
રવીન્દ્ર પારેખ
આપણે મનુષ્ય તરીકે આ પૃથ્વી પર અનેક વર્ષોથી રહીએ છીએ. આ પૃથ્વી પર અનેક શોધો થઈ, અનેક ટેક્નોલોજી શોધાઈ, અનેક રીતે વિકાસ થયો ને હવે માનવની પ્રતિકૃતિ જેવાં રોબોટ્સ અને AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) દ્વારા મનુષ્યને વિકલ્પે પણ આ સૃષ્ટિ ચાલી શકે એની કોશિશો ચાલી રહી છે. એક તરફ માણસને બદલે મશીનને મૂકવાની વાત છે, તો ડી.એન.એ.માં સંશોધન કરીને માણસ કેવી રીતે અમર થઈ શકે એની કોશિશો પણ ચાલે છે. અહીં સવાલ એ થાય કે મનુષ્યને ખસેડીને મશીનો જ જો સર્વોપરિ બનવાના હોય તો માણસને અમર કરીને હાંસલ શું કરવું છે? પૃથ્વીને પૂરતી બગાડ્યા પછી અન્ય ગ્રહો પર જીવન શક્ય છે કે નહીં તેની તપાસ ચાલે છે, જેથી પૃથ્વીને છોડીને એ ગ્રહને બગાડવાનું શરૂ થઈ શકે. પૃથ્વીનું પર્યાવરણ માણસે બગાડયું છે તે નિર્વિવાદ છે, તો તેને સુધારવાને બદલે અન્ય ગ્રહોને પ્રદૂષિત કરવાની પેરવીઓ ચાલે છે. આ બધાં ખેલ મનુષ્ય કરી શક્યો તે આ પૃથ્વી હતી તેથી. પૃથ્વી જ ન હોત તો શું થયું હોત એની કલ્પના જ કરવાની રહે છે. કલ્પના તો એ પણ કરવા જેવી છે કે આ ધરતી પર હવે પછી એકલો પુરુષ જન્મે અથવા તો એકલી છોકરી જ જન્મે તો ચાલે કે કેમ?
આમ તો પુરુષ પ્રધાન સમાજોનું વર્ચસ્વ આજ સુધી રહ્યું છે, તો એ તો પૃથ્વી પર એકલો પુરુષ જ રહે એનો પ્રયત્ન કરશે. જો કે, કન્યાજન્મ કૈં બહુ આનંદનો વિષય હતો નહીં. એને દૂધ પીતી કરીને કે એની ભ્રૂણહત્યાઓ કરીને એનો કાંકરો કાઢવાની ઘણી કોશિશો કરી માણસ જાતે, પણ લગ્ન માટે તો છોકરી જોઈતી હતી, પુત્ર પણ જન્મતો તો હતો સ્ત્રી દ્વારા જ ને એટલા પૂરતી પણ સ્ત્રી જરૂરી હતી, પણ હવે જો મશીનો જ જીવવાના હોય તો સ્ત્રી કે પુરુષ કેટલાં અનિવાર્ય રહેશે એ પ્રશ્ન જ છે. કોણ જાણે કેમ પણ, આપણે બહુ પ્રગતિ કે વિકાસ કરી નાખ્યાના વહેમમાં સેન્સિટિવ થતાં જઈએ છીએ. એક તરફ આપણામાં રાક્ષસી આવિર્ભાવ થાય છે તો બીજી તરફ આપણે બહુ નાજુક પણ થતાં જઈએ છીએ. એને માટે કાયદામાં કે બંધારણમાં પણ સુધારા કરવા સુધી જઈએ છીએ. અત્યાર સુધી કોઈ પણ ધર્મ, દેશ, જાતિમાં પણ લગ્નનું મહત્ત્વ જળવાયું છે. રીતો જુદી હશે, પણ લગ્ન તો સ્ત્રીપુરુષનાં જ થવાનું આજ સુધી ચાલ્યું છે. એ પછી લગ્નોમાં પણ જાતિ, ધર્મ, કોમ ને મુદ્દે અનેક્ સમસ્યાઓ સર્જાઇ. છૂટાછેડાનું પ્રમાણ વધ્યું. છૂટાછેડા મળવામાં મુશ્કેલી થવા લાગી એટલે ઘણાં લગ્નને દોષ દેવા લાગ્યા. બાકી હતું તે નોકરીધંધા નિમિત્તે ગમે ત્યાં પોસ્ટિંગ કે બદલીઓ થવા લાગી. પરિણીત હોય તે પણ જીવનસાથીથી દૂર રહેવા મજબૂર બન્યા. અપરિણીતોએ પણ નોકરી કરતાં સાથીમાં કામચલાઉ કે કાયમી ઉકેલ શોધ્યો ને એમાંથી લિવ ઇન વ્યવસ્થા ઊભી થઈ. ફાવે ત્યાં સુધી સાથે રહેવાનું ને ન ફાવે તો છૂટાં થઈ જવાનું. કોઇની જવાબદારી જ નહીં ! એ પછી પણ લગ્નો થાય છે ખરાં.
