કાવ્યકૂકીઝ
0
હું પાનમાવા ખાતો નથી,
પણ એક્ટરોને જોઈને
મને પણ જીભ કેસરી કરવાનું મન થયું
આ લોકો મસાલામાં પણ કેસર ખાતાં હોય
તો આપણે શું ગુનો કર્યો?
મારા બાપાને ખબર પડી તો
એમણે ય કહ્યું : એક પડીકી મારી પણ લાવજે.
મારો છોકરો બોલ્યો : હું પણ ખાવાનો.
છોકરી : ભાઈ ખાય તો હું પણ ખાવાની.
પત્ની પણ ટહુકી :
મસાલાથી પેટ ભરાતું હોય તો મારે રાંધવું મટે !
ને આખું ખાનદાન ઉપડ્યું માવાવાળાની દુકાને –
ઓર્ડર આપ્યો : પાંચ પડીકી !
દુકાનદાર બોલ્યો : પડીકી નહીં, પડીકાં આપું.
એટલે પાનમાવા નથી? – મેં પૂછ્યું.
એ બોલ્યો – પાનમાવો નથી, દૂધનો માવો છે.
અમે પાનવાળાને પહોંચ્યાં : પડીકી છે? પાંચ આપ !
એ બોલ્યો : આ છોકરી પણ ખાય છે, પડીકી?
: ના, એ પહેલીવાર ટ્રાય કરવાની છે.
પાનવાળો બોલ્યો : અક્કલ ઘાસ ચરવા ગઈ છે?
: કેમ એવું કહે છે? પડીકી તો એકટરો પણ ખાય છે.
: એ ખવડાવે, ખાય તો ગુજરી જાય !
: એટલે?
: એને તો પૈસા મળે એટલે ખાવાનું નાટક કરે.
: એટલે એ લોકો પૈસા માટે કરે આવું?
: હા.
: આપણને ખબર નહીં કે એકટરો પણ ગરીબ હોય !
: એક્ટર જેટલો મહાન એટલો વધારે ગરીબ !
: ભગવાન ભલું કરે એમનું …
0
અટપટું ચટપટું
0
– પપ્પા, નાની ગુજરી ગઈ, પછી નાના અહીં જ રહે છેને.
– હા, બેટા. એ હવે અહીં જ રહેવાના છે.
– એ તમારા કોણ થાય?
– સસરા.
– તમે એમને ત્યાં પણ રહેતા હતાને ?
– હા, હું ઘરજમાઈ હતો.
– તો એમને ઘરસસરા કહેવાય?
0
પત્ની : જરા મિસકોલ મારોને !
પતિ : કેમ મોબાઈલ જડતો નથી?
પત્ની : ના, ચશ્માં જડતાં નથી.
0
– પેટ્રોલ-ડીઝલ જી.એસ.ટી.માં નહીં લવાય.
– સારું. અમે કાર-સ્કૂટરમાં લાવીશું, બસ !
0
– સોરી, મહિલાઓને પ્રવેશ નથી.
– પણ, આ તો મહિલા મંત્રાલય છે.
– હા, પણ તાલિબાનનું છેને !
0
– તમને આ લોકોએ ગધેડા કહ્યા?
– હા.
– એમણે ગધેડા કેમ કહ્યા?
-એ તો કોઈ માણસને પૂછો તો ખબર પડે.
000
e.mail : ravindra21111946@gmail.com
![]()


કાગળ પર, સૂત્રોમાં, જાહેરાતોમાં વૃદ્ધો માટે ઘણી સન્માનજનક વાતો કહેવાતી હોય છે ને કેટલાંક ખરેખર સિનિયર સિટીઝન્સને માન આપે પણ છે. આજની પેઢી એમને ખભે ઊભી છે એવું પણ પ્રશંસાત્મક સૂરે કહેવાતું રહે છે ને એવા પણ છે જે ખભો આપવાની ફિરાકમાં હોય. ડોસાઓ બધા જ વખાણવા લાયક હોય છે એવું નથી, કેટલાક માથાના ફરેલા ને તામસી પણ હોય છે, પણ ઉંમરને કારણે ઘણા દયાજનક સ્થિતિમાં જીવતા હોય છે. એમાં પણ જેઓ એકલા અને આર્થિક આધાર વગરના હોય છે એ બીજાને તો ઠીક, પોતાને પણ બોજારૂપ જ લાગે છે. એવાઓને અનેક પ્રકારના ટેકાની જરૂર હોય છે, પણ એમના તરફ ધ્યાન ઓછું જ જાય છે.