12 જુલાઈ 2025ના રોજ સવારે પરિવાર સાથે શિકાગોથી કાર દ્વારા પ્રવાસ આારંભ્યો જે 29 જુલાઈએ પૂર્ણ થશે. આ પ્રવાસ દરમિયાન USના કુલ -11 રાજ્યો Illinois / Wisconsin / Minnesota / South Dakota / Wyoming / Montana / Idho / Utah / Denver / Nebraska / Iowaમાં ફરીશું.
પ્રથમ અમે Minnesota – મિનેસોટાના એક મુખ્ય શહેર Minneapolis – મિનિયાપોલિસ પહોંચ્યા. આ શહેર દુનિયામાં, મે-2020માં, પોલીસ અધિકારી દ્વારા જ્યોર્જ ફ્લોયડની હત્યા બાદ, racial justice – વંશીય ન્યાય માટે વૈશ્વિક ચળવળનું કેન્દ્ર બન્યું છે. વીડિયોમાં કેદ થયેલી આ ઘટનાએ મિનિયાપોલિસ અને સમગ્ર વિશ્વમાં પોલીસ ક્રૂરતા અને systemic racism – પ્રણાલીગત જાતિવાદ સામે વ્યાપક વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા. Black Lives Matter – બ્લેક લાઇવ્સ મેટર ચળવળ વધુ મજબૂત બની. એ પછી racial inequality અને police accountabilityનો મુદ્દો ચર્ચાતો રહ્યો છે.
મિનિયાપોલિસ અને સેન્ટ પોલ ‘ટ્વીન સિટી’ છે. જેની વચ્ચે મિસિસિપી નદી છે. મિનિયાપોલિસ તેના ઉદ્યાનો અને તળાવો માટે જાણીતું છે. Minnehaha Creek – મિનેહાહા ખાડી પર મિનેહાહા ધોધના દર્શન કર્યા. ધસમસતા પાણીને જોતાં જ રહીએ એવું લાગે ! અદ્દભુત ધોધ છે. શિયાળામાં સૌથી ઠંડા મહિનામાં આ ધોધ સખત થીજી જાય ત્યારે બરફની ગુફા બને છે !
‘Mall of America – મોલ ઓફ અમેરિકા’ જોયો. આ યુનાઇટેડ સ્ટેટ્સનો સૌથી મોટો મોલ છે, જે 1992માં ખુલ્લો મૂકાયો હતો. મોલની અંદર બાળકો અને મોટાઓ માટે રોલર કોસ્ટર, અસંખ્ય અન્ય રાઇડ્સ અને આકર્ષણો છે. આ યુનાઇટેડ સ્ટેટ્સનો સૌથી મોટો ઇન્ડોર થીમ પાર્ક છે. વરસે આશરે 40 મિલિયન લોકો આ મોલની મુલાકાત લે છે, જેમાંથી 80% લોકો મિનેસોટા, વિસ્કોન્સિન, આયોવા, નેબ્રાસ્કા, ડાકોટા, ઇલિનોઇસ અને ઓહિયોના હોય છે. આ મોલ 56,00,000 ચોરસ ફૂટ / 129 એકરમાં 4 માળમાં પથરાયેલો છે અને 11,000 લોકોને રોજગારી પૂરી પાડે છે.
મિનેહાહા ખાડીનું પાણી હોય કે મિસિસિપી નદીનું, તેનો રંગ ચા જેવો ભૂરો હોય છે. નર્મદા નદીના પાણીના રંગ દૂધીઓ અને વાદળી હોય છે, તેના કરતાં આ જુદો રંગ ! આનું શું કારણ હશે? સામાન્ય રીતે એવું લાગે કે પાણીનો ભૂરો રંગ પ્રદૂષણના કારણે હશે. પરંતુ ભૂરા રંગનું કારણ જુદું છે. જંગલ વિસ્તારમાંથી વહેતાં પાણીમાં સડી રહેલાં પાંદડાં અને અન્ય organic matter હોય છે. આ પદાર્થો પાણીમાં tannins – ટેનીન અને અન્ય રંગીન સંયોજનો છોડે છે, જેનાથી પાણીને ચાના રંગ જેવો ભૂરા રંગ મળે છે. પાનખરમાં સડી ગયેલાં પાંદડાઓનું પ્રમાણ વધુ હોય છે ત્યારે ધોધનો રંગ વધુ ભૂરો બને છે. આ રંગ પર્યાવરણ કે લોકો માટે હાનિકારક નથી. કુદરત પ્રદૂષણ કરતી નથી, માણસ જ પ્રદૂષણ કરે છે !
13 જુલાઈ 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર