તાજેતરના ગુરમીત, પ્રાઇવસી અને તલાક ચુકાદા પાછળની લાંબી લડતને ટેકો મળ્યો છે, નિષ્ઠાવાન અધિકારીઓ અને ન્યાયવિદોનો !
નારીગરિમા અને માનવગૌરવમાં, લોકશાહી અને ન્યાયવ્યવસ્થામાં માનતા સહુને આનંદ થાય તેવા ત્રણ ચૂકાદા તાજેતરમાં અદાલતોએ આપ્યા છે. તે દરેક ચૂકાદા પાછળ લાંબી લડતો છે. આ લડતો સત્તા કે સંપત્તિ વિનાનાં સામાન્ય સ્ત્રી-પુરુષોએ આપેલી છે. કોઈ સેલિબ્રિટીને આ સંઘર્ષો સાથે સંબંધ નથી. નેતા, અભિનેતા, ક્રિકેટર, ઉદ્યોગપતિ, ધર્મગુરુ, ઉપદેશક, કલાકાર વગેરે સેલિબ્રિટી તરીકે ચમકાવવામાં આવતી જમાતોમાં છે. તેમાંથી કોઈએ આ લડતો નથી શરૂ કરી, કે નથી તેને ટેકો આપ્યો. લડતોને ટેકો મળ્યો છે જૂજ નિષ્ઠાવાન તપાસ-અધિકારીઓનો, નાગરિક અધિકારમાં માનતા કેટલાક ન્યાયવિદોનો અને મીડિયાના એક મોટા હિસ્સાનો. પણ પાયામાં છે તે આપણે એકંદરે જેને સાધારણ માની લઈએ છે તેવાં પેલાં સ્ત્રી-પુરુષોએ અસાધારણ હિમ્મત અને ધીરજથી આપેલી લડતો. આ લડવૈયાં ન હોત તો તો સરકારને આપણી મનુષ્ય તરીકેની પ્રાઇવસી પર તરાપ મારવાનો રસ્તો સાવ ખુલ્લો જ રહ્યો હોત, કેટલાક નાલાયક શોહરોને કારણે મુસ્લિમ ઔરતો રિબાતી જ રહી હોત અને શેતાન ગુરમિત રામ રહીમના પાશવી કરતૂતો ચાલુ જ રહ્યાં હોત.
ગુરમિત સામે બયાન આપનારી મહિલાએ હમણાં કહ્યું, ‘મેં ગુરમિત સામે ૨૦૦૯માં જુબાની આપી હતી ત્યારે પણ હું તેનાથી ડરતી ન હતી, અને આજે પણ ડરતી નથી.’ આ ચાળીસેક વર્ષની મહિલા પર એટલું જોખમ છે કે તેને ૨૦૦૨થી પોલીસ રક્ષણ આપવું પડ્યું છે. એ વર્ષે પંજાબ અને હરિયાણાની વડી અદાલતે સી.બી.આઈ.ને ગુરમિત સામે તપાસનો આદેશ આપ્યો હતો. ઉપરોક્ત મહિલા જ્યારે ડેરા સાચા સૌદાના સિરસા ખાતેનાં મુખ્ય મથકના પરિસરમાં આવેલી કૉલેજમાં બી.એ.નું ભણતી યુવતી હતી, ત્યારે તે ૧૯૯૯માં ગુરમિતના અત્યાચારનો ભોગ બની હતી. પણ તેનો આખો પરિવાર રૂઢિચુસ્ત હોવા છતાં તે બાવાની ચૂંગાલમાંથી છૂટીને યુવતીના પડખે ઊભો રહ્યો. તેનાં લગ્ન થયાં, અને તે આજે બે બાળકોની માતા છે. તેને ખુદને કોર્ટમાં એક જ વખત ૨૦૦૯માં જવું પડ્યું. ત્યારબાદની બધી સુનાવણીઓમાં તેના પિતા હાજર રહેતા, જે ગયાં વર્ષે મૃત્યુ પામ્યા. ડેરાના હથિયારધારી ગુંડાઓ ધાકધમકી કરતા. જો કે યુવતીનો નાતમાં વગદાર ભાઈ એક જમાનામાં ડેરાનો પાકો અનુયાયી હતો. પણ તેને બહેન પરના અત્યાચારની જાણ થઈ અને તેની હત્યા થઈ, જેના માટે આરોપી ગુરમિત પરની સુનાવણી સોળમી સપ્ટેમ્બરે છે. આ હત્યાનું કારણ એ છે કે ગુરમિત સામે તપાસની શરૂઆતમાં નિમિત્ત બનેલો એક અનામી પત્ર આ ભાઈએ બહાર પહોંચાડ્યો હોવાનું મનાતું હતું.
