અંગ્રેજી વિષે વાત કરતાં પહેલાં, ચાલો, પ્રથમ, આપણે ઇન્ડો-યુરોપિયન ભાષાઓનો થોડો ઇતિહાસ સમજીએ.
ઇન્ડો-યુરોપિયન ભાષાઓનો ઉદય ક્યાંથી થયો એ વિષે વિશ્વમાં એકમત નથી અને દુનિયાના ભાષાશાસ્ત્રીઓ વચ્ચે ઘણો વિવાદ છે. મધ્ય એશિયામાં, દક્ષિણ ટર્કીમાં અથવા કાળા સમુદ્ર પાસેના પ્રદેશમાં રહેતા લોકોની આ માતૃભાષા હતી એવા વિવિધ મતો છે. આ મતભેદો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે આ લેખમાં અંગ્રેજી ભાષા વિષે બહોળી રૂપરેખા વર્ણવેલી છે.
ઇન્ડો-યુરોપિયન ભાષાઓના આ બે મુખ્ય વિભાગો છે ઃ કેંટમ (પશ્ચિમના દેશો) અને સેટમ (પૂર્વના દેશો) કેંટમ વિભાગમાં ઈટાલિક (લૅટિન, ફ્રેંચ, સ્પૅનિશ, ઈટાલિયન વગેરે), હેલનિક (ગ્રીક) અને જર્મૅનિક (જર્મન, અંગ્રેજી, ડચ, યીડિશ વગેરે), કેલ્ટિક (આઇરિશ, સ્કૉટિશ વગેરે). સેટમ વિભાગમાં સ્લાવિક (સર્બિયન, બુલ્ગેરિયન, રશિયન,પોલિશ વગેરે), બાલ્ટિક (લિથવેનિયન, લાત્વિયન વગેરે), આલ્બેનિયન, આર્મેનિયન, અને ઇન્ડો-ઈરાનિયન (સંસ્કૃત, હિન્દી, પર્શિયન, અવેસ્તન વગેરે)

આ બધી ભાષાઓમાં અંગ્રેજી એક એવી ભાષા છે કે જે મુખ્યત્વે વિવિધ ભાષાઓના સંગમથી બનેલી અને અતિ સહજતાથી અન્ય ભાષાઓના શબ્દો સ્વીકારનારી ભાષા છે. અંગ્રેજીની જીવનયાત્રા ઈંગ્લેંડ દેશના ઇતિહાસની પણ જીવનયાત્રા છે. તો ચાલો, ભૂતકાળના પ્રવાસે અને ઇ.સ. પૂર્વે ૪૦૦ના બ્રિટાનિયમ ટાપુની મુલાકાતે.
ઇ.સ. ૪૦૦ સુધી આશરે ૩૫૦ વર્ષ, આ ટાપુનો મોટો ભાગ રોમન સામ્રાજ્ય હેઠળ હતો. અંગ્રેજી ભાષાની યાત્રાનો આરંભ રોમન સામ્રાજ્યના અંતથી થાય છે. આ કાળમાં રોમન લોકો જેને બ્રિટાનિયમ ટાપુ તરીકે ઓળખતા (જ્યાં કેલ્ટિક અને વેલ્શ લોકો રહેતા હતા) એ પ્રદેશ રોમન સામ્રાજ્યનો ભાગ હતો. ઇ.સ. ૪૦૦ પછી રોમન સામ્રાજ્યની રાજધાની રોમ ઉપર શત્રુઓનાં આક્રમણો વધવા માંડ્યાં હતાં એટલે રોમન રાજ્યકર્તાઓ અને સૈનિકો રોમનું રક્ષણ કરવા સામ્રાજ્યના દૂરના પ્રદેશો છોડી રોમ પાછા ફરી રહ્યા હતા. રોમની નબળાઈનો ફાયદો લઈને બ્રિટન ઉપર ઉત્તર જર્મનીની આદિ લોકજાતિનાં વિવિધ ટોળાંઓનાં આક્રમણોની શરૂઆત થઈ હતી. આ લોકજાતિઓમાં ઍંગલ્સ, સૅક્સન, જુટ, ફ્રીઝિયન વગરે જર્મન આદિજાતિઓએ બ્રિટનના વિભિન્ન પ્રદેશોમાં રહેનારા કેલ્ટિક લોકો, જે સુસંસ્કૃત, શાંતિપ્રિય, ન્યાય અને કાયદાને માનનારા સદાચારી લોકો હતા, એમનો સહજતાથી અને ક્રૂરતાપૂર્વક પરાજય કરી પોતાનાં રાજ્યો સ્થાપવાનું ચાલુ કર્યું. ગૉલ(આજનું ફ્રાંસ)ના લોકો ફ્રેંચ ભાષામાં આ પ્રદેશને ઍંગલ્સનો પ્રદેશ અથવા ઍંગલ્સનો લૅન્ડ કહેતા જેના ઉપરથી આ પ્રદેશનું નામ ઈંગ્લૅન્ડ (land of Angles) થયું. આ ટાપુ ઉપર સૅક્સન લોકોનું પ્રભુત્વ રહ્યું. જુટ અને ઍંગલ્સ લોકોનું નામનિશાન રહ્યું નહિ તો પણ આ ટાપુને ઍંગલ્સ લોકોનું નામ કેમ અપાયું એ એક રહસ્ય છે અને ભાષા ઉપર ઍંગલ્સ ભાષાની મોટી અસર ન હોવા છતાં ભાષાનું નામ અંગ્રેજી કેમ પડ્યું તે પણ એક રહસ્ય છે.
ઉત્તર જર્મનીના ખૂણે રહેતા લોકોની ભાષા આજે પણ પ્રાચીન અંગ્રેજી ભાષાની યાદ અપાવી જાય છે! ઇટલી, ફ્રાંસ અને સ્પેન, આ પ્રદેશો રોમન સામ્રાજ્યનો સુરક્ષિત ભાગ રહ્યા તેથી ઇટાલિયન, ફ્રેંચ અને સ્પૅનિશ ભાષાઓ ઉપર લૅટિન(રોમન સામ્રાજ્યની ભાષા)ની ભારે અસર રહેલી છે જ્યારે અંગ્રેજી ભાષા ઉપર રોમન અને લૅટિન ભાષાની ઓછી અસર રહેવાથી લૅટિનને બદલે જર્મૅનિક ભાષાઓની અસર છે.
આ બધી આક્રમક ટોળીઓ દેવપૂજા, મૂર્તિપૂજા અથવા વ્યક્તિપૂજાને બદલે બહુદેવવાદી નિસર્ગપૂજક (પૅગન) હતી જેની અસર આજે પણ દિવસોને આપેલાં અંગ્રેજી નામોમાં દેખાય છે . . Monday ઍંગ્લો-સૅક્સન monandaeg(મોનૅનદાએગ)માંથી બન્યો છે, એનો અર્થ છે, “Moon’s day (ચન્દ્રનો દિવસ). Tuesday (Tyr’s day) અઠવાડિયાનો ત્રીજો દિવસ છે, એનું નામ સ્કૅન્ડીનેવિયાના યુદ્ધના દેવ ‘ટિયુ’(Tiu) અથવા ‘ટિર’ (Tyr) પરથી રાખવામાં આવ્યું છે. ઑડિન(Odin)ના પુત્ર વોડેન (Woden)નું નામ Wednesday (Woden’s day)માં મળે છે. અઠવાડિયાનો આ ચોથો દિવસ સ્કૅન્ડીનેવિયાના આ મુખ્ય દેવતાને સમર્પિત છે. Thursday (Thor’s day) નામ સ્કૅન્ડીનેવિયાની પુરાણ કથાઓના ઝંઝાવાતના દેવતા ‘થોર’ પરથી રાખવામાં આવ્યું છે. Friday (Frigg’s day) ઑડિન દેવતાની પત્ની ફ્રિગ (Frigg) અથવા (અંગ્રેજીકરણ પછી) Frigga સાથે સંકળાયેલું છે. ફ્રિગ ટિર અને થોરની સાવકી માતા છે અને ઑડિન સાથે સિંહાસન પર બેસવાનો અધિકાર એકલી એને જ છે. Saturday નામ ઓલ્ડ ઈંગ્લિશના Sætern(es)dæg નામ પરથી આવ્યું છે, જે લેટિન Saturni dies‘ (day of Saturn)નો અનુવાદ છે જે રોમના પ્રાચીન કૃષિ દેવતાનું એ નામ હતું. Sunday ઓલ્ડ ઈંગ્લિશના sunnandæg (sunne એટલે કે sun + dæg એટલે કે day)નું નવું રૂપ છે. આ નામ મૂળ ‘હાઇ જર્મન’ નામ sunnūntagમાંથી ઊતરી આવ્યું છે.
