પંડિત નેહરુ આઝાદ ભારતને સાંપડેલા એક અણમોલ રત્ન સમાન હતા. ‘જગતના ઇતિહાસનું રેખાદર્શન’ તથા ‘ઇંદુ(પ્રિયદર્શિની)ને પત્રો’ આજે પણ એટલા જ તાજગીભર્યા અને સાંપ્રત જણાય છે. આઝાદીના સંગ્રામકાળ તથા તે પછીના આઝાદ ભારતના અરુણોદય વેળાએ આ અત્યંત કંગાળ અને અનેક રીતે પીડાતા દેશને પંડિત નેહરુની સેવાઓ અત્યંત શાતાપ્રદ રહી.
તેમણે ભાવિ ભારત વાસ્તે પણ ગહન વિચારો કર્યા હતા અને તેનો નિષ્ઠા અને ખંતથી અમલ કરાવ્યો હતો. ભારતના અર્થતંત્ર, રાજતંત્ર, વિદેશનીતિ, સમાજ વ્યવસ્થા વગેરે જેવાં અનેક ક્ષેત્રોમાં તેમણે નેત્રદીપક કામગીરી બજાવી હતી. આ સમગ્ર વ્યવહાર-વિચારમાં કેન્દ્રવર્તી ખ્યાલ ‘સાયન્ટિફિક ટેમ્પર’, વૈજ્ઞાનિક વલણનો હતો. જે દેશમાં વૈષ્ણવો ‘શિવ’ શબ્દ પણ ન બોલે, કપડાં ‘સીવવાં’ ન કહે પણ કપડાં બનાવ્યાં કહે – તે દેશમાં બિનસાંપ્રદાયિકતા અને તર્કવિચાર અતિ દોહ્યલા હોય છે. ભારતની આઝાદીની લગભગ સાથેસાથે મુક્ત થયેલા અન્ય આફ્રોએશિયન દેશોની સ્થિતિ જોવાથી પણ વૈજ્ઞાનિક વલણના મહત્ત્વનો અંદાજ આવી શકશે. પણ વૈજ્ઞાનિક દૃષ્ટિ, વલણ કે અભિગમનો ઘણો બધો ભાવ શિક્ષણ ઉપર છે. શિક્ષણ દ્વારા સમાજને સુધારતા રહેવાનું બને તેવી નીતિઓની જરૂર રહે જ. ભૂવા, બાધા-આખડી, માનતા, યાત્રાઓ, ‘સાધુ-સંતો’ની પધરામણીઓ વગેરેની પાછળ ધર્મભાવ રહેલો છે. પણ આ ધર્મભાવ અને તાર્કિકતા તથા વધુ વ્યાપક રીતે વિજ્ઞાન પરસ્તી વગર કોઈ પણ સમાજ આધુનિક બની શકતો નથી. ભારતે રોકેટ વિજ્ઞાનના ક્ષેત્રે તાજેતરમાં બે મુખ્ય સિદ્ધિઓ હાંસલ કરીઃ
(૧) માત્ર રૂ. ૪૫૦ કરોડના ખર્ચે મંગળયાન મોકલ્યું. વિશ્વભરના દેશોના આવા પ્રયાસોમાં આના કરતાં ઘણું વધારે ખર્ચ થાય છે. યાનની કામગીરી પૂર્ણપણે સફળ રહી.
(૨) દુનિયાના અનેક દેશો તથા સંસ્થાઓના કુલ ૧૪૦ ઉપગ્રહો એક સાથે જ અંતરિક્ષમાં ભારતે ચઢાવ્યા. આ ક્ષેત્રે પણ ભારતે જ્વલંત સિદ્ધિ હાંસલ કરી.
આ બન્ને નમૂનારૂપ કાર્યો વિજ્ઞાનના આધારે શક્ય બન્યા કે ધર્મના આધારે?
આ રોકેટો સફળતાપૂર્વક છોડવામાં કોઈ મંત્ર, તંત્ર, દોરા-ધાગા, યજ્ઞ, વ્રત કશાની પણ જરૂર ખરી? આમ છતાં આપણા સમાજના બહુ મોટા પ્રમાણમાં લોકો એમ જ કહેશે કે આ બધાને કારણે જ આમ બન્યું. ભારત પાકિસ્તાન સામે ક્રિકેટ રમે ત્યારે યજ્ઞો થતા દેખાય જ છે ને!
