આપણે બેઝિકલી મફતિયા છીએ
મફતનું ખાવું, મફતનું પીવું તો જાણે લોહીમાં છે !
સાચું તો એ છે કે લોકો
મફતિયા, ડિસ્કાઉન્ટિયા, એક્સચેન્જિયા છે
પણ મફતમાં શું મળે છે
તે જોઈએ તો સિલકમાં તો ખોટ જ રહે છે
મફતિયાં મેન્ટાલિટીનો લાભ પણ ઘણાં લે છે
કોઈ વીજળી મફત આપે છે, તો કોઈ ગેસ !
તે એવો કે ગેસ ટ્રબલ વધે
વાંદરા દારૂ પીતા નથી
તો ય ઘણાં ‘વાંદરા’ને દારૂ પાઈને
સત્તા કમાઈ લે છે
આપણે પણ મફત વીજળીને નામે
સત્તાનો સટ્ટો ખેલી કાઢીએ છીએ
હકીકતે આપણને કોઈ
મૂરખ બનાવી શકે એમ જ નથી
કારણ આપણે મૂરખ છીએ જ !
એવી જ રીતે કેટલાક મફતિયાઓ
પોતાને માંડી વાળવાનું પણ કહેતા ફરે છે
જેમ કે સોસાયટીની લાઇટ, રસ્તા વાપરવાનો
આ ફોગટિયાઓને વાંધો નથી
પણ મેન્ટેનન્સ આપવાનું આવે તો
એમના મોતિયા મરી જાય છે
એમનું ચાલે તો દવા કરાવવાના પૈસા
ડૉક્ટર પાસેથી સામેથી માંગે
પણ આપવાનું આવે તો માંગનારા થઈ જાય છે
એમનું ચાલે તો બે પગમાં એક જ ચંપલ પહેરે
તે તો સમજ્યા
પણ મફતથી પણ આ લોકો ધરાતાં નથી
મફત હોય તો એમને બે જોઈએ છે
એટલે જ
એક પર એક ફ્રીથી એ લોકો રાજી થતાં નથી
ને એક પર બે શોધતા ફરે છે
આ ફ્રીમાં પણ પાછી ચોઈસ હોય
જેમ કે કોઈ લાઇબ્રેરી
એક પર એક ચોપડી ફ્રી વાંચવા આપે તો
આ લોકો ઘરની પસ્તીમાં એને વેચી મારે
આ જમાત એક પર ત્રણ શર્ટ ફ્રી મળતાં હોય
તો ચાર ક્યાં મળે તેની વેતરણમાં રહે છે
એ તો સારું છે કે એક પર બે મળતી નથી
નહિતર દુકાને બૈરી લઈ જવાનું પણ કોઈ ન ચૂકે
બૈરી પણ એક્સ્ચેન્જ ઓફરમાં ધણી
બદલાતો હોય તો બદલવા દોડે એમાં શંકા નહીં !
આ મફતિયાં સંસ્કૃતિ પહેલાં આટલી ન હતી
એટલે જ કદાચ લોકો આટલા છેતરાતા ન હતા
તમે શું કહો છો?
છેતરાતા હતા?
(‘સંદેશ’માં બુધવારની મારી કોલમ ‘કાવ્યકૂકીઝ’)
e.mail : ravindra21111946@gmail.com
![]()


ગુજરાતમાં પહેલી અને પાંચમી ડિસેમ્બરે વિધાનસભાની ચૂંટણી જાહેર થતાંની સાથે જ મોરબીની ઝૂલતો પુલ તૂટવાની ઘટના પડદા પાછળ ધકેલાઇ ગઈ છે અને હવે લગભગ મહિના સુધી ચૂંટણીની ચટણી ને છટણી કોઈને કોઈ રૂપે થતી રહેશે. ચૂંટણી પંચે પહેલા તબક્કામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અને બીજા તબક્કામાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ચૂંટણી જાહેર કરી છે. હિમાચલ પ્રદેશની સાથે જ આઠમી ડિસેમ્બરે ચૂંટણીનાં પરિણામો આવે એવું આયોજન છે. પહેલાં તબક્કામાં 89 અને બીજા તબક્કામાં 93 બેઠકો માટે મતદાન થશે. આ વખતે કુલ 4,90,89,765 મતદાતાઓ મતદાન કરશે, જેમાં અઢી કરોડથી વધુ પુરુષો અને 2.37 કરોડથી વધુ મહિલાઓ હશે. 4,61,494 મતદાતાઓ એવા હશે જે પહેલી વખત મત આપશે. એમ લાગે છે કે લગભગ બધા જ પક્ષો, બે ચૂંટણી વચ્ચે પોતાનો પ્રચાર કેવી રીતે કરવો અને ચૂંટણી વખતે કેવી રીતે જીતવું એ સિવાય જનતા તરફ બહુ ધ્યાન આપતા નથી. સરકારમાં જે જાય છે તે બાંકડાઓ પર પોતાનું નામ આવે એ રીતે થોડી ગ્રાન્ટ વાપરે છે, તો વળતરની રકમ એળે ન જાય એટલે સરકાર લાભાર્થે થોડા લોકો મરે પણ છે ને ઘાયલ પણ થાય છે. લોકો મત આપવા ને ટેક્સ ભરવા ઉપયોગી છે. એ રીતે લોકો પક્ષોને અને સરકારને બહુ કામના છે. મત આપતા જનતા ચૂંથાય છે, પણ ઉમેદવાર તો ચૂંટાય જ છે.
