ગાંધીનું પ્રદાન એમને ઈશુ અને બુદ્ધ જેટલા મહાન અને શાશ્વત્ બનાવે છે. જેમણે એમની જ્વલંત પ્રેરણાને ક્ષણભર પણ ઝીલી છે, જેઓ એમની મહાનતાનો જરા સરખો સ્પર્શ પણ પામ્યા છે, તેઓ મારી સાથે સંમત થશે. નિયતિનો હું અત્યંત કૃતજ્ઞ છું કે એણે મને ગાંધી સુધી પહોંચાડ્યો
— વિલિયમ શિરર
(‘ગાંધી : અ મૅમ્વાર’)
સંત રાબિયા ઝાડ નીચે કઈંક શોધતા હતા. લોકોએ પૂછ્યું, ‘શું શોધો છો, મદદ કરીએ ?’ રાબિયાએ કહ્યું, ‘સોય શોધું છું. ઘણા દિવસ પહેલા ઝૂંપડીમાં ખોવાઈ ગઈ હતી. ત્યારે ત્યાં મળી નહીં ને, એટલે આજે અહીં શોધું છું.’
ગાંધીજીના સંદર્ભે આ ઉદાહરણ યાદ કરવા જેવું છે. ગાંધીજીને લગતો કોઈ પણ ‘દિવસ’ આવે એટલે પ્રશ્ન આવે જ, ‘ગાંધીજી આજે પ્રસ્તુત છે કે નહીં ?’ અરે ભાઈ, પહેલા એ શોધો કે આપણે પ્રસ્તુત છીએ ખરા ? આપણે આપણને, આપણા સમયને, આપણા ઇતિહાસને કે ભવિષ્યને સુસંગત છીએ ? આપણે અસંગતિઓ-વિસંગતિઓથી ભરેલા છીએ અને પાછા ગાંધીજીની સુસંગતતા શોધવા નીકળ્યા છીએ. ખોયું છે ક્યાંક, શોધીએ છીએ ક્યાંક.
ગાંધીજી શું હતા, આપણને ખબર છે? દક્ષિણ આફ્રિકામાં જ્યાં માત્ર અંગ્રેજો પ્રેકટિસ કરી શકતા ત્યાં બેરિસ્ટર ગાંધીએ ધીકતી કમાણી કરી. એવા મુત્સદી રાજનીતિજ્ઞ કે બ્રિટિશ શાસકોને હંફાવ્યા. એવા આધ્યાત્મિક સાધક કે દરિદ્રમાં નારાયણને જોયો. એવા માનવતાવાદી કે અહિંસક સમાજની કલ્પના આપી ને છેક છેવાડાના માણસનો ઉત્કર્ષ સાધવા ઈચ્છ્યું. સત્યના એવા કઠોર ઉપાસક કે સિદ્ધાંત માટે કદી બાંધછોડ ન કરી. અહિંસાના એવા પૂજારી કે દુશ્મનમાં રહેલા ઈશતત્ત્વને કદી ન વિસાર્યું. એવા પત્રકાર હતા જેનું ધ્યેય ઉત્તમ પત્રકાર બનવાનું ન હતું, પણ લોકો સુધી પહોંચવા એમણે પોતાનાં છાપાં કાઢ્યાં, દેશના ખૂણે ખૂણે પહોંચ્યા ને લોકમતને એવો આબાદ કેળવ્યો કે આજે પણ પત્રકારત્વ શીખવા માગનારે ગાંધીજીના પત્રકારત્વ વિશે ભણવું પડે છે. મેનેજમેન્ટ અને કૉમ્યુનિકેશન શીખવનારા ગાંધીજીને ટાંકે છે. કેળવણીકાર એવા કે વિદ્યાર્થી ભણવા સાથે હુન્નર શીખી સ્વાવલંબી થાય તેવી નઈ તાલીમ શોધી. સ્ત્રીઓના એવા હમદર્દ કે ઉદ્ધારક બનવાને બદલે એમનામાં સૂતેલી શક્તિને જગાડી અને દેશના કામમાં પ્રયોજી. એમનું ધ્યેય સાહિત્યકાર બનવાનું પણ ન હતું છતાં સાહિત્યના ઇતિહાસમાં એમના નામે એક યુગ બોલે છે. એવા અપરિગ્રહી કે એમની પાસે પોતાનું મકાન, વાહન, નાણું કે બૅન્કમાં ખાતું સુદ્ધાં નહીં. મૃત્યુ પછી એમની કહેવાય એવી ચશ્માં, ચાખડી, લાકડી, ગીતા, લાકડાનો વાટકો જેવી માત્ર આઠદસ ચીજો હતી.
