
પાયલ કાપડિયા
26 મે, 2024ને રોજ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ગ્રાન્ડ પ્રિક્સ એવોર્ડ માટે ફિલ્મનું નામ બોલાયું – ઓલ વી ઇમેજિન એઝ લાઇટ ! તે એવોર્ડ સ્વીકારવા આમંત્રણ અપાયું પાયલ કાપડિયાને. આ ભારતીય દિગ્દર્શિકાનો પહેલો ઉદ્દગાર હતો, ‘વાઉ! થેન્ક યૂ સો મચ ફોર ધીસ … એન્ડ ધીસ વોઝ બિયોન્ડ માય ઇમેજિનેશન.’ કાન્સનો આ બીજા નંબરનો સૌથી મોટો વૈશ્વિક એવોર્ડ ભારતને નામે ચડી રહ્યો હતો. એ ધન્ય ક્ષણ હતી – ભારત માટે ને પાયલ માટે પણ ! એવોર્ડ લેવા તે મંચ પર એકલી ન આવી. તેણે તેની ત્રણ મહત્ત્વની અભિનેત્રીઓને આમંત્રિત કરતાં કહ્યું કે એમના વગર આ ફિલ્મ શક્ય જ ન હતી. ભાગ્યે જ કોઈ દિગ્દર્શક વિશ્વ કક્ષાનો એવોર્ડ લેતી વખતે કેમેરાની સામે પોતાની અભિનેત્રીઓને આમ આગળ કરતો હશે. 23મીએ ‘ઓલ વી ઇમેજિન એઝ લાઇટ’નો પ્રીમિયર હતો ને ત્રીસ વર્ષે ભારતની કોઈ ડેબ્યુ ફીચર ફિલ્મ આમ નોમિનેટ થઈ હતી. ફિલ્મ પછી સેલેબ્સે અને દર્શકોએ 8 મિનિટ સુધી સતત તાળીઓ વડે સ્ટેન્ડિંગ ઓવેશન આપીને ફિલ્મને ભારે ઉમંગથી આવકારી. કાન્સના ઇતિહાસમાં પણ આવું પહેલી વખત બન્યું હતું. એમ ખબર પડી છે કે આ ફિલ્મ મલયાલમ, મરાઠી અને હિન્દી ભાષામાં બનાવવામાં આવી છે.
પાયલનો જન્મ 1986માં મુંબઇમાં થયો હતો. તેની માતાનું નામ નલિની માલિની. તે પણ ભારતની પ્રથમ જનરેશનની વીડિયો આર્ટિસ્ટ છે. પાયલનું પ્રાથમિક શિક્ષણ આંધ્રની ઋષિ વેલી સ્કૂલમાં થયું ને ત્યાંથી પરત મુંબઈ આવવાનું થયું. મુંબઇમાં સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી તેણે અર્થશાસ્ત્રમાં ગ્રેજ્યુએશન કર્યું અને સોફિયા કોલેજમાંથી માસ્ટર્સનો અભ્યાસ કર્યો. એ પછી તે ‘ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા’(FTII)માં ફિલ્મ દિગ્દર્શનનો અભ્યાસ કરવા જોડાઈ. 2014ની પહેલી શોર્ટ ફિલ્મ ‘વોટરમેલન, ફિશ એન્ડ હાફ ઘોસ્ટ’થી પાયલે કેરિયરની શરૂઆત કરી. એ પછી ‘ધ લાસ્ટ મેંગો બિફોર ધ મોન્સૂન’ (2017), ‘એન્ડ વોટ ઇઝ ધ સમર સેઇંગ’ (2018) જેવી ફિલ્મો તેણે બનાવી.
પુરસ્કૃત ફિલ્મ જોઈ નથી, પણ તેની વાર્તા મુંબઇમાં રહેતી બે નર્સ પ્રભા (કાની કુશ્રુતિ) અને અનુ(દિવ્ય પ્રભા)ની આસપાસ ફરે છે. પ્રભાનો પતિ વિદેશમાં રહે છે ને તેની તરફ બહુ ધ્યાન આપતો નથી ને નાની અનુ અપરિણીત છે, પણ તે એક મુસ્લિમ યુવકના પ્રેમમાં છે. એમ કહેવાય છે કે ફિલ્મમાં દર્શાવાતું મુંબઈ, અમીરોનું ફિલ્મી મુંબઈ નથી. મુંબઇમાં લોકો એકલાં હોય કે કોઇની સાથે હોય, ત્યારે કઈ રીતે પારકાં શહેરને પોતાનું બનાવાય છે તે ફિલ્મમાં દર્શાવાયું છે. એવાં મુંબઈમાં પ્રભા અને અનુ તેનાં મિત્રો સાથે એક ટ્રીપ પર જાય છે, જ્યાં તેને પોતાને ને સ્વતંત્રતાને વિષે વિચારવાનું બને છે. કાની કુશ્રુતિ, દિવ્યા પ્રભા, રિધુ હારુન, છાયા કદમ જેવા કલાકારોએ આ ફિલ્મમાં કામ કર્યું છે. પાયલનું આ ફિલ્મ અંગે કહેવું છે કે તે એવી મહિલાઓ વિષે ફિલ્મ બનાવવા માંગતી હતી, જે પોતાનું ઘર છોડીને બીજી કોઈ જગ્યાએ કામ કરવા જતી હોય.