કેટલાકના મતે ધર્મભાવ અને વિજ્ઞાન વચ્ચે કોઈ સંઘર્ષ નથી પણ આવું સિદ્ધ કરવા વાસ્તે ધર્મે પોતાની સીમાઓની પુનઃ વ્યાખ્યાયિત કરવી પડે, વિજ્ઞાને નહીં. વિનોબા ભાવેની દૃષ્ટિમાં જે ધર્મભાવ હતો તે વિજ્ઞાનના વિચારો અને અભિગમને એક સાથે રાખવાનો પ્રયાસ હતો પરંતુ મુખ્ય ચિંતા દેશદુનિયામાં શિક્ષણ તથા આધુનિક શિક્ષણ પામેલા શિક્ષિતોમાં પરંપરા, રૂઢિ તથા અંધશ્રદ્ધાના મોટા પ્રમાણના કારણે છે. તાજેતરના કેટલાક બનાવો ચિંતા ઉપજાવે તેવા છે.
(૧) એક હૉસ્પિટલમાં શિશુ તથા માતૃમૃત્યુ દર ઊંચા રહેતા હતા. સંચાલકોએ હૉસ્પિટલમાં યજ્ઞ કરાવ્યો.
(૨) કોઈક રાજ્ય હવે શિક્ષણમાં જ્યોતિષવિદ્યાનો અભ્યાસ કરાવશે. ધારણા એવી છે કે દર્દીએ રોગના નિદાન વાસ્તે મોંઘાદાટ ટેસ્ટ કરાવવા નહીં પડે. પેલા ડિગ્રીધારી જ્યોતિષી માત્ર પાંચ જ રૂપિયામાં હાથની રેખાઓ જોઈને કે પછી કુંડલી જોઈને રોગનું નિદાન કરશે. આટલું જ શા માટે, જ્યોતિષી તો મરણના ઘડી-પળ પણ વાંચી શકે. આથી તે માત્ર દરદીના રોગનું નિદાન જ નહીં કરે; તેનો ઉકેલી જવાનો સમય આવી લાગ્યો હોય તો સારવાર પણ શા માટે કરવી, તેવું પણ પેલા પાંચ રૂપિયામાં જાણી શકાશે! હવે નીટની પરીક્ષા આપવી અને મેડિકલ કૉલેજોમાં લાંબા સમય સુધી ખર્ચાળ અભ્યાસ કરવાની જરૂર ખરી?
વિજ્ઞાનનો સાથ છોડી દેવાથી નીચે મુજબના વિધાનો કદાચ વધુ સ્વીકાર્ય બનશેઃ
(૧) તુવેરની દાળના ભાવ રૂ.૨૦૦ થાય તે માટે દેશના ગરીબોની કુંડળીમાં રહેલા કોઈક ગ્રહો જવાબદાર છે કે જેમણે તેમને મળનારા પ્રોટિન ઉપર અંકુશ મૂક્યો.
(૨) દેશની જીડીપી ૭.૫ ટકાને બદલે માત્ર ૬.૦ ટકાના દરે વધી કારણ કે ગ્રહ/રાશિની દશા, મહાદશા, અંતર્દશા જ એવા હતા. આ સ્થિતિમાંથી બહાર નીકળવા વાસ્તે અમુક અમુક ગ્રહોની શાંતિ કરાવવી જોઈએ. અમુક મંત્રોનો જાપ કે અમુક યજ્ઞો કરવાથી પણ જીડીપી વધી શકે! કદાચ આ જ્યોતિષીઓ પાસે ‘નોટબંધી’ માટે પણ કોઈક ખુલાસો હશે જ!
અલબત્ત, વ્યાપક સમાજમાં ‘દિલ કી તસલ્લી કે લિયે’ યાત્રા, મન્નત, ધાર્મિક કાર્યો વગેરે ચાલતા રહે તે એક બાબત છે પણ શિક્ષણમાં વિજ્ઞાનેતર અભ્યાસક્રમો દાખલ કરવા માટેનાં કારણો પણ શિક્ષણેતર હોવાનાં. દા.ત. આટ્ર્સની ડિગ્રી લઈને બેકાર ફરવું તેના કરતાં થોડુંક કર્મકાંડ કે જ્યોતિષ શીખી રાખ્યાં હોય તો બે પૈસા કમાઈ શકાય એવી દલીલ કરી શકાય. પણ તો સવાલ એ છે કે તેવા અભ્યાસક્રમોને શિક્ષણની મુખ્ય ધારાથી દૂર રાખી શકાય. આવાં ક્ષેત્રોમાં ઔપચારિક શિક્ષણ વ્યવસ્થાના સ્થાને અન્યથા પણ પ્રવર્તતી અનૌપચારિક પ્રથાઓનો ઉપયોગ થઈ જ શકે. પાઠશાળાઓ, ગુરુકુળો, મદ્રેસાઓ, મઠો વગેરેમાં આ શિક્ષણ કહો, સંસ્કાર કહો કે તાલીમ કહો ચાલતાં જ હોય છે.
બીજી તરફ, સમગ્ર દેશમાં પ્રાથમિકથી માંડીને ઉચ્ચ શિક્ષણ સુધીની અવદશા ખેદ ઉપજાવે તેવી છે. બાળકો નદીનાળા ઓળંગીને માંડ શાળાએ પહોંચે; ત્યાં ઘણી વાર શિક્ષક ગેરહાજર હોય, ક્યાંક એક જ શિક્ષક ચાર ધોરણોને એક સાથે ‘ભણાવે’; ક્યાંક વર્ગખંડો ન હોય, ક્યાંક શૌચાલયો પણ ન હોય, ગ્રંથાલય કે રમતનાં મેદાનો ન હોય અને હોય તો તેની સ્થિતિ પણ દયા ઉપજાવે તેવી હોય!
સરકારો પોતપોતાનાં ગુણગાન અને સત્તાપરસ્તીમાં મસ્ત હોય અને વાલીવિદ્યાર્થી ત્રસ્ત હોય તેવી સ્થિતિમાં કદાચ નછૂટકે પણ દિલ કી તસલ્લી કે લિયે …, બધું ઈશ્વર ઉપર છોડે જ છૂટકો!
ભારતમાં એક સમયે વિજ્ઞાન જે મહત્ત્વનું હતું તેમાં હવે ઓટ આવતી જણાય છે. ૨૦૧૫ના ‘હિંદુ’ના એક લેખમાં પુષ્પા ભાર્ગવ જણાવે છે કે વિજ્ઞાન વિરોધી પ્રવાહોની સામે તે કોર્ટે ચઢ્યા ત્યારે તેમની પિટિશનમાં સહી કરવા વિજ્ઞાનીઓ પણ આગળ આવ્યા ન હતા.
પૂરતી સમજ વગરના ધર્મ અને અંધશ્રદ્ધાના આધિપત્યને લીધે સમાજ આગળ વધવાની સંભાવનાઓ ગુમાવી રહ્યો છે. જો આવું વિજ્ઞાન વિરોધી અને જ્યોતિષી કે વાસ્તુ જેવા વિચારો કે જેને પ્રો. જયંત નારલીકર જેવા વિદ્વાન વિજ્ઞાની અવૈજ્ઞાનિક ગણાવે છે, તેનું આધિપત્ય વધતું ચાલે તો શું થઈ શકે તેની એક આત્યંતિક કલ્પના કરીએઃ
માનો કે ભારત-ચીન વચ્ચે યુદ્ધ છેડાય છે. આવા સંજોગોમાં જ્યોતિષીઓ નક્ષત્ર, ઘડી, પળ, ગણીને હુમલો કરવાની સલાહ આપશે? આવા યુદ્ધમાં ભાગ લેનાર સેનાનીઓની રાશિ કઈ હોવી જોઈએ તેનો વિચાર થશે? લશ્કરની ભરતી અને ટુકડીઓ બનાવવામાં પણ ગ્રહો-નક્ષત્રો-રાશિફળનો વિચાર થશે?
આવાં વલણો ચિંતાજનક છે. પ્રો. યશપાલ, યુ.આર. રાવ અને તેમની પહેલાંના ડૉ. વિક્રમ સારાભાઈ કે ડૉ. ભાભાના વિજ્ઞાનની અવદશા કરવાથી આ દેશ જગતગુરુ કે મહાસત્તા બની શકે નહીં.
સમગ્ર જગતમાં વિજ્ઞાન આધારિત સમાજો ઘડાતા આવ્યા છે. તેમાં માનવતા અને સમતાલક્ષી જેવા આયામો ઉમેરાયા છે. જગત ડિજિટલ ક્રાંતિ અને આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સના માર્ગે ચઢી ચૂક્યું છે અને ચોથી ઔદ્યોગિક ક્રાંતિ મંડાઈ ચૂકી છે. આ સઘળું તર્કબદ્ધ, તથ્ય આધારિત અને નિષ્પક્ષ વિચારણાઓના ફળસ્વરૂપે છે. માનવજાત સમગ્રનો આ માર્ગ છે. આપણે વિખૂટા પડી ન શકીએ.
બીજી તરફ, જ્ઞાન અને અનુભવના ક્ષેત્રના અનેક બનાવો ચમત્કારોનું અસ્તિત્વ પણ દર્શાવે છે. રમણ મહર્ષિ, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી રામતીર્થ, પૂ. મોટા જેવા અનેકના જીવનમાં ચમત્કારિક એટલે કે વિજ્ઞાનના જે તે સમયના માપદંડોથી સમજાવી ન શકાય તેવી ઘટનાઓ પણ બની છે.
આ સંજોગોમાં વિજ્ઞાન, વિજ્ઞાનની પદ્ધતિઓ અને વૈજ્ઞાનિક માનસિકતા અથવા વલણ કે અભિમુખતા વચ્ચે જરૂરી ભેદરેખા દોરવાની રહે. વિજ્ઞાન પોતે એક એવા જ્ઞાનનો સમુચ્ચય છે કે જે નિષ્પક્ષ તપાસ, તાર્કિકતા અને તથ્યોની કસોટીમાંથી નિષ્પન્ન થયો હોય છે. વિજ્ઞાન હંમેશાં પરિવર્તનક્ષમ, લચીલું અને ખુલ્લું હોય છે.
વૈજ્ઞાનિક પદ્ધતિમાં નિરીક્ષણ, અનુભવો, અનુમાનો, પરિકલ્પનાની કસોટી વગેરે ઓજારોનો ઉપયોગ સમાવાય છે. જ્યારે વૈજ્ઞાનિક અભિગમ ધરાવતું માનસ, વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરે છે ત્યારે વિજ્ઞાનનો પિંડ આકાર લે છે.
ધર્મ અને તેની આસપાસની તમામેતમામ બાબતોને વૈજ્ઞાનિક માનસમાંથી નિપજતા સવાલોના સંદર્ભે પ્રયોજાતી વૈજ્ઞાનિક પદ્ધતિ વડે તપાસાય અને પછી જે બચે તે આવકારપાત્ર બને. બાકી જે છૂટી જાય તે પરંપરા, અંધશ્રદ્ધા, માનસિક ભ્રમ, મનની શાંતિ માટેની વ્યવસ્થા વગેરે જેવાં ક્ષેત્રોમાં મૂકી શકાય.
આથી જ શિક્ષણમાં વિજ્ઞાનનું મહત્ત્વ છે. દરદી મેડિકલ પ્રોફેશનના આધારે જીવવો જોઈએ; હસ્તરેખા કે ગ્રહોની ચાલના આધારે નહીં. હૉસ્પિટલની સેવાઓને વધુ કાર્યક્ષમ બનાવવાની હોય, યજ્ઞો કરવાથી શિશુ-માતૃ મૃત્યુદર ઘટે નહીં.
તા. ૯મી ઑગસ્ટે ભારતનાં શહેરોમાં વૈજ્ઞાનિક અભિગમના સમર્થન માટે સરઘસો નીકળવાનાં છે. એપ્રિલ, ૧૭માં આ પ્રકારનાં સરઘસો અમેરિકામાં યોજાયાં હતાં.
વૈજ્ઞાનિક અભિગમની વિરુદ્ધ જવાથી હવે સમસ્ત માનવજાતનું નિકંદન નીકળી જાય તેમ છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પેરિસ કરાર નહીં સ્વીકારવાની જીદ કરી છે. આથી આવનારાં વર્ષોમાં પર્યાવરણને અતિ ગંભીર નુકસાન થવાનું છે.
યુદ્ધખોર માનસિકતા, આડેધડ ઉદ્યોગીકરણ, ભ્રષ્ટાચાર, બિનકાર્યક્ષમ અને સંવેદનહીન વહીવટ માટેનાં માઠાં ફળ સમગ્ર વિશ્વ ભોગવવાનું છે. હાલમાં જ દક્ષિણ ધ્રુવ પ્રદેશમાંથી એક વિશાળ હિમ ટુકડો જેનો વિસ્તાર કચ્છ જિલ્લા જેટલો અને દળ છ બુર્જ ખલિફા જેટલું છે તે છૂટો પડ્યો છે. આથી સમગ્ર વિશ્વમાં સમુદ્રની પાણીની સપાટી ઊંચકાશે. આથી બાંગ્લાદેશ, પશ્ચિમ બંગાળ વગેરે ઉપરાંત મુંબઈમાં પણ પાણીની સપાટી વધવાથી માનવ સ્થળાંતરની સમસ્યાઓ સર્જાશે.
આ અંગે તાંત્રિકો, ભૂવા, વાસ્તુશાસ્ત્રીઓ કે જ્યોતિષ શાસ્ત્રીઓ કાંઈક કરી બતાવે તો સારું!
સૌજન્ય : “અભિદૃષ્ટિ”, અંક 117, વર્ષ – 11, અૉગસ્ટ 2017; પૃ. 01-04
![]()


‘અભિદૃષ્ટિ’ના ડિસેમ્બર, ૨૦૧૬ના અંકમાં ‘ગુણવત્તા, શિક્ષણ-શિક્ષક અને સંચાલન’ એ મથાળાથી લખાયેલા સંપાદકીયમાં નીચે મુજબ એક ચિંતા પ્રગટ થઈ હતી. ‘૧૯૯૧થી ભારતમાં લાગુ કરાયેલી નવી આર્થિક નીતિ હેઠળ શિક્ષણ પણ ‘ધંધો’ બની ગયું છે. શાળા અને કૉલેજના સંચાલકો પણ નફો અને પૈસાના હેતુથી જ આ સમગ્ર વ્યવહાર આચરે છે. કોઈ પણ ધંધાકીય કારભારમાં જે નિયમો અને વલણો લાગુ પડે તે જ શિક્ષણને પણ લાગુ પડે છે. કોઈપણ પેઢી ‘ઉત્પાદન ખર્ચ’ નીચું રાખવા તાકે છે. શિક્ષણમાં ઓછો પગાર, લાઈબ્રેરી જેવી સગવડોનો અભાવ કે કર્મચારીઓ પાસે વધુ કલાકો કામ કરાવવાની પ્રવૃત્તિ ચાલે છે. ધંધાદારી પેઢીઓમાં વધુમાં વધુ માલ વેચાય એવી પેરવીઓ ચાલતી હોય છે. તે જ રીતે શિક્ષણમાં પણ, દરેક એકમ પોતાને ત્યાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ આકર્ષાય તે માટે ટી.વી. ઉપરની જાહેરાતો સહિતનાં અનેક પગલાં ભરે છે. પેઢીઓ હરીફાઈ કરવાને બદલે પોતાનો ઈજારો સ્થાપવા મથતી હોય છે, તે જ રીતે આવી શાળા-કૉલેજો પણ પોતાના વિસ્તારમાં પોતાનો ઈજારો જળવાઈ રહે તે માટે મથે છે. પેઢીઓ સસ્તા ભાવ, હલકી ગુણવત્તા વગેરેનો હથકંડા અપનાવતી હોય છે, ધંધાદારી શાળા-કૉલેજો પણ આવી જ પેરવી કરતી રહે છે. કદાચ આજ કારણે આવી શાળા-કૉલેજો સાચા શિક્ષણકારો દ્વારા નહીં પણ ધંધાદારી અને રાજકારણી ઘરોબો ધરાવતા ચાપલૂસિયા માટે મોકળું મેદાન બની રહે છે. દેખીતી રીતે જ આવી સંસ્થાઓ પાસેથી ગુણવત્તાની અપેક્ષા રાખવાની હોય નહીં.’
તમે આપણા ચોથેશ્વર ઉર્ફે ચોથિયાને તો ઓળખોને! આમ તો બહુ ભલો માણસ. તમે એને ચોથિયો કહો તો ય વાંધો નહીં. એ તો કહેશે, ‘ભાઈ, એ તો જેવું કૂવામાં હોય તેવું જ આવેને! મારે તો શા લેવા અને શા દેવા’. અને પછી પેલા પીળચકા દાંત દેખાડીને, અડધું-પડધું હસતો હસતો કો’ક જાણતલ જોશીડાની જેમ પૂછી નાંખે ‘જેવા મિજાજ અને જેવા વિવેક હોય તેવું બધા બોલે. એમાં આપણું હું જાય?’ પણ ચોથિયાના ગૌરવના રખેવાળ એવા ચોથેશ્વરીને આ ગમે નહીં. લાલ ટશિયાફૂટી આંખે અને કાનના ખૂણા ઊંચા કરીને તે આ સાંભળી તો લેતા, પણ જેવો પેલો આગંતુક વિદાય થતો કે તરત ચોથિયાને તે ઝપટમાં લેતા. ‘લ્યા જરા તો લાજ. આ આજકાલના વૈણસંકર જેવા તને ‘ચોથિયો’ શીના કે’? અને તું ય તે પાછો હસતો રહીને વેઠી લે છે?’ ‘લ્યો ત્યારે તમે ય ઉતાવળા જ થયા કે’વાવને.’ ચોથિયાએ ચોથેશ્વરીના ગહન ગાંભીર્યને ટપારતાં કહ્યું. ‘મેં કીધું જ ને કે ‘કૂવામાં હોય તેવું આવે’ – તેનો માયનો શો ? માયનો ઇ કે તેના વંશમાં કોઈએ વિવેક ભાળ્યો હોય, તો વાણીમાં અવતરેને! મતલબ કે ઘરના કોઈને ય કેમ બોલાય કે હળાય મળાય તેની ગતાગમ નથી અને તેથી જ ભચડે રાખે છે. અમે તો શીખેલા કે ‘આવડે તેટલું બોલીએ નહીં અને ભાવે તેટલું ખાઈએ નહીં.’ અને હાવ હાચું કૌ – આ જમાનો જ જાળવી જવા જેવો છે.’ ચોથિયાએ ફળફળતો નિહાહો મેલીને કહ્યું. ચોથેશ્વરીના સદ્ભાવભર્યા ચહેરાથી નજર હટાવી લઈને દૂર આથમતા સૂરજ તરફ જોતાં-જોતાં ઉમેર્યું. પછી તો ભૈ, ચોથિયાએ ડૂબતા સૂરજ સામે જોયું એટલે ચોથેશ્વરીએ પણ જોયું. અને ચોથેશ્વરીએ જોયું, એટલે શ્વેતકેશી, રક્તાક્ષ, એકદંતગૂમ, યપ્પી અને તાજેતરમાં જ મહેમાન બનીને આવેલા શ્વેતકર્ણ અને શ્યામકર્ણે પણ નજરું નોંધી. હવામાં આકડાનાં ફૂલ વહે તે રીતે બધાની નજર આ સૂર્યાસ્ત જોનારા ઉપર પડતી અને એમ કરતા-કરતા સમગ્ર વાનરસમૂહો આથમતા સૂરજ તરફ જોતા થઈ ગયા. પોતાની માના મોંઢા તરફ જોવું કે પછી મા જે તરફ જોઈ રહી છે, તે જોવું – સમગ્ર વાનરજાતના દૃષ્ટિસમાગમબિંદુ સમાન આથમતા સૂરજ તરફ જોવું તે નક્કી નહીં કરી શકનાર એક વાનરબાળે હળવેથી પૂછ્યું. ‘મમ્મા, આપણે બધા આથમતા સૂરજને કેમ તાકી રહ્યાં છીએ?’ એમાંથી કોઈક ફળફળાદિનો રથ આવવાનો છે?’