પ્રજ્ઞાબહેન – જયેશભાઈ, હંસાબહેન – દીપકભાઈ, હેમાબહેન – હસમુખભાઈ તેમ જ સમગ્ર માણેક પરિવારમાં દરેક નસીબદાર છે, તેમને આદરણીય બાભાઈ સરીખા વડીલ મળ્યા. મારે તો ફક્ત 45 સાલનો જ ભર્યો ભર્યો સંપર્ક. પણ કેવો સંતર્પક.
હવે તો તે વાતને ય વરસો શું, દાયકાઓ થયા. 1976ના અરસે દાદા આદરણીય રૂગનાથભાઈ જેરાજ માણેકને ડાહ્યાભાઈ પટેલ – રતિલાલ જોબનપુત્રાની 44 ઇલિંગ રોડ પરે, પહેલે માળે આવી ઓફિસે મળવાનું થતું. અમે હોંશે વાતો કરતા; અને એમણે તો વળતા ભારે સ્નેહ વહેતો રાખ્યો હતો. જયન્તભાઈ મ. પંડ્યાએ નોંધ્યું છે તેમ, ‘કોઠાસૂઝવાળા માણસ, વાંચન બહોળું અને જીવ સાહિત્યપ્રેમી’. મારી ભાળ-સંભાળ રાખવાનું ય પરિવારને કહીને ગયા હતા; ખરું ને ? બાભાઈ એમનું ઘરનું હૂલામણું નામ. ખરું નામ તો પ્રભુદાસભાઈ માણેક. એમણે અને વારસાદારોએ કુન્તલને, કુંજને તથા મને અદકાં જાણી ભારે સાંચવી જાણ્યાં છે.
દાદાજીને મળાયું તે પછીનો પરિચય તે હસમુખભાઈ જોડેનો અને પછી બાભાઈ સંગાથે. છાપામાં હતો ત્યારે હસમુખભાઈને મળવાનું થતું. છાપું છૂટ્યું; પૉસ્ટ ઑફિસમાં કામે  વળગ્યો. એ દિવસોમાં ક્રિકલવૂડ પૉસ્ટ ઑફિસમાં હતો. હર સાંજ વેળા બાભાઈ આવતા. એમની રોજગારી અંગેનું કામ આટોપતા અને અમે આમતેમ ખબરઅંતર પૂછી લેતા. એ સિલસિલો બારેક મહિના ચાલ્યો હોવો જોઈએ.
વળગ્યો. એ દિવસોમાં ક્રિકલવૂડ પૉસ્ટ ઑફિસમાં હતો. હર સાંજ વેળા બાભાઈ આવતા. એમની રોજગારી અંગેનું કામ આટોપતા અને અમે આમતેમ ખબરઅંતર પૂછી લેતા. એ સિલસિલો બારેક મહિના ચાલ્યો હોવો જોઈએ.
ત્યારે એમનું નિવાસસ્થાન સડબરી હિલ વિસ્તારમાં હતું. એકાદબેવાર આવી ગયો હોઈશ. અને પછી બાભાઈની દૂરંદેશીએ ત્રણે ય સંતાનો ભણ્યા, આગળ વધ્યા અને સારી પેઠે ઠરીઠામ પણ થયા.
જાણકારોને સાંભરતું હશે, રૂગનાથભાઈ તો યુગાન્ડામાં લોહાણા સમાજમાં આગેવાની રાખીને ખૂંપી ગયા હતા. આ જેટલું આવકાર્ય હતું, એટલું પરિવારને સંસાર ચલાવવા અઘરું બનતું. તેમ છતાં, મને કહેવા દો : દાદાજી જેવા દોલા ને દોહ્યલા આદમી સહેલાઈએ સાંપડવાના નથી !
પ્રભુદાસભાઈ માણેક, જયન્તભાઈએ લખ્યા મુજબ ‘સ્વસ્થ, સૌમ્ય અને પોતાની ગતિમિત પ્રમાણે જીવનપંથ કાપનારા.’ હોઈ શકે, બાભાઈએ આમાંથી પદાર્થપાઠ લીધો હોય તેમ સમજું છું. શાળા-કૉલેજના દિવસો વેળા કે પછી, હસમુખભાઈએ જાહેર જીવનનો કેડો લેવાનો રાખેલો અને ‘યુવક સંઘ’ની અહીં રચના કરીને ગુજરાતી ભાષાશિક્ષણની પ્રવૃત્તિઓ, નાટક, ગીતોના વિધવિધ કાર્યક્રમો વગેરેમાં ઓતપ્રોત થવાનું જોયું. સમજું છું, બાભાઈએ પરિસ્થિતિ હાથ લીધી − અને પછીનો ઇતિહાસ નોખો છે. ક્યાં સડબરી હિલનું જીવન અને ક્યાં હેરોડિન રોડ કે પછી સાઉથ હિલ એવન્યુનું જીવન.
