
રવીન્દ્ર પારેખ
પાકિસ્તાન બધી રીતે પરવારી જવા આવ્યું છે, પણ જાત બતાવવાનું ચૂકતું નથી. ભારત તેની દાઢીમાં હાથ ઘાલવા ક્યારે ય ગયું નથી, પણ તે વર્તી એવી રીતે રહ્યું છે કે જાણે ભારતને પાકિસ્તાનની ગરજ પડી છે ને તે પાકિસ્તાનને વાટાઘાટ કરવા વિનવી રહ્યું છે, જ્યારે સ્થિતિ એથી સાવ જ ઊલટી છે. પાકિસ્તાન આતંકી પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવામાં પ્રજાનો વિશ્વાસ ખોઈ બેઠું છે. સ્થિતિ એવી કથળી છે કે જે આતંકીઓને તેણે ઉછેર્યા એ જ આતંકીઓએ તેનાં પર હુમલાઓ કર્યા છે. પાકિસ્તાન સ્થિત લશ્કરે તૈયબાના નાયબ વડા મકકીને યુ.એન.એ. દ્વારા ‘વિશ્વ આતંકી’ ઘોષિત કરવામાં આવ્યો છે. આમ તો અમેરિકા અને ભારતની સંયુક્ત દરખાસ્ત હતી, મકકીને બ્લેક લિસ્ટ કરવાની, પણ ત્યારે ચીન આડું ફાટ્યું હતું. જો કે, હવે તે ઠેકાણે આવ્યું છે અને તેનો હોલ્ડ તેણે પાછો ખેંચ્યો છે. જે ચીનના દમ પર પાકિસ્તાન આતંકી પ્રવૃત્તિઓનો ને આતંકીઓનો વિશ્વ સમક્ષ બચાવ કરી રહ્યું હતું તે ચીને જ તેને યુ.એન.માં નિરાધાર કર્યું છે. હવે એ સ્થિતિ છે કે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ સાઉદી અરબ અને ચીન પાસે મદદ માંગે છે ને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વાટાઘાટ માટે તૈયાર થાય તેથી આરબ મુસ્લિમ રાષ્ટ્રને શરણે ગયા છે. પાકિસ્તાન માટે મદદ માંગવા આ અગાઉ પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન પણ કટોરો લઈને દુનિયામાં ફરી વળ્યા છે ને હવે એ કામ શાહબાઝ શરીફ કરી રહ્યા છે. તેમને એ સંકોચ ને શરમ જરૂર નડે છે કે પાકિસ્તાન પરમાણુ શસ્ત્રો ધરાવતું રાષ્ટ્ર હોવા છતાં તેણે મુસ્લિમ રાષ્ટ્રો પાસેથી આર્થિક મદદ માટે હાથ લંબાવવો પડ્યો છે. ઈમરાન ખાને ફરી સત્તામાં આવવું છે એટલે હાલના વડા પ્રધાનની સત્તા ડામાડોળ થાય એ માટેના પ્રયત્નો પણ તેઓ કરી રહ્યા છે. ખરેખર તો એમના સમયથી જ પાકિસ્તાન પરવારવા લાગ્યું હતું. એટલે પી.ટી.આઇ. સત્તા પર આવે તો ફેર પડી જાય એવું નથી.
આપણે ગાંધીને ગમે એટલી ગાળ દઇએ, પણ તેમણે કદી પણ દેશના ભાગલાની ઈચ્છા કરી ન હતી, તેમણે તો ભાગલા પોતાની લાશ પર થશે જેવું કહીને વિરોધ કર્યો હતો, પણ તે વખતના કેટલાક રાજદ્વારી નેતાઓની સ્વતંત્રતાની ઉતાવળને કારણે હિન્દુસ્તાન, પાકિસ્તાન થઈને રહ્યું. એ વખતે થોડી ધીરજ રખાઇ હોત તો અંગ્રેજોની ‘ડિવાઈડ એન્ડ રૂલ’ની નીતિનો ભોગ બનવાનું ભારતને આવ્યું ન હોત ને પાકિસ્તાનનું હાડકું ભારતના ગળામાં કાયમી ધોરણે ફસાયું ન હોત ! એ પછી પાકિસ્તાને, નોંધ લેવી પડે એવી કોઈ વિકાસની પ્રવૃત્તિઓ હાથ ધરી નથી, હા, વિશ્વભરમાં આતંકી પ્રવૃત્તિઓ ફેલાવી ને હેતુપૂર્વક હુમલાઓ તેણે જરૂર કરાવ્યા. પ્રજા કલ્યાણ તરફ પાકિસ્તાન 75 વર્ષે પણ ખાસ વળ્યું નથી ને હકીકત એ છે કે પાકિસ્તાની પ્રજાની