હવે બધે જ જાણીતો બની ગયેલો પત્ર ડેરામાં સાધ્વી તરીકે ફસાઈ ગયેલી એક બહાદુર મહિલાએ લખ્યો હતો. ગુરમિત પર બળાત્કાર અને જાતીય અત્યાચારનો આરોપ મૂકતા એ પત્રને પગલે તપાસના આદેશ અપાયા હતા. એ કાગળ પરથી કંઈક અંદાજ આવે છે કે યુવતી પર અને એના જેવી બીજી ૩૫-૪૦ સ્ત્રીઓ પર દેરાના દોજખમાં શું વીતી હશે. બાવાની ભૂરકીમાં ભાન ભૂલેલા ઘરનાંએ પણ સાધ્વીનાં વીતકને ગણકાર્યાં નહીં. આ બધાની વચ્ચે કંઈક વર્ષો ધીરજ રાખીને અંતે તેણે હિમ્મતપૂર્વક પત્ર લખ્યો.
આ પત્રને પગલે ગયાં પંદર વર્ષથી ચાલેલી તપાસ અને સુનાવણી પછી ચૂકાદાની પૂર્વસંધ્યાએ સાધ્વીએ કહ્યું હતું : ‘હમને સુના હૈ યે ઇન્ડિયા હૈ યહાં આસાની સે ન્યાય નહીં મિલતા હૈ, ઔર વો ભી જબ લડાઈ કિસી પાવરફુલ કે ખિલાફ હો. પૈસેવાલા કુછ ભી કર સકતા હૈ યહાં.’ પછી આંખમાં આંસુ સાથે તેણે ઉમેર્યું હતું : ‘ઉમ્મીદ કી કિરન હૈ. આ કેસ પર સી.બી.આઈ.ના પ્રામાણિક અધિકારીઓએ કામ કર્યું છે. અમને ન્યાય મળે તે માટે તેમણે શક્ય એટલું બધું કર્યું છે. એટલે અમને આશા છે.’
આશાને સફળ બનાવનારા અધિકારીઓમાં એક સી.બી.આઈ.ના પૂર્વ સહ નિયામક મુલિન્જા નારાયણન. અત્યારે ૬૮ વર્ષના નારાયણને તેમની પર તપાસ દરમિયાન રાજકારણીઓ, ધંધાવાળાઓ અને તેમના સહકાર્યકરો થકી કેવું દબાણ આવતું હતું અને હરિયાણાની પોલીસ કેવા અવરોધ ઊભા કરતી હતી તેની સાફ વાત મીડિયામાં કરી છે. પીડિતાઓને શોધવાથી માંડીને તેમને ન્યાયની ખાતરી આપીને જુબાની અપાવવા સુધીની અથક મથામણ તેમણે કરી. તેમના ઉપરી એવા ડાયરેક્ટર વિજય શંકરે દબાણો ઉપરાંત તપાસનું મુખ્ય મથક સિરસાથી હઠાવવાની હિલચાલની વાત કરી. ગુરમિતના ચરણોમાં આળોટનાર રાજકારણીઓના તેમની કચેરીમાં નિંભર આંટાફેરા અને ડેરાના સશસ્ત્ર ભક્તોએ કચેરીને કરેલા ઘેરાવને પણ તેમણે યાદ કર્યા.
