ભારતનું લોકતંત્ર ખતરામાં છે અને હવે તો દુનિયા પણ કહેવા લાગી છે. એટલે તો ૧૨મી માર્ચે ચતુષ્કોણ પરિષદમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખુલાસો કરવો પડ્યો હતો કે ભારતમાં લોકતાંત્રિક સંસ્થાઓ સ્વતંત્ર છે અને ભીંસમાં નથી. ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જપાને સુરક્ષાની દિશામાં સંવાદ અને સહયોગ માટે ૨૦૦૭ની સાલમાં એક જૂથની રચના કરી હતી કે ક્વૉડ કૉન્ફરન્સ તરીકે ઓળખાય છે. આ ચારે ય દેશો લોકતાંત્રિક દેશો છે અને ચીનના વિસ્તારવાદની ભીંસ અનુભવી રહ્યા છે. આ ચાર દેશોમાંથી જપાન અને ઓસ્ટ્રેલિયાના લોકતંત્રને અત્યારે તો કોઈ ખતરો નથી. અમેરિકન લોકતંત્ર પરનો ખતરો અત્યારે તો ટળી ગયો છે અને ભારતનું લોકતંત્ર ખતરામાં છે.
બે પરિબળો છે જે લોકતંત્રને બચાવી શકે. એક છે, નાગરિકો અને બીજી લોકતાંત્રિક સંસ્થાઓ. અમેરિકાના લોકતંત્રને બન્નેએ મળીને બચાવી લીધું. લોકતાંત્રિક સંસ્થાઓએ ટ્રમ્પની તાનાશાહીનો મુકાબલો કર્યો હતો તે ત્યાં સુધી કે જ્યારે પણ કોઈ પ્રશ્ન અમેરિકાની ફેડરલ કોર્ટમાં જતો હતો, ત્યારે અમેરિકાના શ્વેત ખ્રિસ્તીઓની સર્વોપરિતામાં માનનારાઓ કાગારોળ કરીને અદાલત ઉપર અને બીજી લોકતાંત્રિક સંસ્થાઓ ઉપર દબાણ લાવતા હતા. અમેરિકાથી ઊલટું આપણે ત્યાં લોકતંત્રને સંબંધિત કોઈ પ્રશ્ન સર્વોચ્ચ અદાલતમાં કે ચૂંટણીપંચ સમક્ષ જાય છે ત્યારે સેક્યુલર લોકતંત્રમાં માનનારા ઉદારમતવાદીઓએ ઊહાપોહ કરવો પડે છે. અમેરિકન નાગરિકોએ ટ્રમ્પને પરાજીત કરીને લોકતંત્ર બચાવી લીધું હતું. જો કે ટ્રમ્પ જરાકમાં હાર્યા છે એટલે અમેરિકન લોકતંત્ર ખતરામુક્ત નથી.
ભારતમાં લોકતંત્ર બચાવવાની જેની જવાબદારી છે એવી ડઝનેક લોકશાહી સંસ્થાઓમાં સૌથી મહત્ત્વની અને શક્તિશાળી સંસ્થા સર્વોચ્ચ અદાલત છે. આનું કારણ એ છે કે બંધારણ ઘડનારાઓ દેશના લોકતંત્રને બચાવવાની ખાસ જવાબદારી સર્વોચ્ચ અદાલતને સોંપતા ગયા છે અને એ માટે જરૂરી સત્તા પણ આપતા ગયા છે. બંધારણમાં ખાસ તાકીદ કરવામાં આવી છે કે જ્યારે પણ લોકશાહી અને લોકશાહી મૂલ્યોનો હ્રાસ થતો જોવા મળે ત્યારે દેશનો અદનો નાગરિક કોઈ પણ વકીલ રોક્યા વિના સીધો સર્વોચ્ચ
અદાલતના દરવાજા ખખડાવી શકે છે અને સર્વોચ્ચ અદાલત સઘળાં કામ પડતા મૂકીને તેને સાંભળવા બંધાયેલી છે. ટૂંકમાં લોકતંત્રની અને નાગરિક સ્વાતંત્ર્યની રખેવાળી કરવાની જવાબદારી સર્વોચ્ચ અદાલતની છે અને તેને માટે જરૂરી સત્તા સાથે પાકી જોગવાઈ કરવામાં આવી છે.
