“શબરી ટાવર”ના આઠમા માળના અમારા નિવાસમાં, રોડ-સાઇડે, મારો સ્ટડી-રૂમ છે. એની બાલ્કનીની છતના કિનારે એક વિરાટ મધપૂડો લટકે છે. ચાર ફીટની લંબાઈમાં દોઢ-બે ફીટના અર્ધ વર્તુળાકારે બે પૂડા ને એમાં વસતી હજ્જારો મધમાખીઓ — એટલે મને વિરાટ લાગે. રોજ સવારે એ માખીઓ મધુ-શોધ-ભ્રમણ કાજે, અને હું મને જોઇતા રમ્ય સુન્દર શબ્દોના શિકારે, દસે દિશાએ નીકળી પડીએ છીએ. સાંજ લગીમાં એમને અને મને કિંચિત્, કિંચિત્ તો મળી જ રહે છે. કેટલીક બાળ મધુમક્ષિકાઓ ઘરે રહે છે. પ્રેમભરી ધીરજથી રાહ જોનારીઓ. આ આખું મને મારા લેખનની સુખદ પિછવાઈ લાગે છે.
આપવા-લેવા બાબતે ઇશ્વરને હું સાવ મૌલિક પણ ધોરણ વગરનો ગણું છું – ઢંગધડા વગરનો ! ભાગેડુ પણ ખરો. આવું કંઈક અળવીતરું સુખદ આપીને ભાગી જાય ! લઈ લેવા બાબતે પણ એવો જ સ્વૈર. લઈ લે ને સંતાઈ જાય : જુઓ : અમારા વિસ્તારમાં ચકલીઓ નથી, નહીં હોય – કેમ કે એણે લઈ લીધી. નહિતર ચકલીઓને અમારે ત્યાં આવવું તો ગમે જ ને ! ઘરમાં અમે બે જ છીએ ! અમારા આ વસ્ત્રાપુરમાં કાબરો ને ખિસકોલીઓ અદૃશ્ય છે. એમને એ જ તેડી ગયો ક્યાંક ! કાગવાસ આરોગવાને કાગડા પણ દુર્લભ થયા છે. બા કે પિતાનાં શ્રાદ્ધ વખતે આવતા જ નથી — બોલાવી બોલાવીને થાકી જવાય છે. એમ કરવું’તું તો એમ ગોઠવેલું શું કામ ? નાહકનો તું બધું બદલતો રહૅ છે … ! …
કારણ-અકારણની અંધાધૂંધ હડિયાદડી ને મારગ ન જડે એવી ગિરદી ઉપરાન્ત જાતભાતની ભૉં ભૉં પીં પીં ને ચીં ચીં ચેં ચેં જોડે ધૂળ-ધુમાડાના ગોટા. એ બધાંથી રંજિત હવામાં પંખીઓને કેમનું ફાવે ? ચણ ન મળે, ચન્ચુભર પાણી ન મળે, એવી જગ્યાઓમાં શું કામ પડ્યાં રહે ? એઓ માણસ જેવાં જીવન-ગરજાળ થોડાં છે કે અછતગ્રસ્તતાઓ વચ્ચે પણ મંડ્યાં રહે ? એમને યાદ હોય છે કે જીવનસમય કેટલો તો અકળ ને મીંઢો છે. ચોક્કસ કદ-માપ વગરનો. અગમ્ય.