ખૂબ મૌલિક, અત્યંત સ્પષ્ટ. જે કરે, ખુલ્લું. સામાને જાણ કરે. વિચારવાનો, પગલાં લેવાનો મોકો આપે અને પછી કરે. સંકલ્પ એવો કે મરી જઈશ પણ તાબે નહીં થાઉં. અત્યાચાર સહન કરીશ, પણ સામો હાથ નહીં ઉઠાવું. અન્યાય સામે લડીશ, પણ અન્યાય કરનારને નુકસાન નહીં કરું. માણસ થોડો પણ સિવિલાઈઝ્ડ હોય તો આ બળ એના પર અસર કરે જ. આવા ગાંધીજી આજે પણ વિશ્વના સૌથી પ્રેરણાદાયક નેતા છે. તેઓ એમના લોકો જેવા થઈને જ જીવ્યા ને એમને એવા જગાડ્યા કે એક ગરીબ, શોષિત, ગુલામ સમુદાય અજેય ગણાતા બળવાન સામ્રાજ્ય સામે ખડો થઈ ગયો.
અનેક પ્રતિભાશાળી લોકો આ આત્મબળથી આકર્ષાઈ એમના સાથીઓ બન્યા. દેશસેવકોમાં શિસ્ત અને આધ્યાત્મિક ઊર્જા આવે એટલે એમણે અગિયાર વ્રતો આપ્યાં, રચનાત્મક કાર્યો આપ્યાં. ખાદી, અસ્પૃશ્યતાનિવારણ, વ્યસનમુક્તિ, ગ્રામોદ્ધાર. લોકો નિર્ભય અને સ્વનિર્ભર ન બને તો સ્વરાજ કેવી રીતે આવે, કેવી રીતે ટકે ? એમની લડત બહાર અને અંદર બન્ને મોરચે ચાલતી ને એ શુદ્ધ હોવી જોઈએ એ એમની શરત હતી.
જીવનનાં છેલ્લાં વર્ષો એ એમની નિષ્ફળતાનાં વર્ષો હતાં. અખંડ ભારતનું સપનું રોળાયું. જીવનભર કોમી એકતા માટે કરેલી મથામણ પછી પણ હુલ્લડો ચરમસીમાએ પહોંચ્યા. ભાગલા ટાળી શકાયા નહીં. એમણે કહ્યું, વસ્તીની ફેરબદલી ન કરશો, પણ માઉન્ટબેટન, સરદાર અને નહેરુ માનતા રહ્યા કે થોડીઘણી અરાજકતા થશે, પણ પહોંચી વળીશું. ગાંધીજી આઝાદી પછી કૉંગેસને વિખેરવાનું કહેતા રહ્યા, કોઈએ સાંભળ્યું નહીં. સાદાઈ, અપરિગ્રહ વગેરે ભૂલીને એમના મોટા ભાગના અનુયાયીઓ સત્તા અને સંપત્તિ પાછળ પડી ગયા. એન્ડ્રુઝ, કસ્તૂરબા અને મહાદેવભાઈ જેવા સાથીઓ ગુમાવ્યા. ભારતમાં રહેવા માગનાર મુસ્લિમોના ભય અને આશંકાને દૂર કરવાના એમના પ્રયત્નોનો ઊંધો અર્થ થયો અને એમાં જ એમની હત્યા થઈ. સુભાષબાબુ, આંબેડકર, ઝીણા, સમાજવાદીઓ, કૉંગ્રેસી આગેવાનો બધા સાથે મતભેદો અને વિવાદો ખૂબ ચગ્યા. અનેક ગૂંચવાડાભર્યા પ્રશ્નોનો સામનો કરવાનો આવ્યો.
