
રવીન્દ્ર પારેખ
સૌથી વધારે અખતરા શિક્ષણ વિભાગ શિક્ષણમાં કરે છે, પરિણામે ખતરા વધે છે ને વિદ્યાર્થીઓની અનિશ્ચિતતા પણ વધતી જ રહે છે. એવા દિવસો બહુ ઓછા જાય છે, જ્યારે કોઈ ફતવા બહાર ન પડ્યા હોય. 42,000 કાયમી શિક્ષકોની ઘટનો આંકડો હવે વધે નહીં એવું એટલે લાગે છે કે 24,700 શિક્ષકોની ભરતીના સમાચાર સરકારે આપ્યા છે. આ સમાચારથી એમ લાગ્યું છે કે મોડે મોડે પણ સરકાર શિક્ષકોની કાયમી ભરતી કરવાને મામલે ગંભીર થઈ છે, પણ 9 જુલાઇના છાપાંએ વધામણી ખાધી કે કોમ્પ્યુટર, વ્યાયામ અને ચિત્ર શિક્ષકોની ભરતી કરવા અંગે ગાંધીનગરનાં જૂના સચિવાલય પાસે ઉમેદવારો ભેગા થયા તો પોલીસે દરમિયાનગીરી કરીને તેમને વિખેરવા પડ્યા. આ આંદોલનકારીઓનું કહેવું છે કે રાજ્ય સરકારે કાયમી શિક્ષકોની ભરતીનું જે કેલેન્ડર જાહેર કર્યું એમાં અન્ય વિષયના શિક્ષકોની ભરતીની વાત છે, પણ કોમ્પ્યુટર, વ્યાયામ કે ચિત્ર શિક્ષકોની ભરતીની વાત નથી. સરકારે વર્ષોથી કોમ્પ્યુટર શિક્ષણની જાહેરાત કરી છે, ડિજિટલ ઇન્ડિયાનો ઢંઢેરો પણ પીટ્યો છે ને વર્ષોથી કોમ્પ્યુટર લેબમાં શિક્ષકો વગર જ એ વિષય ભણાવાય છે, તેની પરીક્ષાઓ લેવાય છે ને વિદ્યાર્થીઓ પાસ પણ થાય છે, પણ હકીકત એ છે કે બાર વર્ષથી કેટલી ય સ્કૂલોમાં કોમ્પ્યુટરો ધૂળ ખાય છે કે તેનો ઉપયોગ બીજા જ કરે છે.
એવું જ વ્યાયામનું છે. એક ઉમેદવારના જણાવ્યા મુજબ વ્યાયામની સૌથી વધુ જરૂર પ્રાથમિકના બાળકોને હોય છે, પણ છેલ્લાં 17 વર્ષથી પ્રાથમિકમાંથી વ્યાયામનો વિષય જ કાઢી નાખવામાં આવ્યો છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે વ્યાયામ શિક્ષકોની પરીક્ષાઓ લેવાય છે, પણ વ્યાયામ શિક્ષકોની ભરતી થતી નથી. એ જ રીતે ચિત્ર શિક્ષકોની ભરતી પંદર વર્ષથી અટકી છે. રાજ્ય કલા શિક્ષક સંઘ દ્વારા વર્ષોથી રજૂઆત થાય છે, પણ ભરતીનું ઠેકાણું પડતું નથી. એ જ હાલત સંગીત શિક્ષકોની ભરતીની પણ છે. જે વિષયોમાંથી સર્જનાત્મકતા વિકસે એવા વિષયો હાંસિયામાં ધકેલી દેવાય ને જે તે વિષયની ટેટ-ટાટની પરીક્ષાઓ પાસ કરી હોય એવા ઉમેદવારોની વર્ષોથી ભરતી જ ન થાય એ શરમજનક છે. જો કે, સરકારને એનો કોઈ હરખશોક નથી. એ તો એની રીતે જ વર્તે છે. જતે દિવસે શિક્ષકો વગર જ સ્કૂલો ચાલે ને બધા એકલવ્યો જ પાકે એ દિશામાં સરકાર પ્રવૃત્ત છે. ભણતર વગર પણ મંત્રી થઈ શકતા હોય તો ભણીને કે ભણાવીને શું કરવું છે એવું કદાચ સરકારના મનમાં હોય તો ખબર નથી. ભણીને સામે શિંગડાં કરતાં થાય એનાં કરતાં અભણ રહે તો છાનાં તો રહે ! એ અત્યંત દુ:ખદ છે કે સરકાર જ શિક્ષણની અંતિમવિધિ કરવા મથી રહી છે.