ગુરમિતના બે ભક્તોએ તેના જ કહેવાથી એક જાંબાજ પત્રકાર રામ ચંદર છત્રપતિને પણ ઠાર માર્યા હતા. વકીલાત છોડીને સમાજના પ્રહરી બનવા માટે મીડિયામાં આવનાર રામ ચંદરને મુખ્ય ધારાની પત્રકારિતા બહુ માફક ન આવી. એટલે તેમણે સિરસામાં ‘પૂરા સચ’ નામનું પોતાનું અખબાર શરૂ કર્યું. એમાં તેમણે ગુરમિતનાં કરતૂતો ખુલ્લાં પાડવાની પહેલ કરી. ઉપરાંત 2000ના મે મહિનાની આખરે તેણે સાધ્વીનો પત્ર પણ છાપ્યો. જેની વડી આદાલતે સુઓ મોટુ નોંધ લઈને તપાસના આદેશ આપ્યા. આ બધાને પરિણામે ડેરા સૌદાના બે માણસોએ ચોવીસ ઑક્ટોબરે મોટર સાયકલ પર આવીને છત્રપતિનાં ઘર આગળ જ તેમના શરીરમાં પાંચ ગોળીઓ ધરબી દીધી. તે પછી ૫૩ વર્ષના આ પત્રકારે અઠ્ઠ્યાવીસ દિવસ મોત સામે લડત આપી. તે દરમિયાન તેમનાં જે નિવેદનો લેવાયાં તેમાં પોલીસે આરોપી તરીકે ગુરમિતનું નામ ધરાર આવવા ન દીધું. ૨૧ નવેમ્બર ૨૦૦૨ ના રોજ છત્રપતિ મોતને ભેટ્યા. ન્યાય માટે તેમના પુત્ર અંશુલ લડી રહ્યા છે. તેમને સી.બી.આઈ. કોર્ટમાં ૧૬ સપ્ટેમ્બરે થનાર સુનાવણીમાં આશા છે.
રાઈટ ટુ પ્રાઇવસી માટેની કાનૂની લડાઈ માટેની પહેલ ૯૧ વર્ષનાં કે.એસ. પુટ્ટાસ્વામીએ તે ૮૬ વર્ષનાં હતા ત્યારે કરી. કર્ણાટકની વડી અદાલતના પૂર્વ ન્યાયમૂર્તિ એવા પુટ્ટાસ્વામીએ યુ.પી.એ.ની સરકારે આધાર યોજના શરૂ કરી ત્યારે 2012 માં અદાલતમાં અરજી કરી. તેમણે કહ્યું : ‘મેં અરજી કરી કારણ કે મને એમ થયું કે મારા અધિકાર પર અસર થઈ રહી છે.’ ત્યાર બાદ અન્ય અરજીઓ પણ થઈ. પણ ભારતના ઇતિહાસમાં આ કેસ નિવૃત્ત ન્યાયમૂર્તિ કે.એસ. પુટ્ટસ્વામી વિરુદ્ધ યુનિયન ઑફ ઈન્ડિયા તરીકે ઓળખાશે.
જેમની ભાગ્યે જ કોઈ ઓળખાણ પ્રચલિત અર્થમાં હોય તેવી પાંચ મહિલાઓ સર્વોચ્ચ અદાલતમાં કરેલી અરજીને લીધે ટ્રિપલ તલાકની બદી દૂર થઈ. ભારતના અલગ અલગ હિસ્સાની આ મધ્યમ વર્ગની બહેનોએ તેમનાં પતિ અને સાસરિયાંનો કેવો ત્રાસ વેઠ્યો તેની દર્દભરી કહાણીઓ છે. પણ છતાં તે લડી અને જીતી. તેમનાં નામ છે છે: શાયરા બાનો, આફ્રિન રહેમાન, ઇશરત જહાં, આતિયા સાબરી અને ગુલશન પરવીન. આ બહેનો ઉપરાંત અનિવાર્યપણે સલામ કરવી પડે તે ઝકિયા સોમણ અને તેમની સાથીઓનાં સંગઠન ભારતીય મુસ્લિમ મહિલા આંદોલનને.