પણ સ્થાન ગમે તેટલું પવિત્ર હોય અને ગમે તેટલું શક્તિશાળી હોય, આખરે એ સ્થાન ઉપર કોઈ માણસ જ બેસવાનો છે અને માણસ અંતે માણસ હોય છે. દરેક પ્રકારની મર્યાદા ધરાવનારો માટીનો બનેલો. જગત આખામાં ધર્મસંસ્થા અને ન્યાયસંસ્થા પવિત્ર અને શક્તિશાળી સંસ્થા તરીકેનું સ્થાન ધરાવે છે. ધર્મગુરુની જેમ સર્વોચ્ચ અદાલતનો જજ પણ ડરપોક હોઈ શકે છે, લાલચી હોઈ શકે છે, બીકાઉ હોઈ શકે છે, પૂર્વગ્રહોથી દૂષિત હોઈ શકે છે અને કાયદાનું અર્થઘટન કરવામાં નબળો પણ હોઈ શકે છે. માટે દરેક સંસ્થામાં બેઠેલા લોકો ઉપર નજર રાખવી જોઈએ અને તેમાં ધર્મપીઠ અને ન્યાયપીઠ અપવાદ ન હોઈ શકે.
સવાલ એ છે સર્વોચ્ચ અદાલતનો જજ ખોટો, પક્ષપાતી કે બંધારણવિરોધી ચુકાદો આપે ત્યારે નિંદા કરવી જોઈએ કે પછી એવો ચુકાદો આપે જ નહીં એ માટે ઊહાપોહ પણ કરવો જોઈએ? બે શબ્દ સમજવાની કોશિશ કરજો. નિંદા અને ઊહાપોહ. નિંદા ખોટું થાય ત્યારે કરવી જોઈએ અને ઊહાપોહ ખોટું ન થાય એ માટે કરવો જોઈએ. ઊહાપોહ એ નિંદા નથી, પણ સાવધાની માટેની કાગારોળ છે. જાગૃત નાગરિકોએ ઊહાપોહ કરવો જ જોઈએ. એવું નથી કે બંધારણ માત્ર સર્વોચ્ચ અદાલતને જ સમજાય છે સામાન્ય નાગરિકને નથી સમજાતું. આધુનિક રાજ્યમાં નાગરિક ભાગીદાર છે અને પાયાનો પથ્થર છે. એનું અને એનાં સંતાનોનું હિત તેમાં જોડાયેલું છે કશુંક ખોટું થવાની સંભાવના નજરે પડે એટલે તેણે કાગારોળ કરવી જ જોઈએ.
આવો એક પ્રસંગ સર્વોચ્ચ અદાલતે આપ્યો છે. ભારતીય જનતા પક્ષના એક ભાઈએ ૧૯૯૧માં ઘડાયેલા પ્લેસીસ ઓફ વર્શીપ એક્ટને સર્વોચ્ચ અદાલતમાં પડકાર્યો છે અને માગણી કરી છે કે તેને રિવ્યુ કરવામાં આવે. આપણા આશ્ચર્ય વચ્ચે સર્વોચ્ચ અદાલતે એ અરજી ફગાવી દેવાની જગ્યાએ દાખલ કરી છે અને કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે આ વિષે કેન્દ્ર સરકારને શું કહેવાનું છે એ સ્પષ્ટ કરે. હવે સર્વોચ્ચ અદાલતે એ અરજી શા માટે બારોબાર ફગાવી દેવી જોઈતી હતી એની વાત કરતાં પહેલાં પ્લેસીસ ઓફ વર્શીપ એક્ટ ૧૯૯૧ શું કહે છે એ જોઈ લઈએ.
