ઘણા સમય પછી ‘નિરીક્ષક’ (૧૬/૬) ફરી હાથમાં પકડવા મળ્યું તેનો આનંદ … શિરીષ પંચાલ, રમણ સોની, હિમાંશી શેલત અને જયદેવ શુક્લ દ્વારા થયેલી ઉચ્ચશિક્ષણ સંસ્થાઓમાં બદલાતા અભ્યાસક્રમો બાબતની સમયસરની ચિંતાનો પણ આનંદ.
મારો પ્રશ્ન માત્ર એટલો જ છે કે આ ચારેય ગુરુ / મિત્રોએ અભ્યાસક્રમ સમિતિની સભામાં શું થયું હતું એ જાણવાની કોશિશ કર્યા વગર ‘યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષને આ બાબતે કશું કહેવાનું છે ખરું?’ એવું લખી કાઢ્યું છે. હું અધ્યક્ષ છું એ ગૌણ બાબત છે પણ એક શિક્ષક તરીકે, મૂલ્યનિષ્ઠ વ્યક્તિ તરીકે હું મારી નોકરીને જોખમમાં મૂકીને છેલ્લી ક્ષણ સુધી લડી હતી. આ સભાએ માત્ર બે જ ચોપડી નથી બદલી એમાં તો પાંચેક પુસ્તકોનો ભોગ લેવાયો છે.
પણ આવી ચિંતા સેવનારાઓએ ખરી માહિતી માટે સભામાં હાજર વ્યક્તિને પૂછીને પછી લખવું જોઈએ. દુ:ખ એ વાતનું છે કે મને વર્ષોથી ઓળખનારાઓને પણ ભરોસો ન રહ્યો કે અન્યાય થયો હોય, ખોટું થતું હોય ત્યાં હું વિરોધ કરું જ. કમસેકમ મને એક ફોન કર્યો હોત આવો આક્ષેપ કરતા પહેલાં તો …
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2020; પૃ. 07
![]()


અમારું નાનપણ ભીંત્યું હાર્યે માથાં ફોડવાની રમત્યમાં જ વીતેલું. બાપુ મોસમે–મોસમે ધંધા બદલતા. બરફથી લઈને બોર સુધીના ધંધા પાછળ જાત નીચોવતા બાપુ, છેક 1960માં છાપાંની એજન્સી મળી ત્યારે જરાક ઠરીઠામ થયા. પણ ખાનારાં મોઢાં ઝાઝાં હતાં ને કમાનાર એક જ. મારી મા ઘરનું ગાડું રાગે ચડાવવા લાખ હડિયું કાઢે; તો ય ઘરમાં હાંડલાં કૂસ્તી કરતાં બંધ નો’તાં થાતાં. ગમે તેટલા ટૂંટિયા વાળીએ તોયે ચાદર ટૂંકી જ પડતી’તી. જ્યાં રોજ સાંજ પડ્યે ‘ખાશું શું?’નો પ્રશ્ન ડાચાં ફાડતો ઊભો હોય ત્યાં કારકિર્દી જેવો ભારેખમ શબ્દ તો શેં પ્રવેશે? અમારે માટે કોઈ બાપીકો ધંધો વાટ નો’તો જોતો. હા, મા–બાપુ જ્યારે પણ એમની હડિયાપાટીમાંથી જરાક નવરાં પડતાં ત્યારે અમને એક વાતની ગાંઠ બંધાવતાં. ‘ભણો. ભણશો તો નસીબ આડેથી પાંદડું ખસશે, બાકી તો અમારી જેમ દી’ આખો ટાંટિયા તોડીને અધમૂઆ થઈ જાશો; તો ય કોઈ દી’ બે પાંદડે નંઈ થાવ.’