અમે અહંકારનાં પૂતળાં છીએ
અમને જે નડે છે
તેને અમે ધ્વસ્ત કરીએ છીએ
અમે કોઈની ચામડી પહેરીને
તેને નામે
ચરી ખાઈએ છીએ
અમે ઘાસ ખાઈએ છીએ
કારણ અમે પૂતળાં છીએ
અમે કોઈનો ચહેરો પહેરીને ઊજળાં છીએ
પણ અમે કોઈનું નામ ઉજાળતાં નથી
અમે કરતાં કૈં નથી ને કોઈને કરવાય દેતાં નથી
અમે માત્ર અહંકાર પોષીએ છીએ
અમને એમ જ છે કે અમારું કોઈ કૈં બગાડી શકે એમ નથી
અમારું બગાડવા અમે જ પૂરતાં છીએ
અમારું સ્મશાન અમે જ છીએ
એટલે કોઈ ફૂંકી મારે એ શક્ય જ નથી
અમે જ અમારી રાખ છીએ
અમને રાખમાં છે એટલો રસ રંગમાં નથી
આંસુમાં છે એટલો સ્મિતમાં નથી
અમે કોઈને ખભે ઊભાં નથી
પણ ખભો બધાંને આપીએ છીએ
અમે માણસ નથી અહંકાર છીએ
અંધકાર છીએ
અમને તમે ધ્વસ્ત કરી શકો
ખસેડી શકો
પણ તેથી ફરક નહીં પડે
બીજા અનેક ઊભાં થશે
કોણે કહ્યું કે પૂતળામાં જીવ નથી હોતો
આ શું અમે ઊભાં છીએ જ ને …
000
e.mail : ravindra21111946@gmail.com
![]()


12 મે, 2022ના સમાચારમાં એવું છે કે દિલ્હી હાઇકોર્ટની બે જજની બેન્ચે એક જ મુદ્દા પર જુદા જુદા ચુકાદા આપ્યા. આમ તો બે જજ મોટે ભાગે કોઈ ચુકાદા અંગે સંમત થતા હોય છે, પણ બંને જજને એક મુદ્દે લાગ્યું કે આ મામલે સુપ્રીમ કોર્ટે નિર્ણય આપવો જોઈએ. મતલબ કે હાઇકોર્ટ એક મુદ્દે સંમત ન થઈ ને એમ બે મત પડ્યા. વાત જ એવી હતી કે અસંમત થવાની તકો વધે. મુદ્દો એ હતો કે પત્નીની સંમતિ વિના પતિ શારીરિક સંબંધ બાંધે તો તે ગુનો ગણાય કે નહીં? આ મામલે જાહેર હિતની અરજી થઈ હતી, જેનો ચુકાદો આપવામાં બે જજો વચ્ચે સંમતિ બની ન હતી. એક જજનું માનવું હતું કે પત્નીની સંમતિ વિના પતિ સંબંધ બાંધે તો પતિને કાયદો રક્ષણ આપે છે. કલમ 375 અને 376(ઈ)માં અપવાદ-2 હેઠળ પતિને એ છૂટ અપાયેલી છે. એમાં બંધારણીય જોગવાઈઓનું ઉલ્લંઘન નથી એવું એક જજનું માનવું હતું. બીજા જજનું માનવું હતું કે પત્નીની સંમતિ વિના પતિ પરાણે સંબંધ બાંધે તો એ ગુનો છે ને પત્ની, પતિ સામે દુષ્કર્મની ફરિયાદ કરી શકે. બીજા જજ સાહેબે તો લિવ ઇન પાર્ટનર કે ગર્લફ્રેન્ડ પણ શારીરિક સંબંધનો ઇનકાર કરે ને તેને સંબંધ માટે મજબૂર કરાય તો તે પણ ગુનો છે એવું પણ ઉમેર્યું હતું. બંને જજે જુદા જુદા નિર્ણયો આપ્યા, પણ બંને એ વાતે સંમત હતા કે આ કેસમાં સુપ્રીમમાં અપીલ થવી જોઈએ, કારણ, આ મુદ્દો મહત્ત્વના કાયદા સાથે સંકળાયેલો છે. આ મામલે બીજી હાઇકોર્ટે પણ ચુકાદાઓ આપ્યા છે અને તે સુપ્રીમ કોર્ટમાં નિર્ણયની રાહ જોતાં પડેલા છે. આમ તો ઘણી સંસ્થાઓએ દુષ્કર્મ કાયદા હેઠળ પતિને અપાયેલી છૂટ દૂર કરવાનો અનુરોધ કર્યો છે, પણ આ બાબત એવી છે કે એમાં સર્વસંમતિ સાધવાનું મુશ્કેલ છે.
સુરતની નવી સિવિલના ઓર્થોપેડિક વિભાગના એક ડોક્ટરે દરદીના સગાને ધમકી આપી કે સાંજ સુધીમાં બીજા ત્રણ હજાર નહીં મળે તો ઓપરેશન કરીને જે સળિયો નાખેલો છે તે કાઢી લઈશું. દરદી પાસે બી.પી.એલ. કાર્ડ હતો ને તેની પાસેથી પૈસા લેવાના ન હતા, છતાં પૈસાની માંગણી થઈ. આ અગાઉ એ દરદી પાસેથી પાંચ હજાર તો લઈ જ લેવાયા હતા ને બીજા ત્રણ હજારની માંગણી તો ઊભી જ હતી. આ મામલે હવે સમિતિ રચાઇ છે ને એ નાટક તો ચાલશે રાબેતા મુજબ, પણ પૈસા માંગવાની ને દરદીને મારવાની વાત સિવિલમાં નવી નથી. મુદ્દો વર્તણૂકનો છે. ડૉક્ટર કક્ષાનો માણસ સળિયો કાઢી લેવાની વાત કરે તે આઘાતજનક છે. આમ તો માણસાઈ માણસમાં જ હોય છે ને તે ત્યાં ન હોય તો બીજે ક્યાં ય હોતી નથી. એ માણસાઈ ડૉક્ટર ન દાખવે તો કોણ દાખવશે? ડૉક્ટર હોય તો સાવ અભણ તો ન જ હોય. ડૉક્ટર હોય તો સાવ નિર્દયી પણ ન જ હોય. એ પણ એટલું જ સાચું કે ધારો કે દરદી પૈસા ન આપે તો ડૉક્ટર સળિયો નહીં જ કાઢે, કારણ તે ડૉક્ટર છે, કસાઈ નથી. કસાઈ પણ આવું ન કરે, પણ જે ઉદ્ધતાઈ ને બેશરમી આજના લોકોમાં દાખલ પડી ગઈ છે તે આઘાતજનક છે. નાલાયકી જ જાણે લાયકાત હોય તેમ મોટે ભાગના લોકો વર્તે છે. ગમે એટલી પ્રગતિ થઈ હોય ને ગમે એટલો વિકાસ થયો હોય, તો પણ માનવીય અભિગમ બચે નહીં તો એ વિકાસ નથી, એનો છેડો વિનાશમાં જ નીકળે છે તે સમજી લેવાની જરૂર છે.