દીપક મહેતાએ ઓગણીસમી સદીનાં ગુજરાતી પુસ્તકો પર આપણી ભાષામાં કોઈએ ન કર્યું હોય એવું બહુઆયામી સંશોધન કર્યું છે. અમૃતે પહોંચેલા આ ગ્રંથજ્ઞને જીવન ગૌરવ પુરસ્કાર દ્વારા મુંબઈની મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી ચોવીસ ઑગસ્ટે નર્મદના જન્મદિવસે સન્માનશે. સામાજિક સુધારાના અગ્રણી નર્મદની પંક્તિ, તેના જમાના પરનાં દીપકભાઈના પહેલા પુસ્તકના નામ, ‘દીપે અરુણું પરભાત’માં વણાયેલી છે. પાંચ વર્ષ પછી ‘ઓગણીસમી સદીની ગુજરાતી ગ્રંથસમૃદ્ધિ’(2010)મળે છે. આ જ વિષય પરનું દીપકભાઈનું ત્રીજું પુસ્તક આવવાની તૈયારીમાં છે.
દુર્લભ પુસ્તકોની દુનિયાના નિવાસી દીપકભાઈના કામનું પટ, તેમના પોતાના શબ્દોમાં કહીએ તો ‘રૉબર્ટ ડ્રમન્ડથી રમણભાઈ નીલકંઠ’ સુધીનું છે. મુંબઈના એક અંગ્રેજ અધિકારી ડ્રમન્ડે ગુજરાતી ભાષાનું પહેલું પુસ્તક આપ્યું. 1808માં છપાયેલા આ પુસ્તકનું નામ ‘ઇલસ્ટ્રેશન્સ ઑફ ધ ગ્રામેટિકલ પાર્ટસ્ ઑફ ધ ગુજરાતી મહરટ્ટ ઍન્ડ ઇન્ગ્લિશ લૅન્ગ્વેજિસ’. દીપકભાઈ સાબિત કરે છે કે આ પુસ્તક ગુજરાતી ભાષાનું પહેલું વ્યાકરણ હોવા ઉપરાંત ગુજરાતી ભાષાનો પહેલો સાર્થ શબ્દકોશ છે અને ભલે અધૂરી, તો ય આ પહેલી ગુજરાતી ડિક્શનરી છે. ગુજરાતી સાહિત્ય પરિષદે પ્રસિદ્ધ કરેલા સાહિત્યકોશમાં આ પુસ્તક વિશે આઠ શબ્દોની માહિતી છે, જેમાંના ચાર શબ્દો ખોટા છે. સામે દીપકભાઈ તેના વિશે નવ પાનાંનો લેખ આપે છે. આવા અનોખા મૌલિક અભ્યાસોનો તેમના પુસ્તકોમાં ખજાનો છે.
દેશમાં નવજાગૃતિ લાવનાર ઓગણીસમી સદી વિશે દીપકભાઈ નોંધે છે : ‘અર્વાચીનતાના એ સૂર્યરથને અંગ્રેજ અરુણ સારથિ બનીને હંકારી રહ્યો હતો. એ રથના સાત અશ્વો તે કયા ? એ હતા મુદ્રણકલા, બ્રિટિશ પદ્ધતિનું શાળા શિક્ષણ, લેખનના માધ્યમ તરીકે ગદ્યની પ્રતિષ્ઠા, સમાજ સુધારો, વર્તમાનપત્રો અને સામયિકો, અંગ્રેજી સાહિત્યનો પ્રભાવ, પરદેશનો, ખાસ કરીને ઇંગ્લેન્ડનો પ્રવાસ અને પરિચય.’
આ બધાં પાસાં પર દીપકભાઈએ કરેલાં નક્કર અને ચોકસાઈભર્યા સંશોધનનો અંદાજ તેમનાં બંને પુસ્તકોના સો લેખોના વિષયો પરથી આવશે. જાણીતાં આદ્ય પુસ્તકો અને સામયિકો ઉપરાંતનાં, જે પહેલવહેલા ગુજરાતી પુસ્તકો વિશે તેમણે લખ્યું છે તેમાં પાઠયપુસ્તકો, વાચનમાળા, વિશ્વકોશ, વિસ્તૃત સચિત્ર જીવનચરિત્ર, મુદ્રિત નાટક, પ્રવાસવર્ણન, શેક્સપિયરના નાટકનો અનુવાદ, ખિસ્સાકોશ વગેરેનો સમાવેશ થાય છે. ગુજરાતી કવિતા વિશે અંગ્રેજીમાં લખાયેલા અને બોલચાલની અંગ્રેજી ભાષા શીખવતા સહુ પહેલા પુસ્તકો, તેમ જ પ્રથમ ગુજરાતી સામયિકો વિશે પણ લેખો છે.
નવજાગરણકાળના જે અનેક અક્ષરસેવી વ્યક્તિવિશેષો પર તેમણે લખ્યું છે તેમાંના કેટલાંક છે : ફરદુનજી મર્ઝબાન, કૅપ્ટન જર્વિસ, રણછોડભાઈ ઝવેરી, ઍલેક્ઝાન્ડર કિન્લૉક ફાર્બસ, નાનાભાઈ રાણીના, બહેરામજી મલબારી, ઇચ્છારામ દેસાઈ, કૉર્નેલિયા સોરાબજી, ડાહ્યાભાઈ ધોળશાજી, રાણી નંદકુંવરબા અને બીજાં અનેક .