હા, બધે હોય એમ અમારે ત્યાંય કૂતરાં છે. એણે જ એમને મોકલી રાખ્યાં છે. માણસો પ્રત્યે કૂતરાં જેટલું વફાદાર કોઈ નથી એ એક નરદમ સત્ય છે. પણ એ સત્યની બીજી બાજુ વિદેશોમાં, અમેરિકામાં, જોવા મળે. ત્યાં કૂતરાં પ્રત્યે માણસો જેટલું વફાદાર કોઈ નથી ! વહાલ કરે, પાળે, પોષે. જાણે પોતાનું જ જણતર, સ્વનું જ સન્તાન ! આપણા જેવા પરદેશી મહેમાનોને અડવું લાગે — કેમ કે બાજુના સોફામાં નક્કી સીટ પર મિસ્ટર, મિસિસ, મિસ કે મિઝ ડૉગ વિરાજમાન હોય, યજમાનના ઘરમાં જ એનું અલાયદું નાનું રૂપાળું ઘર હોય ! એક મહેમાને મારા કાનમાં કહેલું : સુમનભાઈ, આવતા જન્મે મારે અમેરિકામાં કૂતરું થવું છે …
શ્વાનધર્મ એ છે કે અજાણ્યા શ્વાનને કે અજાણ્યા જણને ભસીને જાહેર કરી મૂકવો. કૂતરું માત્ર એ ધર્મપાલન ચૂકે નહીં. પણ પાળેલું કૂતરું તો એમાં ય સાવ જ આજ્ઞાંકિત, એકદમનું ડાહ્યું … જો કે અગણિત ભારતીય કૂતરાં એવાં નથી. ખાસ તો, અંદર અંદર લડવામાં ભારે શૂરાં છે. કેમ કે આપણે એમને પ્રેમ નથી કર્યો, પાળ્યાં નથી, છૂટાં મૂકી દીધાં છે. મોડી રાત થાય એટલે ઠેકઠેકાણેથી એકઠાં થઈ સામસામે આવી શરૂ કરી દે છે એમનું ભસતાં ભસતાં વિસ્તરી જનારું ભીષણ વાગ્યુદ્ધ. બચકાં ભરી જે જેટલાંને ભગાડી મૂકે એ એટલું શૂરવીર ક્હેવાય. એને જ વિજય કહેવાય. એમના ભસકારાએ ઘણી યે વાર મારા વાદળી મુલાયમ ભીનાં મળસ્કાંના ચીરે ચીરા કરી કાઢ્યા છે. પથારીમાં પડેલો હું એ દુ:ખદ છતાં રોચક યુદ્ધને જોઈ તો શકું નહીં પણ બનાવટી આરામભાવથી સાંભળી રહું – એટલે લગી કે મારા કાનની ગ્રહણશક્તિ અને મગજની સહનશક્તિ અંગે મને અ-પૂર્વ લાગણી થઈ આવે. દર્શનલાભ ઝીરો પણ શ્રવણલાભ અઢળક. મેં અનુભવ્યું છે કે સર્જનની લીલાની જેમ શ્વાનસ્ય યુદ્ધકથા રાતભર વિકસતી રહે છે. મારી પૂરી નહીં થયેલી વાર્તા બાબતે એવું ઘણી વાર થતું હોય છે – દેખાય નહીં એટલું સંભળાયા કરે … કલ્પનાથી જોવાય, કાનથી સંભળાય … પછી લખાય !
એક સવાલ મને જરૂર થાય — કૂતરાંનું આટલું બધું દારૂણ લડવાનું શું કામ. શાં કારણો હશે ? શું વ્હૅંચવું હશે ? પછી જવાબ જેવું ય થાય — એમનું ય બધું આપણા જેવું જ હશે ! એક કૂતુહલ પણ ઘણા સમયથી સંચિત રહી ગયેલું – કે ભસવા-લડવા માટે કૂતરાંઓએ રાત જ પસંદ કરી છે, તે કેમ. આજે કુતૂહલ શમી ગયું. જવાબ ઊગ્યો : એમનો વારો રાતે હોય છે …
(૨ જૂન ૨૦૧૩)
https://www.facebook.com/suman.shah.94/posts/581035855260665
![]()


ગયા અઠવાડિયે યોજાયેલી એક સાહિત્યસભામાં હાજરી આપવાનું બનેલું. એક મહાનુભાવ સાહિત્યકારના ગ્રન્થ વિશે સમીક્ષાનો ઉપક્રમ હતો. ગ્રન્થકાર પણ એક વક્તા રૂપે હાજર હતા. ગ્રન્થનું નામ છે, “અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો”. પહેલા સમીક્ષકે શરૂઆતમાં જ પોતાની મીઠી મૂંઝવણ રમૂજમાં રજૂ કરી, કે ટાઇટલ-પેજ પર ગ્રન્થના શીર્ષકમાં હોવું જોઇતું અનુસ્વાર કેમ નથી ! એમનું તાત્પર્ય એમ હતું કે ગ્રન્થમાં જો અમેરિકાવાસી પુરુષ અને સ્ત્રી, નર અને નારી, બન્ને જાતિના સર્જકોની વાત છે, તો શીર્ષકના “કેટલાક” શબ્દ પર અનુસ્વાર હોવું જોઇએ– “અમેરિકાવાસી ‘કેટલાંક’ ગુજરાતી સર્જકો”, એમ હોવું જોઇએ. તો બરાબર કહેવાય. એમની ફરિયાદ સાચી હતી, છતાં, સભાના અન્ત ભાગમાં ચર્ચા-ચર્ચી ચાલેલી.