અત્યાર સુધી લગ્નોમાં સ્ત્રી-પુરુષ સંકળાતાં હતાં. હવે એમાં ય પરિવર્તન આવ્યું છે. કેટલાક છોકરાને હવે છોકરી નહિ, પણ છોકરાઓ ગમવા લાગ્યા છે. એવું જ છોકરીઓમાં પણ થયું છે, તેને હવે છોકરો નહીં, પણ છોકરી જોઈએ છે. આમ તો આ ઘણા વખતથી ચાલતું હતું ને વિદેશોમાં તો એની બહુ છોછ પણ ન હતી, પણ ભારતમાં એ સભ્ય સમાજ દ્વારા નકારાતું રહ્યું. ક્યાંક આંખ આડા કાન કરવામાં આવ્યા, તો ક્યાંક એવા યુગલને તિરસ્કારાયું પણ ખરું. પણ હવે એની કાનૂની સ્વીકૃતિ માટેની માંગ ઊઠી છે. ભારતની સર્વોચ્ચ અદાલતે બે પુખ્ત વ્યક્તિ વચ્ચે સંમતિથી બંધાતા સજાતીય સંબંધોને કાયદેસર ઠરાવ્યા છે. એલ.જી.બી.ટી. (લેસ્બિયન-ગે-બાયસેક્સ્યુઅલ-ટ્રાન્સજેન્ડર) સમુદાયની માંગણી સ્વીકારતાં સુપ્રીમ કોર્ટે ઇંડિયન પિનલ કોડ(આઈ.પી.સી.)ની કલમ 377 ને આંશિક રીતે રદ્દ કરી સજાતીય સંબંધોને માન્યતા આપી છે. જો કે સરકાર આ મામલે સંમત નથી. આમ તો 377 અંગે ચુકાદો આપવાનું સરકારે સુપ્રીમ પર છોડ્યું હતું, પણ સમલૈંગિક લગ્નોની દરખાસ્ત કે અરજીનો સરકાર કોર્ટમાં વિરોધ કરશે. સમલૈંગિક સંબંધોના ચુકાદાને સરકારે નકાર્યો નથી, પણ સજાતીય લગ્નોને કાયદેસરતા આપવા સરકાર રાજી નથી.
યુનેસ્કોના આંકડા પ્રમાણે દુનિયાના 179 દેશો પૈકી 89 દેશોમાં સજાતીય સંબંધોને માન્યતા અપાઈ છે, પણ સજાતીય લગ્નોને કાયદેસરનો દરજ્જો તો માત્ર 14 દેશોએ જ આપ્યો છે. ભારતમાં પણ સજાતીય લગ્નોને હજી કાયદેસરનો દરજ્જો આપવામાં આવ્યો નથી. સરકાર પોતે એવી માન્યતા આપવા રાજી નથી. સુપ્રીમમાં હજી સુનાવણી ચાલે છે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા મુજબ 99 ટકાથી વધુ લોકો સમલૈંગિક લગ્નોની વિરુદ્ધ છે ત્યારે કાઉન્સિલે સમલૈંગિક લગ્નોની કાયદેસરતાં વિરુદ્ધ ઠરાવ પણ કર્યો છે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું માનવું છે કે અરજદારોની તરફેણમાં આવતો કોર્ટનો કોઈ પણ ચુકાદો દેશની સંસ્કૃતિ અને સામાજિક, ધાર્મિક માળખાની વિરુદ્ધ હશે.
સજાતીય લગ્નોને કાનૂની મંજૂરી મળે કે ન મળે, એ તો આવનારો સમય નક્કી કરશે, પણ આ સૃષ્ટિનાં પ્રારંભથી, સ્ત્રી અને પુરુષ એનું ચાલક બળ યુગો યુગોથી રહ્યાં છે. આપણે આ પૃથ્વી પર રહ્યે રહ્યે અનેક અખતરાઓ ભલે કરીએ, પણ માણસમાં હજી એ શક્તિ પ્રગટી નથી કે તે બીજી પૃથ્વી વસાવી શકે. એની તાકાત ઉપગ્રહો સુધીની જ છે. માણસને અહીં રહ્યે રહ્યે સમલૈંગિક લગ્નો કે લિવ ઇન જેવા પ્રયોગો ભલે સૂઝે, પણ કેટલુંક કુદરતી છે ને તેને ઉલટાવવાનું લાંબે ગાળે માનવ હિતમાં નહીં હોય તે સમજી લેવાની જરૂર છે. કુદરતને એ યોગ્ય લાગ્યું હોત તો તેણે સજાતીય લગ્નોનું વિચારીને એકલા પુરુષો જ જન્માવ્યા હોત કે લેસ્બિયન જ શ્રેષ્ઠ વિકલ્પ હોત તો આ ધરતી પર કેવળ સ્ત્રીઓ જ વિકસાવી હોત, પણ એણે તો સ્ત્રી અને પુરુષ એમ બંનેને સમાન રીતે વિકસાવ્યાં ને હવે પુરુષને પુરુષ અને સ્ત્રીને સ્ત્રી પ્રેમ માટે અનિવાર્ય લાગે છે. એ કુદરતની વિરુદ્ધ છે, પણ એમાં ય ન પડીએ, એનો નિર્ણય પણ કુદરત પર જ છોડીએ. ધારો કે, સમલૈંગિક લગ્નો જો બધાં સ્વીકારતાં થાય કે કોર્ટ તેને કાનૂની માન્યતા પણ આપી દે, તો સંભવિત પરિણામો કેવાં હશે એ અંગે વિચારવા જેવું છે.
