
સુમન શાહ
માણસ, શું હતો અને આજે કેવોક છે; માનવતા, શું હતી અને આજે કયા સ્વરૂપે છે; માણસનો પ્રકૃતિ સાથે, અન્ય જીવો સાથે તેમ જ સંસ્કૃતિ-સભ્યતા સાથે શો સમબન્ધ હતો અને આજે એ સમ્બન્ધનું કયું રૂપ પ્રગટ્યું છે, વગેરે વગેરેની જાણકારીથી આપણો સમસામયિક સાહિત્યકાર પરિચિત થાય તો સંભવ છે કે ગુજરાતી સાહિત્યનું ખોટકાઇ ગયેલું ગાડું ઘૉંચમાંથી બહાર આવે ને પાછું પાટે ચડી જાય.
સુધારક યુગના ગુજરાતી સાહિત્યમાં માણસનું જે ચિત્ર મળે છે એની મુખ્ય રેખાઓ એમ સૂચવે છે કે એ પછાત હતો, એનો પરિવાર અને એનો સમાજ પછાત હતો. એની ઇતિહાસ-બુદ્ધિ નષ્ટભ્રષ્ટ હતી, એની ઘણી બધી ઉપકારક સ્મૃતિનો નાશ થયેલો. સાહિત્ય એને એમાંથી બહાર કાઢીને અર્વાચીન રૂપમાં જોવા ઝંખતું હતું.
ગાંધીયુગમાં ગાંધીજીએ એને એના દેશ્ય રૂપમાં જોવા ઝંખ્યું હતું.
જેને આપણે આધુનિક ગુજરાતી સાહિત્ય કહેતા આવ્યા છીએ એમાં, માણસને વ્યક્તિવિશેષ રૂપે જોવા અને તપાસવાનું થયું હતું, એની અસ્તિત્વપરક ગૂંચોને ઓળખવાનું થયું હતું.
પરન્તુ આજે એ માણસની આપણને શી ઓળખ સાંપડે છે? શું એને આપણે માત્ર ગુજરાતી / ભારતીય નાગરિક રૂપે, લોકશાહીમાં અનિવાર્ય મતદાર રૂપે, જોયા કરીએ તે પૂરતું છે? વિશ્વ સ્તરે એનું જે ચિત્ર ઊભું થઈ રહ્યું છે, એ જાગતિક પરિપ્રેક્ષ્યથી એને જોઇએ તો એ કેવોક દેખાય છે? એ પરિપ્રેક્ષ્ય શું છે? વગેરે પ્રશ્નોના ઉત્તરો વિચારવા એ મારો આ નવ્ય લેખમાળા પાછળનો આશય છે.
હું જ્યારે AI અને હરારી વિશે અભ્યાસ કરતો હતો અને લેખમાળા કરેલી ત્યારે માનવવાદ અને અનુ-માનવવાદ વિશેનાં હરારીનાં પ્રત્યક્ષ-પરોક્ષ મન્તવ્યોમાંથી પણ પસાર થયેલો. મને આ બન્ને વાદની વિચારસરણીઓમાં રસ છે કેમ કે બન્ને માણસની વાત કરે છે, અને માણસ તો સાહિત્યકલાનો કેન્દ્રસ્થ વિષય છે, માણસના સ્થાયીભાવો અને એનું સંકુલ સમૃદ્ધ ભાવજગત તો સાહિત્યકલાનું મૂળેરું દ્રવ્ય છે. એ દ્રવ્યમાંથી સાહિત્યકૃતિઓ સરજાય છે, વાચકો તેને અનુભવે છે.
++
મહાભારતના ‘શાન્તિપર્વ’ (૨૧૯-૨૦) -માંનું આ વચન સુખ્યાત છે :
ગુહ્યમ્ બ્રહ્મ તદિદમ્ વો બ્રીવીમિ / ન હિ માનુષાત્ શ્રેષ્ઠતરમ્ હિ કિંચિત:
બ્રહ્મનું ગુહ્ય તમને કહું, એ કે, મનુષ્યથી શ્રેષ્ઠ કશું નથી.
એ વચનને જ જાણે આપણા સમયમાં પ્રવર્તેલા માનવવાદની વિચારસરણી અનુસરે છે.
