એક મિત્રે મને પૂછ્યું – મન્તવ્યોને શીર્ષકો આપો તો? બીજા એક મિત્રે સૂચવવ્યું કે પાંચને બદલે બે કે ત્રણ મન્તવ્યો મૂકો તો સારું, પચાવી શકાય. બન્ને મિત્રોની વાત મને સમીચીન લાગી. પચાવવાની વાત ગમી ગઈ. મેં વિચાર્યું, બે જ આપવાં અને દરેક મન્તવ્યને એક કામચલાઉ શીર્ષક આપવું. આ લેખમાં ને હવે પછીના લેખોમાં સ-શીર્ષક બે બે મન્તવ્યો આપીશ.
૬ : વાર્તાનો એક ગુણ -તે શ્રાવ્ય હોય :
વાર્તા તો કહેવા માટે લખવાની હોય છે. ‘કથા’ શબ્દ જ ‘કથવું’ અથવા ‘કહેવું’ પરથી છે. અને વાર્તા કહેવાય છે તો એ પણ ખરું કે એ સાંભળવા માટે છે. કથનનો ગુણ તેમ વાર્તામાં શ્રાવ્ય ગુણ પણ હોય છે, હોવો જોઈએ.
ચારણો, બારોટો અને પહેલાંના જમાનાના સૌ કથાકારો વાર્તા માંડતા’તા. બન્ને પગને ક્રૉસમાં વાળે ને ભેટ બાંધીને નિરાંતે ચલાવે. એમની એ કહેણીમાં કથનનો ગુણ હતો, વિશિષ્ટ કથનસૂર પણ હતો. ઘણી વાર તો એમણે માંડેલી વાર્તા મધરાત લગી ચાલતી.
અમારા ઘરમાં અવારનવાર સત્યનારાયણની કથા કહેવરાવવાનો એક રિવાજ પડી ગયેલો. કેમ કે ઘરનાં દરેકે નાનીમોટી સફળતા માટે ‘સતનારાયન’-ની બાધા રાખી હોય. બે મા’રાજ હતા. એક ઉપલબ્ધ ન હોય, તો બીજા આવે. એક મા’રાજ કથાની ચૉપડીમાંથી પાંચેય અધ્યાય વાંચી જતા, જ્યારે બીજા મા’રાજ કથારસ જામે અને ભાવાર્થનો અનુભવ મળે એ રીતે સ્વમુખેથી સરસ શૈલી બાંધીને વદતા હતા. એમને કથાપોથીની જરૂર ન્હૉતી પડતી. ત્યારે એમણે આરામદાયક પદ્માસન પલાંઠી લગાવી હોય. એમની એ કહેણીમાં કથનનો ગુણ હતો, કથનસૂર પણ હતો, ઉપરાન્ત, એમાં શ્રાવ્ય ગુણ પણ હતો.
યાદ કરો, દાદીમા વાર્તા ક્હેતાં’તાં, તે પથારીદૃશ્યો. પોતરાને થોડી થોડી વારે થતું, પછી? પછી શું થયું? ‘વ્હૉટ નૅક્સ્ટ’ – પ્રશ્નને બધા હવે કથાસાહિત્યમાં જૂનવાણી ગણે છે. પણ એ પ્રશ્ન કુતૂહલને જાગતું રાખે છે એ કારણે હું એને વાર્તાકલામાં જરૂરી મહત્ત્વ આપું છું.
દાદીમાની વાર્તાનું સુખદ પરિણામ આવતું – દાદી અને પોતરો અમુક સમયે ઊંઘી ગયાં હોય ! અધૂરી રહી ગયેલી વાર્તા બીજે દિવસે આગળ ચાલે, કે પછી, કોઈ બીજી શરૂ થાય. મારા પિતાજી રાતે સૂતી વખતે કોઇ ને કોઇ વાર્તા ક્હૅતા. ઉનાળામાં અગાશીમાં સૂતા હોઇએ, આકાશમાં ચન્દ્ર હોય ને બસ વાર્તાની મૉજ અને ઊંઘ બેયનું ભેગું ઘૅન ચડતું. આમ્સ્ટર્ડામમાં મારી પૌત્રીને એની મૉમ કે એના પાપા રોજ વાર્તા વાંચી સંભળાવે તો જ એને ઊંઘી આવી શકે છે.
આ બધા દાખલા એમ સૂચવે છે કે વાર્તા સરસ લઢણથી, આકર્ષક પદ્ધતિથી, કહેવાય, પણ એવી અદાથી કે સાંભળનારનું મન ધરાઇ જાય. તૃપ્ત થઈને એ મલકી પડે. એને વાર્તાની રઢ લાગી જાય. મને મારા દાખલામાં એમ બન્યું લાગ્યા કરે છે.
પરન્તુ તૃપ્તિનું એ પરિણામ ત્યારે જ આવે જ્યારે કથનસૂર સચવાયો હોય ને એ સૂર પ્રગટે એ માટે સર્જકે પૂરતા જતનથી ભાષાકર્મ કર્યું હોય.