સરકારે સૌથી વધુ દાટ વાળ્યો હોય તો પ્રાથમિક શિક્ષણનો, તે એટલે કે સરકારને શિક્ષણ કર જોઈએ છે, પણ શિક્ષણનો ભાર જોઈતો નથી. કદાચ ભાર વગરનાં શિક્ષણમાં માને છે એટલે હશે ! સરકારે ધોરણ પાંચના વિદ્યાર્થીઓ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ચાલુ કરી છે. એમાં મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓ જો સ્કૂલ ઓફ એક્સલન્સમાં એડમિશન મેળવે તો તેને 6થી 10 ધોરણ સુધી દર વર્ષે 20,000 રૂપિયાની સ્કોલરશિપ મળે. એટલે કે પ્રાથમિકમાં ભણતો હોય તે વિદ્યાર્થી જો કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં મેરિટમાં આવે તો તેણે સરકારે જે ખાનગી શાળાઓને સ્કૂલ ઓફ એકસેલેન્સ જાહેર કરી છે, તેમાં એડમિશન લેવું પડે. બીજા શબ્દોમાં તેણે પ્રાથમિક શાળા છોડવી પડે, ન છોડે ને પ્રાથમિકમાં જ રહે ને મેરિટમાં આવ્યો હોય તો તેને 20,000ને બદલે 5,000ની જ સ્કોલરશિપ મળે.
સ્કોલરશિપની આખી યોજના જ ખાનગી સ્કૂલોને ઉત્તેજન આપવા ને પ્રાથમિકને અવગણવા થઈ હોય એવું નથી લાગતું? એવું ન હોત તો સ્કોલરશિપમાં ભેદ રખાયો ન હોત. જો પરીક્ષામાં ભેદ નથી, મેરિટમાં કોઈ કન્સેશન નથી, તો સ્કોલરશિપમાં આટલો મોટો તફાવત કેમ? તે એટલે કે 20.000 મેળવવા પ્રાથમિક સ્કૂલ છોડવા વિદ્યાર્થી લાચાર બને? આ બરાબર છે? સ્કૂલની ફી ને બીજા ખર્ચ વાલી ન કરી શકે તો વધારે સ્કોલરશિપ મેળવવા વિદ્યાર્થીએ ન પરવડતું હોય તો પણ ખાનગીમાં પ્રવેશ લેવાનો? ગાંધીનગરના એક અધિકારીનું કહેવું છે કે ખાનગીમાં ન જવું હોય તો કોઈ દબાણ નથી. કબૂલ, પણ ખાનગીમાં ન જાય તો સ્કોલરશિપ તો ઘટવી ન જોઈએને ! એક જ પરીક્ષાની સ્કોલરશિપ ખાનગીમાં 20,000 ને સરકારીમાં 5,000, એવું તો ન હોયને? ખાનગીનો એક વિદ્યાર્થી મેરિટમાં આવે ને બીજો પણ મેરિટમાં એનાથી આગળ હોય, પણ તે ખાનગીમાં ન જાય તો સ્કોલરશિપ સીધી પંદર હજાર ઘટી જાય ને તે 6, 7 અને 8માં ઘટેલા ભાવે જ મળે, એ કેવું? પ્રાઈમરીનો એ જ વિદ્યાર્થી હાઇસ્કૂલમાં ધોરણ 9-10માં ભણે તો ભાવ એ જ ચાલુ રહેતાં બીજા બે વર્ષ તેણે 30,000ની ખોટ ખાવાની? આમ 6 થી 10 સુધીમાં તેણે વધુ યોગ્યતા છતાં, માત્ર પ્રાથમિકમાં હોવાને કારણે 75,000ની ખોટ ખાવાની? આ અન્યાયકર્તા છે. એક ગરીબ વિદ્યાર્થીને તેના કોઈ વાંક વગર આટલી ખોટમાં નાખવામાં માણસાઈ છે? અહીં પ્રશ્ન એ થાય કે સરકારને ખાનગીની આટલી તરફેણ કરવાનું કારણ શું છે? કારણ એક જ, ખાનગીને ઉત્તેજન આપવું ને સરકારી સ્કૂલોનો મોહ ઘટાડવો. આમ થાય તો જતે દિવસે બધાં જ ખાનગી તરફ વળે ને સરકારી સ્કૂલો બંધ થતાં તેનો બોજ સરકારને માથેથી જાય. કોઈ નફાખોર વેપારી પણ ન વિચારે એવી યુક્તિ સ્કોલરશિપ કે ગ્રેડ સિસ્ટમને નામે શિક્ષણ વિભાગ વિચારે છે. આ કોઈ કાવાદાવાથી જરા ય ઓછું નથી.
