કોરોનાની આફત આવી ત્યાર પહેલાં પણ પાટનગર દિલ્હીના હાર્દરૂપ ભાગ(સેન્ટ્રલ વિસ્ટા)ની નવી ડિઝાઇનનો ખર્ચાળ પ્રોજેક્ટ રૂપિયાના બગાડ અને અંગત ભોગવિલાસ જેવો લાગતો હતો. (તેમાં બીજી જોગવાઈઓ ઉપરાંત વડા પ્રધાન માટે રાજપથ પર બીજું, ભવ્ય મકાન બનાવવાની વાત છે.) હવે તો એ વધારે પડતો જ બગાડ-કમ-ભપકો લાગે છે.
ખાડે ગયેલું અર્થતંત્ર મહામારીના માર પછી સાવ ભાંગી પડ્યું છે. યોગ્ય આયોજન વગરના લૉક ડાઉનથી લોકોને મોટા પાયે વેઠવું પડ્યું છે. બે છેડા માંડ ભેગા કરતા ભારતીયોની તો હવે સાવ દશા બેઠી છે. ઘણા અર્થશાસ્ત્રીઓએ કહ્યું છે તેમ, કરોડો ભારતીય ગરીબોને કેન્દ્ર સરકાર તરફથી આર્થિક સહાયની તાતી અને તત્કાળ જરૂર છે. એવા સંજોગોમાં સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ માટે ફાળવાયેલાં નાણાં — આશરે રૂ. વીસ હજાર કરોડ કે વધુ — લોકોની હાલત સુધારવા ભણી વાળી ન શકાય? વર્તમાન આર્થિક, સામાજિક અને માનવીય આપત્તિનો બોજ રાજ્યો ઉપાડી રહ્યાં છે. તેમને પણ નાણાંની ઘણી જરૂર છે — અને કેન્દ્ર સરકારે તેમને આપવાનાં થતાં હોય એ તો ખરાં જ, એ સિવાયનાં પણ. પરંતુ પરિસ્થિતિ એવી છે કે કેન્દ્ર સરકારે જી.એસ.ટી.ના હિસ્સા પેટે રાજ્યોને ચૂકવવાના થતા રૂ. ૩૦ હજાર કરોડ પણ હજુ સુધી ચૂકવ્યા નથી. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને મંજૂરી અપાઈ જાય અને તેનાં ટેન્ડરનું શિડ્યુલ જાહેર થઈ જાય, છતાં રાજ્યોનાં પડતર નાણાં ચૂકવવાનાં કેમ બાકી રહે?
અર્થતંત્રને કળ વળતાં ઓછામાં ઓછું એક વર્ષ નીકળી જશે. કદાચ વધારે પણ થાય. સામાજિક પોતને મૂળ સ્થિતિમાં આવતાં તો એથી પણ વધુ સમય લાગશે. એકંદરે, દેશને કોવિડ-૧૯ પહેલાંની સ્થિતિમાં આવતાં પાંચ કે કદાચ દસ વર્ષ પણ નીકળી જાય. એવા સંજોગોમાં આપણા નેતાઓની નૈતિક, રાજકીય અને બૌદ્ધિક તમામ શક્તિ આર્થિક-સામાજિક પુનઃનિર્માણમાં વપરાવી જોઈએ. મહામારી પછીનાં પ્રવચનોમાં વડાપ્રધાન વારંવાર ભારતીયોને બલિદાન આપવાનું કહેતા રહ્યા છે —સમયનું બલિદાન, નોકરીઓનું બલિદાન, જીવનશૈલીનું બલિદાન, સમૂહજીવી હોવાની તેમની માનવીય અને સાંસ્કૃતિક વૃત્તિનું બલિદાન. હવે નાગરિકોએ પણ વડા પ્રધાનને દેશ માટે કંઈક બલિદાન આપવાનું કહેવું જોઈએ. તેમનો સેન્ટ્રલ વિસ્ટા રીડિઝાઇનનો પ્રોજેક્ટ વિવાદાસ્પદ તો હતો જ. હવે તો એ કોઈ રીતે ટકે એમ નથી. માટે, તેમણે એ પડતો મૂકવો જોઈએ.
‘હિંદુસ્તાન ટાઇમ્સે’ છાપવાની ના પાડ્યા પછી www.thewire.in માં પ્રગટ થયેલા લેખનો અંશ
https://thewire.in/government/central-vista-project-delhi-covid-19
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 20 ઍપ્રિલ 2020