ભારતમાં સ્ત્રીઓ પ્રમાણમાં ઓછી સંખ્યામાં બહાર રોજગારી શોધે છે. એના કારણે દેશના શ્રમના પુરવઠામાં એમનું પ્રમાણ ઓછું રહે છે. આને માટે અર્થશાસ્ત્રમાં એક વિભાવના છે. ૧૫થી ૬૦ વર્ષની ઉંમરનાં સ્ત્રી-પુરુષો પૈકી કેટલાં રોજગારીમાં છે કે રોજગારી શોધે છે એનુ માપ કાઢવામાં આવે છે. એને શ્રમના પુરવઠામાં સામેલગીરીનો દર કહેવામાં આવે છે. ભારતમાં પુરુષોમાં એ દર ૬૭.૪ ટકા હતો, જ્યારે મહિલાઓમાં એ દર ૯.૪૭ ટકા હતો. આને કારણે ભારતમાં શ્રમના પુરવઠામાં સામેલગીરીનો દર અત્યારે ૪૦ ટકા છે. ભારતને સમકક્ષ વિકાસશીલ દેશોમાં શ્રમના પુરવઠામાં સામેલગીરીનો દર ૬૦ ટકા જેટલો હોય છે. ભારતમાં શ્રમના પુરવઠામાં સામેલગીરી દર ઓછો છે. એને પરિણામે દેશમાં બેકારીનું પ્રમાણ અન્ય દેશોની તુલનામાં ઓછું જણાય છે. વાસ્તવમાં, આપણે શ્રમિકાનો ઉત્પાદક હેતુ માટે ઉપયોગ કરી શકતા નથી.
આમાં સ્ત્રીઓની સામેલગીરીનો નીચો દર જવાબદાર છે. ભારતમાં સ્ત્રીઓ રોજગારી શોધવા માટે પ્રમાણમાં ઓછી બહાર નિકળે છે. એમાં ભારતના સાંસ્કૃતિક પરિબળો તેમ જ આર્થિક પરિબળો જવાબદાર છે. ભારતમાં મોટાં ભાગની છોકરીઓ સારો વર મળે એ માટે ઉચ્ચ શિક્ષણ લે છે. ભારતમાં બાળઉછેરની જવાબદારી સર્વાંશે સ્ત્રીઓના માથે છે. આને કારણે મોટા ભાગની સ્ત્રીઓ બહારનું કામ શોધતી નથી. ઉપરાંત, ૨૧થી ૨૯ વયની વ્યક્તિઓમાં બેકારીનું પ્રમાણ ૨૨ ટકા જેટલું છે. આ ઉંમરની સ્ત્રીઓને રોજગારી મળવી મુશ્કેલ છે. ભારતના ઘણા પ્રદેશોમાં સ્ત્રીઓ માટે એકલા જવાઆવવાનું મુશ્કેલ છે. એમની સલામતી નથી હોતી. વળી કેટલાંક વ્યવસાયો અનૌપચારિક રીતે સ્ત્રીઓ માટે મુકરર થઈ ગયા છે. એને પરિણામે સ્ત્રીઓને મર્યાદિત ક્ષેત્રોમાં રોજગારી મળી શકે છે. સ્ત્રીઓ માટેના કેટલાંક અનુમાનને કારણે રોજગારી આપનારા સ્ત્રીઓને પસંદ કરતા નથી. આમ મોટાં ભાગની સ્ત્રીઓ માટે વ્યવસાયિક કારકિર્દી જીવનનો વિકલ્પ રહેતો નથી. એમણે ગૃહિણી તરીકે જ જીવન જીવવાનું હોય છે.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2022; પૃ. 04
![]()


દેશમાં અનાજના ઉત્પાદન અંગે કેન્દ્ર સરકારના ખેતીવાડી ખાતાએ ગયા ફેબ્રુઆરીમાં એક ગુલાબી ચિત્ર દોર્યું હતું. દેશમાં અનાજના ઉત્પાદનમાં ૧.૭ ટકાનો વધારો થશે અને અનાજનું ઉત્પાદન ૩૧.૬ કરોડ ટન થશે એવો અંદાજ મૂક્યો હતો. એ એક નોંધપાત્ર બાબત છે, કે છેલ્લાં પાંચ વર્ષોથી દેશમાં અનાજના ઉત્પાદનમાં વધારો થઈ રહ્યો છે. ૨૦૧૫-૧૬માં ૨૫.૨ કરોડ ટન અનાજનું ઉત્પાદન થયું હતું જે ચાલુ વર્ષે વધીને ૩૧.૬ કરોડ ટન થવાનો અંદાજ હતો.