
રમેશ ઓઝા
ધ્રુવીકરણ કયારે ય એક છેડાનું નથી હોતું. એક છેડે ધ્રુવીકરણ કરાવામાં આવે એટલે સામે છેડે ધ્રુવીકરણ આપોઆપ થાય. જો આ છેડાનું ધ્રુવીકરણ ઉઘાડું, આક્રમક અને સઘન હોય તો સામેના છેડે ધ્રુવીકરણ વધારે ઝડપથી થાય. આ સ્વાભાવિક ક્રમ છે. પ્રતિક્રિયા રૂપે સામેના છેડે થતાં ધ્રુવીકરણને રોકી પણ શકાતું નથી.
૨૦૧૩ અને ૨૦૧૪માં વડા પ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ વિકાસના નામે મત માગ્યા હતા. સબ કા વિકાસ સબ કા સાથ ત્યારે સૂત્ર હતું. ત્યારે કહેવામાં નહોતું આવ્યું કે તેમનો સાચો એજન્ડા હિંદુ રાષ્ટ્ર છે. સંઘપરિવાર દાયકાઓથી કહે છે કે અને ૨૦૧૩-૧૪માં તો ખાસ કહેવામાં આવ્યું હતું કે ભા.જ.પ. પક્ષપાતી સેક્યુલરિઝમનો વિરોધ કરે છે અને પક્ષપાતરહિત સાચા સેક્યુલરિઝમમાં માને છે. ત્યારે કહેવામાં નહોતું આવ્યું કે ભા.જ.પ. હિન્દુ ધર્મ આધારિત બહુમતી રાષ્ટ્રવાદમાં માને છે અને સેક્યુલર રાષ્ટ્ર તેને સ્વીકાર્ય નથી. ૨૦૧૩-૧૪માં એમ પણ કહેવામાં નહોતું આવ્યું કે વિકાસ અને ગુજરાત મોડલ તો સત્તા સુધી પહોંચવા માટેનું એક બહાનું છે. વાસ્તવમાં સાચો એજન્ડા તો માથાભારે હિન્દુત્વ અને હિન્દુ રાષ્ટ્ર છે.
સત્તા સુધી પહોંચ્યા પછી અને સત્તાનો ઉપયોગ કરીને છૂપાવેલો એજન્ડા લાગુ થવા લાગ્યો ત્યારે સ્વાભાવિક રીતે જેમને માથાભારે હિન્દુ બહુમતી રાષ્ટ્ર કબૂલ નથી એવા લોકોનું, ખાસ કરીને ઉદારમતવાદી હિન્દુઓનું આસ્તે આસ્તે ધ્રુવીકરણ થવા લાગ્યું. તેઓ બુદ્ધિશાળી છે અને તેઓ જાણે છે કે આમાં કોઈનું ભલું નથી. હિંદુઓનું પણ ભલું થવાનું નથી. જે દેશોમાં, ખાસ કરીને મુસ્લિમ દેશોમાં, ધર્મ આધારિત બહુમતી રાષ્ટ્રવાદ લાગુ કરવામાં આવ્યો છે એ દેશો બરબાદ થઈ ગયા છે. સૌથી મોટી કિંમત બહુમતી કોમ ચૂકવી રહી છે. કાયદાનું રાજ ન હોય ત્યાં શાંતિ ન હોય અને જ્યાં શાંતિ અને સૌહાર્દ ન હોય ત્યાં વિકાસ ન હોય. આ બરબાદીનો માર્ગ છે અને તેની કિંમત આપણાં સંતાનોએ ચૂકવવી પડશે. કોઈના દ્વારા કોઈ પ્રયાસ કરવામાં નહોતો આવ્યો. ગોદી મીડિયા, ‘કાશ્મીર ફાઈલ્સ’ કે ‘કેરળ સ્ટોરી’નો આશરો લીધા વિના સ્વયંભુ પ્રજાની અંદર સામે છેડે ધ્રુવીકરણ થવા લાગ્યું.
શા માટે સાચો એજન્ડા છૂપાવવામાં આવ્યો હતો અને શા માટે સત્તા સુધી પહોંચ્યા પછી અને સત્તાનો ઉપયોગ કરીને છુપાવેલો એજન્ડા લાગુ કરવામાં આવ્યો? તેમને એમ લાગતું હતું કે ભારત જેવા વિવિધતાવાળા દેશમાં અને જ્યાં પાછો વિવિધતાનો આદર કરવામાં આવતો હોય એવા દેશમાં સાચો એજન્ડા બોલી બતાવશું તો સત્તા સુધી પહોંચવા માટે જોઈએ એટલો ટેકો નહીં મળે. એક વાર સત્તા સુધી પહોંચ્યા પછી સત્તાનો ઉપયોગ કરીને હિન્દુઓનાં વિચાર અને વલણને પ્રભાવિત કરી શકાશે. તેઓ જે પ્રયાસ કરી રહ્યા છે એ તમારી સામે છે. તેણે સામે છેડે ધ્રુવીકરણ કરવાનું કામ કર્યું છે.
હવે વિચાર કરો કે તેમનું હિંદુત્વ નરવું અને રચનાત્મક હોય તો? એનાં કેન્દ્રમાં હિન્દુ જાગરણ, હિન્દુ નવોત્થાન, હિન્દુઓનાં સંચિત સમૃદ્ધ વારસાનો વૈશ્વિક સ્તરે પુન: આવિષ્કાર, વિકાસ, કાયદાનું રાજ, હિન્દુ સ્ત્રીઓ અને વંચિતોને ન્યાય, હિન્દુ દર્શનની આધુનિક મૂલ્યો સાથેની સુસંગતતા સ્થાપિત કરવી વગેરે હોત તો? ટૂંકમાં સ્વામિ વિવેકાનંદે જે હિન્દુ અને હિન્દુસ્તાનની કલ્પના કરી હતી એવો એજન્ડા લાગુ કર્યો હોત તો? ૧૯મી અને ૨૦મી સદીનાં પ્રારંભનાં વર્ષોમાં ભારતીય નવજાગરણ(જે મૂળમાં હિંદુ નવજાગરણ જ હતું)માં જે વિમર્શ કરવામાં આવ્યો હતો અને જે મુદ્દા ઉપસ્થિત કરવામાં આવ્યા હતા તેને પકડીને સરકારે બહુમતી હિંદુઓના કલ્યાણની જહેમત કરી હોત તો? તો હિન્દુઓમાં સામેના છેડાનું ધ્રુવીકરણ ન થયું હોત. હિન્દુઓમાં સામેના છેડાનું ધ્રુવીકરણ એટલા માટે થઈ રહ્યું છે કે જે હિંદુત્વ નજરે પડી રહ્યું છે એ બુલડોઝર હિંદુત્વ છે. આ બીજાનું તો છોડો આપણા હિતની વિરુદ્ધ છે એમ પ્રગલ્ભ હિન્દુઓને લાગે છે.
અહીં ઇટાલિયન ફિલસૂફ એન્ટોનિયો ગ્રામાસીની યાદ આવે છે. તેની કલ્ચરલ હેગેમની નામની એક થિયરી છે. એન્ટોનિયો કહે છે કે સત્તા મેળવ્યા પછી જો સત્તાનો લાભ લઈને સત્તાને સહારે ચોક્કસ વિચારધારા આધારિત સમાજનિર્માણ કરવાનો પ્રયાસ કરવામાં આવે તો સામે છેડે ધ્રુવીકરણ રોકી શકાતું નથી. એક જ પ્રજા બે છાવણીમાં વહેંચાઇ જાય. સત્તા દ્વારા પ્રયોજિત વિચારધારા અને વિચારધારા આધારિત રાજ્ય લાદવામાં આવે કે તરત તેનો એક વર્ગ દ્વારા અસ્વીકાર થવા લાગશે. એન્ટોનિયોના મતે આવું શાસન બહુ લાંબો સમય ટકી શકતું નથી. તેનું પતન જલદી થાય છે કે કારણ કે તે આંતરિક ધ્રુવીકરણને નોતરે છે.
સામે છેડે એક માર્ગ એવો પણ છે જેમાં સત્તા પાછળ રહે છે. પાછળ નહીં, ખૂબ પાછળ રહે છે. સૌ પહેલાં ચોક્કસ પ્રકારનાં જીવનદર્શન અને મૂલ્યવ્યવસ્થાને પ્રજાની સમક્ષ લઈ જવામાં આવે, તેમાં રહેલા પ્રજાના શ્રેયની તેમને ખાતરી કરાવવામાં આવે, એમાં સમાજનો પ્રત્યેક વર્ગ એક સરખો ભાગીદાર હશે તેની બાંયધરી આપવામાં આવે, જે દાવા કરવામાં આવે એ પ્રામાણિક છે કે નહીં તેના વિષે ચકાસણી કરવામાં આવે, સમાજમાં સાંગોપાંગ વિમર્શ કરવામાં આવે અને છેવટે જ્યારે પ્રજા પોતે એકંદરે એમ માનતી થાય કે આ માર્ગ મહદ્દ અંશે શ્રેયસ્કર છે ત્યારે તેના પર આધારિત રાજકારણ અને રાજ્યની રચના કરવામાં આવે તો એવું રાજ્ય (શાસન) લાંબો સમય ટકી શકે છે. કારણ કે એમાં સામેના છેડે ધ્રુવીકરણ બહુ ઝડપથી થતું નથી. જેટલા ભાગીદાર વધુ અને ભાગીદારીનો અહેસાસ વધુ એટલી આવરદા વધુ. જેટલા ભાગીદાર ઓછા અને ભાગીદારીનો નકાર વધુ એટલી આવરદા ઓછી.
એન્ટોનિયો આને કલ્ચરલ હેગેમની કહે છે. હેગેમનીનો અર્થ અહીં દાદાગીરી નથી થતો, પણ મહાજની સંસ્કૃતિ થાય છે. એકના પગલે બીજો ચાલે, બીજાના પગલે ત્રીજો એમ સ્વીકાર થતો જાય અને ભાગીદારો વધતા જાય. ટૂંકમાં પહેલાં સ્વીકૃતિ અને પછી શાસન. આવું શાસન લાંબો સમય સુધી ટકી શકે. પાંચ હજાર માઈલ્સ દૂરથી આવ્યા હોવા છતાં અને પરાયા હોવા છતાં અંગ્રેજોનું શાસન દોઢસો વરસ સુધી ટકી શક્યું એનું કારણ કલ્ચરલ હેગેમની હતું. બ્રાહ્મણથી લઈને હરિજન સુધી ભારતની પ્રજાને એમ લાગવા માંડ્યું કે આમાં આપણું શ્રેય છે. અહીં કાયદો છે, કાયદાનું રાજ્ય છે, જવાબદાર શાસન છે, ન્યાય આપનારી વ્યવસ્થા છે, કોઈક સાંભળે છે વગેરે. ટૂંકમાં પહેલાં કલ્પનાનો સ્વીકાર અને પછી શાસન.
કોઈ પણ શાસનની ચિરંજીવીતા તેમાં કેટલા ભાગીદારો છે અને ભાગીદારીનો કેટલો અહેસાહ ધરાવે છે એના પર છે. ભાગીદાર વધુ એટલી આવરદા વધુ અને ભાગીદાર ઓછા એટલી આવરદા ઓછી.
પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 04 જૂન 2023