ભગવાનમાં ન માનનાર એટલા પ્રમાણિક તો ખરા જ કે જે કૈં થાય તેનો દોષ તેઓ ભગવાન પર ઢોળતાં નથી ને જવાબદારી સ્વીકારે છે, પણ ભગવાનમાં માનનારા એટલા નિર્લેપ હોય છે કે પોતાનો વાંક હોય તો પણ, જવાબદારી ભગવાનને માથે નાખે ને ભગવાન એટલો ઉપકાર તો ભક્તો પર કરે જ કે એમણે પીવાનું ઝેર પોતે પી લે. મોરબીમાં બંધ તૂટે કે પુલ, મરે છે લોકો ને એને માટે જવાબદાર હોય તે ભગવાનને નામે છટકવાના પ્રયત્નો કરતા રહે છે. 30મી ઓક્ટોબરે મોરબીનો ઝૂલતો પુલ તૂટયો ને ચારસોથી વધારે લોકો પાણીમાં જઈ પડ્યાં. 26 ઓક્ટોબરે ખુલ્લો મુકાયેલો ઝૂલતો પુલ ચારેક દિવસમાં જ જળાશાયી થયો ને બધાંને નવાં વર્ષની જાણે ઉજાણી થઈ ગઈ ! આ અત્યંત દારુણ ઘટના ને કારણે 135 લોકોએ જીવ ગુમાવ્યા, અનેક લોકો ઘાયલ થયા ને તંત્રો પહોંચે તે પહેલાં મોરબીવાસીઓએ જીવને જોખમે બચાવ કામગીરી શરૂ કરી માનવતા દાખવી, પણ, મોત પર મિજબાની ન થાય તો રાજકારણ લાજે, એટલે સૌએ પોતપોતાનાં પાનાં ઉતરવાં માંડ્યાં. આ ખેલ એટલે પણ ખેલાયો, કારણ ગુજરાતને માથે ચૂંટણી આવી છે ને સૌએ સત્તામાં આવવું છે એટલે જે સત્તામાં છે તે ટકી રહેવા અને બીજાને ન ઘૂસવા દેવા કમર કસે જ, તો જે સત્તામાં આવવા મથે છે તે પણ એડીચોટીનું જોર લગાવવામાં કોઈ કસર ન છોડે, તે પણ ખરું. એવરીથિંગ ઈઝ ફેર ઇન વોર એન્ડ લવ-ને ન્યાયે લવ જેવું તો ચૂંટણીમાં શું હોય, પણ ચૂંટણીને વોર કરી મૂકનારાઓ બધા જ હથકંડા અપનાવે એમાં નવાઈ નથી. એક તરફ ગાય-કૂતરાનું જુદું કાઢ્યું હોય તેમ સરકારે પ્રજાનું એટલું બધું કરી નાખ્યું છે કે પ્રજાને ખબર જ નથી પડતી કે આટલું બધું તે હોય એવું આશ્ચર્ય તેને થાય છે. હજારો કરોડના પ્રોજેક્ટ્સ છાશવારે જાહેર થતાં રહે તો પ્રજા અંજાય જ કે બીજું કૈં? ખરેખર આવા વિકાસથી પ્રજા ડઘાઈ ગઈ છે. આવું હોય ત્યારે પ્રજા સરકારને ફરી ચૂંટે એવો ભય વિપક્ષોને લાગે છે એટલે એ બીજું કૈં ન કરી શકે તો પણ એટલું તો કરે જ કે સરકારનાં કામો નકામા પુરવાર થાય. પુલ તૂટવામાં એવું પણ બહાર આવ્યું છે કે એક વિપક્ષે પુલ તૂટી પડે તેવું આગોતરું આયોજન કર્યું, એવા મેસેજ વહેતા થયા કે ગુજરાતમાં કશુંક એવું થવાનું છે જેનાથી સરકાર હાલી જશે ને ત્રીસમીએ પુલ એવો હાલ્યો કે સરકાર ખરેખર જ હચમચી ગઈ. વડા પ્રધાનથી માંડીને મુખ્ય મંત્રી સુધીના મોરબી પર મંડરાયા. એવું પણ ચર્ચામાં છે કે એક વિપક્ષી પાર્ટીના સભ્યોએ ઇરાદાપૂર્વક પુલ પર જ તેને તોડવાની નિર્લજ્જ પ્રવૃત્તિઓ કરી. આમાનું સાચુંખોટું તો બહાર આવે ત્યારે, પણ આપણે રાજનીતિ વગરના શ્વાસો લઈ શકીએ એવું હવામાન હવે રહ્યું નથી ને રડવાનું તો એનું ય છે.