રોમન સામ્રાજ્યના પતન પછી ધીમે ધીમે અંગ્રેજી ભાષાની પ્રગતિ શરૂ થઈ. એટલામાં ૭મી સદીમાં ડેન્માર્કની આજુબાજુના પ્રદેશોમાંથી નવી ટોળીઓનાં આક્રમણો શરૂ થયાં અને આ નવા લોકોની અસરથી અંગ્રેજી ભાષામાં નવા શબ્દો ઉમેરાતા ગયા. ઇ.સ. ૮૫૦માં વાઈકિંગ જહાજોમાં આવેલા ડૅનિશ લોકોનાં નવાં આક્રમણો શરૂ થયાં અને આ લડાઈના અંતે કરારનામાની શરતો પ્રમાણે દક્ષિણમાં બ્રિટન અને ઉત્તર ભાગમાં ડૅનિશ રાજ્ય સ્થાપિત કરવામાં આવ્યું. આજે પણ બ્રિટનમાં આ બંને ભાગોમાં અંગ્રેજી ઉચ્ચારોમાં આ ફેર જણાય છે. અંગ્રેજી ભાષામાં ડૅનિશ ભાષામાંથી અનેક નવા શબ્દો ઉમેરાયા.
ત્યાર બાદ ૨૦૦ વર્ષની શાંતિ પછી ઇ.સ. ૧૦૬૬માં નોર્મન લોકોએ આક્રમણ કર્યું અને બ્રિટન ઉપર રાજ્ય કર્યું. નોર્મન લોકોના બ્રિટન ઉપરના આ આક્રમણ પહેલાં નોર્મન લોકો આશરે ૨૦૦ વર્ષ ઉત્તર ફ્રાન્સમાં વસેલા હતા અને પોતાની ભાષા છોડીને ફ્રેંચભાષી થઈ ગયેલા હતા. એમણે અંગ્રેજી ભાષામાં લગભગ ૧૦,૦૦૦ નવા ફ્રેંચ શબ્દો ઉમેર્યા. રાજ્યકર્તાઓ અને ન્યાયાલયો ફ્રેંચ ભાષામાં વ્યવહાર કરતાં એટલે અંગ્રેજી ભાષામાં આજે પણ ન્યાયતંત્રને લગતા શબ્દો ફ્રેંચ ભાષામાંથી આવેલા ફ્રેંચ શબ્દો છે.
૩૦૦ વર્ષ અંગ્રેજી ભાષા બ્રિટનની ઊતરતા દરજ્જાની ભાષા બની રહી. છતાં પણ અન્ય ભાષાઓને આવકારવાની પ્રણાલિકા અને આવડતને લીધે અંગ્રેજી ભાષાનો નાશ થયો નહિ અને અંગ્રેજીનું મૂળ જર્મન સ્વરૂપ ટકી રહ્યું. પણ એટલું બધું વૈવિધ્ય આવ્યું કે ૧૪મી સદીમાં બ્રિટનમાં અંગ્રેજી ભાષાના ઉચ્ચારોના વૈવિધ્યને લીધે જુદા જુદા પ્રાંતના લોકો એકબીજાને સમજી શકતા નહિ. ચૉસર, શેક્સપીઅર, મિલ્ટન વગેરે સાહિત્યકારોને લીધે (ઇ.સ. ૧૬૦૦) અંગ્રેજી ભાષામાં ઘણા સુધારા થયા. તેમ છતાં, ઇ.સ. ૧૮૦૦ના વિક્ટોરિયન બ્રિટનમાં શ્રીમંત વર્ગમાં બાળકોને શાળાઓમાં લૅટિન, ફ્રેંચ, ગ્રીક ભાષાઓ શીખવવામાં આવતી. શેક્સપીઅર અને મિલ્ટન વગેરેનું સાહિત્ય ઊતરતા દરજ્જાનું ગણાતું. (આ જ સમય દરમ્યાન બ્રિટિશ શાસન હેઠળ ભારતમાં બ્રિટનમાં આદરણીય ન ગણાતી, એવી નીચા દરજ્જાની અંગ્રેજી ભાષાનું શિક્ષણ અપાતું. એનું કારણ, શું ભારતીય લોકોને બ્રિટિશ આધિપત્ય હેઠળ નીચા દરજ્જાનું સ્થાન હતું એ કદાચ હોઈ શકે?) પ્રિન્ટિંગ અને શબ્દકોશ (Oxford English Dictionary) આવ્યા પછી લંડન શહેરની (ઑક્સફર્ડ ઉચ્ચારોવાળી) ભાષાને ધીમે ધીમે આદર્શ અંગ્રેજી ભાષા માનવામાં આવી.
લેટિન એક મૃતભાષા જેવી છે અને ફ્રેંચ અને ગ્રીક ભાષાઓ ફક્ત ફ્રાંસ અને ગ્રીસમાં બોલાય છે, જયારે આજે દુનિયાના આશરે ૧.૮ અબજ લોકો અંગ્રેજી બોલે છે અથવા સમજી શકે છે અને વ્યાપારી જગતની, કંપ્યુટરવિશ્વની એ વિશ્વભાષા બનેલી છે. અંગ્રેજી ભાષાની તાકાત અન્ય ભાષાઓને ખુશીથી સ્વીકારી પોતાની અંદર સમાવી લેવાની આવડતમાં છે. (સંસ્કૃત, અરેબિક, ઉર્દૂ, ફારસી, ટર્કિશ વગેરે શબ્દો ગુજરાતી ભાષાનો ભાગ સહજતાથી બનેલા જ છે જેના લીધે ગુજરાતી ભાષા વધારે સમૃદ્ધ ભાષા બનેલી છે. બિરાદર શબ્દ પર્શિયન છે, શરમ શબ્દ પણ પર્શિયન છે, સલામ શબ્દ અરેબિક છે, આવા શબ્દો ગુજરાતી ભાષાએ સહજતાથી અપનાવ્યા છે).
જંગલી ટોળીઓની ભાષાઓમાંથી બનેલી આવી આ અંગ્રેજી ભાષા આજે વિશ્વભાષા બની છે એ પણ એક મોટું રહસ્ય જ ગણી શકાય.
૦-૦-૦
e.mail : aajiaba@yahoo.com
http://webgurjari.in/2013/11/29/
![]()


અક્ષરો એ ભાષાનાં વસ્ત્રો છે, આભૂષણો છે. ભાષાએ વસ્ત્રો પહેરવાનું ક્યારે શરૂ કર્યું, એની તપાસ કરીએ. ખાસ ધ્યાનમાં રાખવાની વાત એ છે કે આપણે અહીં મૂળાક્ષરો અને લિપિ વિષેના સંશોધનની ચર્ચા કરીએ છીએ. બોલીની ભાષા દરેક દેશમાં ઘણી પ્રાચીન છે. વેદ અને ઉપનિષદો તો હજારો વર્ષોથી બોલતા હતા, પણ એ લખવાની ક્રિયા ઘણી મોડી ચાલુ થઈ.