પાયલ કાપડિયા એ પહેલી ભારતીય મહિલા છે, જેની ફિલ્મ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની સ્પર્ધામાં વિજેતા નીવડી હોય. આ પહેલાં તેની ડોક્યુમેન્ટરી ‘અ નાઈટ ઓફ નોઇંગ’ને 2021માં કાન્સનો ગોલ્ડન આઈ એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મ 2015માં ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ, પુણેમાં થયેલી હડતાળને વિષય કરે છે, પાયલ કાપડિયા પોતે એ હડતાળનો ભાગ હતી. થયેલું એવું કે બી.આર. ચોપરાની ‘મહાભારત’ સિરિયલમાં યુધિષ્ઠિરની ભૂમિકા કરનાર ગજેન્દ્ર ચૌહાણની FTIIનાં ચેરમેન તરીકે નિમણૂક થતાં પાયલને અને અન્ય સહાધ્યાયીઓને તેનો વાંધો પડ્યો હતો. આ વિરોધ ચાર મહિના ચાલ્યો…ને પાયલની સ્કોલરશિપ રદ્દ થઈ, એટલું જ નહીં, જે પાંચ સ્ટુડન્ટ્સની ધરપકડ થયેલી એમાં પાયલ પણ હતી. હવે જ્યારે ગ્રાન્ડ પ્રિક્સ મળ્યો છે, તો એ જ ચેરમેન ગજેન્દ્ર ચૌહાણ પાયલને પોતાની વિદ્યાર્થિની ગણાવી તેનો ગર્વ લે છે ને અભિનંદન પણ આપે છે. હવે તો રાજકીય નિમણૂકો અનેક ઉચ્ચ હોદ્દા પર હોય ને તેને સ્વીકારી લેવાય એ સામાન્ય વાત છે, પણ પાયલનાં સમયમાં યોગ્ય હોદ્દા પર યોગ્ય વ્યક્તિ જ હોય એવો આગ્રહ વિદ્યાર્થીઓ પણ રાખતા.
જો કે, રાહુલ ગાંધી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાયલને ગ્રાન્ડ પ્રિક્સ એવોર્ડ માટે અભિનંદનો આપ્યાં છે, ત્યારે પાયલ સામેનો કેસ પાછો ખેંચી લઈ ખરેખર જ પાયલ કાપડિયાનું ગૌરવ વધારવું જોઈએ એવું પૂર્વ મંત્રી શશિ થરૂરે વડા પ્રધાનને સૂચવ્યું છે. પાયલે પાંચેક વર્ષ મુંબઇમાં એડવર્ટાઈઝિંગમાં પણ કામ કરી જોયું. એ પહેલાં 2017માં તેની શોર્ટ ફિલ્મ ‘આફટરનૂન ક્લાઉડ્સ’ એક માત્ર ભારતીય ફિલ્મ તરીકે કાન્સ માટે પસંદ કરવામાં આવી હતી. એ પણ સંયોગ છે કે આ જ ફેસ્ટિવલમાં આ વખતે ઘણી ભારતીય ફિલ્મો અને કલાકારોને ઘણી કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે ને એમાં ચમત્કાર એ છે કે ‘ધ શેમલેસ’માં તેનાં અભિનય માટે અનસૂયા સેનગુપ્તાને શ્રેષ્ઠ અભિનેત્રીનું અન સર્ટન રિગાર્ડ પ્રાઇઝ મળ્યું છે. આ ફિલ્મમાં તેનાં અભિનય માટે એવોર્ડ જીતનાર અનસૂયા પણ પહેલી ભારતીય અભિનેત્રી બની છે. આ ઉપરાંત ભારતની બીજી બે ફિલ્મો ‘સનફ્લાવર વેર ધ ફર્સ્ટ વન્સ ટુ નો’ અને ‘બન્નીહૂડ’ને આ વર્ષનાં મા લા સિનેફ સિલેક્શનમાં અનુક્રમે પહેલું અને ત્રીજું સ્થાન મળ્યું છે. ‘બન્નીહૂડ’ની દિગ્દર્શક મીરઠની માનસી મહેશ્વરી છે. કાન્સનો 77મો ફેસ્ટિવલ એ રીતે પણ ભારત માટે મહત્ત્વનો રહ્યો કે શ્યામ બેનેગલની ફિલ્મ ‘મંથન’ને 48 વર્ષ પછી ફેસ્ટિવલમાં સ્પેશિયલ સ્ક્રીનિંગ મળ્યું. આમ તો કાન્સનું નામ પહેલી વખત ભારત સાથે 1946માં જોડાયેલું, જ્યારે ચેતન આનંદની ફિલ્મ ‘નીચા નગર’ને આ એવોર્ડ મળ્યો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની ફિલ્મોએ વિદેશી ફિલ્મકારોનું અને પ્રેક્ષકોનું ઠીક ઠીક ધ્યાન ખેંચ્યું છે. મીરા નાયરની 1988ની ફિલ્મ ‘સલામ બોમ્બે’ એ ‘કેમેરા ડી’ઓર’ પુરસ્કાર જીત્યો હતો, તો એમની જ ફિલ્મ’ મોન્સૂન વેડિંગ’ને 2001માં વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં ‘ધ ગોલ્ડન લાયન’ પુરસ્કાર પણ મળ્યો હતો. 