પ્રભુદાસભાઈએ દેકારા વિના જીવનનાં વહેણને સુપેરે વહેવાં દીધાં. સલામ, પ્રભુદાસભાઈને. … આપણા આ બાભાઈ નિર્લેપી સજ્જન. બહુ જ ઓછું બોલે, ખપ પૂરતું જ. આ માણસને માણસમાં ભારે ઊંડી શ્રદ્ધા, પણ કાચુંપોચું એમને સતત કઠે. જ્યારે જ્યારે મળવાનું થયું છે ત્યારે ત્યારે બાભાઈના મોં પરે ‘સાત્ત્વિક પરિતોષની લાગણી’ ઝળાંહળાં થતી જોઈ છે.
એમને ચિત્રકળા અને સાહિત્યમાં રસ પડે. યુગાન્ડાના દિવસોમાં એ પણ એક અચ્છા ચિત્રકાર હતા. પોપટલાલભાઈ ગજજ્રર, અરવિંદભાઈ ઓઝા અને પ્રભુદાસભાઈ માણેકની ચિત્રકાર – ત્રિપુટી. પોપટલાલભાઈએ તેમ જ અરવિંદભાઈએ અહીં સ્થળાંતર થયા બાદ પણ તે પ્રવૃત્તિને વિસ્તારી હતી. પ્રભુદાસભાઈએ એ લલિતકળાને અહીં આવતાં પહેલાં જ સંકોરી લીધેલી અને એનાથી પર થઈ ગયા હતા. આવું કેમ, ભલા, કર્યું હશે ? પૂછતાછ કર્યા કેડે ય મને સાચુકલો ઉત્તર જ્ડયો નથી !
પરંતુ, પ્રભુદાસભાઈની કમાલનો પરચો “ઓપિનિયન”કારને સતત થયા કરેલો. એમણે કેટકેટલાંને વાંચતા કર્યાં. પોતાને અનુકૂળ હતું તે લેખનકાર્ય પણ કર્યું અને યુગાન્ડા માંહેની આપણી વસાહત વિશેની કેટકેટલી નરવી વિગતો એમણે શબ્દોમાં કંડારી, સાંચવી લીધી. આપણી વસાહતના ઇતિહાસ માટેના અને કામના એ ઓજારો સાબિત થાય તેમ છે. મોટાભાઈ તુલસીદાસ અંગેનો લેખ મારે મન એક સોજ્જું ચરિત્ર બન્યો છે.
આમ લાંબે પટે વિચારું છું ત્યારે એક વાત સ્પષ્ટ વર્તાય છે. એમણે સંતાનોમાં જે દીધું છે તે ગૌરવ અપાવે તેવો વારસો છે. ધન અગત્યનું છે. ઘર સંસાર ચલાવવા તેનું સ્થાન છે જ છે. પણ સંસ્કાર, વિનય, વિવેક, સાહિત્ય, કલા પ્રત્યેની અભરુચિનું સિંચન કરીને સંતાનોનો ઉછેર કરવામાં બાભાઈએ અને ભાભીએ લગીર મણાં નથી રાખી. પરિવારના કોઈ પણ સ્તરના સભ્યને મળતાં હળતાં આ સ્પષ્ટપણે જોવા સાંપડે જ સાંપડે.
આવો એક દોલો માણસ, નેવું નેવું દાયકાઓને પાર આયખું ભોગવીને જાય ત્યારે ભારે દુ:ખ પહોંચે, વેદના થાય, ચિત્કારી જવાય; પરંતુ બીજી પા, તેનો ઉત્સવ પણ હોય. છેવટે તો મરણની પેલે પાર હવે સ્મરણ જ કેડો બને છે. અને તેથીસ્તો કવિમિત્ર હરીન્દ્ર દવેની આ કવિતા સાદર કરું :
મૃત્યુ ન કહો
મ્હેકમાં મ્હેક  મળી  જાય  તો  મૃત્યુ ન કહો
તેજમાં તેજ   ભળી  જાય  તો  મૃત્યુ ન કહો
રાહ જુદો  જ  જો  ફંટાય  તો  મૃત્યુ ન કહો
શ્વાસની  લીલા  સમેટાય   તો  મૃત્યુ ન કહો
દીર્ઘ યાત્રાની  જરૂરતથી  સજ્જ   થઈ  જઈને
એક  મંઝિલની લગન  આંખે  ઊતરવા દઈને
ભાનની   ક્ષણને   કાળજીથી   સમેટી  લઈને
‘આવજો’ કહીને  કોઈ જાય  તો મૃત્યુ ન કહો
જે  નરી  આંખે  જણાયાં ન  એ તત્ત્વો કળવા
જે અગોચર છે એ અસ્તિત્વને હરદમ મળવા
દૂર   દુનિયાનાં  રહસ્યોનો   તાગ   મેળવવા
દૃષ્ટિ જો  આંખથી છલકાય તો  મૃત્યુ ન કહો
શબ્દ ક્યાં પહોંચે છે  તે  જાતે નીરખવા માટે
ભાનની   સૃષ્ટિની   સીમાને   પરખવા  માટે
દિલના  વિસ્તારની  દુનિયાઓમાં વસવા માટે
કોઈ મહેફિલથી  ઊઠી જાય તો  મૃત્યુ ન કહો
– હરીન્દ્ર દવે
હૅરો, 27 જાન્યુઆરી 2021
e.mail : vipoolkalyani.opinion@btinternet.com
 


 મહાત્મા ગાંધીના બીજા પુત્ર મણિલાલ ગાંધી ને સુશીલાબહેન ગાંધીનું સૌથી મોટું સંતાન એટલે સીતા ધૂપેલિયા. સીતાબહેનની દીકરી ઉમા ધૂપેલિયા મિસ્ત્રી એક પંકાયેલાં અધ્યાપક છે. કેપ ટાઉનની વેસ્ટર્ન કેપ યુનિવર્સિટીમાં હાલ ઇતિહાસ વિભાગમાં સહાયક પ્રાધ્યાપકનો હોદ્દો સંભાળે છે. એમણે ઊંડું સંશોધન કરીને આપણને એક પુસ્તક આપ્યું છે : Gandhi’s Prisoner ? The Life of Gandhi’s Son Manilal. [ગાંધીના બંદીવાન ? ગાંધીપુ્ત્ર મણિલાલની જીવનકથા] સન 2004માં પ્રસિદ્ધ થયો આ ગ્રંથ અભ્યાસુ માટે બૃહદ્દ ગુજરાતી સમાજને સમજવા, પામવા સારુ એક અગત્યનું સાધન છે.