પ્રાથમિકમાં આમે ય શિક્ષકોની ભરતી થતી નથી ને બીજી તરફ ખાનગી સ્કૂલોમાં યોગ્યતા વિનાના શિક્ષકો ભણાવે છે, ત્યારે ખાનગી સ્કૂલો ફી કલેક્શન સેન્ટરથી વિશેષ નથી જણાતી. એકલા અમદાવાદમાં જ 105 સ્કૂલો એવી છે, જેમાં 348 શિક્ષકો લાયકાત વગરના છે. એવું જ અન્ય શહેરોમાં ય હશે. ખાનગીમાં લાયકાત વગરના શિક્ષકો છે ને લાયકાતવાળા નોકરી વગર અટવાય છે, ત્યારે પ્રશ્ન થાય કે લાયકાત વગર જ બધે ચલાવવાનું છે? જો લાયકાત વગર જ ચલાવવાનું હોય તો નીટ-નેટ, ટેટ-ટાટ અને બીજી બધી પરીક્ષાઓ લેવાનો અર્થ છે? તે એટલે લેવાય છે કે એમાં પાસ થનારને નોકરી અપાઈ ન જાય ને એ આખો લૉટ નોકરી વગરનો જ રહે? બધો સર્વનાશ શિક્ષણમાં જ કેમ? નીટની પરીક્ષા સુપ્રીમ સુધી પહોંચી છે. સુપ્રીમે પણ કબૂલ્યું છે કે પેપર ફૂટ્યું છે. એક તરફ પરીક્ષાઓ લેવાયે જ જાય છે ને બીજી તરફ ચોરી કરાવવાના, પેપર ફોડવાના લાખો રૂપિયા પડાવાય છે. પરીક્ષાઓ દ્વારા ફી ઉઘરાવવાનો આશય તો પૂરો થાય છે, પણ તેની વિશ્વસનીયતા અંગે કોઈ ખાતરી ક્યાંયથી મળતી નથી. એમાં જે સિન્સિયર છે ને આત્મબળે પ્રમાણિકતાથી કૈં કરવા માંગે છે તેનો મરો થાય છે ને અપ્રમાણિક અમીરો કોઈ પણ ક્ષેત્રે આગળ વધી શકે છે.
રાજસ્થાનના એક વિધાયકે વિધાનસભામાં આક્રોશ સાથે બળાપો કાઢતા કહ્યું કે બિલ પાસ કરવાથી કૈં થવાનું નથી. પરીક્ષાનાં પેપરો ફોડવામાં કોચિંગ ક્લાસવાળાઓનો હાથ છે. એ લોકો ક્લાસમાં વધુ વિદ્યાર્થીઓ આવે એટલે પૈસા વેરીને પેપરો ફોડે છે ને એ પછી કલાસમાં વેચી-વહેંચીને 100 ટકા રિઝલ્ટ આવ્યાની જાહેરાતો છપાવે છે. એને લીધે વિદ્યાર્થીઓ મોંઘી ફી ભરીને કોચિંગ ક્લાસમાં જોડાય છે. આવું જ જાહેર પરીક્ષાઓના કોચિંગ કલાસોમાં પણ થાય છે ને એમ એ બધાનો ધંધો પૂર જોશમાં ચાલે છે. એ જ વિધાયકે આગળ એમ પણ કહ્યું કે સરકારી નોકરીઓ અમીરોને આપી દેવાઈ છે. આની તપાસ કરવામાં આવે તો અડધી નોકરીઓ ખોટી અપાઈ હોવાનું બહાર આવે એમ છે. આ સ્થિતિ રાજસ્થાનની જ છે એવું નથી. ગુજરાત પણ એમાં ક્યાં ય પાછળ નથી. ગોધરામાં નીટની પરીક્ષામાં પૈસા લઈને પાસ કરાવવાનું કૌભાંડ હજી ઉકલ્યું નથી. ગુજરાતમાં પણ કોચિંગ ક્લાસીસની તળિયા ઝાટક તપાસ થાય તો તેનાં ઊંચા પરિણામો કેવી રીતે આવે છે એનો પર્દાફાશ થાય એમ છે.
એક સમય હતો જ્યારે ખાનગી ટ્યૂશન હીણું ગણાતું. હવે એ જ ઉત્તમ ગણાય-ગણાવાય છે. સ્કૂલો ફી ભરવા માટે ને કોચિંગ ક્લાસીસ ભણવા માટે છે. સ્કૂલમાં શિક્ષક હોય કે નયે હોય, કોચિંગ ક્લાસમાં ભણાવનાર કોઈ તો છે ! આવી સ્થિતિ હોય ત્યાં કોચિંગ ક્લાસીસનો મહિમા વધે એમાં નવાઈ નથી. સુરતમાં જ બોગસ સ્ટડી સેન્ટરો ચાલે છે, જે વિદ્યાર્થીઓને ખાનગી યુનિવર્સિટીઓમાં પરીક્ષા આપવા લઈ જાય છે ને એનો કારોબાર નકલી ડિગ્રી સર્ટિફિકેટ આપવા સુધી વિસ્તરેલો છે. એક સાદું સીધું શિક્ષણ મેળવવાનું કેટલું ગૂંચવાડાવાળું ને પ્રદૂષિત થઈ ગયું છે તે આના પરથી સમજાય એવું છે. શિક્ષણ જેવી પવિત્ર બાબત માટે ચોમેર લુચ્ચાઈ, બદમાશી ને હરામખોરીનો જ મહિમા થઈ રહ્યો છે ને એમાં સરકાર પણ પાછળ નથી, ત્યારે ગરીબ ને હોંશિયાર વિદ્યાર્થી માટે સ્વબળે આગળ વધવાની ખાસ જગ્યા જ બચી નથી એ કેવી મોટી કરુણતા છે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 12 જુલાઈ 2024
 ![]()