2013ની રીતેશ બત્રાની ફિલ્મ ‘લંચ બોક્સ’ને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ‘ગ્રાન્ડ ગોલ્ડન રેલ એવોર્ડ’ મળ્યો હતો. એ જ વર્ષે સનડાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સૂચિ તલાટીની ફિલ્મ ‘ગર્લ વિલ બી ગર્લ્સ’ને ગ્રાન્ડ જયુરી એન્ડ ઓડિયન્સ પ્રાઇઝ મળ્યું હતું. ગયે વર્ષે પાન નલિનની ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ ઓસ્કાર સુધી પહોંચી હતી. બેનેગલની મંથને ગુજરાતી ડેરી ઉદ્યોગને વિષય કરીને હિન્દી ફિલ્મ બનાવી ને એને 48 વર્ષે કાન્સમાં સન્માનિત કરવામાં આવી. એનો અર્થ એ થયો કે ગુજરાતી વિષય અને ફિલ્મ વૈશ્વિક કક્ષાએ છે અને એની નોંધ લેવી ઘટે. લાગે છે કે ગુજરાતી ફિલ્મોનું ભાવિ વિદેશમાં પણ ઊજળું છે.
આ એવી ફિલ્મો છે, જે ભારતમાં ખાસ પોંખાઈ નથી.
વિદેશમાં વૈશ્વિક કક્ષાનું માન મળતું હોય, તો ઘણી વખત તો તેના કલાકારો હાજરી આપવા ત્યાં સુધી જઈ પણ શકતા નથી.
એ પણ વિચિત્ર છે કે આવી ફિલ્મો માટે નિર્માતાઓ મળતા નથી. ‘ઓલ વી ઇમેજિન એઝ લાઇટ’ અને ‘ધ શેમલેસ’ ફિલ્મના નિર્માતાઓ વિદેશીઓ છે. વિદેશી ફિલ્મ નિર્માતાઓને ભારતીય ફિલ્મોમાં રસ પડે છે, પણ ભારતીય નિર્માતાઓને કલાત્મક ભારતીય ફિલ્મોમાં અપવાદ રૂપે જ રસ પડે છે. ‘12TH ફેલ’ કે ‘લાપતા લેડીઝ’ જેવી ફિલ્મોને મળવા જોઈએ એટલા પ્રેક્ષકો મળતા નથી. ઘણી ઉત્તમ ફિલ્મો ક્યારે આવીને ઊતરી જાય છે, એની ખબર પણ પડતી નથી. પ્રેક્ષકો જ ન જુએ તો કોઈ સારી ફિલ્મ બનાવશે શું કામ? એક તરફ સાધારણ ફિલ્મ માટે 600-700 કરોડનું બજેટ રમતમાં નક્કી થાય છે, જ્યારે સારી ફિલ્મ માટે પ્રોડ્યુસર્સ, એક્ટર્સ મળતા નથી. હિન્દી કે દક્ષિણ ભારતીય ફિલ્મમાં હીરો જેટલી રકમ લે છે, એટલામાં તો આવી આખી ફિલ્મ બની જાય, છતાં આવું સાહસ કરવા ભાગ્યે જ કોઈ તૈયાર થાય છે. ‘ઓલ વી ઇમેજિન એઝ લાઇટ’ને કાન્સનો બીજા નંબરનો સર્વોચ્ચ વૈશ્વિક પુરસ્કાર મળ્યો છે, પણ એને ભારતમાં કેવો આવકાર મળે છે, તે તો આવનારો સમય જ કહેશે. ખરેખર તો પાયલ કાપડિયાની ‘ઓલ વી ઇમેજિન એઝ લાઇટ’ને આખા દેશમાં સરકારે કરમુક્તિ જાહેર કરવી જોઈએ. જે ફિલ્મને કાન્સના પ્રીમિયરમાં આઠ મિનિટનું અપૂર્વ સ્ટેન્ડિંગ ઓવેશન મળતું હોય તેને ભારત સરકાર કરમુક્તિ આપે તેમાં કોઈ ઉપકાર નથી, પણ એમ કરીને તો સરકાર જ ઊજળી દેખાશે.
ફિલ્મ જોયા વગર કોઈ મત બાંધવાનું ઠીક નથી, પણ એટલું તો અગાઉનાં ઉદાહરણો પરથી લાગે છે કે જે વિદેશમાં પોંખાય છે એ ફિલ્મકારો ક્યારેક દેશમાં ગૂંગળાય પણ છે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘સ્ત્રી સશક્તિકરણ’ નામક લેખકની કટાર, ‘મેઘધનુષ’ પૂર્તિ, “ગુજરાત ટુડે”, 02 જૂન 2024