વાચકે પણ વાર્તાને વાંચવા છતાં, સાંભળવાની હોય છે. કેટલાક વાચકો લખાયેલું કે છપાયેલું ઝટ પતાવી દેવાની કુટેવને વર્યા હોય છે. એવો વાચક જો ગગડાવી જશે, કથનસૂરને નહીં અનુસરે, તો કલાને ચૂકી જશે. વિવેચકે પણ તપાસવું જોઈશે કે વાર્તાના પાઠમાં શ્રાવ્ય ગુણ છે ખરો? જો છે, તો કેવી રીતે રસાયો છે તેનો એ ફોડ પાડે.
વાર્તાનાં લેખન શરૂ થયાં એટલે વાચન શરૂ થયાં. બાકી તો એ એવી મજાની વસ્તુ છે કે કહ્યા જ કરીએ ને સાંભળ્યા જ કરીએ.
ટૂંકીવાર્તા આપણે ત્યાં ‘શૉર્ટ સ્ટોરી’-થી પ્રેરાઈ છે. એ વિદેશી રીતભાતે લખાવા લાગી, છપાવા લાગી, એટલે વાચનની વસ્તુ બની ગઈ. એની ના નહીં પણ કથાસરિતસાગરની, પંચતન્ત્રની, હિતોપદેશની, ઇસપની કે અરેબિયન નાઇટ્સની કથાઓ યાદ કરો, સમજાશે કે શ્રાવ્ય ગુણ જ વાર્તાને વાર્તા બનાવે છે. આ હકીકતનું વિસ્મરણ ન થવું જોઈએ – ન તો લેખકને, ન તો વાચકને, ન તો વિવેચકને.
૭ : વાર્તાનો એક બીજો ગુણ – તે દૃશ્ય હોય :
પરમ્પરાગત વાર્તાકારો વાર્તાના પ્રારમ્ભે નાનકડું પ્રકૃતિદૃશ્ય ઊભું કરતા : જેમ કે, આમ : સન્ધ્યાનું આકાશ લાલિમાથી છવાઈ ગયેલું હતું. સૂર્ય ટેકરીઓની પાછળ ઊતરી ગયો હતો. નદીનાં પાણી રતુમ્બડાં લાગતાં હતાં. પક્ષીઓએ પોતાનાં માળાની દિશા પકડી હતી. આવી રહેલી નિશા કોઈ નવી નવેલી વહુરાણી લાગતી હતી : વગેરે. એઓ આવાં આલંકારિક દૃશ્યાલેખન કરીને વાચકને તૈયાર કરતા. સૂચવતા કે હવે જે શરૂ થવાનું છે એ બધું સાહિત્યિક છે, તૈયાર થઈ જાવ. જાણે ભોજન પહેલાંનું ઍપિટાઈઝર !
પ્રકૃતિદૃશ્યનું આલેખન, જો એ પછી શરૂ થનારી વાર્તાને ઉપકારક હોય તો સારી વાત ગણાય. બાકી, વાર્તા સાથે એનો સ્નાનસૂતકનો ય સમ્બન્ધ ન જડે તો શું કરવાનું એ ફાલતુ ગદ્યને? પણ એવી એક ફૅશન પડી ગયેલી.
એથી અવળું માનનારા વાર્તાકારો હતા – ભાઈ ! બસ વાર્તા કહો, દૃશ્યો પાછળ સમય ન બગાડો, શી જરૂર છે? એ તો નાટકમાં હોય. વર્ણનોની શી જરૂર છે? એ તો નવલકથામાં કે નિબન્ધમાં હોય. આવી સલાહો એટલે અપાતી કે વાર્તાકારોને લાબાંલાંબાં વર્ણનો કરવાની ટેવ પડી ગયેલી. એની પણ એક ફૅશન હતી.
સર્જનમાત્રને તેમ વાર્તાસર્જનને કશી પણ ફૅશન ન પરવડે. સર્જન એવા આગન્તુક શણગારોથી કદીપણ દીપતું નથી, વરવું લાગે છે.
મુદ્દો આટલો છે, વાર્તાકથન છે તેમ વાર્તાઆલેખન પણ છે – ટુ નૅરેટ તેમ ટુ ડિસ્ક્રાઇબ. એક હતો રાજા, એક હતી રાણી – કથન થયું કહેવાય. આ રાજા છે, આ રાણી છે – આલેખન થયું કહેવાય. વાર્તામાં કથક કથે તેમ આલેખે. પોતે જુએ તેમ આપણને બતાડે. વાર્તાકલા આલેખનથી પણ વિકસતી હોય છે. એથી દૃશ્યો રચાય, વાર્તાનાં પાત્રોને જોઈ શકાય, જે સ્થળે જેમ બોલતાંચાલતાં હોય, તે સ્થળે એમને તેમ જોઈ શકાય. સ્થળોને લગીરેક ધારદાર વીગતથી દર્શાવ્યાં હોય એટલે સ્થળો પણ દેખાય. બધું જીવન્ત થઈ ઊઠે. પાત્રે શું પ્હૅર્યું છે, એ શું ખાય છે, પીએ છે, વગેરે બતાવવું પણ કેટલીક વાર જરૂરી હોય છે, ખાલી કહી જાઓ તે ન ચાલે.
