સૂરતમાં પ્રાથમિક શિક્ષણ સમિતિ છે, પણ તે શિક્ષણ માટે હોય તેવું ખાસ જણાતું નથી. ખરેખર તો તે શિક્ષણેતર પ્રવૃત્તિઓ માટે વધુ સક્રિય જણાય છે. સીધી વાત એટલી છે કે બે વર્ષથી બાળકો ખાસ ભણ્યા વગર પાસ થતાં આવ્યાં છે. એ રીતે પહેલાં ધોરણનો વિદ્યાર્થી અને ત્રીજા ધોરણનો વિદ્યાર્થી સમાન સ્તરે છે. એકડો પહેલાવાળાએ શીખવાનો છે એમ જ ત્રીજાવાળાએ પણ શીખવાનો છે. એ શીખવવા તરફ ધ્યાન ન જાય એનું શિક્ષણ સમિતિ પૂરતું ધ્યાન રાખે છે. ઇતર પ્રવૃત્તિઓ જ શિક્ષણ હોય તેમ સ્કૂલો ઉજવણાંમાં જ વ્યસ્ત છે. કોઇની વર્ષગાંઠ, કોઇની મૃત્યુતિથિ, શાસનના વિકાસ રથ, પ્રવેશોત્સવ, રિપોર્ટિંગ, ચૂંટણી, વસતિ ગણતરી વગેરેમાં જ શિક્ષકો, આચાર્યોને એટલા વ્યસ્ત રખાય છે કે વિદ્યાર્થીઓને ભણાવવાનું તો કોઈને ખાસ યાદ આવતું જ નથી. ભણાવ્યા વગર પરીક્ષા લીધે રાખવાથી પાયાનું શિક્ષણ કેવી રીતે થાય તે સમજાતું નથી. ઉપરી અધિકારીઓ શિક્ષણ માટે છે કે રાજકીય સેવા માટે એ પણ નક્કી થઈ ન શકે એવી સ્થિતિ છે. આચાર્યો, શિક્ષકોને આર્થિક લાભ સિવાય બાળકોનાં શિક્ષણમાં પણ રસ હોય તે અપેક્ષિત છે. આચાર્યોનાં, શિક્ષકોનાં, વાલીઓનાં મંડળો ચાલે છે, પણ કોઈને એ મૂંઝવણ નથી કે બાળકોનું શિક્ષણ બે વર્ષથી દાવ પર લાગ્યું છે ને હજી થાળે પડવાને બદલે, આખું પ્રાથમિક શિક્ષણ જગત ઈતરપ્રવૃત્તિઓમાં જ રમમાણ છે. કોઈ વાલીને એ સવાલ નથી થતો કે તેનું સંતાન બબ્બે વર્ષથી ભણ્યા વગર જ પાસ થાય છે અને હજી સ્કૂલ તેને ભણાવવાનો ઇરાદો રાખતી નથી ! શિક્ષક, આચાર્યને એમ નથી થતું કે તેને નોકરી શિક્ષણ આપવા મળી છે ને તે પગાર શિક્ષણેતર કાર્યોને નામે લે છે. ઓનલાઈન શિક્ષણ પ્રાથમિકમાં ન જ ચાલે ને જે ચાલી રહ્યું છે તે મોબાઈલ, લેપટોપ, ટેબલેટ, કોમ્પ્યુટર ખપાવવા માટે છે તે સ્વયં સ્પષ્ટ છે. આંકડાઓ, પત્રકોમાં બાળકો ભણતા દેખાય છે, પણ વર્ગમાં શિક્ષણ નહિવત છે. સ્કૂલો આંકડા ભરીને ફરજ બજાવે છે ને સમિતિ એ આંકડા જોઈને રાજી છે, પણ એટલું સમજી લેવાનું રહે કે ગમે એટલું અજવાળું જ કેમ ન દેખાતું હોય, તો પણ સૂર્યનું ચિત્ર તે સૂર્ય નથી.
બીજું ભલે જે થતું હોય તે થાય, પણ વર્ગમાં શિક્ષણ ખરેખર થાય તેટલું શિક્ષણ સમિતિ ઈમાનદારીથી જુએ એવી વિનંતી છે. અસ્તુ !
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : “ધબકાર”, 20 જુલાઈ 2022
![]()


એવું કોઈ છાપું નથી, એવી કોઈ સમાચારની ચેનલ નથી, જેમાં છેડતી, બળાત્કારની વાતો આવતી નહીં હોય. વારુ, એ તો એવી ઘટનાઓ છે જે મીડિયા સુધી પહોંચે છે, પણ એવી ઘટનાઓ ઓછી નથી, જે મીડિયા સુધી પહોંચતી જ નથી. મીડિયા સુધી વાતો પહોંચાડવામાં પણ લોકો બહુ રાજી નથી હોતા, પણ ઈલાજ જ નથી રહેતો ત્યારે વાત મીડિયા સુધી પહોંચે છે. કોઈ મીડિયા સુધી વાત પહોંચાડવા ઉત્સુક હોય એવું તો અપવાદ રૂપે જ બનતું હશે. કેમ એવું થાય છે કે કોઈ પોલીસ સુધી વાત પહોંચાડવા રાજી નથી થતું? બીજા કોઈ પણ ગુનામાં ગુનેગાર અપવાદરૂપે જ છાતી કાઢીને ફરતો હશે, પણ છેડતી, બળાત્કારના ગુનામાં ગુનેગાર બેશરમ થઈને ફરતો હોય તો નવાઈ નહીં. ગુનેગાર આટલો બેશરમ કોના જીવ પર થતો હોય છે? આ એવો ગુનો છે જેમાં પીડિતા વેઠે છે કે દબાઈ, ચંપાઈને શરમની જિંદગી જીવે છે ને ગુનેગાર છૂટો ફરતો હોય છે. બીજા ગુનામાં ગુનેગાર સંતાતો ફરતો હોય છે, જ્યારે છેડતી, બળાત્કારમાં પીડિતા સંતાતી ફરે છે અથવા તો તેને તેમ વર્તવાની ફરજ પાડવામાં આવે છે.
ઘણીવાર તો એવો વહેમ પડે છે કે અંગ્રેજો ગયા જ નથી ને આપણે હજી અનેક પ્રકારનાં બંધનો, પ્રતિબંધોથી જકડાયેલાં હોવાનો વહેમ પડે છે. એ ખરું કે સ્વતંત્રતા જવાબદારી તો ઊભી કરે જ છે, પણ જવાબદારી જ હોય ને મોકળાશ ન હોય તો જે અનુભવ બચે તે ગુલામીથી બહુ જુદો ન હોય. એ પણ છે કે એક વર્ગ એવો છે જેને બધું ઉત્તમ જ થતું દેખાય છે. એ ભક્તિમાર્ગી ભલે આનંદ માણે, પણ મોટે ભાગની પ્રજા રાજી નથી. હવે જે રાજી નથી તે વિપક્ષ જ છે એમ માનવું એ એવા લોકોને અન્યાય કરે છે જે વિપક્ષના સભ્યો નથી. આજકાલ વિરોધ કરે તે વિપક્ષનો જ છે ને ભક્તિ કરે છે તે ભા.જ.પ.નો જ છે એવી જાહેર સમજ પ્રવર્તે છે, પણ ઘણા લોકો એવા છે જે ભા.જ.પ.ના નથી ને વિપક્ષના પણ નથી, તેમને માટે કોઈ જગ્યા આ દેશમાં છે કે કેમ તે પ્રશ્ન છે.