રવીન્દ્રનાથનું એક કાવ્ય છે, “મારું ગીત”.
એનો ભાવાનુવાદ આપું :
ગીતકાર પોતાના બાળકને ઉદ્દેશીને કહે છે કે –
આ મારું ગીત, બેટા, એના સંગીતથી તને વીંટળાઈ વળશે – વ્હાલથી બથ ભરી દેશે.
આ મારું ગીત, બેટા, તારા કપાળે આશિષભરી પપી બની રહેશે.
કોઈ નહીં હોય તારી પાસે ત્યારે, તારી બાજુમાં બેસી કાનમાં તારા કશુંક કહેશે તને.
તું ભીડમાં વ્હીલું પડી ગયું હોઈશ, ત્યારે તને આવરી લેશે.
ગીત મારું ગોઠવાઈ જશે તારી કીકીઓ પર ને
નજરને તારી દોરી જશે વસ્તુઓના હાર્દમાં.
મારો અવાજ મૃત્યુમાં શમી ગયો હશે ત્યારે, આ ગીત મારું,
તારા વિયોગી હૃદય જોડે વાતો કરશે …
• • •

રવીન્દ્રનાથ – સૌજન્ય : kobo.com
ગીતકારે ગીત કયું તે નથી કહ્યું, ગાઈને રજૂ પણ નથી કર્યું. એટલે એ કુતૂહલ અકબંધ રહે છે. પરન્તુ એની કલ્પના તો કરી શકાય. એ ગીત નિંદર લાવી દેનારું હાલરડું હોઈ શકે અથવા એ કશી રમ્ય કલ્પના હોય. મનોમન રચાતી આલેખના પણ હોય.
પણ એ કશી માત્ર સૂરાવલિ ય હોઈ શકે છે — એટલે કે, શબ્દમય ગીત નહીં, પણ શુદ્ધ ગાન.
મારા પિતાને ગાવું બહુ ગમતું. હીંચકે ઝૂલતા ઝૂલતા ગાય, આંગળી અને અંગૂઠાથી ટકોરા વગાડી તાલ આપે. એમને એક તરન્નુમ આવડતી’તી ને અમને એ બહુ ગમતી. કેમ કે એથી ઊંઘ આવી જતી. એમાં માત્ર ગુંજન હતું, શબ્દો ન્હૉતા. રડતા પૌત્રને મારા પિતા પોતાના ખૉળામાં લે ને ગુંજવા માંડે. પૌત્ર ધીમે ધીમે શાન્ત … આંખો બીડાઈ ગઈ હોય.

બાળકને સ્તનપાન કરાવતી માતા – સૌજન્ય : Dreamstime.com
એક આવું જ દૃશ્ય છે : પોતાના બાળકને ખૉળામાં લઈ ધવરાવતી મા પોતાનો સાથળ હલાવતી હલાવતી કશુંક ગુંજતી હોય છે. એમાં પણ શબ્દો નથી હોતા. બાળક ધરાઈને સીધું બસ પોઢી ગયું હોય છે.
કાવ્યની, ‘મારો અવાજ મૃત્યુમાં શમી ગયો હશે’, એ છેલ્લી પંક્તિ એકાએક કરુણમાં સરી પડી છે. તેમ છતાં પણ, એમાં સરસ વાત એ છે કે ત્યારે એ ગીત બેટાના વિયોગી હૃદય જોડે વાતો કરવાનું છે.
આ કોરોના કાળમાં, કાલ કોણે દીઠી છે? દરેક વયસ્ક પુરુષે કે સ્ત્રીએ પોતાનાંને આવું આશાયેશભર્યું કશુંક હૃદ્ય ભાથું બંધાવવું જોઈએ. તમને શું લાગે છે?
= = =
(September 23, 2020: Ahmedabad)
![]()



સીધીસાદી ટૂંકીવાર્તાનો સાર આપી દેવાનું કામ જરા પણ અઘરું નથી હોતું. પણ વિશ્વભરની ટૂંકીવાર્તાસૃષ્ટિમાં એવી કેટલીયે કૃતિઓ છે, જેનો સાર નથી આપી શકાતો, ઊલટું ફરજ એ પડે છે કે આપણે એને શબ્દ શબ્દમાં વાંચી બતાવીએ. એવી રચનાઓને તો જ ગ્રહી શકાય છે, નહિતર એ દુર્ગ્રાહ્ય રહે છે – ઇન્ક્રૉમ્પ્રિહેન્સિવ.
સુરેશભાઈના “બીજી થોડીક” વાર્તાસંગ્રહમાં એક વાર્તા છે, ‘બે ચુમ્બનો’.
બીજી વાર્તા “ન તત્ર સૂર્યો ભાતિ” સંગ્રહમાંથી લીધી છે, ’પદ્મા તને’.
ત્રીજી વાર્તા “અપિ ચ” સંગ્રહમાંથી છે – ‘રાક્ષસ’. ‘રાક્ષસ’ વાર્તાને હું સાવ જ દુર્ગ્રાહ્ય ગણું છું. એના શબ્દ શબ્દનું વાચન અનિવાર્ય છે. એટલું જ કહું કે આ વાર્તાને બસ વાંચવા માંડો; કથક તમને લઈ જશે એટલે દૂર કે પાછા જ નહીં અવાય. અને જો આવ્યા, તો આવ્યા એમ સમજતાં ઘણી વાર થશે.