કાયદો થાય કે ન થાય, કોઈ જાતિ, ધર્મ, કોમ, દેશને લાભ થાય કે ન થાય, એ મુદ્દો નથી, એ તો જે થતું હશે તે થશે, જે સજાતીય સંબંધોમાં સંડોવાય છે, એમને વિષે પણ કોઈ ન્યાય તોળવાનો ઇરાદો નથી, પણ અહીં પ્રશ્ન છે તે દૂરનું ભવિષ્ય આ સંબંધથી કેવુંક હશે તેનો. આ સંબંધમાં બે પુરુષ કે બે સ્ત્રી સંડોવાય છે, તેમાં પણ બેમાંથી એક સ્ત્રી અને એક પુરુષ હોય એવી કલ્પના પ્રાધાન્ય ભોગવે છે. કદાચ બેમાંથી એક પતિની ને બીજી વ્યક્તિ પત્નીની ભૂમિકામાં હોય છે. જો બે પુરુષ ને બે સ્ત્રી સંબંધમાં મુકાતી વખતે પણ એક પુરુષ અને એક સ્ત્રી હોવાની કલ્પના મનમાં પડેલી હોય, તો સીધાં જ સ્ત્રી અને પુરુષ સહજ સંબંધમાં મુકાય એ વધુ તર્કસંગત છે એવું નહીં? જો કુદરતી સંતુલન સ્ત્રી-પુરુષ સંબંધથી જળવાતું હોય તો સજાતીય યુગલમાં સ્ત્રીનાં અભાવમાં પુરુષ કે પુરુષના અભાવમાં સ્ત્રીનું હોવું માનસિક સમસ્યાઓ નહીં જન્માવે એવું કઇ રીતે માનવું?
સૌથી વધારે તો દૂરના ભવિષ્યમાં સંતાનોની સ્થિતિ અંગે વિચારવાની જરૂર છે. સજાતીય સંબંધમાં હોય તેમને સંતાનની જરૂર ઊભી થાય તો તે દત્તક લેવાની વાત કરે છે. સંતાન દત્તક મળી શકે, ત્યાં સુધી તો ઠીક છે, પણ એ કયાં સુધી મળશે? ભવિષ્યમાં સંતાનો પેદાં થવાનાં બંધ થશે કે ઓછાં થશે તો દત્તક આપવાં જેટલાં સંતાનો ફાજલ હશે ખરાં? બધાં જ જો સજાતીય સંબંધ સ્વીકારતાં થશે તો બે પુરુષો સંતાન પેદા કરી શકશે? માની લઇએ કે સ્પર્મ બેંકમાંથી સ્પર્મ મળી રહે, પણ જન્મ આપવા તો સ્ત્રી જોઇશેને ! જો ત્યારે સ્ત્રી જરૂરી બનતી હોય તો તેનો સહજ સ્વીકાર થાય એ વધારે યોગ્ય છે, એવું નહીં? એ જ રીતે સ્ત્રીઓ પણ કદાચ સ્પર્મ બેંકમાંથી સ્પર્મ લાવીને પોતે સંતાન પેદા કરે એમ બને, પણ તેને માટે પણ સ્પર્મ તો પુરુષનું જોઇશેને ! જો ત્યારે, પુરુષ જરૂરી બનતો હોય તો તેની સાથે સહજ સંબંધમાં મુકાવાનો વાંધો લેવા જેવો ખરો?
કહેવાનું તાત્પર્ય એ છે કે કદરતે આજ સુધી સ્ત્રી અને પુરુષ આ બે જાતિ પ્રજોત્પત્તિ માટે સમગ્ર પૃથ્વી માટે અનિવાર્ય ગણી છે, એટલું જ નહીં, પ્રાણીસૃષ્ટિમાં પણ બચ્ચાં માટે નર અને માદા અનિવાર્ય ગણ્યાં છે, ત્યાં પણ બે સિંહો કે બે વાઘણો બચ્ચાં પેદાં કરતાં નથી, તો દૂરનું ભવિષ્ય વિચારીને પણ સ્ત્રી-પુરુષ એકબીજાને પ્રેમ કરે એને પ્રાધાન્ય અપાવું જોઈએ ને એ સિવાય જે કૈં હોય તેની અવગણના ન કરીએ, પણ એને અપવાદ ગણીને ચાલવું જોઈએ એટલું તીવ્રપણે કહેવાનું થાય છે.
અસ્તુ !
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘સ્ત્રી સશક્તિકરણ’ નામક લેખકની કટાર, ‘મેઘધનુષ’ પૂર્તિ, “ગુજરાત ટુડે”, 30 ઍપ્રિલ 2023