પ્રોજેક્ટો અને ગ્રાન્ટોના જમાનામાં દીપકભાઈએ સરકારી કે સંસ્થાકીય આર્થિક સહાય વિના એક ધ્યાસ તરીકે સંશોધન કાર્ય કર્યું છે. ઓગણીસમી સદીના પુસ્તકના સગડ મળે એટલે તે એક સાદો નિકોન કૅમેરો લઈને પહોંચી જાય છે. ઝેરોક્સ ન થઈ શકે તેવાં પાનાંનાં ફોટા પાડી લે છે. સિત્તેરની ઉંમરે કૉમ્પ્યુટર અને ઇન્ટરનેટ સાથેની દોસ્તી વધારી છે. પુસ્તકો માટે પ્રવાસ પણ વધ્યા છે. ગયાં ત્રણેક વર્ષમાં, યુવાનના તરવરાટથી સંશોધન માટે રાજકોટ, ભાવનગર અને અમદાવાદનાં ગ્રંથાલયો ખૂંદ્યા છે. મુંબઈમાં ફૂટપાથ પરનાં કિતાબવાળા, પુસ્તકભંડારો, મરાઠી ગ્રંથસંગ્રહાલય, એશિયાટિક સોસાયટી લાઇબ્રેરી અને ફાર્બસ ગુજરાતી સભાના પુસ્તકસંગ્રહ સાથે ઘરોબો છે. સભાના એ ટ્રસ્ટી જ નહીં, અવિભાજ્ય અંગ છે. તેના ઉપક્રમે સો દુર્લભ ગુજરાતી પુસ્તકોનાં ડિજિટલાઇઝેશનનું જે શકવર્તી કામ થયું છે તેમાં દીપકભાઈનો ફાળો સહુથી મહત્ત્વનો છે.
ગુજરાતી સાહિત્યમાં વિવેચન, અનુવાદ અને સંપાદનનાં પુસ્તકો આપનાર દીપકભાઈ મુંબઈની સોમૈયા કૉલેજમાં 1963થી અગિયાર વર્ષ અધ્યાપક હતા. પરિચય ટ્રસ્ટમાં યશવંત દોશી સાથે સહાયક સંપાદક તરીકેનાં બે વર્ષ પછી તેમણે એક દાયકા માટે અમેરિકાની વિશ્વવિખ્યાત લાઇબ્રેરી ઑફ કૉન્ગ્રેસના દિલ્હીની કચેરીમાં ગુજરાતી ભાષા-સાહિત્યના નિષ્ણાત તરીકે કામ કર્યું. યુનાઇટેડ સ્ટેટ્સ્ ઇન્ફર્મેશન સર્વિસની મુંબઈની શાખામાં સાંસ્કૃિતક બાબતોના નિષ્ણાત તરીકેની તેર વર્ષની કામગીરી બાદ દીપકભાઈ વીસમી સદીને અંતે વ્યવસાયમાંથી ઔપચારિક રીતે નિવૃત્ત થઈને ઓગણીસમી સદીના વ્યાસંગમાં વધુ વ્યસ્ત બન્યા.
આ વ્યાસંગને વિશેષ પોષણ લાઇબ્રેરી ઑફ કૉન્ગ્રેસમાં મળ્યું. પણ તેના બીજ તેમના ઘડતરનાં વર્ષોમાં હતાં. ગિરગામના તેમના મધ્યમ વર્ગના ઘરમાં તેમનાં માતુશ્રી અને એક ભાઈની પહેલથી ઉત્તમ પુસ્તકોનું વર્ષો લગી દરરોજ સહવાચન થતું. ઘરમાં એ વખતે ત્રણ-ચાર હજાર પુસ્તકો હતાં. અત્યારની સંખ્યા બમણી છે, તેમાંથી બાર-પંદર ઍટિક્વેરિયન કહેતાં સવાસોએક વર્ષ પહેલાંનાં છે.
ગ્રંથસંગ્રહ વિશે દાવો કે ગ્રંથજ્ઞાનનો દેખાડો કે નથી. સાહિત્યજગતને ય દીપકભાઈનું મહામૂલું કામ ઓછું દેખાય છે. ઓગણીસમી સદી સમાજશાસ્ત્રીય રીતે સાંપ્રત માટે અત્યંત પ્રસ્તુત અને છતાં ય આપણા વિદ્યાવિશ્વમાં ઉવેખાઈ છે. દીપક મહેતાના સંશોધનકાર્યનું પણ કેટલેક અંશે એવું છે.
4 ઑગસ્ટ 2014
+++++
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : ‘કદર અને કિતાબ’ નામક લેખકનો સ્થંભ, “નવગુજરાત સમય”, 06 અૉગસ્ટ 2014
![]()


આજે (20 જૂન 2014) બાણુંમો જન્મદિવસ ઉજવી રહેલા લોકોત્તર વાચનપ્રસારક મહેન્દ્ર મેઘાણી એક નવું પુસ્તક ‘દર્શક સાથે વિચારયાત્રા’ તૈયાર કરી રહ્યા છે. દર્શકની જન્મશતાબ્દીએ તેમનાં ચૂંટેલાં ચિંતનાત્મક લખાણોનાં સો પાનાંના પુસ્તક માટેનું છેલ્લું પ્રૂફ મહેન્દ્રભાઈ વાંચી રહ્યા છે. હંમેશની જેમ તેની લાખ નકલો છપાવીને ઘરે ઘરે પહોંચાડવાનો ઉમંગ છે. હાથ પર બીજું કામ છે તે ગયા છ મહિના દરમિયાન પ્રકાશિત થતી રહેલી ‘મિલાપની વાચનયાત્રા’ શ્રેણીનાં તેરમાથી સોળમા ક્રમનાં પુસ્તકો તૈયાર કરવાનું.