++++++
31 ઑગસ્ટ 2017
સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 01 સપ્ટેમ્બર 2017
![]()


ભાદરવાના આરંભે અધઝાઝેરા ચોમાસે બધે લીલોત્રી હોય ત્યારે પધારતાં ગણેશ એ આપણા સહુથી ઇકો ફ્રેન્ડલી દેવ છે. આમ તો આપણા બધાં દેવો વનસ્પતિને ચાહે જ છે. જેમ કે, કૃષ્ણ વડ અને તુલસીને, મહાદેવની બિલીને, હનુમાનજી આકડાને, લક્ષ્મીજી કમળને. પણ ગજાનનને તો એક નહીં એકવીસ વનસ્પતિ ગમે છે. તે ગણેશના પૂજાપામાં પણ છે. મરાઠીમાં તેને ‘પત્રી’ કહે છે. ગણેશોત્સવની કૌટુંબિક અને જાહેર પરંપરા ભારતમાં જ્યાં સહુથી મોટી છે તે મહારાષ્ટ્રમાં પૂજાસામગ્રીમાં ‘પત્રી’નો અચૂક ઉલ્લેખ આવે છે. ‘પત્રી’માં આ મુજબની વનસ્પતિઓનાં પાન કે ફૂલનો સમાવેશ કરવામાં આવ્યો છે: અગસ્તી (અગથિયો), અર્જુન (સાદડો), અઘેડો, આકડો, કરેણ, કેવડો, જાતિપત્ર (જુઈ કે જાસૂદ), બૃહતિપત્ર (ઊભી ભોંયરિંગણી), તુલસી, દુર્વાંકુર (ધરો), દેવદાર, દાડમ, ધતુરો, પીપળો, બિલી, બોર, મરવો અથવા ડમરો, ભૃંગરાજ, મધુમાલતી, વિષ્ણુકાન્તા અથવા શંખપુષ્પી, શમી (ખીજડો). આ વૈવિધ્યપૂર્ણ યાદી ઔષધશાસ્ત્ર અને વનસ્પતિશાસ્ત્ર બંનેની રીતે રસપ્રદ છે.
અમદાવાદ મ્યુિનસિપલ કૉર્પોરેશનના બગીચા વિભાગના નિયામક જિજ્ઞેશ પટેલની વૃક્ષો માટેની નિસબતનો એક દાખલો નોંધપાત્ર છે. એક અખબારની નાગરિક-સહાય પ્રકારની કૉલમમાં એક મહિલા વાચકે સવાલ પૂછ્યો હતો : ‘મારા વિસ્તારમાં ઝાડ કાપવામાં આવી રહ્યું હોય તો તે અટકાવવા મારે શું કરવું ?’ સંવેદનશીલ જિજ્ઞેશભાઈએ પોતાના નામ સાથે અખબારમાં આપેલો જવાબ આ મુજબ હતો : ‘ તમારી આસપાસ, કે પછી ગમે તે જગ્યાએ, તમે ઝાડને ગેરકાયદેસર રીતે કપાતું જુઓ તો તમારે ૯૮૨૫૦૯૭૨૪૮ નંબર પર ફોન કરી દેવો. મારી ટુકડીને હું તત્કાળ એ જગ્યાએ મોકલીશ. અમારી ટુકડી શહેરનાં ઝાડ બચાવવા માટે હંમેશાં તૈયાર અને તત્પર હોય છે. શહેરમાં તમારા જેવા નાગરિકો છે એનો અમને આનંદ છે. ઝાડ બચાવો, કુદરત બચાવો.’ વૃક્ષ બચાવવાના બીજા એક મહત્ત્વનાં ઉપક્રમમાં પણ જિજ્ઞેશભાઈ અમદાવાદ મ્યુિનસિપલ કૉર્પોરેશન થકી જોડાયાં છે. મેટ્રો રેલવેના રસ્તે આવી રહેલાં ૬૫૦ વૃક્ષોને કાપી નાખવાને બદલે તેમને ફરીથી રોપવાનું અથવા ટ્રાન્સપ્લાન્ટ કરવાનું આયોજન થયું છે. તેમાં ગુજરાત યુનિવર્સિટી પણ જોડાઈ છે. વાઇસ-ચાન્સલર હિમાંશુ પંડ્યાએ જણાવ્યું છે કે વૃક્ષોને યુનિવર્સિટી મેદાનની અંદરની ધાર પર ઊગાડવામાં આવશે અને યુનિવર્સિટીનો વનસ્પતિશાસ્ત્ર વિભાગ વૃક્ષોનું ટ્રાન્સપ્લાન્ટેશન કરશે. ‘કયાં વૃક્ષો ટ્રાન્સપ્લાન્ટ કરવાના છે તે તેમના થડની જાડાઈ પરથી નક્કી કરવામાં આવ્યું છે. ટ્રાન્સપ્લન્ટેશન પછી ૬૫% ઝાડ જીવી જાય છે’, એમ જિજ્ઞેશભાઈ જણાવે છે. તેમના જેવા અધિકારીઓ છે ત્યાં સુધી શહેરના વૃક્ષપ્રેમીઓને આશા છે.