ચિંતા પાક સરકારે કરી જ નથી, એ ચિંતા કરી હોત તો લોટ માટે પ્રજામાં આટલી ખેંચાખેંચી ચાલી ન હોત. ત્યાં, લોટ 155 રૂપિયે કિલો છે. દૂધ ને શાકભાજીના ભાવ આસમાને છે. મદદ માટે અનેક દેશો પાસે હાથ લંબાવવાનો વારો પાકિસ્તાનનો આવ્યો છે. એ સંજોગોમાં મદદ માટે પડોશી દેશ ભારતને પણ તે યાદ કરે એમાં નવાઈ નથી. ભારત, ઘરનાં ઘંટી ચાટે તો ય ઉપાધ્યાયને આટો આપે એવી માનસિકતા ધરાવે છે. શ્રીલંકાની હાલત ગયા વર્ષે કથળી ત્યારે ભારત જોડે અણબનાવ છતાં, ભારતે મદદમાંથી હાથ બહાર કાઢ્યો ન હતો. બને કે બધું ભૂલીને ભારત પાકિસ્તાનને પણ મદદ કરે, પણ એની સાથે થયેલી વાટાઘાટો છેવટે તો ઘાંટાઘાંટોમાં જ પરિણમી છે. પાકિસ્તાન જાત પર જવા માટે કુખ્યાત છે. તેણે ભારતમાં આતંકી હુમલાઓ કરાવ્યા છે, કાશ્મીર બોર્ડર પર સરહદી છમકલાં થતાં જ રહે છે, કેટલુંક કાશ્મીર તેણે આંચકી લીધું છે ને પી.ઓ.કે. આપવાનું નામ નથી. એ બાપીકી મિલકત હોય તેવો હક કરે છે ને આખા કાશ્મીરમાં તેની દખલ 75 વરસે ય ઓછી થતી નથી. આ પછી પણ તે જે વાતો કરવા માંગે છે તે શું છે?
પહેલાં તો તેણે તેની આર્થિક સ્થિતિ સુધારવાની જરૂર છે, તેને બદલે કાશ્મીર વગર તેને બીજું કૈં ખપતું ન હોય તેમ છાશવારે તેની જ મેથી માર્યા કરે છે. ગયા અઠવાડિયે સંયુક્ત અરબ અમીરાત(યુ.એ.ઇ.)ના રાષ્ટ્રપતિ નાહયાનને શાહબાઝે અપીલ કરી કે ભારત સાથે તમારે સારું છે અને તમે અમારા મુસ્લિમ ભાઈ છો, તો ભારતને અમારી સાથે વાતચીત માટે તૈયાર કરો. શરીફે નાહયાનને સ્પષ્ટ કર્યું કે પાકિસ્તાન હવે શાંતિ ઈચ્છે છે ને સંપૂર્ણ ઇમાનદારીથી અને ગંભીરતાથી ભારત સાથે વાત કરવા ઈચ્છે છે. એ સારી વાત છે કે શરીફ વાતચીત માટે આતુર છે, પણ કેવી વાતો માટે, તે જોવા જેવું છે. યુ.એ.ઇ.એ ક્યાં ય કાશ્મીરનો ફોડ પાડ્યો નથી, પણ શાહબાઝ શરીફ કાશ્મીરમાંથી 370મી હટાવાઈ તે ફરી લાગુ કરવાની વાત કરે છે. તેમનું કહેવું છે કે કાશ્મીરમાં માનવ અધિકારોનું ઉલ્લંઘન થયું છે ને 2019માં ઓટોનોમી નાબૂદ કરવામાં આવી હતી. ભારત સાથે વાતચીત ત્યારે જ થઈ શકે જો કાશ્મીરમાં 370મી કલમ અને 35-એ ફરી લાગુ કરવામાં આવે.
ભારતે સામે ચાલીને વાતચીત કરવી છે એવું ક્યાં ય કહ્યું નથી ને જો પાકિસ્તાને વાતચીત કરવી હોય તો તેની ગરજ તો કમ સે કમ દેખાવી જોઈએ, તેને બદલે તે શેખીખોર વધારે લાગે છે. ભારત તેની કદમબોશી કરતું હોય તેમ, એ તો ભારત દ્વારા જે લાગુ કરાયું છે તેને, 5 ઓગસ્ટ, 2019ની સ્થિતિએ પૂર્વવત લાવવાનો હુકમ કરે છે. લાગે છે કે આમાં પાકિસ્તાનની વાટાઘાટની કોઈ ઈચ્છા છે? એ તો હુકમને જ વાતચીત ગણે છે. 370મી કલમ ભારત સરકારે ભારતનાં કાશ્મીરમાંથી હટાવી છે. એ કલમ હટે કે રહે, તેનો દુખાવો પાકિસ્તાનને શું કામ થવો જોઈએ? એ કલમ કાશ્મીરમાંથી હટી છે, પાકિસ્તાનમાંથી નહીં – તે વાતને શાહનવાઝે સતત યાદ રાખવાની રહે.