મહાત્મા ગાંધીના બીજા પુત્ર મણિલાલ ગાંધી ને સુશીલાબહેન ગાંધીનું સૌથી મોટું સંતાન એટલે સીતા ધૂપેલિયા. સીતાબહેનની દીકરી ઉમા ધૂપેલિયા મિસ્ત્રી એક પંકાયેલાં અધ્યાપક છે. કેપ ટાઉનની વેસ્ટર્ન કેપ યુનિવર્સિટીમાં હાલ ઇતિહાસ વિભાગમાં સહાયક પ્રાધ્યાપકનો હોદ્દો સંભાળે છે. એમણે ઊંડું સંશોધન કરીને આપણને એક પુસ્તક આપ્યું છે : Gandhi’s Prisoner ? The Life of Gandhi’s Son Manilal. [ગાંધીના બંદીવાન ? ગાંધીપુ્ત્ર મણિલાલની જીવનકથા] સન 2004માં પ્રસિદ્ધ થયો આ ગ્રંથ અભ્યાસુ માટે બૃહદ્દ ગુજરાતી સમાજને સમજવા, પામવા સારુ એક અગત્યનું સાધન છે. એકસો પંદરની આવરદાએ પહોંચેલી ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’નું આ પચાસમું અધિવેશન છે, પરંતુ પહેલવહેલું ‘વર્ચ્યુઅલ’ – ઑનલાઈન અધિવેશન. અને રા.વિ. પાઠક સભાગૃહમાં મળતાં આ અધિવેશન સારુ અતિથિ વિશેષ તરીકે મને નોતર્યો છે, તે ફક્ત મારું જ નહીં, બલકે આશરે અડધી સદીથી કાર્યરત વિલાયત માંહેની અમારી ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’નું તેમ જ ગુજરાતી ડાયસ્પોરે થતાં અનેકવિધ કામોનું ય બહુમાન હોવાનું સમજું છું. પરિસ્થિતિ તો જુઓ, સાહિત્યકારના દાયરામાં હું આવતો નથી, પત્રકારને નાતે લેખક હોઈશ તો હોઈશ; પણ અહીંની અકાદમીનો કાર્યભાર સંભાળતા સંભાળતા મને ય ભાષા-સાહિત્ય-સંસ્કૃતિનો જબ્બર નેણો લાગ્યો છે, તે કબૂલ.
એકસો પંદરની આવરદાએ પહોંચેલી ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’નું આ પચાસમું અધિવેશન છે, પરંતુ પહેલવહેલું ‘વર્ચ્યુઅલ’ – ઑનલાઈન અધિવેશન. અને રા.વિ. પાઠક સભાગૃહમાં મળતાં આ અધિવેશન સારુ અતિથિ વિશેષ તરીકે મને નોતર્યો છે, તે ફક્ત મારું જ નહીં, બલકે આશરે અડધી સદીથી કાર્યરત વિલાયત માંહેની અમારી ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’નું તેમ જ ગુજરાતી ડાયસ્પોરે થતાં અનેકવિધ કામોનું ય બહુમાન હોવાનું સમજું છું. પરિસ્થિતિ તો જુઓ, સાહિત્યકારના દાયરામાં હું આવતો નથી, પત્રકારને નાતે લેખક હોઈશ તો હોઈશ; પણ અહીંની અકાદમીનો કાર્યભાર સંભાળતા સંભાળતા મને ય ભાષા-સાહિત્ય-સંસ્કૃતિનો જબ્બર નેણો લાગ્યો છે, તે કબૂલ.