
રમેશ ઓઝા
ભારતમાં વચલી જ્ઞાતિઓના અનુલોમ-વિલોમ બાબતે આ કૉલમમાં મેં લખેલા લેખ વિષે એક વાચકની પ્રતિક્રિયા આવી કે ખ્રિસ્તી તે વળી આદિવાસી હોતા હશે? તેમની સમજ એવી છે કે ખ્રિસ્તી એટલે ફાડ ફાડ અંગ્રેજી બોલનારા ભદ્ર અને આદિવાસી એટલે આર્થિક-સામાજિક એમ દરેક રીતે પછાત. આદિવાસી ખ્રિસ્તી કેવી રીતે હોઈ શકે?
આ એક એવો દેશ છે જ્યાં દેશપ્રેમી બનવા માટે દેશને સમજવાની જરૂર કોઈને લાગતી નથી. ભારતનાં નકશાની અંદર જેટલી ભૂમિ બતાવી છે એ દેશ અને તેને હું પ્રેમ કરું છું એટલે દેશપ્રેમી એવી ટૂંકી સમજ લોકો ધરાવે છે. જેમ પત્થરની મૂર્તિ કાંઈ માગતી નથી અને તેની પૂજા કરીને પોતાને ધાર્મિક તરીકે ઓળખાવી શકાય છે એમ જળ-થળ પણ કાંઈ માગતાં નથી અને તેને પ્રેમ કરીને દેશપ્રેમી તરીકે ઓળખાવી શકાય છે. પણ જેમ ધર્મ મૂર્તિમાં સીમિત હોતો નથી એમ દેશ જળ-થળમાં સીમિત હોતો નથી. ધર્મ ચોક્કસ દર્શન અને મૂલ્યોનો બનેલો હોય છે એમ દેશ એ ભૂમિમાં વસતી પ્રજાનો અને પ્રજાના પીંડનો બનેલો હોય છે.
સમસ્યા અહીં આવે છે. સાચા ધાર્મિક બનવું હોય તો પોતાનાં ધર્મનાં દર્શનને સમજવું પડે, તેનાં મૂલ્યોને સમજવાં પડે, તેને અપનાવવાં પડે, આત્મસાત કરવાં પડે, સહધર્મીઓને તે સમજાવવાં પડે, પોતાનાં સંતાનોને વારસામાં આપવાં પડે અને સૌથી મોટી વાત, દર્શન અને મૂલ્યોની બાબતે આપણો ધર્મ અન્ય ધર્મોથી ક્યાં અલગ પડે છે અને બીજા ધર્મો આપણા ધર્મથી ક્યાં અલગ પડે છે એ સમજવું પડે. દર્શન અને મૂલ્યોની બાબતે બીજી ધાર્મિક કોમ આપણાથી ક્યાં અલગ પડે છે અને આપણે બીજાથી ક્યાં અલગ પડીએ છીએ એ સમજવું પડે. એક વાર, માત્ર એક જ વાર આવો એક નાનકડો પ્રયોગ પોતાની જાત સાથે કરી જોશો તો વિવેકના પ્રદેશનો પરિચય થવા લાગશે. ઝાંખી થશે અને એ ઝાંખી અનુપમ હશે.
પણ કહેવાતા ધાર્મિકો આવી ઝાંખીથી ડરી જાય છે. કારણ એ છે કે જીવતો ધર્મ કાંઈક અપનાવવા-છોડવાનો આગ્રહ રાખે. દર્શન અને મૂલ્યોના ત્રાજવે અને સદ્દઅસદ્દના ત્રાજવે સતત તોળાવું પડે છે. નાપાસ થવાનો ડર રહે છે અને પાસ થવા માટે જહેમત કરવી પડે છે. આનાં કરતાં મૂર્તિ અને બાહ્ય ઓળખ આપનારાં કર્મકાંડ સારાં. મૂર્તિ અને માળા આગ્રહી (ડિમાન્ડીંગ) નથી હોતાં. આમાં નાપાસ થવાનો ડર નહીં અને પાસ થવાની પળોજણ નહીં. ધાર્મિક ગણાઈએ, સમૂહનો ભાગ બનીએ, સમૂહની તાકાતમાં આશ્રય મેળવીએ, સમૂહની તાકાતનો દુરુપયોગ કરીએ, બીજાને તુચ્છ ગણીને અને આપણને મહાન ગણાવીને પોરસાઈએ.
જે વાત ધાર્મિકોને લાગુ પડે છે એ વાત દેશપ્રેમીઓને પણ લાગુ પડે છે. ધર્મને મૂર્તિ અને માળામાં સીમિત કરી નાખો એટલે એ કોઈ ચીજ નથી માગતો એમ દેશને જળ અને થળમાં સીમિત કરી નાખો એટલે એ કોઈ ચીજ નથી માગતો. પણ એ જ દેશ જો પ્રજાનો બનેલો હોય તો ઘણું માગે. જે તે પ્રજાની વિવિધતા હોય, કેટલીક પ્રજા આપણાંથી સાવ જુદી હોય, તેના પ્રશ્નો હોય, તેનાં સપનાં હોય, તેમની ફરિયાદો હોય, અપેક્ષાઓ અને એષણાઓ હોય, ચોક્કસ ભૌગોલિક સ્થિતિમાં વિકસેલા રીતિરિવાજ હોય, જીવનશૈલી હોય. જીવતા માણસના બનેલા જીવતા સમાજના જીવાતા જીવનના પ્રશ્નો હોય.
હમણાં ધર્મની બાબતમાં કહ્યું એમ એક વાર, માત્ર એક જ વાર પ્રજાના બનેલા દેશને સમજવાનો એક નાનકડો પ્રયોગ પોતાની જાત સાથે કરી જોશો તો વિવેકના પ્રદેશનો પરિચય થવા લાગશે. દેશની ઝાંખી થશે અને એ ઝાંખી અનુપમ હશે. પણ અગેન ધાર્મિકોની માફક જ દેશપ્રેમીઓ દેશની ઝાંખીથી ડરી જાય છે. બધા કેમ એક સરખા નથી અને બધા કેમ એક સરખી રીતે વિચારતા નથી? જો વૈવિધ્ય પ્રકૃતિદત્ત છે તો તેનો સ્વીકાર કરી લેવો જોઈએ કે તેને નકારવું જોઈએ? કોણ કોના પક્ષમાં સ્વીકાર કે અસ્વીકાર કરે? આદિવાસીઓ તો આદિમજાતિઓ છે એમ આપણે કહીએ છીએ અને ખ્રિસ્તી ધર્મ તો બે હજાર વર્ષ જૂનો છે અને એ પણ વિદેશથી આવ્યો છે, તો આપણી ભૂમિના આદિવાસીઓ કેમ ખ્રિસ્તીઓ બન્યા, હિંદુ ધર્મ તેને પોતાની પાંખમાં કેમ ન લઈ શક્યો? પહેલા સવાલના જવાબમાં ધર્માંતરણ કરાવનારા મિશનરીઓ ઉપર ઠીકરું ફોડવા જશો ત્યાં બીજો સવાલ આવી પહોંચશે, હિંદુ ધર્મ કેમ તેમને પોતાની સોડમાં ન રાખી શક્યો કે લઈ શક્યો?
પ્રજાના બનેલા જીવતા દેશને પ્રેમ કરવા જશો તો આવા સેંકડો સતાવનારા સવાલો ઉપસ્થિત થશે અને તમારે તેનાથી ભાગવું છે. જે તે સમાજને સમજવો પડે, તેના પ્રશ્નો અને અરમાનોને સમજવાં પડે, નીરક્ષીર વિવેક કરવો પડે, આપોઆપ સદ્ભાવ અને સંયમ સામે આવીને ઊભા રહે અને પછી માણસ બનવાની લાંબી પળોજણ. દર્શન અને મૂલ્યો આધારિત ધર્મ જેમ ડિમાન્ડીંગ હોય છે એમ પ્રજાનો બનેલો દેશ પણ ડિમાન્ડીગ હોય છે. અંદર રહેલા માણસને જગાડવો એ માણસ માટે સૌથી દુષ્કર કામ છે. ક્ષણે ક્ષણે કસોટી થાય છે અને માટે માણસ અંદર રહેલા માણસને પોઢાડી રાખે છે. માટે જળ અને થળને પ્રેમ કરતાં દેશપ્રેમી બનવું સારું. કોઈ આગ્રહ નહીં, કોઈ કસોટી નહીં કે પાસ-નાપાસની ચિંતા નહીં.
લેભાગુઓને ખબર છે કે સરેરાશ માણસ ભાગેડુ પ્રાણી છે અને માણસ નામના ભાગેડુ પ્રાણીને વાડામાં પૂરીને તેઓ તેનો લાભ લેતા હોય છે. લેભાગુ ધર્મગુરુઓ ધર્મની મહાનતા, કર્મકાંડ, ધાર્મિક અસ્મિતા, મૂર્તિ અને મંદિરોમાં ભાગેડુ ધાર્મિકને આશ્રય આપે છે. લેભાગુ ધર્મગુરુ ધાર્મિકને દર્શન અને મૂલ્યોની નજીક જવા દેતો નથી અને પેલા ભાગેડુને જવું પણ નથી. ધર્મગુરુ ભાગેડુ ધાર્મિકને પોષે છે અને ભાગેડુ ધાર્મિક ધર્મગુરુને પોષે છે. આવું જ દેશપ્રેમનું. ડીટ્ટો. લેભાગુ નેતાઓ દેશપ્રેમીને સ્થૂળ અસ્મિતાઓ અને પ્રતિકોમાં અટવાવી રાખે છે. તેને એક દુ:શ્મન પકડાવી દે છે અને પોતાને તારણહાર તરીકે. લેભાગુ નેતા દેશપ્રેમીને સમાજના બનેલા જીવતા દેશનો પરિચય કરાવતો નથી, કરવા દેતો નથી અને પેલા ભાગેડુ દેશપ્રેમીને કરવો પણ નથી.
મને ખુશી છે કે એક વાચકમિત્રના મનમાં પ્રશ્ન થયો કે આદિવાસી તો પછાત હોય છે અને ખ્રિસ્તી આધુનિક સભ્ય અને ભદ્ર. આદિવાસી ખ્રિસ્તી કેવી રીતે હોઈ શકે? મારી એ મિત્રને સલાહ છે કે પ્રશ્નની પૂંઠ પકડીને પ્રશ્નનો ઉત્તર શોધે. ભાગવાનો જરા ય પ્રયાસ નહીં કરતા. જો કરશો તો લેભાગુઓના વાડે પૂરાઈ જશો.
શંકા કરો, પ્રશ્ન પૂછો અને ઉત્તર શોધો. અંદર રહેલો માણસ જાગી જશે. ગેરંટી.
પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 28 મે 2023