પાકિસ્તાને વાટાઘાટો કરવી છે કે ભારતીય રાજનીતિમાં દાખલ પડી જવું છે તે બાબતે સ્પષ્ટ થઈ જવાની જરૂર છે. આ લખ્ખણો વાટાઘાટના નથી. તે એટલા માટે પણ કે વાટાઘાટની ગરજ બતાવતું પાકિસ્તાન યુદ્ધની ધમકી આપવાનું પણ ચૂકતું નથી. તે પોતે કબૂલે છે કે ભારત સાથેનાં ત્રણ ત્રણ યુદ્ધોમાં હારવાથી ગરીબી, બેકારીનો સામનો કરવાનો પાકિસ્તાનને આવ્યો જ છે. તેને આ યુદ્ધોથી બોધપાઠ મળી ગયો છે એવું પણ તે જાહેરમાં કબૂલે છે. તે હવે દારૂગોળો પણ વેડફવા માંગતું નથી એ સારી વાત છે, પણ તેનો તોર ઓછો થતો નથી. ભીખની વિનંતી હોય, તેનો હુકમ ન થાય. પણ પાકિસ્તાન ભીખ પણ દાન આપવાની રીતે માંગે છે. ખરું તો એ છે કે વાતચીત પાકિસ્તાન કરવા માંગે છે, પણ સાથે સાથે વડા પ્રધાન મોદીને એ સંદેશો પણ આપવા માંગે છે કે આપણે બંને પરમાણુ શક્તિ ધરાવીએ છીએ ને શસ્ત્ર સજ્જ છીએ. ભગવાન ન કરે કે યુદ્ધ થાય. થાય તો કોણ બચશે? એનું પરિણામ એવું આવશે કે શું થયું હતું તે કહેવાય કોઈ નહીં રહે. કોઈ બચવાનું નથી એનું ભાન તેઓ ભારતને કરાવવા માંગે છે. જો ખરેખર બોધપાઠ મળ્યો હોય તો તે અણુયુદ્ધની ધમકી આપે? તેમની અંદરથી ઈચ્છા તો લડવાની જ છે ને તે લડવું છે એમ સીધું નથી કહેતા, પણ અણુયુદ્ધ થાય તો ભારત નહીં રહે એમ સૂચવે છે. એમને કેમ સમજાવવું કે અણુયુદ્ધ થાય તો પાકિસ્તાન પણ નહીં રહે ! એવું ભારતના વડા પ્રધાને શરીફને યાદ અપાવવાનું છે?
આ મામલે ભારતનો જવાબ અગાઉથી નક્કી છે કે આતંકવાદ અને વાતચીત એક સાથે ન થાય. આતંકવાદી પ્રવૃત્તિઓ પાકિસ્તાન અટકાવે તો શાંતિ મંત્રણાનો ભારતનો ઇન્કાર જ નથી. સાથે જ પાકિસ્તાને પી.ઓ.કે.નો કબજો છોડવાનો રહે એ પણ ઉમેરવાનું ન હોય. સાચું તો એ છે કે ભારત પોતાની શરતે વાતચીત માટે તૈયાર છે ને વાતચીત માટે પાકિસ્તાનની પણ પોતાની શરતો છે. આ સ્થિતિમાં વાતચીત દૂર દૂર સુધી શક્ય લાગતી નથી. પાકિસ્તાનના યાહ્યાખાનથી માંડીને અનેક વડા પ્રધાનોએ અગાઉ પણ અનેક રમતો ને નાલાયકીઓ કરી છે ને ભારત તેમાં ભોળવાયું પણ છે. લાલબહાદુર શાસ્ત્રી જેવા વડા પ્રધાન આ જ પાકિસ્તાનની રમતમાં ભારતે ગુમાવ્યા છે. સરહદી શાંતિ અને પી.ઓ.કે. મળતાં હોય તો વાતચીત ભલે થાય, એ સિવાયનો આખો વ્યાયામ પાણી વલોવવા જેવો જ હશે એ વાત ભારતે બરાબર સમજી લેવાની રહે. એનું નામ પાક છે, બાકી, નાપાક થવામાં એને કોઈ પહોંચે એમ નથી તે આટલા અનુભવે હવે તો સમજાવું જ જોઈએ …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 20 જાન્યુઆરી 2023