મારી વાર્તાઓમાં દૃશ્યો અવારનવાર સરજાય છે, વાચકો વાર્તાને સાંભળે છે તેમ જુએ પણ છે. હું વાર્તાનો એ નૉર્થટ્રેઇલ પાર્ક મારા વાચકને બતાવું છું. એ વિશાળ પાર્કનું આકાશ ઘણું નીચે ઊતરી આવ્યું હોય ને પાત્રને થાય – આ ગુમ્બજ નીચે સૂઈ જઉં, ચન્દ્રને ઊંચો કૂદકો મારીને ઝડપી લઉં … કોઇ પણ વાર્તાનું વિશ્વ ખરું – રીયલ – લાગવું જોઈએ. વાચક એક અનુભવ લઈને જવો જોઈએ.
ચિત્રકૃતિઓ સ્થિર દૃશ્યો હોય છે. એ ચિત્રોનાં આધારરૂપ મૉડેલ્સને પણ સ્થિર બેસાડાય છે. કૅમેરાની અને મૂવીકૅમેરાની શોધ પછી, ચિત્રકલાની તેમ કથાસાહિત્યના સર્જનની જાણે દિશા જ બદલાઇ ગઈ છે. વિડીઓગ્રાફીએ પેલા સ્થિર દૃશ્યને હરતુંફરતું કરી દીધું. શબ્દમાં સરજાયેલાં કથનો અને વર્ણનો ચિત્ર બલકે ચલચિત્ર બની રહ્યાં છે. સારી કથાનું મૂવી બનાવવા જાણે પડાપડી થવા લાગી છે.

Pic courtesy : French Institute Alliance Franchise
હમણાં મેં ‘નેટફ્લિક્સ’ પર એક ફ્રૅન્ચ મૂવી જોયું. એમાં, એક સુન્દરી મૉડેલ છે. એને સ્થિર બેસાડાય છે. મૉડેલ છે એટલે એને નગ્ન બતાવી છે, સમ્પૂર્ણ નગ્ન, સમ્પૂર્ણ એટલે સમ્પૂર્ણ. ચિત્રકામો શરૂ થાય, પૂરાં થાય કે અધૂરાં છોડી દેવાય, એ તમામ સર્જનવ્યાપારને અનુવર્તીને વારંવાર એને જુદા જુદા પોઝિઝમાં બેસાડાય છે. મૉડેલ અને ચિત્રકારની છે આ કથા. ચિત્રકારની વર્કશોપ, બધો જરૂરી અસબાબ, ચીતરવાની પદ્ધતિઓ, સર્જનની આદિ મધ્ય અન્ત લગીની પ્રક્રિયા વગેરે બધું હૂબહૂ પૂરી કાળજી લઈને ધીમેશથી બતાવ્યું છે. દીર્ઘ મૂવી છે. બોલ્ડ છે. જો કે એમાં કશી સૅક્સલાઇફ નથી, કશું એમાં અભદ્ર કે અશ્લીલ નથી.
છતાં, આ મૂવી સમજુ યુગલોએ જ જોવું, એકલાં જોવું. હું જાણીને જોવા ન’તો બેઠો. આઇ નેવર ચૂઝ બીફોર કેમકે હમેશાં મારે અન્કન્ડિશન્ડ રહેવું હોય છે. આ મૂવીના કલાગુણ અને મૅસેજ લગી પ્હૉંચતાં સામાન્ય દર્શકને વાર લાગશે. ફ્રૅન્ચ નામ છે, La Belle Noises (1991). અંગ્રેજી નામ છે, The Beautiful Troublemaker.
બીજાં બે મન્તવ્યો હવે પછી, અવકાશે.
= = =
(August 19, 2021 : USA)
 ![]()


દેશમાં વર્ષા ઋતુ ચાલે છે. વરસાદ આવે, ન પણ આવે. દેશમાં કોરોના પણ ચાલે છે, ચાલ્યા જ કરે છે. વરસાદ ગંદકી ધોઇ નાખે, ગંદકી વધે પણ ખરી. ગંદકી વધે તો કોરોના વધે? ત્યારે કોઈ પણ રોગ વધે તેમ કોરોના ય વધે.
ગૅબ્રિયલ ગાર્સિયા માર્ક્વેઝે – ‘લવ ઇન ધ ટાઇમ ઑફ કૉલેરા’ લખી છે.
આ નવલનો સારામાં સારો અંગ્રેજી અનુવાદ મળે છે, એડિથ ગ્રૉસમન પાસેથી. એડિથ ફિલાડેલ્ફીઆમાં જન્મી છે. માર્ક્વેઝની ઉત્તમ અનુવાદક છે. એણે કરેલો ‘ડૉન કિહોટે’-નો અનુવાદ જગમશહૂર છે. એ મારિયો વર્ગાસ લોસા અને બીજા નામાંકિત સ્પૅનિશ-ભાષી લેખકોની પણ એટલી જ પ્રશસ્ત અનુવાદક છે.