સરદાર સરોવરના વિસ્થપિતોનાં સંપૂર્ણ પુનર્વસનની માગણી સાથે મેધા પાટકર અને તેમનાં દસેક સાથીદારો સત્ત્યાવીસ જુલાઈથી મધ્ય પ્રદેશના ધાર જિલ્લાના ચિખલ્દા ગામમાં અચોક્કસ મુદતના ઉપવાસ પર હતાં. મેધાબહેનની તબિયત લથડતાં પોલીસે સાતમી ઑગસ્ટના સોમવારે તેમને બળપૂર્વક ઇન્દોરની હૉસ્પિટલમાં દાખલ કર્યાં હતાં. તેમની સાથે ઉપવાસમાં જેમની તબિયત લથડી તે સાથીદારો પણ હતાં. મેધાબહેનને હૉસ્પિટલમાં બળપૂર્વક લઈ જવાનાં પગલાનો વિરોધ કરનારા નર્મદા બચાઓ આંદોલનના કાર્યકર્તાઓ પર પોલીસે લાઠીમાર પણ કર્યો હતો, જેમાં કેટલાક કાર્યકર્તાઓને ઇજા પહોંચી હતી. હૉસ્પિટલમાં મેધાબહેનને સારવારને નામે નજરકેદમાં રાખીને સંપર્કોથી દૂર રાખવામાં આવ્યા હતાં. નવમી ઑગસ્ટે મોડી બપોરે તેમને હૉસ્પિટલમાંથી છોડ્યાં બાદ તેઓ બડવાની તરફ જઈ રહ્યાં હતાં ત્યારે રસ્તામાં તેમની પોલીસે ધરપકડ કરી હતી અને તમને ધાર લઈ ગયાં હતાં. તેમનાં ઉપવાસી સાથીદારો અને ઘાયલ સમર્થકોમાંથી કેટલાંક હૉસ્પિટલમાં છે. મેધાબહેનની ધરપકડનો દેશ અને દુનિયાના કર્મશીલોએ વિરોધ કર્યો હતો. વિશ્વવિખ્યાત બળવાખોર અમેરિકન બૌદ્ધિક નોમ ચોમસ્કીએ પણ પહેલી ઑગસ્ટ નર્મદા બચાઓ આંદોલનને ટેકો જાહેર કર્યો છે. એ પણ નોંધવું જરૂરી છે કે મેધાબહેનની સાથે સેંકડો લોકો વિરોધ કરી રહ્યા છે, ઉપવાસ પર બેઠાં છે અને પોલીસનો જુલમ-જાપ્તો સહન કરી રહ્યા છે. આ લખાય છે ત્યારે મેધાબહેન ધારની જેલમાં છે, સરકાર તેમની પર વધુ મુશ્કેલ કલમો લગાવવાની ફિરાકમાં છે અને આંદોલનના ટેકેદારો મોટી સંખ્યામાં ગિરફતારીનો વિરોધ કરી રહ્યા છે.