજ વપરાશે. બ્રાઈડલ ગાઉન તો કબાટમાં પડ્યો જ રહેશે.’ હનીમૂન માટે આ અનોખાં પતિપત્ની સાયક્લ લઈને ફ્રાન્સના કુદરતી સૌંદર્યથી ભરપૂર ગ્રામવિસ્તારમાં ઘૂમ્યાં. એમનું લગ્નજીવન પ્રેમ અને ઉષ્માથી ધબકતું હતું. ક્યુરી દંપતીને બે પુત્રીઓ થઈ, ઇરિના અને ઈવ.
મહાત્મા ગાંધીએ દક્ષિણ આફ્રિકામાં એમનું ઔતિહાસિક અખબાર ‘ઇન્ડિયન ઓપિનિયન’ શરૂ કર્યું એ જ વર્ષે એટલે કે 1903માં આ યુગલે ફ્રેંચ વિજ્ઞાની એન્ટોની હેનરી બેક્વેરલ સાથે રેડિયેશનના સંશોધન માટે ફિઝિક્સનું નોબેલ ઈમામ જીત્યું. પહેલા નોમિનેશનમાં મેરીનું નામ ન હતું. પિયરીએ આ સંશોધનમાં મેરીના પ્રદાન તરફ ધ્યાન દોર્યું, ત્યારે તેનું નામ ઉમેરાયું અને તે નોબેલ મેળવનારી પ્રથમ મહિલા બની. 1903-1904માં આ દંપતીને બહુ પ્રતિષ્ઠિત એવાં ઈટાલિયન અને બ્રિટિશ ઈનામો પણ મળ્યાં.
આ મહાન ઘટનાના ત્રણ જ વર્ષ બાદ પિયરી પરિવાર એક મોટી દુર્ઘટનાનો ભોગ બન્યો. એક વરસાદી દિવસે પિયરી રસ્તો ઓળંગતો હતો ત્યાં લપસી પડ્યો અને ઘોડા જોડેલું એક ભારે વાહન પસાર થઈ રહ્યું હતું, તેનું જબ્બર પૈડું તેના માથા પરથી ફરી ગયું. માત્ર 46 વર્ષની ઉંમરે એ મૃત્યુ પામ્યો ત્યારે મેરી માત્ર 34 વર્ષની હતી. એ ભાંગી પડી, પણ પિયરીના વિજ્ઞાન-સમર્પણને યાદ કરીને તે ફરી સંકલ્પબદ્ધ થઈ. એ જ વર્ષે તે સોર્બોર્ન યુનિવર્સિટીમાં જોડાઈ, પતિની સ્મૃતિમાં એક વિશ્વકક્ષાની પ્રયોગશાળાનું નિર્માણ કર્યું અને યુનિવર્સિટીની પહેલી મહિલા પ્રેફેસર બની.
મેરીએ રેડિયમ અને પોલોનિયમ આ બે તત્ત્વો શોધ્યાં અને કેન્સર-સંશોધનમાં મોટું પ્રદાન આપ્યું. ઘાતક રોગો સામે ઝઝૂમતા લોકોને મદદ કરવા તેણે ચેરિટી મિશન શરૂ કર્યું હતું. મેરી અને પિયરીની દીકરી ઇરિના અને જમાઈ ફ્રેડરિક જોલિઓટ બન્ને રેડિયોએકટિવિટીના ઊંડા અભ્યાસી હતાં. બન્નેએ એક એક નોબેલ ઈનામ મેળવ્યું હતું. બીજી દીકરી ઈવે મેરીની જીવનકથા લખી હતી. તેના પતિ યુનિસેફમાં હતા, અને તેમને પણ નોબેલ શાંતિ ઈનામ મળ્યું હતું. એમની દીકરી હેલન યુનિવર્સિટી ઑફ પેરિસમાં ન્યૂક્લિયર ફિઝિક્સની પ્રોફેસર હતી. હેલનના પુત્રનું નામ પિયરી ક્યુરી રાખવામાં આવેલું અને તેણે બાયોકૅમિસ્ટ્રીમાં કારકિર્દી બનાવી હતી.
મેરી પોતાની પૉલિશ ઓળખ કદી નહોતી ભૂલી. તે સમયાંતરે પતિ સાથે પૉલેન્ડ જતી પણ ખરી. બન્ને દીકરીઓને તેણે પૉલિશ ભાષા શીખવી હતી અને પોતે જે પહેલું શોધ્યું તે રાસાયણિક તત્ત્વને પોતાના દેશ પરથી ‘પૉલેનિયમ’ નામ આપ્યું હતું. 1911માં તેને કેમિસ્ટ્રીમાં નોબેલ મળ્યું. તેના શતાબ્દી વર્ષે યુરોપ અને અમેરિકાએ ‘મેરી ક્યુરી યર’ ઊજવેલું.
મેરી અને પિયરી ક્યુરીના જીવન પર ચાર જીવનકથા લખાઈ છે ઉપરાંત ફિલ્મો, નાટકો પણ બન્યાં છે. 2020ના આંકડા પ્રમાણે કુલ 866 નોબેલ વિજેતાઓમાંથી 53 મહિલાઓ છે. તેમાંની 16 સાહિત્યમાં, 4 ફિઝિક્સમાં અને 4 કેમિસ્ટ્રીમાં નોબેલવિજેતા બની છે. ભારતની કોઈ મહિલાએ નોબેલ મેળવ્યું નથી. એ કમાત્ર મધર ટેરેસા છે, જેની ઓળખ નોબેલ સૂચિમાં ઈન્ડિયન-યુગોસ્લૉવિયન એવી અપાઈ છે.
પિયરી ક્યુરી કહેતા, ‘હું એવા લોકોમાં છું જેમને વિશ્વાસ છે કે માણસજાત નવી શોધોમાંથી વિનાશકારી નહીં, પણ હિતકારી એવું પ્રાપ્ત કરતાં શીખશે.’ બંને પ્રામાણિક, સાદા અને માનવતાભરપૂર હતાં. લગભગ તમામ કમાણી વિજ્ઞાન સંસ્થાઓને આપી દેતાં. આઈન્સ્ટાઈન એમને ‘પ્રતિષ્ઠાથી અલિપ્ત દુર્લભ વ્યક્તિઓ’ તરીકે ઓળખાવતા. મેરી ક્યુરી કહેતાં, ‘વ્યક્તિઓને બહેતર બનાવ્યા વિના બહેતર વિશ્વ કદી ન સર્જી શકાય. એટલે દરેકે સૌ પહેલા તો પોતાને બહેતર બનાવવાની દિશામાં કામ કરવાનું છે અને સાથે પૂરી માનવતા માટે સહિયારી જવાબદારી ઉઠાવવાની છે.’
આ દિશામાં એકાદ પગલું તો આપણે સૌ ઉઠાવી શકીએ. શું કહો છો ?
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 07 નવેમ્બર 2021