ચૂંટણીઓ માટે રણનીતિ ઘડનારા પ્રશાંત કિશોર આજકાલ તેમની દરેક મુલાકાતમાં વારંવાર કહે છે કે રાષ્ટ્રીય સ્તરે ભારતીય જનતા પક્ષને પરાજીત કરવો હોય કે પછી બી.જે.પી.ને અન્ય પક્ષોનો ટેકો લઈને સરકાર રચવી પડે એ હદે લોકસભામાં લઘુમતીમાં ધકેલી દેવો હોય, તો વિપક્ષી એકતા કામમાં આવવાની નથી. વિપક્ષી એકતાનાં ગણિતની એક મર્યાદા હોય છે. જે તે પ્રદેશમાં જે તે પક્ષોના મતોનો સરવાળાઓ કરવાથી રાજકીય ચિત્ર નિર્ણાયક પ્રમાણમાં બદલી શકાતું નથી.
પ્રશાંત કિશોરની વાત સાચી છે અને એનાં મુખ્ય ત્રણ કારણ છે. એક તો એ કે જે તે રાજ્યમાં સૌથી પ્રભાવી વિરોધ પક્ષ હોય એની તરફેણમાં બીજા નાના પક્ષો પોતાનો રાજકીય સ્વાર્થ છોડીને કહેવાતા રાષ્ટ્રીય હિત માટે પોતાની દુકાન સંકેલી લે એમ બનવાનું નથી. આવી અપેક્ષા રાખવી એ ભોળપણ છે. બીજું કારણ એ છે કે સંસદીય લોકતંત્રમાં જે તે પક્ષના રાજકીય નેતાઓ પોતાના સંસદીય ક્ષેત્ર(કે વિધાનસભા ક્ષેત્ર)ને કેળવતા હોય છે, જે રીતે ખેડૂત પોતાના ભાગમાં આવેલી જમીનને કેળવતો હોય છે. વિપક્ષી એકતાના નામે પક્ષનો નેતા પોતે કેળવેલી જમીન કોઈ બીજા પક્ષના ઉમેદવારને ખેડવા માટે આપી દે તો એ સ્થાનિક દાવેદાર તેને દિલથી સ્વીકારવાનો નથી. પક્ષનું હિત અને દાવેદાર નેતાઓનું અંગત હિત ટકરાય છે. ત્રીજું કારણ એ છે કે જે તે પક્ષનો મતદાતા પોતાનાં ક્ષેત્રમાં આવેલા અન્ય પક્ષના આગંતુક ઉમેદવારને રાજકીય સમજૂતીના નામે સ્વીકારતો નથી અને તેને મત આપતો નથી. ઘણાં કિસ્સામાં એ મત એ પક્ષને જાય છે જેની વિરુદ્ધ રાજકીય સમજૂતી કરવામાં આવી હોય. આવું વખતોવખત જોવા મળ્યું છે.

પ્રશાંત કિશોર કહે છે કે રાષ્ટ્રીય સ્તરે જો નિર્ણાયક રાજકીય પરિવર્તન કરવું હોય તો એને માટે વિરોધ પક્ષોના મતદાતાઓ ઉપર ભરોસો રાખવાની જગ્યાએ બી.જે.પી.નો વિરોધ કરનારા મતદાતાઓ ઉપર સીધો ભરોસો રાખીને એને જેવું જોઈએ છે, એવું રાજકારણ કરવું જોઈએ. એવા મતદાતાની સંખ્યા ઓછી નથી, લગભગ ૫૦ ટકા છે. અડધોઅડધ. બી.જે.પી.નો વિરોધ કરનારા નાગરિકોના મત હિમાલય જેટલા અચલ છે અને એમાં એક મતનો પણ ઘટાડો થવાનો નથી, એમાં વધારો થઈ શકે છે. જે મતદાતા બી.જે.પી.નો વિરોધ કરે છે એ બી.જે.પી.ની વિરુદ્ધ મત આપતો રહે છે, જ્યારે કે તેને ખબર હોય છે કે તેનો મત નિર્ણાયક પરિવર્તન કરી શકવાનો નથી અને વેડફાવાનો છે.
વારંવાર ભારતના પચાસ ટકા મતદાતાઓ રૂઢ અર્થમાં પોતાનો મત વેડફે છે. તેને ખબર છે કે તે નિર્ણાયક પરિવર્તન કરી શકતો નથી અને તે વિરોધ પક્ષોથી નિરાશ અને અને નારાજ પણ છે; પણ એ છતાં ય તે બી.જે.પી.ને મત આપતો નથી, કારણ કે તેને બી.જે.પી.ની કલ્પનાનું ભારત સ્વીકાર્ય નથી. એ વારંવાર બી.જે.પી.ની કલ્પનાનું ભારત તેની વિરુદ્ધ મત આપીને નકારતો રહે છે, પછી ભલે એ વાંઝિયો પ્રયાસ હોય.
એને કંઈક જોઈએ છે. એવું કાંઈક જોઈએ છે જે બી.જે.પી. આપી શકે એમ નથી. ઊલટું તેને એમ લાગે છે કે બી.જે.પી.એ તેને જે જોઈએ છે એ ઝુંટવી લીધું છે. તેની પાસે અત્યાર સુધી જે હતું એ બી.જે.પી.એ ઝૂંટવી લીધું છે. એ એને પાછું જોઈએ છે. શું જોઈએ છે એને? સહિયારું ભારત. દરેક ધર્મોને સમાન આદર આપનારું સેક્યુલર ભારત. દરેક અવાજને વાચા આપનારું મુક્ત લોકતાંત્રિક ભારત. સ્ત્રીઓને અને શોષિત-વંચિતને ન્યાય તેમ જ માનવીય ગરિમા આપનારું સમાનતાયુક્ત ભારત. જ્યાં કાયદો અને વ્યવસ્થાનો લાભ દરેકને એક સરખો મળતો હોય એવું કાયદાના રાજવાળું બંધારણીય ભારત. સંખ્યાના જોરે કોઈ કોમવિશેષની દાદાગીરી ચલાવી લેવામાં ન આવતી હોય એવું સભ્ય ભારત. જ્યાં ખોટો ઇતિહાસ ભણાવવામાં ન આવતો હોય, જ્યાં ખોટા ગૃહિતો સ્થાપિત કરવામાં ન આવતા હોય, જેમાં લોકોને ભાવનાઓના પૂરમાં વહાવવામાં ન આવતા હોય, જ્યાં લોકોને ડર બતાવવામાં ન આવતો હોય, એવું બુદ્ધિપ્રધાન વિવેકી ભારત. જ્યાં વિજ્ઞાન અને વિકાસ કેન્દ્રમાં હોય એવું ઊર્ધ્વગામી ભારત. ભારતના ૫૦ મતદાતાઓને આવું ભારત જોઈએ છે. વિરોધ પક્ષોના મતદાતાઓને આવું ભારત અભિપ્રેત છે કે નહીં, એ ખાતરીપૂર્વક કહેવું મુશ્કેલ છે, પણ જેમને આવું ભારત જોઈએ છે એ બી.જે.પી.નો વિરોધ કરે છે. તેઓ બી.જે.પી.નો વિરોધ કરતા હતા, કરે છે અને કરવાના છે; કોઈ રાજકીય પક્ષ તેના મતને ઝીલવા સક્ષમ હોય કે ન હોય.
ભારતનો પ્રત્યેક બીજો નાગરિક બી.જે.પી.નો વિરોધી છે અને એમાં એક મતનો પણ ઘટાડો થવાનો નથી. આવનારાં વરસોમાં એમાં વધારો થવાની શક્યતા ખરી, પણ ઘટાડો થવાની કોઈ શક્યતા નથી. ટકોરાબંધ પ્રતિબદ્ધ મતદાતાઓ ઉપલબ્ધ છે, પણ તેના સુધી પહોંચવું કેમ અને પહોંચશે કોણ? આ લાખ રૂપિયાનો સવાલ છે. વિપક્ષી જોડાણની કસરત કરવા તૈયાર છે, તેમાં ઓછી બેઠકો મેળવીને અપમાનિત થવા તૈયાર છે, પણ સહેજે ઉપલબ્ધ પ્રતિબદ્ધ મતદાતા પાસે રાજકીય વિકલ્પ બનીને પહોંચવાની કોઈ કોશિશ કરતું નથી.
કારણ? ૧. ભારતમાં કાઁગ્રેસને છોડીને અખિલ ભારતીય સ્તરે કોઈ પક્ષ હાજરી ધરાવતો નથી અને કાઁગ્રેસ દિશાહિન તેમ જ પુરુષાર્થહિન છે. ૨. બે-ચાર પક્ષોને છોડીને બાકીના બધા જ પક્ષો પારિવારિક પક્ષો છે. ૩. આમ આદમી પાર્ટીનો એક ધૂમકેતુની માફક ઉદય થયો હતો, પણ અત્યારે તેમાં તેના નેતા અરવિંદ કેજરીવાલ પોતે તાનાશાહ છે અને બી.જે.પી.ના આકરા હિન્દુત્વ સામે સોફ્ટ હિન્દુત્વની નકલ કરે છે. જે હિંદુઓથી ડરીને હિંદુઓને રીઝવવાનું રાજકારણ કરશે તે ક્યારે ય ફાવવાના નથી.
આમ સ્થિતિ નિરાશાજનક છે, પણ આશાનું કિરણ એ છે કે શૂન્યાવકાશ ક્યારે ય ભરાયા વિના રહેતો નથી. જ્યારે જેની જરૂરિયાત હોય તેનો ઉદય થતો હોય છે. કુદરતનો આ નિયમ છે અને તે અટલ છે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 16 જાન્યુઆરી 2022
![]()


મેં તબલીગી જમાત વિશેના લેખમાં લખ્યું હતું કે તબલીગી જમાત અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના એક જ સમયે અને એક જ સરખા સંજોગોમાં આગળ-પાછળ થઈ છે એ યોગાનુયોગ નથી. એ શું સંજોગો હતા એ સ્પષ્ટ કરવાનું એક વાચકે મને કહ્યું હતું. અહીં થોડી વાત એના વિશે કરીએ.
જો માનવી હોવાપણામાં ભારતીય હોવાપણું આવી જાય, હિંદુ હોવાપણું આવી જાય, મુસલમાન હોવાપણું આવી જાય, દ્રવિડ હોવાપણું આવી જાય, ગુજરાતી હોવાપણું આવી જાય, પટેલ મરાઠા કે બ્રાહ્મણ હોવાપણું આવી જાય, પુરુષ હોવાપણું આવી જાય તો ઓળખોના સાંકડા સંકુચિત રાજકારણ માટે જગ્યા જ ન બચે. વળી આ મહાત્મા કેવળ ઉપદેશ નથી આપતો; લોકોને જોડે છે, દરેક પ્રજાને એક સરખાં વાત્સલ્ય સાથે બાથમાં લે છે, લોકોને આંદોલિત કરે છે અને સંસારમાં ક્યારે ય જોવાં નહોતું મળ્યું એ રીતે પ્રચંડ રાજકીય હસ્તક્ષેપ કરી શકે છે. પ્રજા તેમને સાંભળે છે અને તેમની સાથે ચાલે છે.
‘The Mighty alone can afford to be merciful and therefore where else can the prodigal son return but to the parental doors of the Government?’ જેને ‘વીર’ તરીકે સ્થાપવામાં આવે છે એ વિનાયક દામોદર સાવરકરની જેલમાંથી છૂટવા માટેની આ કાકલૂદી છે. કાકલૂદીનો આ પત્ર પહેલો નથી, પણ બીજો છે. પહેલો પત્ર તેમણે આંદામાનની જેલમાં પહોંચીને તરત જ લખ્યો હતો જેનો ઉલ્લેખ તેમણે બીજા પત્રમાં કર્યો છે. ના, આ છેલ્લો પત્ર પણ નથી.