પણ આ જ વર્ષો એમનાં ઊર્ધ્વારોહણનાં વર્ષો પણ હતાં. સપનાં તૂટતાં ગયાં તેમ તેમ તેમની સાધના એક એકથી ઊંચાં શિખરો સર કરતી ગઈ. સત્તા તેમનું ધ્યેય કદી ન હતી. તેઓ તો ગરીબ અને દુ:ખીની વધારેમાં વધારે સેવા કરવા માગતા હતા. તેઓ સત્યને વધુ ને વધુ આત્મસાત કરતા ગયા, દરેક કસોટીમાંથી આંતરિક શક્તિ મેળવતા ગયા અને સામી છાતીએ ગોળી ઝીલતાં પણ હત્યારાને ન ધિક્કારવા અને રામનામ લેતા મરવાની કસોટીમાંથી પાર ઊતરવાની ઈચ્છા સેવતા ગયા. એમના સત્યનો આ અંતિમ પ્રયોગ હતો.
1947ના જાન્યુઆરીમાં દિગ્ગજ પત્રકાર વિન્સટન શીન ગાંધીજીને મળવા ખાસ અમેરિકાથી ભારત આવ્યા હતા. એમને બીક હતી કે ગાંધીજીની હત્યા થશે. બીજા વિશ્વયુદ્ધ અને એટમબૉમ્બ વિશે વાત કર્યા પછી એમણે પોતાની આશંકા વ્યક્ત કરી ત્યારે ગાંધીજીએ કહ્યું, ‘એવું બને કે મારું મૃત્યુ થાય એમાં માનવજાતનું ભલું હોય.’ અને એમ થયું. ગાંધીહત્યા પછી તરત હિંસા અટકી, સરદાર-નહેરુ એક થયા.
‘ધ રાઇઝ એન્ડ ધ ફૉલ ઑફ ધ થર્ડ રિશ’ જેવું પ્રસિદ્ધ પુસ્તક લખનાર પુલિત્ઝરવિજેતા પત્રકાર-લેખક વિલિયમ શિરર 1930માં ‘શિકાગો ટ્રિબ્યૂન’ વતી ગાંધીજીને કવર
કરવા આવ્યા હતા. ગાંધીજી મીઠાનો સત્યાગ્રહ કરવાના હતા. શિરર ગાંધીજી સાથે થોડું રહ્યા હતા અને ગાંધીજીના મિત્ર થઈ ગયા હતા. એમણે ગાંધીજીની અહિંસા, મુત્સદ્દીપણું, રાજનીતિ, રમૂજ, હાજરજવાબી, અને પ્રખર આત્મબળને ઉજાગર કરતી અનેક વાતો લખી છે.
‘ગાંધી : અ મૅમ્વાર’માં વિલિયમ શિરરે લખ્યું છે કે ‘ગાંધીજી સાથે વીતાવેલા દિવસો મારા જીવનનો શ્રેષ્ઠ સમય છે. બીજો કોઈ અનુભવ એટલો પ્રેરણાદાયક, અર્થપૂર્ણ અને દીર્ઘજીવી નથી રહ્યો. બીજા કોઈ અનુભવે મારા પાશ્ચાત્ય, ભૌતિકવાદી અને સાધારણ એવા અસ્તિત્વને આટલો ગહન સ્પર્શ નથી આપ્યો. ભારત છોડ્યા પછીનાં વર્ષોમાં હું અનેક ઊથલપાથલોમાંથી પસાર થયો. પશ્ચિમના દેશોની લોકશાહી જોખમમાં મુકાઈ, હિટલરનો ઉદય થયો, એને પગલે બીજું વિશ્વયુદ્ધ આવ્યું, હિટલર જીતતો ગયો અને દુનિયાએ એનાં કૉન્સન્ટ્રેશન કેમ્પોમાં 60 લાખ યહૂદીઓનો મહાવિનાશ જોયો. અમેરિકામાં બુદ્ધિહીન વિચહન્ટિંગ અને વિયેટનામની લડાઈ જેવા ન બનવા જોઈતા બનાવો બન્યા. મનુષ્યને અંદરબહારથી તોડી નાખે એવા આ અનુભવોના ચાલીસ વર્ષ દરમિયાન ગાંધી સાથે વીતાવેલા દિવસો મને અને વિશ્વને બળ આપતા રહ્યા. એમનું પ્રદાન એમને ઈશુ અને બુદ્ધ જેટલા મહાન અને શાશ્વત્ બનાવે છે. જેમણે એમની જ્વલંત પ્રેરણાને ક્ષણભર પણ ઝીલી છે, એમની મહાનતાનો જરા સરખો સ્પર્શ પણ પામ્યા છે તેઓ મારી સાથે સંમત થશે. નિયતિનો હું અત્યંત કૃતજ્ઞ છું કે એણે મને ગાંધી સુધી પહોંચાડ્યો.’
ખેર, ગાંધીજીનું મૃત્યુ તો એવું જ થયું જેવું એમના જેવા મહામાનવનું થવું ઘટે. વિનોબાજી કહેતા એમ મહાપુરુષો જ્યારે દેહની સીમાઓમાંથી ખસી જાય છે ત્યારે એમની ચેતના વધારે વિસ્તાર પામે છે એ પણ સાચું. પણ અંગ્રેજોએ ગાંધીજી સાથે પચાસ વર્ષ લડીને પણ એમની હત્યા નહોતી કરી અને સ્વતંત્ર ભારતે એમને એટલા અઠવાડિયાં પણ જીવવા નહોતા દીધા એ વાતનું દુ:ખ તો સૌના હૈયે રહેવાનું જ. એથી જ ઉમાશંકર જોષી લખે છે, ‘અમે ન રડીએ પિતા, મરણ આપનું પાવન. કલંકમય નિજ દૈન્યનું રડી રહ્યા જીવન.’
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 30 જાન્યુઆરી 2022
![]()



‘દરેક કામમાં જોખમો તો હોય જ છે. દરેક સફળતાની અંદર નિષ્ફળતાનું બીજ હોય જ છે, પણ તે અગત્યનું નથી. તમે તેની સાથે શી રીતે તાલ મિલાવો છો એ જ ખરો પડકાર છે.’
થોડો વખત મુંબઈની એસ.એન.ડી.ટી. વિમેન્સ યુનિવર્સિટીમાં અંગ્રેજી શીખવ્યા બાદ ૧૯૫૫માં તેઓ અમદાવાદની મિલ મજૂર સંઘમાં જોડાયાં અને અનસૂયા સારાભાઈ સાથે ઘણું કામ કર્યું. ૧૯૫૬માં તેમનાં લગ્ન રમેશ ભટ્ટ સાથે થયાં. ગુજરાત સરકારમાં થોડાં વર્ષ કાર્ય કર્યા બાદ તેમને મજૂરસંઘની મહિલા પાંખનાં વડા બનવાનું કહેવામાં આવ્યું. ૧૯૭૧માં તેમણે ઈઝરાઈલના તેલ અવીવની આફ્રો એશિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ લેબર કો-ઓપરેટિવ્સમાં ત્રણ મહિના અભ્યાસ કરી, મજૂર અને સહકારી મંડળનો આંતરરાષ્ટ્રીય ડિપ્લોમા મેળવ્યો.