અહીં જે કેટલીક કવિતાઓ મુકાય છે તે કવિતા જ નથી ને એને એટલા જ અજાણ મિત્રો ખોટી રીતે વખાણે છે, ત્યારે આ કવિઓ તેને પ્રમાણપત્ર માનીને પોરસાય એમ બને ને વધારે નબળી કવિતાઓ બીજી વખત અહીં મૂકે એ શક્ય છે. એમાં નથી કવિતાની સેવા થતી કે નથી કવિની !
કવિ અહીં જે નબળી કવિતાઓ મૂકે છે તે બરાબર જાણે છે કે તે શું કરી રહ્યો છે. આવું વર્ષો સુધી કરે તો પણ આ ગ્રૂપ સિવાય તે કોઈ સારી જગ્યાએ કે કોઈ સારા મેગેઝીનમાં નહીં પહોંચે. તો આવી ખોટી કસરત કરવાનો કોઈ અર્થ ખરો? જે નથી જાણતા એમને કવિતાને નામે છેતરવાથી કોઈ પ્રાપ્તિ ખરી?
એને બદલે જે ખરેખર કવિતા કરવા માંગે છે તે કવિતા વિશે થોડું જાણી લે તો કવિ ખોટું લખતા અટકશે ને જે ભાવક છે તેને ખોટી કવિતા માથે નહીં મરાય એ લાભ થશે. કવિતા કુદરતી છે, પણ તે કળા છે ને કળાનું કૌશલ્ય ન હોય તો પેલું કુદરતીપણું બહુ સાથ આપતું નથી. તેલના ડબ્બામાં પાણી ભરીને તો કોઈને ના છેતરાયને ! ગઝલની ટેગ મારો ને નીચે ગઝલને નામે ગઝલકારનું અજ્ઞાન જ પ્રગટ થતું હોય તો એનો કોઈ અર્થ નથી. ડોકટર થવા એમ.બી.બી.એસ. થવું પડે, શિક્ષક થવા બી.એડ. કરવું પડે, વકીલ થવા લૉ કરવું પડે, તો કવિ થવા કૈં જ નહીં કરવાનું? આપણો આદિ કવિ નરસિંહ મહેતા નિશાળ પૂરી ભણ્યા વગર કવિ થયો છે, પણ તે પણ ઝૂલણા છંદ શીખ્યો છે. વ્યાસ કે વાલ્મીકિ કવિતા જાણ્યા વગર મહાકવિ નથી થયા ને આપણે જેમ આવે તેમ અભણની જેમ ઝીંક્યે રાખીએ એ બરાબર છે, એવું જાતને પ્રમાણિકતાથી પૂછીએ. જે કરવું છે તે જાણીને કરીએ. અંધારામાં તીર મારવાનો અર્થ નથી.
આભાર.
000
e.mail : ravindra21111946@gmail.com
![]()


‘અગ્નિપથ’ આમ તો હરિવંશરાય બચ્ચનની કવિતા છે. એમાં કાંટાળો માર્ગ પસંદ કરી આગળ વધવાની ને કોઈ અપેક્ષા ન રાખવાની વાત છે. આ નામની જ બે ફિલ્મો પણ આવી ગઈ છે. એનાથી પ્રેરિત થઈને કે સાવ સ્વતંત્ર રીતે સરકારે ‘અગ્નિપથ’ નામની યોજના જાહેર કરી, જેમાં 17.5થી 26ની વયમર્યાદા ધરાવતા 10 કે 12 પાસ યુવાનો અને યુવતીઓને સૈન્યમાં નોકરી આપવાની વાત છે. પસંદગી પામેલા યુવાનોની 6 મહિનાની તાલીમ પછી, 4 વર્ષ સુધી ‘અગ્નિવીર’ તરીકે સેવા લેવાનો અને 30થી 40 હજારનો માસિક વેતનનો લાભ આપવાનો હેતુ સરકારનો છે. એ ઉપરાંત 4 વર્ષ પછી નિવૃત્ત થનારને 11.71 લાખનો નિવૃત્તિ લાભ આપવાની યોજના પણ છે, પણ 14 જૂને બહાર પડેલી યોજનાનો, એક જ દિવસમાં યોજના પરત ખેંચવાની માંગ સાથે બિહાર અને ઉત્તર પ્રદેશના વિદ્યાર્થીઓએ હિંસક વિરોધ શરૂ કર્યો ને તેની ઝાળ તેલંગાણા, કર્ણાટક, કેરળ, પશ્ચિમ બંગાળ, હરિયાણા, પંજાબ જેવાં 19 રાજ્યો સુધી ફેલાઈ અને 369 ટ્રેન સેવાઓ રદ્દ કરવી પડી. આ વિરોધમાં સંખ્યાબંધ ટ્રેનો ફૂંકી મારવામાં આવી તો ક્યાંક બસ સળગાવવાના પ્રયત્નો પણ થયા. પથ્થરમારો ને આગજનીની ઘટનાઓ વધતાં પોલીસે હિંસાને કાબૂ કરવા લાઠીચાર્જનો, ગોળીબારનો આશરો લેવો પડ્યો છે. આ બબાલમાં બે મોત થયાં છે. જેમાં એક ગોળીબારથી તો બીજું આત્મહત્યાથી થયું છે.