સંઘપરિવારે જ્યારે અયોધ્યામાં રામમંદિર બાંધવા માટેનું આંદોલન શરૂ કર્યું ત્યારે ‘તીન નહીં તીન હજાર’નો નારો ચલાવવામાં આવતો હતો. તેમની માગણી એવી હતી કે માત્ર કાશી, મથુરા અને અયોધ્યા એમ ત્રણ જગ્યાએ મુસલમાનોનાં ધાર્મિક સ્થાનોને નથી હટાવવાનાં, દેશભરમાં બીજાં ત્રણ હજાર સ્થાનો એવાં છે જે મુસલમાનો પાસેથી છીનવી લેવાનાં છે. જો આવું બને તો દેશ હિંદુ રાષ્ટ્ર તો બનવો હશે ત્યારે બનશે પણ ખાખી (નાદાર) રાષ્ટ્ર જરૂર બનશે. અશાંતિ અને સમૃદ્ધિ એક સ્થળે એક સાથે નથી વસતાં. આવી સ્થિતિને રોકવા માટે ૧૯૯૧ની સાલમાં પ્લેસીસ ઓફ વર્શીપ એક્ટ એવો એક કાયદો ઘડવામાં આવ્યો હતો જેમાં જોગવાઈ કરવામાં આવી હતી કે એક માત્ર અયોધ્યામાં વિવાદિત બાબરી મસ્જિદ-રામજન્મભૂમિનું ધાર્મિક સ્થાન છોડીને દેશમાં દરેક જગ્યાએ ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ જે તે ધાર્મિક સ્થાનોની જે સ્થિતિ હતી તે કાયમ રહેશે. અયોધ્યાનો અપવાદ એટલા માટે કરવામાં આવ્યો હતો કે વિવાદ સો વરસથી અદાલતમાં હતો અને તેનો ઉકેલ લાવવા માટે હિંદુઓ અને મુસલમાનો વચ્ચે ત્યારે વાતચીત ચાલતી હતી. એ સમયે એ ખરડાનો બી.જે.પી.એ વિરોધ કર્યો હતો, પરંતુ અન્ય પક્ષોની બન્ને ગૃહોમાં બહુમતી હોવાથી એ ખરડો પસાર થયો અને કાયદો બન્યો.
દેખીતી રીતે એ કાયદો નવા પરિવર્તનની વચ્ચે આડો આવે છે. કાશીમાં જ્ઞાનવાપી મસ્જિદ કબજે કરવી હોય, મથુરામાં ઇદગાહને કબજે કરવો હોય, બીજાં ત્રણ હજાર મુસ્લિમ ધર્મસ્થાનોને છીનવી લેવાં હોય તો આ કાયદો આડો આવે છે. માટે સર્વોચ્ચ અદાલતમાં અરજી કરવામાં આવી છે.
હવે પેલા સવાલનો જવાબ કે શા માટે સર્વોચ્ચ અદાલતે અરજી બારોબાર ફગાવી દેવી જોઈતી હતી અને શા માટે તેને દાખલ કરી છે એ જોઇને ડર લાગે છે અને કાગારોળ કરવી પડે એમ છે? એક તો એ કે એ કાયદો ઘડાયો ત્યારે બાબરી મસ્જિદ-રામમંદિરના પ્રશ્નને એમાંથી બહાર રાખ્યો હતો કે ચાલો એક મામલો ઊભો થયો છે તો તેને કોઈક રીતે ઉકેલી લેવાશે, પણ હવે પછી નવા વિવાદ પેદા કરવામાં નહીં આવે. એ ભાવનાને એક માત્ર સંઘપરિવારને છોડીને સર્વત્ર આવકારવામાં આવી હતી. ખુદ સર્વોચ્ચ અદાલતે જ્યારે ત્યારે સેકયુલરિઝમ અને અયોધ્યા વિષે નુક્તેચીની કરવાનો પ્રસંગ આવ્યો છે ત્યારે તેને આવકાર્યો છે. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિઓએ અને બીજા ન્યાયમૂર્તિઓએ ખાનગી કે જાહેર કાર્યક્રમોમાં બોલતા તેને આવકાર્યો છે. ૨૦૧૦માં અલ્હાબાદની વડી અદાલતે બાબરી મસ્જિદ વિષે આપેલા ચુકાદામાં એ કાયદાની ઉપયોગિતા વર્ણવી બતાવી છે.
અને ૨૦૧૯ના નવેમ્બર મહિનામાં સર્વોચ્ચ અદાલતે બાબરી મસ્જિદ વિશેના આપેલા ચુકાદામાં? ઓ હો, એમાં તો એ કાયદાના એટલાં બધાં ઓવારણા લેવામાં આવ્યાં છે કે વાત ન પૂછો. જજો દરેક ફકરામાં બાબરી મસ્જિદ-રામજન્મભૂમિ વિવાદના દુર્ભાગ્યપૂર્ણ ઇતિહાસની અને ૧૯૯૧ના કાયદાના પરિણામે ઉજ્વળ ભવિષ્યની યાદ અપાવતા હતા. વાત એમ હતી કે ત્યારે સર્વોચ્ચ અદાલતના જજો હિંદુઓની તરફેણમાં અને મુસલમાનોને અન્યાય કરનારો ચુકાદો આપવા માગતા હતા અને એ રીતે ભારતના સેક્યુલર કિલ્લામાં ફાંકુ પાડવા માંગતા હતા એટલે દરવાજો કેટલો બુલંદ છે એની વારંવાર યાદ અપાવતા હતા. એ બુલંદ દરવાજો એટલે ૧૯૯૧નો પ્લેસીસ ઓફ વર્સીસ એક્ટ. સર્વોચ્ચ અદાલતના જજો જ્યારે મુસલમાનોને સેક્યુલર ઇન્ડિયાનો દરવાજો કેવો બુલંદ છે અને બીજાં ધાર્મિક સ્થાનોને ઊની આંચ નહીં આવે એવો સધિયારો આપતા હતા ત્યારે દિલ્હીમાં અને નાગપુરમાં કેટલાક લોકો મૂછમાં હસતા હશે કે આ તો પહેલો કડવો ઘૂંટડો છે, હજુ બીજા ઘૂંટડા પીવાના છે.