માનવવાદ —
વિશ્વને નિહાળતું એક દર્શન છે – વર્લ્ડવ્યૂ. એ એક ન્યાયસંગત રળિયામણું વિશ્વ સરજવા માગે છે. મનુષ્યના સર્વ-સામર્થ્યને આગળ કરે છે. આ પૃથ્વી પર શ્રેષ્ઠ જીવ મનુષ્ય છે. એ સર્વશક્તિમાન છે, બાકી બધા પશુ છે, જાનવર છે, ક્ષુદ્ર જીવો છે. માનવવાદ બ્રહ્મ, ઇશ્વર કે દેવદેવતાઓમાં નથી માનતું – નૉનથેઇસ્ટિક છે. એ તર્ક અને વિજ્ઞાન પર ભાર મૂકે છે. માનવવાદીઓ માને છે કે વિશ્વને સમજવા માટેનું સર્વોત્તમ ઉપકરણ તર્કપૂત શોધ છે; એની સહાયથી ખરા નિર્ણયો કરી શકાય છે. સાથોસાથ, માનવવાદ નીતિવિષયક મૂલ્યોમાં અને પરોપકાર-વિચારમાં ય માને છે.
જો કે, માનવવાદી વિચારો સાવ નવી વસ્તુ નથી. પુનર્જાગૃતિ કાળમાં (રીનેસાંસ-કાળમાં) જોઈ શકાશે કે પેટ્રાર્ક કે ઇરેસ્મસ જેવા વિચારકો મનુષ્ય મેળવી શકે એ સિદ્ધિઓના આગ્રહી હતા, ઉપરાન્ત, એ માટે એમણે પ્રશિષ્ટ સાહિત્યના અધ્યયનોનો આગ્રહ આગળ કરેલો. પ્રબોધન કાળમાં (ઍન્લાઇટન્મૅન્ટ-કાળમાં) વૉલ્ટેર, રૂસો અને કાન્ટ જેવા ફિલસૂફો તર્ક, વળી ધૈર્ય અને વૈયક્તિક સ્વાતન્ત્ર્યના પક્ષકાર હતા. ૧૯-મી સદીના જોહ્ન સ્ટુઅર્ટ મિલ જેવા અનેક વિચારકોએ પ્રગતિ અને માનવકલ્યાણની વાતો હેતુપૂર્વક કરી હતી. અર્વાચીન ફિલસૂફો અને કર્મશીલો પણ વિજ્ઞાન અને તર્કશીલ વિચારધારાના હિમાયતી છે. તેઓ પણ માનવ-અધિકારો અને સામાજિક ન્યાયના તરફદાર છે.
પરન્તુ અનુ-માનવવાદની વિચારસરણી એને પડકારે છે.
અનુ–માનવવાદ —
એક ફિલોસૉફિકલ અને સાંસ્કૃતિક આંદોલન છે. માનવવાદીઓનું પેલું ન્યાયસંગત વિશ્વ તો અશક્ય દીસે છે, બલકે જે છે એનો ય ધ્વંસ થઈ જાય એવાં જોખમો સરજાયાં છે. અનુ-માનવવાદનો પ્રમુખ સવાલ એ છે કે મનુષ્ય હોવું એટલે શું. મનુષ્ય વિશેના પરમ્પરાગત ખયાલોને એ પડકારે છે. મનુષ્યોને વિશ્વના કેન્દ્રમાં મૂકનારા તેમ જ માનવીય ગુણોની અદ્વિતીયતા ગાનારા ઍન્થ્રોપોસેન્ટ્રિક વિશ્વદર્શનની પણ હમેશાં સમીક્ષા કરે છે. આ વિચારકો માને છે કે મનુષ્યો અને મશીન વચ્ચેની સીમાઓનો લોપ થઈ રહ્યો છે. હું દાખલા આપું : સ્માર્ટ ફોન અને માણસની હથેળીઓ; માણસનો ખૉળો – લૅપ – અને કમ્પ્યુટર.
++
હરારીમાં, માનવવાદ અને અનુ-માનવવાદ બન્નેની સામાન્ય સમીક્ષા મળે છે :
હરારી દર્શાવે છે કે આધુનિક વિજ્ઞાનીય પ્રગતિની પડછે માનવાવાદની વિચારસરણી કાલગ્રસ્ત ભાસે છે.
હરારીની અનુ-માનવવાદ વિશેની સમીક્ષા સંકુલ મનાય છે. કેમ કે, એક તરફ, તેઓ AI અને જેનેટિક ઍન્જિનયરિન્ગ જેવા ટૅક્નોલૉજિકલ પ્રગતિના મોટા ફાયદા કબૂલે છે, પરન્તુ બીજી તરફ, તેઓ તેથી જનમનારાં ભારે જોખમો વિશે ચિન્તા પણ વ્યક્ત કરે છે. એમને ડર છે કે આ ટૅક્નોલૉજિને પ્રતાપે એક નવ્ય ‘ડેટા-ઍલિટ’ પેદા થશે. એ વિવિધ સંસાધનો અને માહિતીનાં નિયન્ત્રણ કરતો હશે. એથી સામાજિક અસમાનતા સરજાશે.
મનુષ્યપરક નિરપવાદવાદમાં – હ્યુમન ઍક્સેપ્શનાલિઝમમાં – માણસ વિશેની સર્વોપરીતા વિશે જે કંઇ માન્યતા છે એને જીવવિજ્ઞાન, જેનેટિક્સ અને મનોવિજ્ઞાન હવે પડકારે છે. એ વિજ્ઞાનો વિશેની વિકસી રહેલી સમજદારીથી સ્પષ્ટ થયું છે કે અન્ય જીવોથી મનુષ્ય મૂળે તો જરા ય જુદો નથી. હવે આપણને આપણી ફ્રી વિલ, ન્યૂરલ નેટવર્ક્સની પ્રોડક્ટ લાગશે. હરારી જણાવે છે કે અમરતા અને પ્રફુલ્લ સામર્થ્યો માટેની દોડ માનવતા અને માનવીય ગૌરવ માટેના પરમ્પરાસિદ્ધ ખયાલોને ધોઈ નાખશે.
પ્રોફેસર શાહિધા બારીએ IQ2 -ના પ્લેટફૉર્મ પરથી હરારીનો ઇન્ટરવ્યુ લીધેલો. તેઓ જણાવે છે કે હરારી, એ ચર્ચી રહેલા કે માનવજાતનું ભવિષ્ય પોતાને કેવુંક લાગે છે, અને ટૅક્નોલૉજિની સર્વશક્તિ એનો ઘાટ ઘડવામાં કેટલી નિર્ણાયક નીવડી હશે. હરારીએ એવો પ્રશ્ન કરેલો કે Covid-19 પૅન્ડામિકથી કેમ કશો મેજર કલ્ચરલ કે પોલિટિકલ રીસેટ ન પ્રગટ્યો. એમણે કહેલું કે યુક્રેન પરના રશિયાના આક્રમણે આન્તરરાષ્ટ્રીય વ્યવસ્થાને ડ્હૉળી નાખી છે. એ બધું છે છતાં, મનુષ્યજાતિ પોતાની નિયતિનો ચાર્જ લઇ શકે છે.
++
આપણે ત્યાં આવા ઇન્ટર્વ્યૂઝ નથી થતા. આપણે ત્યાં આપણા ઇતિહાસજ્ઞો કે સમાજવિજ્ઞાનના જ્ઞાતાઓ સાથે સાહિત્યકારો જોડાય અને સમસામયિક પ્રશ્નોની ચર્ચાઓ થાય એવું નથી થતું. આપણે રાજકારણ સાથે જોડાયેલા પ્રશ્નોની માંડીને ચર્ચા નથી કરતા. કોણ ભા.જ.પ.માં, કોણ કૉન્ગ્રેસમાં, કોણ મોદીના ભક્ત, વગેરે ઓટલા-પરિષદમાં થતી વાતો જેવાં ટાહ્યલાંને રાજકીય જાગૃતિમાં ખપાવીએ છીએ.
કલાકૃતિઓને કે સાહિત્યકૃતિઓને સામાજિક કે રાજકીય પ્રશ્નોના પ્રતીકાત્મક ઉકેલો કહેવામાં આવે છે. ‘પોલિટિકલ અન્કૉન્સ્યસ’-ની વિચારધારા અનુસાર, સાહિત્યે દર્શાવેલા ઉકેલોની સમીક્ષા કરી શકાય, પણ એની આપણા વિવેચકને કશી જાણ નથી. અને જો છે, તો આપણે ત્યાં એવી કૃતિઓ નથી.
આપણે ગઝલ ગીત કે જીવન-પ્રસંગોના અનુ-વાદ જેવી વાર્તાઓ વત્તા ચપટી માનવતાના ગળચટ્ટા સંમિશ્રણને સાહિત્ય ગણી બેઠા છીએ. ધર્મ અધ્યાત્મ સમાજ રાજકારણ વિજ્ઞાન કે ટૅક્નોલૉજિ સાથેનો આપણો અનુબન્ધ નષ્ટ થઈ ગયો છે. એ સંજોગોમાં, નારી અને દલિત તત્ત્વોનું સાહિત્ય પણ કશી વૈચારિક સમીક્ષા વિનાનું માત્ર કરુણાળુ અને રસિક રહી ગયું છે.
એટલે, સવાલ તો એ થાય છે કે જે મનુષ્યને આપણે સાહિત્યશબ્દથી ચીતરીએ છીએ એ ખરેખર છે -? કોણ છે -? એ કોઇ સરેરાશ જન તો નથી ને? એ આપણી ‘સાહિત્યિક’ કહેવાતી દૃષ્ટિમતિની કાતરથી કપાઇને બચેલો કશો નિર્જીવ કાપલો તો નથી ને?
(ક્રમશ:)
(23Sep24:USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર