સુરતના લોકો મૂર્ખ છે ને તે વર્લ્ડ ક્લાસ સ્ટેશનને મામલે વર્ષોથી હોલસેલમાં બુદ્ધુ બની રહ્યા છે એવું નથી લાગતું? સુરતીઓ ભોળા અને લહેરી છે, પણ તેમને સરકાર ઘણી વાર મૂર્ખ બનાવે છે તે બરાબર નથી. ભારતમાં વસતિના પ્રમાણમાં સૌથી વધુ રેવન્યૂ સરકારને સુરત રળી આપે છે, એવું પાછાં તંત્રો જ કહે છે, પણ સુરતને કૈં પણ આપવાની વાત આવે છે તો તે ભા.જ.પ.ની સરકાર હોય કે કૉન્ગ્રેસની, સુરતને છેલ્લે જ રાખવામાં આવે છે. તેને રેડિયો સ્ટેશન, તે પણ એફ.એમ., 1990માં ઉપકાર કરતી હોય તેમ સરકારે આપ્યું ને તે અત્યારે એવી સ્થિતિમાં છે કે ગમે ત્યારે બંધ થાય તો આઘાત ન લાગે. તેનું દૂરદર્શન કેન્દ્ર તો દુ:ખદર્શન જેટલું પણ જણાતું નથી. તેને એરપોર્ટ પણ ઘણું કરાંજ્યાં પછી મળ્યું છે, તે આંતરરાષ્ટ્રીય સ્તરનું તો કયા જન્મમાં થશે તે તો સરકારો જ ભાખી શકે. તેની ફેરી સર્વિસ ફેરી ટેલ જેવી અજાયબ છે, જે ચાલે છે ઓછી ને બંધ વધારે રહે છે. ટૂંકમાં, સુરતને જેટલી પણ લહાણીઓ થાય છે તે ભીખની જગ્યાએ હોય છે ને તે કેવી ને કેટલી ટકશે તેની કોઈ ખાતરી નથી હોતી. તે આપવા પૂરતી અપાય છે ને તેમાં જીવ હોતો નથી. પ્રજા પણ એટલી નિર્માલ્ય છે કે તેને પોતાના હકનું ખાસ ભાન જ નથી ને જે ટુકડાઓ ફેંકાય છે તેને ઉપકાર સમજીને હોજરી ભરી લે છે. જે પ્રજા હક નથી માંગતી તેને હરામી ગણીને જ તેની સાથે વ્યવહાર થતો હોય છે. સુરતને અન્યાય કરનારાઓની ખોટ નથી, પણ અન્યાય ચલાવી લેનાર પણ નિર્દોષ નથી એ પણ એટલું જ સાચું છે.
જો સુરતી તરીકે આપણને દેખાતું અને સમજાતું હોય તો એ પણ ખબર હશે જ કે સુરતને વર્લ્ડ ક્લાસ સ્ટેશન બનાવવાની જાહેરાતો વર્ષોથી સંબંધિત મંત્રીઓ કરતા આવ્યા છે ને બજેટમાં તેને માટે રકમો પણ ફાળવાતી જ રહી છે. વધારે દૂર ન જઈએ તો પણ, સુરેશ પ્રભુ રેલવે મંત્રી હતા ત્યારે તેમણે 10 જાન્યુઆરી, 2017ના રોજ સમાચાર આપ્યા હતા કે ગુજરાતનું રેલવે બજેટ 2,400 કરોડ વધારી દેવામાં આવ્યું છે ને રેલવે સ્ટેશનને એરપોર્ટ જેવી સુવિધાઓથી સજ્જ કરવામાં આવી રહ્યું છે. જાન્યુઆરી માસ દરમિયાન જ 23 રેલવે સ્ટેશનોનું
પુનર્નિર્માણ કરવાની વાત હતી. રેલવે મંત્રીએ ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનના રિડેવેલપમેન્ટ પ્રોજેક્ટના પ્રારંભ વખતે વડોદરાને રેલવે યુનિવર્સિટી આપવાની વાત પણ કરી હતી. સુરત રેલવે સ્ટેશન પાછળ 645 કરોડ ખર્ચ કરીને તેને ટ્રાન્સપોર્ટેશન હબ બનાવવાની સાથોસાથ, 61 માળના 4 ટાવર ઊભા કરીને કમર્શિયલ સેક્ટર ઊભું કરવાની વાત કરતાં મંત્રીએ ઉમેર્યું હતું કે રેલવે સ્ટેશનની સુરત જ બદલી નાખવામાં આવશે. સુરતની સુરત તો ના બદલાઈ, હા, સુરેશ પ્રભુ જરૂર બદલાઈ ગયા. સુરત તો હતું ત્યાં જ રહ્યું છે, વચ્ચે 16 જુલાઈ, 2021ને રોજ વડા પ્રધાને ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું ને તે વખતે ઘણા મંત્રીઓ હાજર હતા, પણ કોઈ મંત્રી કે અધ્યક્ષને એ સવાલ ન થયો કે વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન તો સુરતને પણ બનાવવાનું હતું, તો તેનું શું થયું? સુરતને વર્લ્ડ ક્લાસ સ્ટેશન બનાવવાની જાહેરાત તો કદાચ વહેલી થઈ હતી ને ધારો કે બંને સ્ટેશનને વર્લ્ડ ક્લાસ સ્ટેશન બનાવવાની જાહેરાત સાથે જ થઈ હોય તો પણ, ગાંધીનગરની સાથે સુરત પણ વર્લ્ડ ક્લાસ સ્ટેશન બનવું જોઈએ, તે કેમ નથી બન્યું એવો સવાલ કોઈ ને થતો નથી. કોઈને આ કદાચ સંકુચિત વિચાર સરણી લાગે તો પણ એ પૂછવાનું તો થાય જ છે કે ગાંધીનગરને ગોળ તો સુરતને ખોળ કેમ?
બને કે ગાંધીનગર ગુજરાતનું પાટનગર છે એટલે સુરતને પાછળ રાખીને એને આગળ કરાયું હોય, તો પ્રશ્ન એ થાય કે રાતોરાત પ્લેટફોર્મ ટિકિટના 50 રૂપિયા સુરતના જ કેમ થઈ ગયા? પશ્ચિમ રેલવેની આખી પટ્ટીમાં ક્યાં ય 50 રૂપિયા નહીં, અમદાવાદ, વડોદરામાં નહીં ને સુરતમાં જ કેમ? કોની મુનસફીથી આ થયું? એ તો રેલવે રાજય મંત્રીએ સુરતના હોવાને નાતે હસ્તક્ષેપ કર્યો ને એમણે 50ના 30 કરાવ્યા, જે પણ વધારે જ છે, પણ 50ના 30 તો થયા એટલું સુરતીઓએ આશ્વાસન લીધું. કહેવાનું તાત્પર્ય એ છે કે કોઈ પણ સમયે સુરતને લૂંટી શકાય છે ને સવલતો આપવાની હોય તો સુરતને બેશરમીથી લાત મારી દેવાય છે. આ પાપ સુરતીઓનું છે, કારણ એ ગજા બહારનું સહન કરે છે. લગભગ 65 લાખની વસતિ ધરાવતું આ શહેર એટલું બધું નિર્જીવ કેવી રીતે હોય કે કોઈ ભાલો મારે ને એને ટાંકણી જેટલી અસર પણ ન થાય?
સુરત વર્લ્ડ ક્લાસ સ્ટેશન બને, ન બને એ સમયની વાત છે, પણ તેને અંધારામાં રખાય છે તે હકીકત છે. અંધારામાં રખાય તે કરતાં પણ સુરતને અજવાળાંની ખબર જ ન હોય તેમ તે વર્તે એ તો કેમ ચાલે? 16 નવેમ્બર, 2018ને રોજ સમાચાર એવા આવ્યા કે ભારતીય રેલવે સ્ટેશન ડેવલપમેન્ટ કોર્પોરેશને સુરત સ્ટેશનને મલ્ટિ મોડેલ ટ્રાન્સપોર્ટ હબ તરીકે વિકસાવવા માટેનો પ્રોજેકટ હાથ પર લીધો. ચાલો, વર્ષો પછી પ્રોજેકટ હાથ પર તો લીધો ! એની વે, દિલ્હી ખાતે રેલવે મંત્રાલયે સુરતની જરૂરિયાતોને ધ્યાને લઈને મહત્ત્વના મુદ્દાઓ પર મંજૂરીની મહોર મારી છે. એ વખતે પ્રોજેક્ટની અનુમાનિત કિંમત 1,008 કરોડ હતી તે 895 કરોડ કરાઈ. અહીં એ સવાલ નહીં પૂછવાનો કે 895થી ચાલતું હતું તો 1,008 કરોડ સુધી જવાની જરૂર શી હતી? દિવસો જાય તેમ મોંઘવારી વધે છે પણ અંદાજ ઘટે છે, એમ મન મનાવવાનું.
વેલ, 24 સપ્ટેમ્બર, 2019ને રોજ આખો પ્રોજેકટ પડતો મૂકવાની વાત આવી. કેમ? તો કે, પ્રોડક્ટ કોસ્ટ વધારે છે. બન્યું એવું કે પ્રોજેક્ટની કોસ્ટ એક હજાર કરોડથી વધુ હોવાથી કોઈ કંપનીએ એમાં રસ જ ના લીધો. અહીં સવાલ એ થાય કે 2018માં જ પ્રોજેક્ટની કોસ્ટ ઘટાડીને 895 કરોડ કરી દેવાઈ હતી તો કંપનીઓને એની પ્રોજેકટ કોસ્ટ હજાર કરોડથી વધુ કઈ રીતે લાગી? બને કે કંપનીઓ સુધી સાચો આંકડો ન પહોંચ્યો હોય. એ જે હોય તે પણ હવે 895 કરોડનો પ્રોજેકટ છે એમ માનવાનું છે. પણ, માને ક્યાંથી?
નવી ને છેલ્લી વાત 1,285 કરોડની આવી છે. આ અંદાજ ચાર વર્ષના સમય ગાળા માટેનો છે. જો કે એમાં સુરતને વર્લ્ડ ક્લાસ સ્ટેશન બનાવવાની સાથે જ ઉધના રેલવે સ્ટેશનને વિકસાવવાની વાત પણ છે. સુરતને વર્લ્ડ ક્લાસ સ્ટેશન બનાવવાની સાથે જ ઉધનાને સેટેલાઈટ સ્ટેશન તરીકે વિકસાવવાનો પ્લાન પણ છે ને તે બંને 850 કરોડના ખર્ચે. આમ એકલા સુરત માટે 895 કરોડ હતા એટલે ઓફરો ન આવી. હવે 850 કરોડમાં બે સ્ટેશનોની વાત છે. જોઈએ, શું થાય છે? આ વિગતો ગુજરાતના ભા.જ.પ. પ્રદેશ પ્રમુખે આપી છે. આ સાચું હોય તો આ વધારે કરકસરિયો ધંધો છે. બીજી વિગતોમાં એટલું કે પેલા કોમર્શિયલ ટાવર ચાર હતા, તે હવે 5 થઈ ગયા છે. (ચાલો, એકનો વિકાસ તો થયો) સુરત અને ઉધના, બંને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જેવી સુવિધા ધરાવતાં થશે. આ પ્રોજેકટ માટે પ્રિ-બિડ મીટિંગ 6 ઓગસ્ટ, 2021ને રોજ થવાની છે ને સબમિશનની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ, 2021 છે. એ ખરું કે ગાંધીનગર સ્માર્ટ સ્ટેશન બન્યું જ છે તો આશા રાખી શકાય કે સુરત-ઉધના પણ બનશે. બધુ મોટું મોટું ગુજરાતમાં થઈ રહ્યું છે. સૌથી ઊંચું સ્ટેચ્યૂ, સૌથી મોટું સ્ટેડિયમ, સૌથી નોખો રેલવે પ્રોજેકટ – આ બધું ગુજરાતમાં છે તો એ મોટાં મોટાંમાં સુરત ઉધનાની કાયાપલટ થઈ જાય તો નવાઈ નહીં !
આશા એટલે પણ બંધાય છે કે અત્યાર સુધી કંપનીઓને ઓફરો અપાતી હતી અને કંપનીને પ્રોજેકટ કોસ્ટ વધુ લાગતી હતી એટલે કોઈ વ્યવસ્થિત ઓફરો આવી જ ન હતી. હવે રેલવે અને કેન્દ્ર સરકારે પોતે આ સ્ટેશનોનાં નિર્માણ કાર્યની જવાબદારીઓ ઉપાડી છે. સરકારી કામો જ્યારે બીજાના હાથમાં જાય છે તો તેમાં ભાગ્યે જ ભલીવાર હોય છે, જ્યારે સુરત ઉધનાનું કામ રેલવે અને કેન્દ્ર સરકારે પોતે હાથ પર લીધું છે તો કૈંક તો સારું થશે એમ લાગે છે ને ધારો કે નથી થતું તો સુરતીઓને ઉલ્લુ બનવાની ક્યાં નવાઈ છે ! જો કે, આ મુર્ખાઈનું ગૌરવ લેવા જેવું નથી. પ્રજા તરીકે નાનમ લાગવી જોઈએ કે આપણને એ ચામડીની ચિંતા નથી, જે શરીરને વળગેલી છે. ભૂખ લાગે ને બનાવવાની આવડત ન હોય તે સમજાય, પણ રોટલો આંખ સામે મુકાય તો ખાવાની અક્કલ માણસે પોતે ચલાવવાની રહે, કારણ એટલી અક્કલ તો ઢોરમાં પણ હોય છે ને આપણે એનાં કરતાં તો ગયાં નથી જ, ખરુંને?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 02 ઑગસ્ટ 2021