હવે સુજ્ઞ વાચકને સમજાઈ ગયું હશે કે શા માટે સર્વોચ્ચ અદાલતે એ અરજી દાખલ જ નહોતી કરવી જોઈતી. જે જોગવાઈનાં સર્વોચ્ચ અદાલત દ્વારા વારંવાર ઓવરણા લેવામાં આવ્યાં છે, જે જોગવાઈનો સધિયારો આપીને મુસલમાનોને અન્યાય કરવામાં આવ્યો અને જે જોગવાઈને આગળ રાખીને સેક્યુલર ઇન્ડિયાના ગઢમાં ગાબડું પાડવામાં આવ્યું એ જોગવાઈમાં જ જો ગાબડું પાડવાની માગણી કરતી અરજી કરવામાં આવે તો તેને દાખલ કરવાની હોય કે ફગાવી દેવાની હોય! સર્વોચ્ચ અદાલતે અરજી દાખલ કરી છે એટલે ડર લાગે છે અને માટે ઊહાપોહ કરવો પડે એમ છે. કાગારોળ કરવી પડે એમ છે. રખે એવું ન બને કે વધુ એક જજ રાજ્યસભાની સીટ સામે દેશના સેક્યુલર લોકતંત્રનો, ન્યાયનો અને પોતાના અંતરાત્માનો સોદો કરી નાખે. આવી વકી છે અને પાકી વકી છે.
બાય ધ વે, ન્યાયમૂર્તિ રાજન ગોગોઈ એક વરસથી રાજ્યસભામાં બેઠા છે પણ મોઢું ખોલતા શરમાય છે. હજુ સુધી એક શબ્દ બોલ્યા નથી.
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 25 માર્ચ 2021
![]()


સેમિનારનું આયોજન કર્યું હતું, જેમાં બીજા દિવસના મોડરેટર પ્રિયંવદા ગોયલ હતાં જે એ કૉલેજમાં જ ભણાવે છે. સેમિનારમાં વિન્સ્ટન ચર્ચિલની ટીકા કરવામાં આવી એ બ્રિટનના રાષ્ટ્રવાદી દેશપ્રેમી રૂઢિચુસ્તોને ગમ્યું નહોતું અને તેમણે હોબાળો મચાવ્યો હતો. ચર્ચિલના પૌત્રએ કૉલેજના સંચાલકોને લખ્યું હતું કે ચર્ચિલનું નામ જે કૉલેજ સાથે જોડાયેલું છે એ કૉલેજમાં હવે પછી ચર્ચિલની બદનામી ન થવી જોઈએ.
ભારતનાં બંધારણનું ઘડતર પ્રમાણમાં આસાનીથી થઈ શક્યું એનાં કારણો બતાવતાં આગળના લેખમાં આપણે બે કારણોની વાત કરી હતી. એક તો એ કે ભારતમાં ક્યારે ય અખિલ ભારતીય શાસનવ્યવસ્થા જ નહોતી એટલે અંગ્રેજોને જૂનું હટાવીને નવું દાખલ કરવાપણું હતું નહીં. આને કારણે પ્રજાના વિરોધનો પણ સામનો નહોતો કરવો પડ્યો. બીજું કારણ એ કે ભારતની પ્રજા મહદ્દ અંશે રાજકીય કરતાં સામાજિક ધારાધોરણો દ્વારા શાસિત હતી. બીજા શબ્દોમાં કહીએ તો ભારતમાં રાજ્યતંત્ર કરતાં સમાજતંત્ર વધારે પ્રભાવી હતું અને એનું જ શાસન હતું. પ્રજાને રાજાનો ડર ઓછો લાગતો હતો, જ્ઞાતિની પંચાયતોનો ડર વધુ લાગતો હતો. આમાં ગ્રામીણ ભારત તો લગભગ રાજ્યશાસનથી મુક્ત હતું.